ભારતીયકથાવિશ્વ-૫/ત્રિપુરાની પ્રદેશની લોકકથાઓ/સાત બાળકોની મા
એકસો છવ્વીસ છાપરાંવાળા ગામના પુરોહિતને પોતાની તો બે જ દીકરીઓ હતી. તેમની મા બંનેને નાનપણમાં જ નમાયી બનાવીને મૃત્યુ પામી હતી. સાવકી મા આ દીકરીઓને સારી રીતે ન રાખે એમ માનીને પુરોહિતે ફરી લગ્ન કર્યું ન હતું. બધું જ ઘરકામ તે જાતે કરતો હતો, આમ જ તેમનું જીવન પસાર થવા માંડ્યું. દિવસો વીતતા ગયા.
હવે તે કન્યાઓ ઓઢણી પહેરવી પડે એટલી મોટી થઈ. ઘરકામની બધી જવાબદારી બંને બહેનોએ ઉપાડી લીધી. પુરોહિતને હવે લાકડાં એકઠાં કરવા પડતાં ન હતાં એટલે તે એક ગામથી બીજે ગામ ફરતો રહેતો હતો.
આ કન્યાઓ ઈંધણાં વીણવા જતી ત્યારે તેઓ પોતાની સાથે થોડો ભાત લઈ જતી હતી. તેમના ખેતરમાં વાંસની ઝૂંપડી ન હતી. જ્યારે જ્યારે વરસાદ પડે ત્યારે ત્યારે બંને ભીંજાઈ જતી હતી, તેમનો ભાત પણ ભીંજાઈ જતો અને પાણી પાણી થઈ જતો. એક દિવસ વરસાદ પડતો હતો ત્યારે મોટી બહેને નાનીને કહ્યું, ‘આપણા ગામમાં દરેકને ત્યાં ઝૂંપડી છે, આપણે ત્યાં જ નથી. ખેતરમાં આપણા માટે જે કોઈ ઝૂંપડી બનાવી આપશે તેની સાથે હું પરણીશ, પછી તે દેવ હોય, માનવી હોય, સાપ હોય, વાઘ હોય કે રીંછ.’ આમ વાતો કરતાં કરતાં બંને ઘેર આવી.
બીજે દિવસે બંને ખેતરમાં ગઈ, નાની બહેન એકદમ બોલી પડી, ‘જો જો, કોઈએ આપણા માટે ઝૂંપડી બનાવી છે.’ મોટી બહેનના માન્યામાં એ વાત આવી નહીં, પણ તે ઝૂંપડી જોવા માટે દોડી. ઝૂંપડી ઉપર એક મોટો અજગર ગૂંચળું વળીને બેઠો હતો. જેવી અજગરની નજર તેમના પર પડી કે તે નીચે સરકી ગયો. બહેનોએ માની લીધું કે ઝૂંપડી તે અજગરે જ બનાવી હશે. મોટી બહેને પ્રતિજ્ઞા કરી હતી એટલે તેણે મનોમન અજગરને પોતાનો પતિ માની લીધો.
થોડા દિવસો પછી એક વાર બંને બપોરાં કરવા બેઠી હતી ત્યારે મોટી બહેને નાની બહેનને કહ્યું, ‘અરે મારી નાનલી બેન, તું તારા બનેવીને બોલાવતી કેમ નથી? તે પણ આપણી સાથે જમે.’ એટલે નાની બહેન ચોકમાં જઈને બૂમ પાડવા લાગી, ‘અરે બનેવી, આવો, આવો. ચાલો સાથે જમીએ.’ જેવી તેણે બૂમ પાડી કે તરત જ અજગર ત્યાં આવી ચઢ્યો. નાની બહેન તો બી જ મરી અને બારણા પાછળ સંતાઈ ગઈ. મોટી બહેને પોતાના ભાગનો ભાત અજગરને આપી દીધો, મસ્તીથી તે તો ભાત ખાઈ ગયો અને પછી જતો રહ્યો.
દરરોજ બપોરે ભોજન કરવા બંને બહેનો બેસે એટલે નાની બહેન બૂમ પાડે, અજગર આવે અને જે કંઈ ધર્ગયું હોય તે ખાઈ લે. જે કંઈ વધે તે મોટી બહેન નાનીને આપી દે, તે પોતે એક કોળિયોય ખાવા ન પામે. આવું દિવસોના દિવસો સુધી ચાલ્યું. ખોરાક વિના મોટી બહેન ફિક્કી અને નબળી પડી ગઈ. પોતાની દીકરીની કથળતી તબિયત જોઈને વૃદ્ધ પુરોહિતને ચિંતા થઈ. તેના વિશે તે વિચારવા લાગ્યો. એક દિવસ તેણે પૂછ્યું, ‘તું માંદી છે?’ દીકરીએ કહ્યું, ‘ના પિતાજી, મને કંઈ નથી થયું. હું માંદી નથી.’ પિતાએ આગળ કશું પૂછ્યું નહીં.
તે દિવસે નાની બહેન ઘેર હતી. મોટી બહેન એકલી ખેતરમાં ગઈ હતી, પુરોહિતે નાની દીકરીને પૂૂછ્યું, ‘બેટા, મને કહે તો — તારી બહેનને શું થાય છે? તે માંદલી કેમ દેખાય છે, દિવસે દિવસે ફિક્કી પડતી જાય છે શું કોઈ રહસ્ય છે?’
પિતાએ આમ પૂછ્યું એટલે નાની બહેને બધી જ વાત કરી. ખેતરમાં વરસાદી દિવસે અમને બંનેને થયું કે કોઈ આપણને ઝૂંપડી બાંધી આપે તો કેવું? મોટીબહેને પ્રતિજ્ઞા કરી કે જે કોઈ અમારા માટે ઝૂંપડી બાંધી આપશે એની સાથે હું પરણીશ. એેટલે એક વિશાળકાય અજગરે જાદુ કર્યો અને મોટી બહેને તેને પોતાના પતિ તરીકે સ્વીકારી લીધો. હવે દરરોજ બપોરે અજગર પોતાના ભાગનું ખાવાનું લેવા આવે છે અને મોટી બહેન એને પોતાનો ભાગ આપી દે છે, આ કારણે તે કંતાઈ ગઈ છે અને માંદી પડી છે. આ સાંભળીને પુરોહિત બહુ ગુસ્સે થયો અને તકની રાહ જોતો બેઠો.
એક દિવસ તેને એ તક મળી ગઈ. તે દિવસે પડોશીના ખેતરમાં કામ કરવાનો વારો મોટી દીકરીનો હતો. બપોરે પુરોહિત ઝૂંપડી પર ચઢી ગયો અને નાની દીકરીને કહ્યું, ‘બેટા, તું દરરોજ તારા બનેવીને બોલાવે છે એવી રીતે બોલાવ ને.’ જેવી નાની દીકરીએ બૂમ પાડી કે અજગર ખૂબ ઝડપે આવી ચઢ્યો. તે બારણામાંથી પસાર થવા જતો હતો ત્યાં પુરોહિતે કુહાડી વડે એક ઝાટકે તેનું માથું કાપી નાંખ્યું. પછી અજગરની ચામડી ઊતરડી લીધી અને દીકરીને કહ્યું, ‘હવે તું આનું માંસ સરસ રીતે રાંધ અને તારી બેનને ખવડાવજે.’ ત્યાર પછી તે અજગરનું માથું અને તેનાં હાડકાં લઈ ગયો અને પર્વતના ઊંડા ધરામાં નાખી આવ્યો ને તે જગ્યા તેણે સ્વચ્છ કરી નાખી. પડોશીના ખેતરમાં મોટી બહેન એટલે કે અજગરની પત્ની કામ કરતી હતી. અચાનક તેના ગળાનો હાર નીચે પડી ગયો, તેના મનમાં શંકાકુશંકા થવા લાગી, અત્યારે મને ગમતું કેમ નથી. હું અસ્વસ્થ કેમ છું? કામ કરવામાં મારું મન ચોંટતું કેમ નથી? તે ઝૂંપડી પર પાછી આવી. તેેને જોઈને નાની બહેને કહ્યું, ‘તારું ભોજન તૈયાર છે, જા અને ખાઈ લે.’
તે ખાવા બેઠી તો ખરી પણ તેને બધું ચિત્રવિચિત્ર લાગવા માંડ્યું. તેને અચાનક યાદ આવ્યું કે આજે મેં અજગરને ભોજન નથી આપ્યું. એણે પોતાની બેનને કહ્યું, ‘જ્યારથી મેં અજગરને જોયો છે ત્યારથી એને ખવડાવ્યા વિના મેં ખાધું નથી, એને બૂમ પાડ. તેને તેના ભાગનું ખવડાવ, પછીથી હું ખાઈશ.’ નાની બહેન સાવ અજાણી બની ગઈ અને બનેવીને બોલાવવા બૂમ પાડવા લાગી. પણ તે દિવસે કોઈ આવ્યું નહીં. ચારે બાજુ નરી શાન્તિ હતી. અજગર આવ્યો નહીં એટલે મોટી બહેન રડવા લાગી. બંને બહેનો આખા જંગલનો ખૂણેખૂણો શોધી વળી. તેમણે અનેક વાર બૂમો પાડી પણ કોઈ ઉત્તર મળ્યો નહીં.
આમતેમ ફાંફાં મારતાં મારતાં તેઓ પેલા ઝરણા પાસે આવી ગયાં. પુરોહિતે એ ઝરણામાં અજગરનું માથું ફેંકી દીધું હતું. ઝરણાની બંને બાજુએ અનેક પુષ્પો ખીલ્યાં હતાં. નાની બહેન લાલચ રોકી ન શકી પણ જ્યાં તેણે અંબોડામાં ફૂલ નાંખ્યું ત્યાં તે કરમાઈ ગયું. તેણે ફરી ફૂલ નાખી જોયું. ફરી તરત કરમાઈ ગયું. મોટી બહેનને પણ નવાઈ લાગી, એણે ક્યારેય આવું જોયું નહોતું. તેણે પણ ફૂલ ચૂંટ્યું અને અચકાતાં અચકાતાં ફૂલ માથામાં નાંખ્યું પણ હવે ફૂલ કરમાયું નહીં. આની પાછળ કોઈક રહસ્ય હોવું જોઈએ. તેને લાગ્યું કે આ ઘટના અજગર સાથે સંકળાયેલી હોવી જોઈએ. તેણે નાની બહેનને કહ્યું કે તું અહીં ઊભી રહે, હું પાણીમાં ઊતરું છું. ઝરણામાં ઊતરીને મોટી બહેન ગાવા લાગી.
ઝરણાને કાંઠે જેટલી કળીઓ હતી તે તેના ગીત સાથે ખીલવા લાગી. પાણી પણ વધવા લાગ્યું, પગની ઘૂંટી સુધી જે પાણી હતું તે તેની કમરે જઈ પહોંચ્યું. તે ગીત ગાતી રહી અને પાણી તેની ગરદન સુધી જઈ પહોંચ્યું. નાની બહેન ગભરાઈ ગઈ. તેણે બૂમ પાડી, ‘બહેન, આવતી રહે, તારા વિના હું કોની સાથે રહીશ?’
મોટી બહેને પાણીમાંથી કહ્યું, ‘મને પાછી બોલાવીશ નહીં. જ્યાં તારા બનેવી છે ત્યાં હું જઈ રહી છું.’ મોટી બહેન નાની બહેનને ખૂબ ચાહતી હતી એટલે પાણીમાં ડૂબી જતાં પહેલાં બહેનને કહ્યું, ‘હું તને બે વાત કહું છું તે ધ્યાનમાં રાખજે, તેનાથી તારું હિત થશે. અહીંથી સીધી તું ચાલવા માંડ, ચાલતી જ રહેજે, ત્યાં તને સાત રસ્તા ભેગા થતા મળશે. પછી તું એક મોટું વડનું ઝાડ જોઈશ, તેની સાત ડાળીઓ સાત દિશામાં વહેંચાયેલી હશે. એ ઝાડના થડ પાસે એક સોનેરી રેંટિયો હશે. તું ઝાડ પર ચડી જજે, રેંટિયો કાંતતી રહેજે અને ગીત ગાજે,
જો હું રાજાની રાણી ના બનું તો હું સ્ત્રી શાની? જો હું સાત બાળકની મા ના બનું તો હું સ્ત્રી શાની?’
આ શબ્દો બોલીને મોટી બહેન પાણીમાં ડૂબી ગઈ. તેણે પાણીની નીચે એક મોટો મહેલ જોયો. તેના દરવાજે તેનો અજગર પતિ માનવદેહે તેની રાહ જોતો ઊભો હતો. બંને એકબીજાને મળીને ખૂબ જ આનંદિત થયા.
નાની બહેન મોટી બહેને કહેલા માર્ગે ચાલી નીકળી. તે ખૂબ ખૂબ ચાલી ત્યારે છેવટે સાત શાખાઓવાળું વડનું મોટું ઝાડ આવ્યું. તે રેંટિયો કાંતતાં કાંતતાં ગાતી હતી. એક વાર રાજાના સિપાઈઓ શિકાર કરવા ત્યાંથી પસાર થતા હતા. તેમણે રેંટિયો કાંતતી અને ગીતો ગાતી તે કન્યા જોઈ. તેમને નવાઈ લાગી, તેમણે તેને બહુ પ્રશ્ન પૂછ્યા, પણ કશો ઉત્તર મળ્યો નહીં, તે વધુ ને વધુ કાંતતી ગઈ.
સિપાઈઓ પાટનગરમાં પાછા આવ્યા અને તેમણે રાજાને બધી વાત કરી. રાજા પોતે તેને જોવા આવ્યો. ઊંચા વડની ટોચે બેસીને તે રેંટિયો કાંતતી હતી અને ગાતી હતી, કેવી નવાઈની વાત!
જો હું રાજાની રાણી ના બનું તો હું સ્ત્રી શાની? જો હું સાત બાળકની માતા ના બનું તો હું સ્ત્રી શાની?
રાજાએ તેને પૂછ્યું, ‘શું ખરેખર તું સાત બાળકની મા બનીશ?’
હવે તે કન્યા બોલી, ‘હા-મહારાજ, કેમ નહીં બનું?’
‘તો તું ઝાડ પરથી નીચે ઊતર અને હું તને મારી રાણી બનાવીશ.’ તેણે પોતાના મહેલમાંથી દરબારી પોશાક લાવવા માણસોને કહ્યું. તે કન્યા નીચે ઊતરી. રાજાએ તેની સાથે લગ્ન કર્યું અને પછી તેને મહેલમાં લઈ ગયો. હવે પુરોહિતની નાની દીકરી રાણી બની. રાજા રાણી સાથે ખૂબ ખૂબ આનંદમાં રહેવા લાગ્યો. તેને બીજી સાત રાણીઓ હતી. કોઈ રાણીને સંતાન ન હતાં. રાજા એ કારણે ખૂબ જ દુ:ખી અને ઉદાસ રહેતો હતો. પુરોહિતની નાની દીકરીને બીજી બધી રાણીઓ કરતાં તે વધુ ચાહતો હતો અને એ કારણે બધી રાણીઓને અદેખાઈ આવી.
સૌથી નાની રાણી મા બનવાની છે એ સમાચાર સાંભળી રાજા ખૂબ ખૂબ આનંદ પામ્યો. પ્રસૂતિ વેળાએ તેને કંઈ થાય તો એવી બીકે રાજા મોટે ભાગે નાની રાણી પાસે જ રહેતો હતો. જે દિવસે રાણીને વૅણ ઊપડી ત્યારે રાજા દરબારમાં હતો. લાચાર રાણીને છેવટે બીજી રાણીઓ પાસે મદદ માટે જવું પડ્યું. અદેખી રાણીઓ આવી તકની રાહ જોઈને બેઠી હતી. તેમણે કહ્યું, ‘તું ચાર દીવાલોમાં બાળકને જન્મ આપી નહીં શકે. તારે નદીકાંઠે જવું પડશે. તું જાય તે પહેલાં સાત પડવાળો પાટો આંખે બાંધવો પડશે.’
આમ કહી ઈર્ષ્યાળુ રાણીઓએ તેની આંખે પાટા બાંધી દીધા. અને તેને નદીકાંઠે લઈ ગઈ. ત્યાં પુરોહિતની દીકરીએ બાળકને જન્મ આપ્યો, અને નિર્દય રાણીઓએ બાળકને નદીમાં વહેવડાવી દીધું. આમ કરતાં કરતાં રાણીએ સાત સંતાનોને જન્મ આપ્યો અને દરેક વખતે રાણીઓએ એ સંતાનોને નદીમાં વહેવડાવી દીધાં. પરંતુ પાણીની નીચે અજગરપત્ની એટલે કે તેમની માસીએ બાળકોને ખોળામાં ઝીલી લીધાં. બાળકો મૃત્યુ ન પામ્યાં. માસીએ તેમને ઉછેર્યાર્ં. બાળકો માસા-માસી સાથે રહેવાં લાગ્યાં.
પ્રસૂતિ વખતે રાણીની આંખે પાટા બાંધ્યા હતા. ઘણી વખત પ્રસૂતિની વેદનામાં તે બેહોશ થઈ જતી હતી. એટલે તેને તો એ પણ ખબર ન પડી કે છોકરો જન્મ્યો કે છોકરી, કે પાણો જન્મ્યો. ભાનમાં આવીને તેણે જ્યારે બાળકો વિશે પૂછ્યું ત્યારે બીજી રાણીઓએ તેને પાણા, વાંસની ચીપો બતાવી. રાણીઓએ દાસીઓ પાસે આ પાણા અને વાંસની ચીપોનું પોટલું પારણામાં મુકાવ્યું.
અને પારણું ઝુલાવતી ગાવા લાગી —
રાજમહેલમાં તો આ શું થઈ ગયું?
બધું જ ઊંધુંચત્તું.
રાજાને દીકરાઓ જનમવાના હતા
અને રાણીએ તો પાણા અને વાંસની પટ્ટીઓને જનમ આપ્યો.
રાજા જ્યારે પોતાનાં બાળકોને જોવા આવ્યો ત્યારે દાસીઓને પૂછ્યું, ‘તમે શું ગાઓ છો?’
તેમણે કહ્યું, ‘નાની રાણીએ પાણા અને વાંસની ચીપોને જનમ આપ્યો છે. અમે એનું ગીત ગાઈએ છીએ.’
રાજા ક્ષોભ પામીને ત્યાંથી જતો રહ્યો.
રાજા વિચારવા લાગ્યો. માનવી કેવી રીતે પાણા કે વાંસને જનમ આપી શકે? આ રાણી ખરેખર તો ડાકણ હોવી જોઈએ. રાજમહેલમાંથી તેને કાઢી મૂકવી જોઈએ. રાજાએ હુકમ કર્યો, ‘રાણીનું માથું મુંડાવી નાખો અને તેને બકરાં ચારવા મોકલી દો.’ રાજાના હુકમ પ્રમાણે રાણીને જવું પડ્યું.
એક દિવસ રાજાના માણસોએ જોયું કે જે કોઈ નદીકાંઠે પાણી ભરવા જાય છે ત્યારે ઘડામાં કાણાં પડી જાય છે. એ કેમ થાય છે તે સમજાયું નહીં; નગરના લોકો માટીના ઘડામાં પાણી ભરી ન શકે, પાણી પી ન શકે. હવે લોકો પાણી ભરી શકતા ન હતા એટલે રાજાને ફરિયાદ કરી. રાજા નદીકાંઠે તપાસ કરવા આવ્યો. તેણે જોયું તો સાત બાળકો નૌકામાં રમી રહ્યાં હતાં. રાજાએ માની લીધું કે આ બાળકો જ આ ઘટના માટે જવાબદાર છે. એટલે તે તેમને પકડવા ગયો, પણ તેઓ હાથ ન આવ્યા. જેવો રાજા પાસે જાય કે બાળકો પાણીમાં ડૂબકી મારે. આમ અનેક વાર કરવા છતાં બાળકો ઝલાયાં નહીં. નદીકાંઠે ઊભા રહીને તેમણે બાળકોની ઓળખ પૂછી, ‘તમારાં માતાપિતા કોણ છે?’ તેમની માસીએ શીખવ્યું હતું તે પ્રમાણે તેઓ બોલ્યાં, ‘જે સ્ત્રી નદીકાંઠે ઊભી રહીને અમારી ભૂખતરસ છિપાવશે તે અમારી મા.’
રાજાએ હુકમ કર્યો એટલે નગરની બધી સ્ત્રીઓએ નદીકાંઠે ઊભા રહીને બાળકોને ધવડાવવાનો પ્રયત્ન કર્યો પણ કશું વળ્યું નહીં. રાજા કશો નિર્ણય કરી ન શક્યો, હવે શું કરવું? તેવામાં રાજાના નોકરો એક સ્ત્રીને ત્યાં લઈ આવ્યા. તે સાવ લઘરવઘર હતી, વાળનાં ઠેકાણાં ન હતાં, વળી તે સાવ સૂકલકડી હતી. તે એકલી સ્ત્રીએ જ બાળકોને ધવડાવવાનો પ્રયત્ન કર્યો ન હતો. રાજાનો હુકમ હતો એટલે તે પણ ત્યાં ઊભી રહી. જેવી તે ઊભી રહી કે તરત તેના સ્તનમાંથી દૂધની સાત ધારાઓ નીકળી અને બાળકોના મોંમાં જઈ પહોંચી. તેમણે પેટ ભરીને દૂધ પીધું. માને ઓળખીને બાળકો તેના ખોળામાં જઈ ચઢ્યાં. નવાઈ પામીને રાજાએ ફરી ઓળખ પૂછી. બાળકોએ તેમના જનમથી માંડીને બધી કથા કહી સંભળાવી, એ બધું માસીએ શીખવાડ્યું હતું. શરમાઈ જઈને રાજા નીચું જોઈ ગયો. પોતાનો વાંક સમજાયો, તેણે રાણીની માફી માગી.
હવે પેલી રાણીઓને શિક્ષા કરવાનો સમય આવ્યો. રાજાએ જમીનમાં મોટો ખાડો ખોદાવ્યો અને ત્યાં કાંટા પથરાવ્યા. નાની રાણીને હેરાન કરનારી સાતે અદેખી રાણીઓને એ ખાડામાં નખાવી દીધી, અને માટી વડે ખાડો પુરાવી દીધો. નિર્દય રાણીઓને તેમનો બદલો મળી ગયો.
રાજા, રાણી અને બાળકો પછી સુખે રહેવાં લાગ્યાં.