ભારતીયકથાવિશ્વ−૪બ્રહ્મપુરાણ/દેવો અને દધીચિ ઋષિની કથા
એક વાર દેવતાઓએ દાનવો, અસુરો અને રાક્ષસોને યુદ્ધમાં એવા પરાજિત કર્યા કે દેવતાઓને લાગ્કહ્યું કે હવે ઘણા સમય સુધી તેઓ માથું ઊંચકી નહીં શકે. આ પરિસ્થિતિમાં તેમને તેમનાં શસ્ત્રોનો ભાર લાગવા માંડ્યો. તેમને થયું કે આ શસ્ત્રો જ્યાંથી સરળતાથી જરૂર પડે લઈ શકાય એવી જગાએ મૂકવાં જોઈએ. શત્રુઓ તો ગમે ત્યારે આક્રમણ કરી શકે. ઘણો વિચાર રીને તેમણે દધીચિ ઋષિને ત્યાં શસ્ત્રો મૂકવાનો નિર્ધાર કર્યો. ઋષિ પાસે જઈને તેમણે કહ્યું, ‘અત્યારે આ શસ્ત્ર અમારે કામનાં નથી. અમે એ લઈને ફરવા માગતા નથી. જો સ્વર્ગમાં મૂકી રાખીએ તો રાક્ષસો અને દૈત્યો તે ઉઠાવી જાય. તમારા આશ્રમમાં તો તમારી સંમતિ વિના કોઈ આવી જ ન શકે. એટલે અમારાં શસ્ત્ર અહીં રહેવા દો અને અમારા પર ઉપકાર કરો.’
દધીચિ ઋષિએ તો હા પાડી. દધીચિ ઋષિની પત્નીએ તેમને પ્રેમપૂર્વક સમજાવ્યા, ‘આ પ્રપંચમાં તમારે પડવાનું નહોતું. દેવતાઓનાં શસ્ત્ર અહીં છે તેમ જાણીને અસુરો નિરર્થક આપણા દુશ્મન થશે અને જો કોઈ કારણે શસ્ત્રો નાશ પામ્યાં તો દેવતાઓ હેરાન કરશે. બીજાઓની પીડા વહોરવી નહીં.’ પત્નીની વાત સાચી હોવા છતાં દધીચિ ઋષિ પોતે આપેલું વચન મિથ્યા કરવા તૈયાર ન થયા.
આ વાતને ઘણો સમય થયો, ઋષિએ દેવોને વિનંતી કરી છતાં દેવો તેમનાં શસ્ત્ર ત્યાંથી લઈ ન ગયા. દૈત્યોને આ વાતની જાણ થઈ ગઈ એટલે તે શસ્ત્ર ચોરી જવાના પ્રયત્ન કરવા લાગ્યા. દધીચિ ઋષિએ શસ્ત્રોની રક્ષા કરવા મંત્રો વડે તેમનું પ્રક્ષાલન કર્યું અને તે જળ પોતે પી ગયા. આને કારણે તથા સમય વીતતો હતો તેને કારણે તે શસ્ત્ર જીર્ણશીર્ણ થઈ ગયાં.
હવે દેવતાઓેને શત્રુભય લાગ્યો એટલે દધીચિ ઋષિ પાસે આવીને તેમણે શસ્ત્રો માગ્યાં. પોતાનાં શસ્ત્રોની જીર્ણતા અને તેમની નિસ્તેજતા જોઈને દેવતાઓને ચંતાિ થઈ અને પોતાના સંભવિત પરાજય માટે ઋષિને દોષ આપવા લાગ્યા. એટલે દધીચિ ઋષિએ તેમને કહ્યું, ‘મારાં અસ્થિઓમાં આ શસ્ત્રોનું સત્ત્વ છે, આમાંથી તમે નવાં શસ્ત્ર બનાવો.’ પછી ઋષિએ યોગબળથી પોતાનું શરીર નિશ્ચેષ્ટ કરી નાખ્યું. દેવોના કહેવાથી ગાયોએ તેમનું શરીર ચાટી ચાટીને ચર્મ વિનાનું કરી નાખ્યું અને ત્વષ્ટાએ એ અસ્થિઓમાંથી નવાં શસ્ત્રો બનાવ્યાં.
એ દરમિયાન પાણી ભરવા ગયેલી તેમની પત્નીએ પતિને ન જોયા અને પૂછવાથી અગ્નિએ બધી વાત કહી. એ સાંભળીને તે નિશ્ચેષ્ટ થઈને ધરતી પર પડી ગઈ. દેવતાઓને શાપ આપવાનું તેને અનુચિત લાગ્યું એટલે તે પતિના ત્વચા અને લોમ લઈને અગ્નિમાં પ્રવેશી સતી થઈ ગઈ.
સતી થતાં પહેલાં ઋષિપત્નીએ પોતાના ગર્ભસ્થ બાળકની સોંપણી લોકપાલોને કરી પીપળા પાસે બાળકને મૂકી દીધું. વનનાં વૃક્ષોએ અને વનસ્પતિઓએ તે બાળકને ઔષધિઓ આપી એટલે તે બાળક પુષ્ટ થવા લાગ્યો. પીપળાએ તેનો ઉછેર કર્યો એ કારણે તેનું નામ પિપ્પલાદ પડ્યું. મોટા થયા પછી જ્યારે તેને પોતાના માતાપિતાની વાર્તા જાણી ત્યારે દુઃખી થઈને પિતૃહત્યારાઓને મારી નાખવાનો વિચાર કરવા લાગ્યો. સોમે તેને સમજાવ્યો પણ તેણે પોતાનો નિર્ધાર ન બદલ્યો. એટલે સોમે તેને ગૌતમીકાંઠે જઈને વિષ્ણુ અને શંકરની આરાધના કરવા કહ્યું. પિપ્પલાદે એ પ્રમાણે તપ કરવા માંડ્યું અને ભગવાને શંકરે પ્રસન્ન થઈ તેને વેરની ભાવના દૂર કરવા કહ્યું. છતાં તે ન માન્યો, તેના ક્રોધાગ્નિમાંથી નીકળેલી કૃત્યાએ તેની પાસે આદેશ માગ્યો એટલે તેણે દેવોનું ભક્ષણ કરવા કહ્યું. અને કૃત્યા તેનું જ ભક્ષણ કરવા દોડી કારણ કે તેનું શરીર પણ દેવનિમિર્ત હતું. દેવો સિવાય તો કશું છે જ નહીં. એટલે પિપ્પલાદ શંકર ભગવાનની શરણમાં ગયો. ભગવાને કૃત્યાને શાંત કરી. પછી તેના કહેવાથી ભગવાને તેને માતાપિતાનું દર્શન કરાવ્યું. પછી પિપ્પલાદે પોતાના પૂજાસ્થળને તીર્થ બનાવવા કહ્યું અને ભગવાને તે વાત સ્વીકારી.
(બીજો ખંડ)
(બીજો ખંડ)