ભારતીયકથાવિશ્વ−૪બ્રહ્મપુરાણ/વ્યભિચારિણી સ્ત્રીની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વ્યભિચારિણી સ્ત્રીની કથા

પ્રાચીન કાળમાં ઘૃતવ્રત નાનો એક સદાચારી અને કર્મકાંડી બ્રાહ્મણ હતો. તે યુવાન હતો ત્યારે જ તેનું મૃત્યુ થયું હતું. તે મહી નામની રૂપવતી પત્ની અને સનાજ્જાત નામના પુત્રને પોતાની પાછળ મૂકી ગયો હતો. ઘૃતવ્રતની બાલવિધવા ધર્મમાં સ્થિર રહેવાને બદલે લંપટ થઈ ગઈ હતી. પોતાના સ્વચ્છંદ માટે ગાલવ મુનિને પુત્ર સોંપી દીધો. મુનિએ તેને સંસ્કાર આપ્યા પણ તે માતાના વારસામાંથી મુક્ત થઈ ન શક્યો. ગાલવ મુનિનો આશ્રમ ત્યજી તે વૈશ્યવૃત્તિથી ગુજરાન ચલાવવા લાગ્યો. સંયોગવશ તે જ્યાં તેની માતા હતી ત્યાં જ પહોંચી ગયો. દૈવવશ તેઓ એકબીજાને ઓળખી ન શક્યા. બંને એકમેકના પ્રેમી બની ગયા. મહીએ એક પુત્રને જન્મ આપ્યો. તે પુત્ર દરરોજ ગૌતમી ગંગામાં સ્નાન કરવા જઉં છું એમ કહીને નીકળી પડતો પણ સ્નાન કરવાને બદલે તે ચોરી કરતો. એક દિવસ નદીકનારે એક મહાત્માને પોતાની વ્યથા રડતાં રડતાં કહી સંભળાવી, ‘હું સ્નાન-ધ્યાન કરવા ઘેરથી નીકળું છું પણ કોઈ અજ્ઞાત શક્તિ વડે પ્રેરાઈને પાપકર્મ કરવા લાગું છું. મારો ઉદ્ધાર કરો.’

મહાત્માએ તેના માતાપિતા વિશે પૂછ્યું, ત્યારે તેણે કહ્યું, ‘હું કાલે મારા માતાપિતાને પૂછીને કહીશ. મેં અત્યાર સુધી ક્યારેય આ વાત પૂછી નથી.’

ઘરે જઈને તેણે માને પૂછ્યું, ‘તું કોણ છે?’

તેણે કહ્યું, ‘હું ઘૃતવ્રતની વિધવા છું.’

આ સાંભળીને સનાજ્જાત મૂર્ચ્છા પામ્યો અને જ્યારે તેને હોશમાં લાવવા મહી મથી અને તેને આનું કારણ પૂછ્યું ત્યારે સનાજ્જાતે પોતાનો પરિચય આપ્યો.

સ્વસ્થ થયા પછી બંનેએ અજાણતાં કરેલા પાપ બદલ ભારે પસ્તાવો કર્યો એ પછી ગાલવ મુનિ પાસે જઈને પાપનું પ્રાયશ્ચિત્ત પૂછ્યું. મુનિએ તેમને ગૌતમીમાં સ્નાન કરવા અને ત્યાં રહી તપ કરવા કહ્યું અને એમ તે પાપમુક્ત થયાં.

(બીજો ખંડ)