ભારતીયકથાવિશ્વ−૪/બ્રહ્મવૈવર્તપુરાણ/તુલસીકથા-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તુલસીકથા

ધર્મધ્વજ નામના રાજાની પત્ની માધવી ગંધમાદન પર્વત પરના સુંદર ઉપવનમાં આનંદમંગલ મનાવતી હતી. ઘણો સમય વીતી ગયો. બંનેને ખ્યાલ ન રહ્યો કે રાત ક્યારે પડી ને દિવસ ક્યારે ઊગ્યો. પછી રાજાને જ્ઞાન થયું અને તેને વૈરાગ્યબોધ થયો પણ માધવી હજુ તૃપ્ત થઈ ન હતી અને તે સગર્ભા થઈ દિવસે દિવસે વૃદ્ધિ પામતા ગર્ભે તેની સુંદરતામાં વૃદ્ધિ કરી. બધી જ શુભ ઘડીએ શુક્રવારે માધવીએ લક્ષ્મીના અંશવાળી અને શરદકાળના પૂર્ણિમાના ચંદ્ર જેવા મુખવાળી કન્યાને જન્મ આપ્યો. તેનાં નેત્ર ખીલેલાં કમળ જેવાં સુંદર હતાં, હોઠ પક્વબિંબ સમાન હતા. હથેળી અને પગનાં તળિયાં રાતાં હતાં. શિયાળામાં સુખ આપવા તેનાં સંપૂર્ણ અંગ ગરમ રહેતાં અને ઉનાળામાં તેની કાયા શીતળ રહેતી. તે નિત્ય ષોડશી લાગતી. તેની કાન્તિ ચંપાફૂલ શી હતી. સ્ત્રી અને પુરુષ તેની તુલના કોઈ સાથે કરી શકતાં ન હતાં. એટલે વિદ્વાનોએ તેનું નામ ‘તુલસી’ રાખ્યું. ભૂમિ ઉપર પગ મૂકતાંવેંત તે સાક્ષાત્ પ્રકૃતિ જેવી લાગવા માંડી.

બધાએ ના પાડી છતાં તે બદરીવનમાં જઈને દીર્ઘકાળ સુધી તપ કરવા બેઠી.તેની ઈચ્છા હતી કે ભગવાન નારાયણ મને પતિરૂપે મળે. ગ્રીષ્મકાળે તે પંચાગ્નિ તપ કરતી અને શિયાળામાં પાણીમાં ઊભા રહી તપ કરતી. વર્ષા ઋતુમાં વરસાદની ઝડીઓ વેઠતી ખુલ્લા મેદાનમાં આસન લગાવી બેસતી. હજારો વર્ષ ફળ અને જળ પર કાઢ્યાં, હજારો વર્ષ માત્ર પાન ચાવતી રહી અને હજારો વર્ષ માત્ર વાયુના આશ્રયે ટકી. એને કારણે તેનું શરીર ખૂબ દુર્બળ પડી ગયું. પછી હજારો વર્ષ સાવ નિરાહાર રહીને વીતાવ્યાં. પછી તેને જોઈને બ્રહ્મા વરદાન આપવા ત્યાં આવ્યા. હંસ પર બેઠેલા ચતુર્મુખ બ્રહ્માને જોઈ તુલસીએ પ્રણામ કર્યાં. ત્યારે વિશ્વનિર્માણમાં નિપુણ બ્રહ્માએ કહ્યું, ‘તું ઇચ્છા થાય તે વર માગ. શ્રી હરિની ભક્તિ કરવી હોય, તેમની દાસી થવું હોય, અજર અમર થવું હોય તો તેવું વરદાન પણ હું આપીશ.’

તુલસીએ કહ્યું, ‘પિતામહ, સાંભળો — મારા મનની અભિલાષા. તમે તો સર્વજ્ઞ, તમારાથી શું છુપાવવું. હું પૂર્વજન્મમાં તુલસી નામની ગોપી હતી. ગોલોકમાં રહેતી હતી. ભગવાન કૃષ્ણની પ્રિયતમા, અનુચરી, અર્ધાંગિની, પ્રેયસી — આ બધાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું હતું. ગોવિંદ પ્રભુની સાથે વિલાસમાં રત હતી. એ પરમ સુખની મને તૃપ્તિ થતી ન હતી. એવામાં એક દિવસ ભગવતી રાધાએ મને શાપ આપ્યો, ‘તું માનવ તરીકે જન્મજે.’ તે જ વખતે ગોવિંદે મને કહ્યું, ‘તું તપ કરજે. બ્રહ્મા વરદાન આપશે એટલે મારા સ્વરૂપ રૂપ ચતુર્ભુજ વિષ્ણુને પતિ રૂપે પામીશ.’ આમ કહી શ્રીકૃષ્ણ અન્તર્ધાન થઈ ગયા. મેં મારું શરીર ત્યજી દીધું અને આ પૃથ્વી લોકમાં આવી ચઢી છું. ભગવાન નારાયણ મને પતિરૂપે મળે. તમે મારી આ ઇચ્છા પૂરી કરો.’

આ સાંભળી બ્રહ્માએ કહ્યું,‘ભગવાન શ્રીકૃષ્ણના અંગમાંથી સુદામા નામનો ગોપ પણ રાધિકાના શાપથી પૃથ્વી પર શંખચૂડ નામે છે. ત્રિલોકમાં તેને આંબી જાય તેવો કોઈ નથી. તે અત્યારે સમુદ્રમાં વસે છે. શ્રીકૃષ્ણનો અંશ હોવાથી તેને પૂર્વજન્મની સ્મૃતિઓ છે. તને પણ પૂર્વજન્મની સ્મૃતિ છે. આ જન્મે તે તારો પતિ થશે. પછી ભગવાન નારાયણ તને પતિ રૂપે મળશે. લીલાવશ ભગવાન તને શાપ આપશે ત્યારે તારી કળા વડે વૃક્ષ રૂપે ભારતમાં રહેવું પડશે. સમગ્ર સંસારને પવિત્ર કરવાની પાત્રતા તારામાં હશે. બધાં પુષ્પોમાં તું મુખ્ય રહીશ. ભગવાન વિષ્ણુ તને પ્રાણથી વધુ ચાહશે. તારા વિનાની પૂજા નિષ્ફળ જશે. વૃંદાવનમાં વૃક્ષરૂપે રહેવાથી લોકો તને ‘વૃંદાવની’ કહેશે. તારાં પર્ણોથી ગોપી-ગોપ દ્વારા માધવની પૂજા સંપન્ન થશે. મારા વરદાનથી વૃક્ષોની અધિષ્ઠાત્રી બનીને ગોપ રૂપે બિરાજતા ભગવાન શ્રીકૃષ્ણ સાથે નિરંતર આનંદ મનાવજે.’

બ્રહ્માની વાત સાંભળીને તુલસીના મોં પર સ્મિત ફરક્યું. તેને પુષ્કળ આનંદ થયો. બ્રહ્માને પ્રણામ કરીને તે કહેવા લાગી, ‘પિતામહ, હું પૂરેપૂરી સાચી વાત કરું છું. બે હાથ વડે શોભતા શ્યામસુંદર શ્રીકૃષ્ણને પામવા માટે જેટલી આતુર છું તેટલી ચતુર્ભુજ વિષ્ણુ માટે નથી. પરંતુ ગોવિંદની આજ્ઞાથી હું ચતુર્ભુજ હરિ માટે પ્રાર્થના કરું છું. એ ગોવિંદ મારા માટે દુર્લભ થઈ ગયા. ભગવાન, તમે મારા પર કૃપા કરો કે હું ગોવિંદને પામી શકું.’

બ્રહ્માએ કહ્યું, ‘હું તારા માટે ભગવતી રાધાનો મંત્ર આપું છું, તું હૈયે ઉતાર. મારા વરદાનના પ્રભાવે તું રાધાના પ્રાણ જેવી પ્રિય થઈ જઈશ. ભગવાન ગોવિંદ માટે જેવી રાધા તેવી તું બનીશ.’

આમ કહીને બ્રહ્માએ તુલસીને રાધાનો ષોડશાક્ષર મંત્ર બતાવ્યો. એને લગતી પૂજાનો બધો વિધિ પણ બતાવ્યો. પછી તુલસીએ ભગવતી રાધાની ઉપાસના કરી અને તે તેમની કૃપાથી દેવી રાધા સમાન બની ગઈ. બ્રહ્માના કહ્યા પ્રમાણે તુલસીને ફળપ્રાપ્તિ થઈ. તપસ્યાને લગતા બધા કલેશ મનની પ્રસન્નતાએ દૂર કરી આપ્યા.

(પ્રકૃતિખંડ ૧૫)