ભારતીયકથાવિશ્વ-૫/અરવલ્લી લોકની વહી-વાતો/સાત ભાઈ અને એક બહેન
એક ડુંગરમાં નાનું ગામ હતું. આ ગામમાં એક ડોસો રહેતો હતો. આ ડોસાને સાત દીકરા અને એક દીકરી હતી. આ આઠ ભાઈ-ભાંડુને મૂકીને ડોસો હતો તે મરી ગયો. થોડા દિવસ થયા અને પેલા સાત ભાઈ એક દિન ડુંગરે સસલાં અને સાબર મારવા નીકળ્યા. એટલામાં તો નાની બહેન તરુસ દઈને છીંકી! ભાઈ બોલ્યો, ‘ઓહો! શુકન તો બગડ્યા ’લ્યા!’ બહેન બોલી, ‘ભાઈ, હુંયે આવું.’ ભાઈ બોલ્યા, ‘તારે ડુંગરે આવીને શું કરવું છે ’લી? અહીં ઘેર ગાયો-ભેંસોને સાચવ અને બેસી રહે! અમે સાંજે માંસ લઈને આવીશું.’ પણ બે’ને તો એકેયનું કહ્યું માન્યું નહીં અને તે સાથે ગઈ.
સાતે ભાઈ અને એક બહેન ડુંગરામાં શિકારે ગયાં. સાતે ભાઈ હાકો દઈને થાકી ગયા પણ લંગડું-ભાંગેલું ચકલું પણ હાથમાં આવ્યું નહીં. પછી રખડી રખડીને થાક્યાં-પાક્યાં આઠે ભાંડુ ઘેર આવ્યાં.
બીજા દિવસે વળી પાછા સાતે ભાઈ શિકારે નીકળ્યા. બરોબર ઝાંપે ગયા અને બહેન તરુસ દઈને છીંકી! સાતે ભાઈ તો થાંભલો થઈને ઊભા રહી ગયા. બહેન બોલી, ‘હું પણ આવું!’ ભાઈ બોલ્યા, ‘એ ’લી તારે દરરોજ આવીને શું કરવું છે? અહીં ઢોર મગ ખાઈ જશે તે ખબર નથી પડતી?’ બહેન બોલી, ‘ના ભાઈ, મને એકલીને તો બીક લાગે!’ ભાઈ ઘણા ગુસ્સે થઈને બોલ્યા, ‘ત્યારે તું ચાલ તો ખરી પણ અમને શિકારમાં મારવા માટે કંઈ પણ નહીં મળે તો તને મારીને નહીં ખાઈએ તો અમે અમારી માના પેટે જન્મ્યા નહોતા, હા! હા! હા!’ અહીંથી આઠે ભાંડુ ડુંગરે શિકારે નીકળ્યા. સાત ભાઈ કને સાત કામઠી અને તીર; ખભે છરીઓ; કેડમાં કટારીઓ ઝબ… ઝબ થાય! બહેન બિચારી પાછળ પાછળ જાય. એટલામાં તો ડુંગર આવી ગયો. ભાઈ હાકોટા કરવા લાગ્યા. જોરથી કિકિયારીઓ કરવા લાગ્યા. બૂમો પાડી પાડીને થાકી ગયા. પણ શી ખબર શું થયું તે કોણે કાળા તલ ખાધા તે એક પણ જાનવર નજરે પડ્યું નહીં! પછી થાકી-ભાગીને એક મોટા વહેળાના કિનારે મોટો વડલો હતો; સાચે જ રાતની ડાકણો હીંચવા આવે એવા મોટા વડલાની છાયાએ બધાં બેઠાં.
પછી મોટો ભાઈ ઊભો થઈ ગયો અને બોલ્યો, ‘ઊભા થાઓ ’લ્યા ભાઈઓ, બહેનને વડલે બાંધો! બહેનને લીધે જ આમ થયું છે!’ બધા ભાઈ ઊભા થયા પણ નાનો ભાઈ ઊભો થયો નહીં. છએ ભાઈએ બહેનને પકડીને ઊંધા મસ્તકે બાંધી. પછી છ ભાઈઓએ કામઠીઓ ખેંચીને તીર નાખ્યાં તે બિચારીને વાગ્યાં, બહેન વીંધાણી. બહેન બિચારી રોતી જાય ને બૂમો પાડતી જાય. પણ રંડવા સાંભળે ત્યારે કે?
બહેનની બૂમો સાંભળીને હોલા, સમડી, ચકલાં અને મોર; સાબર અને હરણાં; ડુંગરનાં બધાં જાનવર દોડતાં દોડતાં આવવાં લાગ્યાં. વીંધાયેલી બહેનના દેહમાંથી લોહીની ધારાઓ છૂટવા લાગી છે. બહેન બિચારી દુ:ખથી બૂમો પાડવા લાગી. બહેનનું દુ:ખ જોઈને જાનવરોની આંખોમાંથી પાણીની સેરો છૂટવા લાગી છે. પછી બહેનનું દુ:ખ જોઈ શક્યાં નહીં. પછી બધાં જાનવરો ડુંગરમાં જવાં લાગ્યાં. નાનો ભાઈ બેઠો બેઠો ઝૂરણ કરવા લાગ્યો. પછી બોલ્યો, ‘સાત ભાઈ વચ્ચે એક બહેન છે, નાની લાડકી બહેનને મારવા બેઠા છે!’ પછી પેલો મોટો ભાઈ બોલ્યો, ‘તું કેમ બેઠો છે? ઊઠ, તું બહેનને તીર કેમ નથી મારતો? તીર માર, નહીંતર તને પણ આ બહેનની સાથે પતાવી દઈશું!’
આમ કહેવાથી પેલો ધીરે ધીરે ઊભો થયો, હાથમાં કામઠી લઈને તીર ખેંચવા લાગ્યો તો એક માના પેટે જન્મેલી કુંવારી બહેનની આંખોમાં આંસુ આવવાં લાગ્યાં. પછી પેલો તીર નાખવાનું ભૂલી ગયો અને ઊભો ઊભો રોવા લાગ્યો. એટલામાં મોટો ભાઈ બોલ્યો, ‘ચાલો ’લ્યા ભાઈઓ, તેને પણ બહેનના ભેગો જ પતાવી દઈએ!’ પછી પેલાએ ધીમે ધીમે તીર નાખ્યું તે બહેનના અંગુઠે થોડુંક વાગ્યું. નાના ભાઈનું તીર વાગતાંમાં જ બહેનનો જીવ છૂટી ગયો. પેલો ડુંગરમાં મોર મેઘ લાવવા બોલતો હોય તેમ રડતો રડતો બહેન માટે ઊભો ઊભો ઝૂરવા લાગ્યો.
પછી નાનો ભાઈ બોલ્યો, ‘નખ્ખોદ જજો મારા છએ ભાઈઓનું!’
પેલા તો જેમ પાડો ચીરતા હોય તેમ મરેલી બહેનને ચીરવા લાગ્યા. નાનો ભાઈ તો બહેનને જોઈને અવળો ફરી ગયો. પછી બોલ્યો, ‘મારી બહેને એવા કયા કાળા તલ ખાધા હશે કે તેના જ ભાઈઓ તેના વેરી થયા?’ પછી રડતાં રડતાં બોલ્યો, ‘ભગવાનના ઘેર કુશળ રહેજે!’ છએ ભાઈઓએ તો લાકડાં ધમકાવ્યાં અને બહેનનું માંસ શેકવા લાગ્યા. પેલા તો મોટી મોટી વાતો કરવા લાગ્યા. નાનો ભાઈ તો બધી વાતો સાંભળતો જાય અને રડતો જાય. એટલામાં તો ભાઈઓ સસલાના માંસના ભાગ પાડે તેમ બહેનના માંસના ભાગ પાડવા લાગ્યા. પછી એક ભાઈ બોલ્યો, ‘લે, ’લ્યા આ તારો ભાગ!’ પેલા નાના ભાઈએ તો હરખાતાં હરખાતાં માંસ લીધું પછી ખાધું તો નહીં પણ રૂમાલના છેડે બાંધી લીધું. પેલા છ ભાઈઓએ તો હરખાતાં હરખાતાં બહેનને ખાધી. પછી ઘેર જવા લાગ્યા. નાનો ભાઈ પણ એમની પાછળ પાછળ જવા લાગ્યો. જતાં જતાં વાટમાં વાંસવન આવ્યું. નાના ભાઈએ તો રૂમાલના છેડા છોડીને બહેનનું માંસ વાંસમાં નાખ્યું અને જતાં જતાં બોલ્યો, ‘બહેન, કુશળ રહેજે!’
ઘણા દિવસ થઈ ગયા છે. આ માંસમાંથી વાંસવનમાં એક વાંસ ઊગ્યો. આ વાંસમાંથી ફણગા ફૂટ્યા અને રાતે ન વધે એટલા દિવસે વધવા લાગ્યા. વાંસ તો સવારનાં કિરણોમાં કલકલ કરવા લાગ્યો.
ભગવાને જુગમાં વાત રાખવાની હશે તે એક વાદી(મદારી) આ જ ડુંગરમાં વાંસળી માટે વાંસ કાપવા આવ્યો. બધે ફરી ફરીને થાક્યો પણ તેને એક પણ ઉપયોગી સુંદર વાંસ મળ્યો નહીં. પછી પેલા ભાઈએ બહેનનું માંસ નાખેલું એ માંસમાંથી ઊગેલો વાંસ જોઈને વાદીની આંખો મીંચાઈ ગઈ એટલું આ વાંસમાં સત હતું. વાંસ જોઈને વાદીનું મનડું કલકલ કરવા લાગ્યું. પછી એક વૃક્ષના છાંયડે થાક ખાવા બેઠો. પછી થાક ખાઈને કુહાડો લઈને ઊભો થયો વાંસ કાપવા, પણ રંડવાને વાંસ કાપવાનું મન જ થતું નથી, તો પણ જીવ સાટે કુહાડો નાખ્યો અને વાંસમાંથી લોહીની ધારાઓ છૂટવા લાગી. પછી નાની વાંસળી બને એટલી જ ડાળી વાઢીને ચોખ્ખી કરી. પછી તેમાંથી એક સુંદર વાંસળી બનાવી પછી ડુંગરમાંથી ગામમાં જવા લાગ્યો. વાદી એક ગામમાંથી બીજા ગામ જવા લાગ્યો.
વાદી ફરતો ફરતો પેલા સાત ભાઈઓના ઘેર આવીને ઊભો રહ્યો. પછી વાંસળી વગાડવા લાગ્યો.
વાદી : વાગ રે…વાગ રે…મારી વાંસળી…
તારા ભાઈઓના ઘર છે રે રંગેચંગે… (૨)
વાંસળી : નહીં વાગું… નહીં વાગું… મારાં વેરિયાંનાં
ઘર છે રે …રંગેચંગે… (૨)
આમ વાદી છએ ભાઈઓના ઘેર ફરે તોય વાંસળી તો એકનું એક બોલે છે. પછી પેલો સાતમા ભાઈને ઘેર ગયો. વાદી વાંસળી વગાડવા લાગ્યો.
વાદી : વાગ રે…વાગ રે…મારી વાંસળી…
તારા ભાઈઓનાં ઘર છે રે રંગેચંગે… (૨)
વાંસળી : વાગું રે … વાગું રે… વાદી…
મારા ભાઈઓનાં ઘર છે રે… રંગેચંગે (૨)
ગીત સાંભળીને બધા ભાઈ ઊભા થઈ ગયા. પછી નાનો ભાઈ આ વાદીને કહેવા લાગ્યો, ‘એ ’લ્યા વાદી ભાઈ, તું મને વાંસળી આપ ને ’લ્યા ભાઈ!’ વાદી બોલ્યો, ‘આ વાંસળી તો નહીં મળે ભાઈ!’ નાનો ભાઈ ઘરમાં ગયો અને એક કાવતરું કર્યું. પછી નાનો ભાઈ ઘરમાંથી બહાર આવ્યો અને વાદીને બોલ્યો, ‘એ વાદી ભાઈ, તને ખાવાનું આપું તો શામાં આપું? વાસણ આપું તો પાછું લેવાય નહીં! તું એમ કર, ખાખરાના પાનના પડિયા કરીને લઈ આવે તો હું તને શાક અને રોટલો આપું!’
‘હા ભાઈ, એ વાત સાચી. હું પાન લેવા જાઉં પણ મારી ઝોળી સંભાળજે.’
ભાઈ બોલ્યો, ‘જા જા ભાઈ, એ તો હું સંભાળીશ.’
વાદી દોડતો દોડતો પાનાં લેવા ગયો. નાનો ભાઈ, ચોર ચોરી કરવા ગયા હોય અને ઝટ ઝટ કામ કરે એમ વાદીની વાંસળી લીધી અને તેની વાંસળી ઝોળીમાં ઘાલી દીધી. પછી વાદી-બાવો ખાઈ ખાઈને ધરાઈ ગયો. પછી ઓડકાર ખાઈને ખભે ઝોળી ભરાવીને જવા લાગ્યો. પછી થોડે દૂર ગયો અને વાંસળી વગાડવા લાગ્યો. વાંસળી વાગવા લાગી: તહરી…તળોઇલી…તીહરી… વાદી તો ચમક્યો. વિચારવા લાગ્યો, ‘તેણે મારી વાંસળી સંતાડી દીધી.’ વાદી તો દોડતો દોડતો નાના ભાઈના ઘેર આવ્યો અને બોલ્યો, ‘મારી વાંસળી આપ, લે આ તારી વાંસળી.’ નાનો ભાઈ તો ડાંગ લઈને વાદીની સામે થઈ ગયો. પછી બોલ્યો, ‘ક્યાં છે તારી વાંસળી? અહીંથી જા, નહીંતર તારાં હાડકાં ખોખરાં કરી નાખીશ હા…’ પણ વાદીની જાત ખોટી. વાદી રોતો જેમ તેમ બોલવા લાગ્યો. નાનો ભાઈ તો બરાબર ગુસ્સે થાય છે. પછી લઈને પડ્યો વાદીના પર ને ઝોળી અને કપડાં ફાડી નાખ્યાં. બાવો તો બૂમો પાડે અને જાય નાઠો.
પેલા ભાઈએ વાંસળી મકાઈના ડોડામાં સંતાડી હતી પણ વગાડવાનું જ ભૂલી ગયો. વાંસળી ઢસળૂક દઈને ડોડામાંથી નીચે પડી ગઈ અને કુંવારી છોકરી થઈ ગઈ. પછી ઘરનું બધું જ કામ કર્યું. રોટલા અને શાક કરીને કોઠીમાં મૂકીને પાછી વાંસળી થઈ ડોડામાં પેસી ગઈ. નાનો ભાઈ શિકારથી ઘેર આવ્યો. લોટ લેવા કોઠીમાં હાથ નાખ્યો તો ખાવાનું બધું તૈયાર. પેલો આમતેમ જોવા લાગ્યો, પણ કોઈ નહોતું. પછી પેલો તો ખાઈને આરામથી સૂઈ ગયો. બીજા દિવસે શિકારથી ઘેર આવ્યો. કોઠીમાં હાથ નાખ્યો તો ખાવાનું તૈયાર. પેલો તો ખાતો જાય ને મનમાં વિચારે કે, ‘ખાવાનું કોણ કરતું હશે?’ બીજા દિવસે જવાનું કહીને ઘરમાં જ લપાઈ ગયો. થોડી વાર થઈને વાંસળી તો ઢસળૂક દઈને નીચે પડી અને કુંવારી છોકરી થઈ ગઈ. ઘર ચોખ્ખું કરવા જેવી સાવરણી હાથમાં લીધી એવો નાનો ભાઈ બહાર નીકળીને તેનો હાથ પકડી પછી બોલ્યો, ‘તું કોણ છે?’ પેલી બોલી, ‘ભાઈ, ડુંગરમાં મારેલી તમારી બહેન છું!’ આ વેળા પેલાં ભાંડિયાં ઘણું રડે છે.
આ વેળાએ બહેન વાંસળી થતી નથી અને કુંવારી છોકરી જ રહે છે. પછી બધા ભાઈઓને ખબર પડી પણ કોઈ બોલી શકતા નથી. થોડા દિવસ થયા ને નાના ભાઈએ બહેનને ઘણા માન સાથે પરણાવી અને વળાવી. પછી થોડા દિવસ થયા ને બહેને સાતે ભાઈઓને આમંત્રણ આપીને બોલાવ્યા. આ વેળાએ સાતે ભાઈ ઘણા રાજી થયા.
બે દિવસ થયા અને પેલા સાતે ભાઈઓએ કપડાં ધોયાં. ઝીણાં મલમલનાં ધોતિયાં પહેર્યાં, માથે સાફા બાંધ્યા. જાણે વાણિયા નીકળ્યા. નાનો ભાઈ બધાંને આગળ કરીને પાછળ જવા લાગ્યો. ભાઈઓને આવતા જોઈને બહેન છેક ગામને ગોંદરે મળવા ગઈ. બધાને ઘણા માન સાથે મળી. પછી બધાને ઘણા માનથી ઘેર લઈ ગઈ. ઘેર જઈને બહેને તો ભમર ઢોલિયા ઢાળ્યા, રજાઈઓ પાથરી. પછી ભમર ઢોલિયે પેલો મોટો ભાઈ બેઠો. પછી બધા ભાઈ બેઠા. બહેન રાજી થઈને બધાને પાણી આપે છે. પછી બધા રાજી થતા પાણી પીને ભમર ઢોલિયા પર બેઠા.
બહેન ઘરમાં જઈ ખાવાનું કરવા લાગી. પોતાના આદમીને દુકાને ગોળ અને ઘી લેવા મોકલ્યો. ઘી અને ગોળ આવ્યો એટલે બહેન સરસ ખાવાનું બનાવવા લાગી. ખાવાનું બનાવીને છ ગોળીઓ ફોડીને છ ઠીબ કાઢ્યાં. છ ઠીબમાં સળગતા અંગારા મૂક્યા. એક ઠીબમાં રોટલા, ગોળ અને ઘી મૂક્યાં. પછી ધણીને કહેવા લાગી, ‘એલ્યા, ભાઈઓને હાત ધોવા પાણી આપજે.’ પેલાએ લોટી ભરીને પાણી આપ્યું. સાતે ભાઈ ખાવા ઊઠ્યા. મોટા ભાઈ પાછળ બીજો, એમ જવા લાગ્યા. બધા ખાવા બેઠા. એટલામાં બહેન છ ઠીબમાં સળગતા અંગારા લઈને આવી અને છ ભાઈઓની આગળ મૂક્યા. એક નાના ભાઈની આગળ ઠીબમાં રોટલા અને ગોળ અને ઘી મૂક્યાં. નાનો ભાઈ તો મઝાથી ખાવા લાગ્યો. પણ પેલા છ ભાઈઓ તો પોક મૂકીને રોવા લાગ્યા. બહેન પણ મોટા ભાઈને બાથમાં ઘાલીને છાતી ફાટે રોવા લાગી. ભાઈ-ભાંડિયાંને રોતા જોઈને ઘરમાં ફરતો વાયરો પણ બંધ થઈ ગયો. સાતે ભાંડિયાંનાં એટલાં તો આંસુ પડ્યાં તે પેલા સળગતા અંગારા પણ ભીંજાઈને હોલવાઈ ગયા. પછી બહેને છાની રહીને છએ ભાઈઓને ગોળ, ઘી અને રોટલા ખાવા આપ્યા. પછી બધા રાજી થઈને ખાવા લાગ્યા. રોટલા ખાઈને બધાં સાથે મળીને સુખદુ:ખની વાતો કરવા લાગ્યાં. પછી બહેન સાતે ભાઈઓને આશીર્વાદ આપીને રાજી થઈને વળાવે છે. થોડા દિવસ થયા અને બહેન પણ ભાઈઓના ઘેર આવી. બધા રાજી રાજી થઈ ગયા. બહેન બધાને મળી. બધાના ઘેર રાજી થઈને ખાધું, ભાઈઓએ બહેનને સાડલો લીધો અને ગોંદરે વળાવવા ગયા. આમ ભાઈઓ અને બહેનનો રૂડો વહેવાર ચાલવા લાગ્યો.
આવળનું ફૂલ
એક નગરી હતી. આ નગરીમાં એક રાજા રાજ કરતો હતો. આ નગરીમાં એક રોડી રોડ ડોસી પણ રહેતી હતી. તેને એક નાનો દીકરો હતો. ઘરમાં ખાવાપીવાનું કંઈ નહોતું. થાકીને ડોસી ગામમાં ગઈ. ગામમાંથી મોટા લોકનાં ઢોર લાવીને આ છોકરાને આપ્યાં. છોકરો તો રાજી થયો. આ તો ખુશ થતો ઢોર ચારવા ગયો. આમ સદાય વહેલો ઊઠી ટાઢી-ઊની ઘેંશ ખાઈને ઢોર ચારવા જાય.
એક દિવસનો ‘સમાજોગ’ આવ્યો, ‘સમાજોગ’નો ‘મહાજોગ’ આવ્યો. ભર બપોર થયા છે. છોકરો આસોપાલવના વૃક્ષ નીચે ટાઢી ટાઢી વેળુ ઉપર સૂતેલો છે. આ આસોપાલવ ઉપર એક ચકલી અને એક ચકલો બેઠેલાં હતાં. એટલામાં ચકલો બોલ્યો, ‘એ’લી મારા માથામાં જૂ હોય તો તું જો.’ પેલી તો ચાંચ વડે જૂ જોવા લાગી. જોતાંની સાથે તો તે બોલી, ‘ઓહ! આ શું ગંધાય ’લ્યા? અહીં!’ ‘હજીયે તને ખબર નથી ’લી? ત્યારે સાંભળ, આગળના અવતારમાં હું એક નગરીનો રાજા હતો. તે દિવસે જે વેળા હું ગાદીએ બેસતો તે વેળાએ માથામાં આવળનું ફૂલ ખોસતો. આ સુગંધ આ અવતારમાં પણ આવે છે.’
આમ ચકલા ને ચકલીની વાત પેલો વિધવાનો દીકરો સાંભળી ગયો અને તેના પેટમાં ધ્રાસકો પડ્યો. થયો ઊભો તે ઢોરને કોર મૂક્યાં સૂનાં અને રાજાની નગરી બાજુ જવા લાગ્યો. પછી રાજાની કચેરીમાં જઈને બોલ્યો, ‘ફરિયાદ રે ફરિયાદ!’ રાજા કહે, ‘કેવી ફરિયાદ?’ છોકરો કહે, ‘રાજાજી, તમે કેવી રીતે ગાદીએ બેસો?’ રાજા બોલ્યો, ‘છોકરા, હું ગાદીને પગે લાગીને પછી બેસું.’ છોકરો બોલ્યો, ‘રાજાજી, હજી તમે ભૂલો છો! તમે માથે આવળનું ફૂલ નથી ખોસતા?’
‘ના ભાઈ ના! અમે તો આવળનું ફૂલ નથી ખોસતા.’
‘તમે આવળનું ફૂલ લાવો.’
‘જાઓ જાઓ, સિપાહીઓ, આવળનું ફૂલ ઝટ લાવો.’
રાજાનો હુકમ છૂટ્યો. એકને કહ્યું અને પંદર દોડ્યા. ઘણાં ફૂલ લાવીને કચેરી ભરી નાખી. છોકરો કહે, ‘આ તો આવળનાં ફૂલ નહીં કહેવાય. આ તો ભાંભી(ચમાર) કુંડમાં નાખે છે તે છે! તેમને શું કરવાં છે? રાજા, તમે સાચું આવળનું ફૂલ તો જોયું જ નથી. તમે આ જનમમાં માથે ખોસો તો આવતા જનમ સુધી તમારા માથામાં ગંધાય! સુગંધ આવે! આને સાચું આવળનું ફૂલ કહેવાય.’
રાજાને તો છોકરાની વાત પર નવાઈ લાગી. રાજા બોલ્યા, ‘તો મારે એ જ ફૂલ જોઈએ! તું જ લઈ આવ, તું માગે તે આપું.’
છોકરો કહે, ‘રાજા, આવળનું ફૂલ તો આટલે ક્યાં છે? ઘણે દૂર છે. એ તો મૃત્યુના મુખમાં છે. પણ તમે વચન આપો તો હું આવળનું ફૂલ લેવા જઉં!’
‘વાચા વાચા વચન, અમર વાચા, બ્રહ્મ વાચા, વાચા ચૂકું તો ઊભો સુકાઉં! બોલ છોકરા, તારે શું જોઈએ?’
છોકરો બોલ્યો, ‘મારે તો ફૂલના બદલામાં તમારું આખું રાજપાટ જોઈએ!’
રાજા કહે, ‘ભલે તું આવળનું સાચું ફૂલ લાવી આપે તો આ મારું રાજપાટ તે દિવસથી તારું!’
આમ રાજા અને છોકરો વચને-કોલે થયા. જતાં જતાં છોકરો બોલ્યો, ‘ફૂલ લઈને આવીશ તો આવીશ અને મરી જઈશ તો મરી જઈશ! લઈને આવીશ તો રાજ મારું. નહીંતર આજથી ‘નરવર ગઢ જુહાર!’
છોકરો તો કચેરીમાંથી ઘેર આવ્યો. ઘેર આવીને તેની માને કહેવા લાગ્યો, ‘માતા રે માતા! હું તો રાજા સાથે વચને-કોલે થયો છું.’
માતા કહે, ‘દીકરા, આપણે તો નાના માણસ, અત્યારે રાજા સાથે વળી શાનાં વચન? આપણે તો જીવી ખાવાનું કામ!’
છોકરો કહે, ‘ના મા ના, હું તો કાલે આવળનું ફૂલ લેવા જવાનો. તું વહેલી ઊઠીને મને ખાવાનું કરી આપજે.. નહીં કરી આપે તો તું જાણે!’
માતાનો તો જીવ બળે. તેણે તો વહેલી ઊઠીને ખાવાનું કરી આપ્યું. છોકરો તો વહેલા ઊઠીને દાતણ-કોગળા કરી જવા તૈયાર થયો. માએ તેને રોટલા આપ્યા. જતાં માતાને મળ્યો ને પછી બોલ્યો, ‘જીવતો રહીશ તો તારું મોઢું જોઈશ અને મરી ગયો તો નરવર ગઢ જુહાર!’
છોકરો તો ઘેરથી ચાલી નીકલ્યો. તે તો એક ખંડ મૂકે અને બીજા ખંડમાં જાય. એમ કરતાં કરતાં એક મોટા વનમાં આવ્યો અને દિવસ હતો તે આથમી ગયો. છોકરો મનમાં વિચાર કરે, ‘હવે શું થશે? હું તો વનમાં એકલો!’ એટલામાં તો સામે જ મોટું દેરું દેખાયું. ત્યારે જીવ આવ્યો. દેરાની બીજી બાજુએ ગયો તો એક મોટું બારણું દેખાયું. બારણામાં ખાટીટી…ખાટીટી… અવાજ આવે. અંદર જઈને જુએ તો રાક્ષસની સુંદર દીકરી ખાટહંડોિળે હીંચતી હતી. ખાટીટી…ખાટીટી… આ પેલે સાંભળ્યું. પેલો તો આગળ જઈને જુએ છે તો આ છોકરાને પેલી જોઈ ગઈ. એકબીજાને જોઈને મૂર્છા આવી અને બંને નીચે પડ્યાં. થોડી વાર પછી ઊભાં થયાં અને છોકરાને બાથમાં ઘાલ્યો અને પંપાળવા લાગી. કહેવા લાગી, ‘વાહ! વાહ! જોતી હતી અને મળી ગયો.’ પછી બંને જણ એક બીજાનાં મોઢાં જોઈને ખાટહંડોિળે હંચિવા લાગ્યાં, એટલામાં તો જાણે કોઈ જાનવર જોઈને ભયથી કૂદી હોય એમ કૂદીને ઊભી થઈને કહેવા લાગી, ‘આ છે રાક્ષસનો મહેલ. હું રાક્ષસની દીકરી છું. મારા બાપુજી આવશે તો તને ભરખી ખાશે.’ રાક્ષસની દીકરીની વાત સાંભળીને પેલો તો શેરનો હતો તે પાશેર થઈ ગયો. એટલામાં તો પેલી બોલી, ‘તું ડરીશ નહીં. તને હું એક વાત કહું. મારા બાપુજી આવે તેની પહેલાં તું આ હોકો છે તેમાં અંગારા ભરીને તૈયાર રહે. મારા બાપુજીની ડાબી આંખ કાણી છે. એ આંખે જોઈ શકતા નથી.’ છોકરો તો સાચું માની ઝટ ઝટ મંડ્યો તે હોકો ભરી રાખ્યો. એટલામાં તો બાર ગાઉના માથે રાક્ષસ આવે છે તેની ખબર પેલીને પડી ગઈ. રાક્ષસની દીકરી કહે, ‘તું બારણાની ડાબી બાજુએ ઊભો રહે. હું ખાટ-હંડોિળે હીંચું.’ છોકરી તો પાછી સદાય હીંચે એમ અસલ રીતમાં હીંચવા લાગી. રાક્ષસ માથે આવ્યો અને મહેલ પાસેનાં પાનાં ધ્રૂજવાં લાગ્યાં. પેલીએ કહ્યું, ‘તું તૈયાર રહેજે.’ રાક્ષસ તો લગભગ નજીક આવ્યો અને પછી બોલ્યો, ‘એ…દીકરી! આજ મને મનુષ્યની વાસ કેમ આવે છે?’
‘એ … બાપુ! તને ખબર નથી?’
‘કેમ દીકરી?’
‘તું આખો દિવસ માણસોને ભરખે એટલે તારા મોઢામાં કૂચા રહી ગયા હશે. તે ગંધાતા હશે!’
રાક્ષસ બોલ્યો, ‘તો તો ખરી વાત!’
એટલામાં તો રાક્ષસ બારણે આવ્યો. ત્યાં તો છોકરો તૈયાર જ હતો. બારણે આવતાંમાં તો છોકરો બોલ્યો, ‘સસરા રામ રામ!’
રાક્ષસ બોલ્યો, ‘જમાઈ દીકરા, રામ રામ!’ રાક્ષસે બાથમાં ઘાલીને પંપાળ્યો અને બોલ્યો, ‘ઘેર આવેલી રોજી બચી ગઈ. પણ શું થાય? વાહ! વાહ! જમાઈ, તું સો વરસનો થજે. હવે તને મારનાર આ દેશમાં કોઈ નથી.’ પછી દીકરીને કહ્યું, ‘આવ દીકરી, જમાઈને ઘરમાં લઈ જા.’
આમ કહેતાંમાં તો પેલી ખાટ-હંડોિળેથી ઊતરીને આવી અને પેલાને બાથમાં ઘાલીને લઈ ગઈ. પછી પેલા છોકરાને કહેતી ગઈ, ‘હવે આપણે જીતી ગયાં.’
રાક્ષસ આખા દિવસનો હોકો પીધા વિના મરતો હતો તે પીવા લાગ્યો. એકએક દમ લે અને આગમાંથી વાદળીઓ ચડે અને હોલાં આંધળાં થાય ને અંદર પડે! છોકરી તો મંડી ખાવાનું કરવા, કરીને ખવડાવીને પછી નવરી થઈ. રાક્ષસ સૂવાની વેળાએ બોલ્યો, ‘દીકરા જમાઈ, અહીં મારા ઢોલિયે રજાઈઓ છે. તમે આરામથી સૂઓ. હું તો મારા મહેલ પાછળ ઓસરી ઉતારેલ છે ત્યાં બખોલ ખોદીને સૂઈશ.’ આમ કહીને રાક્ષસ તો બખોલમાં જાણે ઘો સૂએ એમ સૂતો.
પેલાં બે જણાંની તો વાત જ પૂછવી નહીં. એ તો આ..રામથી સૂતાં. છોકરો તો સુખમાં આવળનું ફૂલ ભૂલી ગયો. તેમને તો દિવસ રાતની ખબર જ નહીં પડે. દિવસ જવા લાગ્યા. છોકરાની કુળદેવી એક રાતે પેલો સૂતેલો તેના સપનામાં આવી અને ડાબા પાયે ઠોકર મારતીકને નારીના વેશમાં ઊભી થઈ અને કહેવા લાગી, ‘હટ મૂરખ! તું આ શું કરે? તું શું કરવા આવ્યો છે ને શું કરી બેઠો છે?’
પેલાની તો ઝડમ … દઈને ઊંઘ ઊડી ગઈ. અને ઊભો થઈને જોવા લાગ્યો તો કંઈ દેખવામાં નહીં આવ્યું. છોકરો રાક્ષસની કુંવરીને જગાડતાં બોલ્યો, ‘એ..લી, એ..લી, સાંભળે છે ’લી? હું તો અત્યારે જાઉં… હું કંઈ તને થોડો લેવા આવ્યો છું? હું તો રાજા સાથે આવળનું ફૂલ લાવવાની શરત લઈને નીકળેલો.’
છોકરી કહે, ‘એ... લ્યા, તે કઈ બાજુ આવળનું ફૂલ છે? તને ખબર છે?’
છોકરો કહે, ‘એ તો હું શોધી કાઢીશ.’
પેલી બોલી, ‘હું જેટલું જાણું છું એટલું તને કહું છું. તું અહીંથી ચાલતો ચાલતો જવાનો. તને થાક લાગે ત્યાં બેસજે. પાછો ચાલજે. દિવસ આથમતાં તો ત્યાં મોટું વન આવશે. આ વનમાંથી નીકળીશ એટલે ચાર વાંસનાં ઝુંડ આવશે. આ ઝુંડની વચ્ચે એક રૂખિયો(ઋષિ) બાર વરસના નિયમ લઈને સૂતેલો છે. ત્યાં જઈને પહેલાં તો ચોખ્ખું કરી નાખજે. પછી બાવાને ચોખ્ખો કરજે. ત્યાં શંખ, ઝાલર, કોટવાળ(ચીપિયો) અને કંકુ પડેલાં હશે. તે લઈને પહેલાં શંખ વગાડજે. પછી ઝાલર ઠોકજે. આ વખતે કોટવાળ વગાડજે. પછી કંકુનો ચાંલ્લો કરજે. પછી આ રૂખિયાનો ડાબા પગનો અંગૂઠો આમળજે. આ વેળાએ નેમમાં સૂતેલો રૂખિયો ધૂણીમાંથી નિદ્રા ભરેલો ઊઠશે. ઊઠીને કહેશે વાહ! વાહ! બેટા વાહ! વાહ! આ વેળા તારે રૂખિયાના પગમાં નમી પડવાનું. આ વેળા રૂખિયો બોલશે, માગ બેટા માગ, જે માગે તે આપું. તારે કહેવાનું કંઈ નહીં બાપુજી, તમારી સેવા! બાપુજી, તમે નેમમાં ઘોર નિદ્રામાં સૂતેલા તે દિવસની સેવા કરું.’ પછી રૂખિયો કહેશે, તારે હાથીઘોડા, સોનું-સોળમું જે જોઈએ તે માગ. પછી તારે કહેવાનું કંઈ નહીં, બાપુ પણ તમારે આપવું જ હોય તો એક વચન આપો. આમ આ રૂખિયાને વચનમાં બાંધીશ તો તું આવળનું ફૂલ લઈ શકીશ. જેવું રૂખિયો વચન આપે કે ઝટ ઝટ તેને આવળનું ફૂલ બતાવવાનું કહેવાનું.’ આમ રાક્ષસની દીકરીએ તેને જ્ઞાન આપીને કાઢ્યો.
છોકરો તો અહીંથી ચાલી નીકળ્યો. એક ખંડ મૂકે અને બીજો લે. જતાં જતાં તો પેલા વનમાં આવ્યો ને દિવસ આથમવા આવ્યો. પેલો તો અજાણ્યા વનમાં આવીને જોવા લાગ્યો. જોતાં તો બરોબર વાંસના ઝુંડમાં આવીને જુએ તો સાચું, ચાર ઝુંડ ખાટલો ઢાળ્યો હોય એમ ઊભાં છે, પેલો તો બરાબર અહીં જોઈને ચોખ્ખું કરવા લાગ્યો. ધૂણી ઉપર તો કેડ કેડ પાનાં અને ધૂળ ચડી ગયેલાં હતાં. છોકરાએ તો ઘડી વેળામાં બધું દૂર નાખી દીધું. પછી જુએ છે તો સાચું, રૂખિયો બાવો ચત્તો સૂતેલો છે. પેલો તો વળગ્યો તે ચોખ્ખું કરી નાખ્યો. પછી રાક્ષસની કુંવરીએ કહ્યું હતું તેમ ખોદાં(મોટાં લાકડાં) સળગાવીને ધૂણી સળગાવી; શંખ વગાડ્યો અને કોટવાળ-ચીપિયા ઠોક્યા. રૂખિયાને ચાંલ્લો કર્યો. રૂખિયાના ડાબા પગનો અંગૂઠો આમળ્યો. અંગૂઠો આમળતાં તો રૂખિયો બાર વરસની નિદ્રામાંથી આળસ મરડીને ઊભો થયો. છોકરો તો ઘૂંટણે વળીને આ રૂખિયાના પગ આગળ નમી પડ્યો.
‘શાબાશ! બેટા શાબાશ! માગ, માગ, ઝટ માગ; માગે તે આપું. હાથી-ઘોડા, સોનું-સોળમું; જે માગે તે આપું.’ રૂખિયો તેના પર ખુશ થઈ ગયો છે. છોકરે કહ્યું, ‘બાપુજી, તમે નેમ લઈને સૂઈ ગયા, તે દિવસથી સેવા કરતો હતો.’
રૂખિયો બોલ્યો, ‘પણ તારે શું જોઈએ?’
એટલામાં તો છોકરો બોલ્યો, ‘વચન આપો તો કરું વાત. નહીં તો સેવા એ જ ખરી છે.’
‘વચનનું તારે શું કરવું છે?’
‘પહેલું આપો વચન તો જ વાત કરું.’
‘લે ત્યારે બેટા વચન. વાચા વાચા, બ્રહ્મ વાચા અમર વાચા. વાચા ચૂકું તો ઊભો સુકાઉં!’
પેલો છોકરો તો રાજી થઈને હસતે મોંઢે બોલ્યો, ‘બાપુજી, આવળનું ફૂલ જોઈએ!’
રૂખિયો બોલ્યો, ‘ઓ…હો…હો…! આવળનું ફૂલ? આવળનું ફૂલ તો બેટા નહીં મળે. એ આપણને કેમ મળે? એ લેવું હોય તો ઘણે પાણીએ (પ્રયત્ને) છે! બીજું ગમે તે માગ. આપણે તેનું શું કામ છે?’
છોકરો કહે, ‘બાપુજી, નહીં આપો તો તમારું વચન ચૂકો! હું તો આ નીકળ્યો!’
બાવો બોલ્યો, ‘બેટા, વચન તો હું નહીં ચૂકું પણ તું અત્યારે રાતમાં ક્યાં જઈશ? આ રહી મઢીની ચાવીઓ, જા મઢીએ. આજની રાત અહીં સૂઈ રહે અને વહેલી સવારે તને હું આવળનું ફૂલ બતાવીશ.’
રૂખિયો તો ધૂણી ઉપર તપ કરવા બેઠો અને પેલો ગયો મઢીએ. રૂખિયો મનમાં વિચાર કરે, ‘તે મઢીમાં જશે અને મઢીમાં તો મારી સુંદર છોકરી છે. તે તેનાથી લલચાશે અને આવળનું ફૂલ ને બુલ બધું ભૂલી જશે.’
છોકરો મઢીએ જઈને તાળાં ખોલે છે. તાળાં ખોલીને અંદર જઈને જુએ છે તો રૂખિયાની કુંવરી, ખાટહંડોિળે બેઠી બેઠી હીંચે છે. તેનું રૂપ જોઈને છોકરાનો તો જીવ ઊડી ગયો. તે નીચે પડે છે એટલામાં તો કુંવરીએ ખાટહંડોિળામાંથી ઊઠીને દોડીને તેને બાથમાં ઘાલ્યો. રાજી થઈને બોલી, ‘વાહ! વાહ! તને તો હું શોધતી હતી. અને મળી ગયો. તારી તો ઘણા દિવસોથી રાહ જોતી હતી.’
ખાઈ-પીને આરામથી ખાટહંડોિળે સૂતાં. છોકરો તો વળી પાછો ફસાયો. પણ કુંવરીને તો જોઈતું હતું એવું જ મળ્યું. પેલાં તો રાતદિવસ ખાય અને મજા કરે. છોકરો તો આનંદમાં ને આનંદમાં આવળનું ફૂલ ભૂલી ગયો અને રૂખિયાને જીવમાં જીવ આવ્યો. પણ એક દિવસ પાછી કુળદેવી સપનામાં આવી અને ઢોલિયાના પાયે ઠોકર મારીને તેણે કહ્યું, ‘હટ મૂરખા! વળી આ શું કરે? આમ કરવા ઘેરથી નીકળ્યો છે?’
છોકરો રાતે ઊંઘમાં દેડકો કૂદે એમ કૂદીને કહેવા લાગ્યો, ‘એ…’લી, સાંભળે? હું તો આ નીકળ્યો.’ આમ કહેતાંમાં તો તે બોલી, ‘એ…’લ્યા, અત્યારે અંધારામાં ક્યાં જઈશ?’ છોકરો બોલ્યો, ‘હું થોડો તારા માટે આવ્યો છું? હું તો રાજા સાથે શરત લઈને આવ્યો છું. હું તો આવળનું ફૂલ લેવા નીકળ્યો છું. હું તને થોડો લેવા આવ્યો છું?’
એટલામાં તો રૂખિયાની કુંવરી બોલી, ‘એ…’લ્યા, તને આવળનું ફૂલ તો અહીંથી જ મળશે.’ છોકરો તો વહેલો ઊઠીને ગયો ધૂણીએ રૂખિયાને તપમાંથી જગાડ્યો અને બોલ્યો, ‘બાપુજી, મને આવળનું ફૂલ આપો.’
બાવો વિચારે, ‘આ તો ખરો ભૂલી ગયો હતો અને વળી યાદ આવ્યું!’ પછી બોલ્યો, ‘બેટા, તારે આવળના ફૂલને શું કરવું છે? મારી પાસે ઘણું ધન છે તે ખાઈપીને અહીં મજા કર.’
છોકરો કહે, ‘મારે ધનમાલ નહીં જોઈએ. મને તો આવળનું ફૂલ જ આપો.’
બાવો બોલ્યો, ‘બેટા, આવળનું ફૂલ લેવું તો ઘણું જ કઠણ છે. ત્યાં તો મૃત્યુનું મુખ છે.’
તે કહે, ‘મરવા તો ઘેરથી નીકળ્યો છું.’
રૂખિયો બોલ્યો, ‘તારે આવળનું ફૂલ લેવું જ હોય તો ઝટ તૈયાર થા. હમણાં ભગવાનના ઘરની પરીઓ આ દરિયામાં નહાવા આવશે. દરિયાકિનારે બધાં કપડાં કાઢીને તેઓ નહાવા પડશે. તેઓ પાણીમાં રમવા લાગે ત્યારે તું બધાં કપડાં લઈને મારી પાસે નાસી આવજે. આ વેળા મારી પાસે નહીં આવી શકે તો પરીઓ તને ભરખી ખાશે. તારાં હાડકાં પણ વીણી ખાશે. તેઓ જાણે નહીં અને કપડાં સંતાડીને આવી ગયો તો તારો બચાવ થશે. તારો વાળ પણ વાંકો નહીં વળે.’
રૂખિયો આટલું બોલ્યો એટલામાં તો આકાશમાં અવાજ આવવા લાગ્યો અને સમડીના વેશમાં ચાર પરીઓ આવતી દેખાઈ. રૂખિયે ઊંચું જોઈને કહ્યું, ‘જો બેટા, એ.. આવે તે ભગવાનની પરીઓ છે! તેઓ જ દરિયામાં નહાવા પડશે. તેમની પાસે જ આવળનું ફૂલ છે.’ સમડીઓના પગ જમીનને અડકતાંમાં જ પેલી તો થઈ ગઈ સ્ત્રીઓ. પછી બધી કુંવરીઓએ હતાં તેટલાં કપડાં કાઢી નાખ્યાં અને નાગીપૂંગી થઈને દરિયામાં નહાવા પડી. પરીઓ તો સંતાકૂકડી રમે અને નહાય. એટલામાં વિધવાનો છોકરો ઘૂંટણે પડી ઘસડાતો ઘસડાતો કપડાં ચોરવા ગયો. તેઓ તો વેશ બદલીને સંતાકૂકડી રમવા લાગી. પહેલી ડૂબી તો પાણી લોહી જેવું લાલ થઈ ગયું. બીજી ડૂબી તો પાણી છાશ જેવું થઈ ગયું. ત્રીજી ડૂબી તો પાણી આકાશે ચડી ગયું. ચોથી ડૂબી તો પાણી પાતાળમાં ગયું. પહેલી ફરીને ડૂબીને પાણી ઉડાડ્યું તો પાણી હતું એવું જ થઈ ગયું. પરીઓ તો ડૂબી ડૂબીને રમવા લાગી. આ વેળાએ પેલા છોકરાએ ખરો ઘાટ જોઈને બધીઓનાં કપડાંનો ગોટો વાળીને ઘૂંટણે પડી ઘસડાતો, મૂઠીઓ વાળીને દોડીને દેરામાં પેસી ગયો. એટલામાં તો પરીઓને ખબર થઈ, તેઓ વાતો કરવા લાગી, ‘એ’લી આપણાં કપડાંને ચોર લાગ્યા!’ પરીઓ તો ઝટ ઝટ પાણીમાંથી બહાર નીકળી. હવે પહેરે શું? તેઓ એક હાથ આગળ અને એક હાથ પાછળ રાખીને ચોરના પગલે પગલે જવા લાગી. રૂખિયે તો છોકરાને મીણની માખ બનાવીને ગજવામાં ઘાલ્યો. તેઓ પગલે પગલે દેરામાં આવીને બાવાને કહેવા લાગી, ‘બાપુજી, ચોર કાઢી આપો, નહીંતર તમે ચોર થાઓ.’
રૂખિયો કહે, ‘બાઈઓ, મારે તમારાં કપડાંનું શું કામ?’
પરીઓ બોલી, ‘ત્યારે અહીંથી ચોર જાય ક્યાં?’
પેલી તો નાગી-પૂંગી ચારે ઊભી રહી. પછી રૂખિયો બોલ્યો, ‘જુઓ, હું કહું તે માનશો?’
તેઓ કહે, ‘માનવા જેવું હશે તો માનીશું.’
‘ત્યારે તમે વચન આપો.’
ચારે વચન આપે, ‘વાચા વાચા, અમર વાચા, વાચા ચૂકું તો ઊભી સુકાઉં.’
પરીઓને ખરી વચનમાં બાંધીને બાવો બોલ્યો, ‘આવળનું ફૂલ જોઈએ, આપો.’
પરી બોલી, ‘અત્યારે તો નહીં આપી શકીએ. પણ કાલે બાર વાગે આપશું.’
પછી બાવાએ તો કપડાં આપ્યાં. પેલી કપડાં પહેરી, ઓઢીને, સમડી થઈને પવન સાથે સ્વર્ગમાં ઊડી ગઈ. પછી પેલા રૂખિયે મીણની માખ ગજવામાંથી કાઢીને પાછો હતો તેવો છોકરો તૈયાર કર્યો. પછી બાવાએ આ છોકરાને બધી વાત કરી.
બીજે દિવસે બપોરે બાર વાગે પરીઓ હમ્મ્મ્, હમ્મ્મ્ કરતી સમડીના વેશમાં દરિયાકિનારે ઊતરવા લાગી. ધરતીએ પગ પડતાંમાં તો પાછી સ્ત્રીઓ થઈ ગઈ. રૂખિયો તો પેલા છોકરાને સમજાવીને તૈયાર કરવા લાગ્યો, ‘પેલી ચાર પરીઓ એટલી સુંદર હશે કે અડધો સૂરજ ઝાંખો થશે. તેઓની વચ્ચે એક થોડું થોડું નાચતી હશે. તેને હાથીના જેવડા દાંત હશે અને સૂપડા જેવા કાન હશે. કાળી ઓઢણી ઓઢી હશે અને લાકડીના ટેકે નાચતી હશે. જઈને તું તેને પકડજે. તું પકડવા જઈશ એટલે સુંદર પરીઓ તને નયનો નચાવતી બોલાવશે. પણ તું કોઈની સામે જોતો નહીં અને કોઈના સાડલા છેડાને પણ અડીશ નહીં. જઈને પેલી ડોસીને જ પકડજે. તો જ તને આવળનું ફૂલ મળશે. બીજી સુંદર પરીને અડકીશ તો જીવથી જઈશ.’ આમ રૂખિયાએ સમજાવ્યો.
પરીઓ દેરાના આંગણામાં આવીને નાચવા લાગી. અડધી પૃથ્વીનું રૂપ ઝીલેલી પરીઓ વાજાં ચડાવીને નાચવા લાગી. છોકરો ખુશ થતો પરીઓ પાસે ગયો. તેની સામે તો સુંદર પરી નયન નચાવે અને એક વળી સાન કરીને નજીક બોલાવે. પેલો છાનોમાનો વર્તુળમાં જગ્યા જોઈને વચ્ચે દાખલ થયો અને ડોસીને જ પકડી. તેને પકડતાં જ કુરૂપ પરી તો હોળીની જ્વાળા જેવી થઈ ગઈ. બીજી બધી પરીઓનું રૂપ તેનામાં આવ્યું. બાકીની બધી પરીઓ તો કાળી મેંશ થઈ ગઈ. બધી બોલી, ‘અમે બધી હારી ને તું જીતી ગયો.’ બધાં ગયાં રૂખિયાની ધૂણીએ. ધૂણીએ આવતાં તો રૂખિયાએ છોકરાના માથે હાથ દીધો અને પછી બોલ્યો, ‘બેટા, હવે તને આવળનું ફૂલ મળી ગયું!‘‘
છોકરો બોલ્યો, ‘ક્યાં છે બાપુજી? આવી આવી તો હું બે વાટમાં મૂકી આવ્યો છું.’
રૂખિયો બોલ્યો, ‘છોકરા, તું તો ગાંડો થયો કે બાવરો? તું હજીયે ભૂલે છે, આ જ આવળનું ફૂલ છે!’
‘ના બાપુજી, હું આને શું કરું? તેને તો તમે જ લઈ લો અને મને આપો આવળનું ફૂલ.’
પરી તો ઊભી ઊભી હસે છે. રૂખિયે તેને કહ્યું, ‘બાઈ, તું આને આવળનું ફૂલ બતાવજે.’
પરી બોલી, ‘બાપુજી, આ રહ્યો કાચા માથાનો મનુષ્ય અવતાર. આ તો સાચાં આવળનાં ફૂલ જોતાંમાં જ મરી જશે.’
રૂખિયો બોલ્યો, ‘બાઈ, આ વેળાએ જે થાય તે સાચું પણ આપણે વચનમાં બંધાયાં છીએ એટલે ફૂલ તો બતાવવું પડશે.’
તેણે મંતર ભણી એક તાળી વગાડી એટલે સોનાની થાળીમાં છાબડીમાં ફૂલ તૈયાર થયાં. છાબડી પરથી ‘ઓસાર’ લેતાં તો બે કલકલતાં ફૂલ! ફૂલમાંથી તેજલિસોટો ઊઠ્યો અને જોતાંમાં તો છોકરો મરી ગયો.. પરી બોલી, ‘બાપુજી, હું તમને નહોતી કહેતી? હવે તમે જીવતો કરો.’
રૂખિયાએ ધૂણીમાંથી કણિયોરની કાંબ અને અમીનો હંસો લઈને છોકરા ઉપર ફેરવ્યો. પેલો તો હસતો હસતો સજીવન થયો અને બોલ્યો, ‘ઓ હો હો! બાપુજી, ફૂલ જોઈને એટલો રાજી થયો કે ઊંઘ આવી ગઈ અને સૂઈ ગયો.’
બધાં હસવાં લાગ્યાં, પછી રૂખિયો બોલ્યો, ‘બેટા, તું ફૂલ જોઈને સૂતો એ તો અમેય જાણ્યું!’
પછી છોકરો બોલ્યો, ‘બાપુજી, હવે મને આવળનું ફૂલ મળી ગયું. હવે તમે બધાં બેસજો અને હું તો જાઉં.’
આમ કહેતાં તો બધી પરીઓ એક બીજાના મુખ સામે જોવા લાગી. પછી આ પરીઓ કહે, ‘બાઈ, જાળવીને જજે અને જાળવીને આવજે. ભીડ પડે તો પોકાર કરજે. તારી ભીડ ભાગવા અમે આવીશું.’ આમ કહીને આના માથા પર હાથ દઈને છૂટી પડી. પછી તેઓ તો સમડીનો વેશ લઈને પવન સાથે સ્વર્ગમાં ઊડી ગઈ. બંને રૂખિયા પાસેથી રજા માગે છે. રૂખિયે બંનેના માથે હાથ દીધો, પછી બોલ્યો, ‘તમને ભીડ પડે તો પોકાર કરજો. હું ભીડ ભાંગવા આવીશ.’ રૂખિયાની ધૂણીથી રૂખિયાની દીકરી, પરી અને છોકરો ત્રણે ચાલી નીકળ્યાં.
સંસારની વાતો કરતાંકરતાં ચાલવા લાગ્યાં. ચાલતાં ચાલતાં રાક્ષસના વનમાં આવ્યાં અને દિવસ આથમવા આવ્યો. એટલામાં રાક્ષસનો મહેલ દેખાયો. આપણે એક વસ્તુ ભૂલીએ. મહેલ દેખાય ત્યાં એક રાક્ષસની દીકરી છે. તેને પણ લેતાં જઈશું.’ આમ કરીને આગળ ચાલવા લાગ્યાં. એટલામાં તો રાક્ષસની દીકરી આમને આવતાં દેખી ગઈ. તે તો મૂઠીઓ વાળી દોડી અને આમની પાસે આવીને કહ્યું, ‘કુશળ છો?’ ‘ત્યારે બાઈ! તું કુશળ છે કે?’
આમ બધાં મળ્યાં. મળીને રાક્ષસની કુંવરી તો ત્રણે જણને આગળ કરીને લઈ ગઈ. મહેલમાં રાક્ષસ પણ ઘેર આવ્યો હતો. બધાંને મળવા બહાર નીકળ્યો. બધાંને જોઈને બોલ્યો, ‘બધાં કુશળ તો ખરાં?’ ‘ત્યારે!’ રાક્ષસ બધાંને મહેલમાં લઈ ગયો. રાક્ષસની કુંવરી તો ઝટ ઝટ લાગી તે પાણી ઊનું મૂકીને ત્રણે જણાંને નવડાવી નાખ્યા. ખાવાનું કરીને ખવડાવ્યું. પછી રાક્ષસ બોલ્યો, ‘દીકરી, બધાંને સુખે સુવાડજે. હું તો મારી બખોલમાં સૂવા જઉં.’ આમ કહીને રાક્ષસ તો બખોલમાં સૂવા ગયો. પેલાં ચાર જણ બેઠાં-સૂતાં. વાતો કરે અને હસે-મશ્કરીઓ કરે. કૂકડે પોતાનું સ્થાન છોડી દીધું. પ્રભાત થયું અને પ્રકાશ આવ્યો. પેલાં બધાં વહેલા ઊઠીને રાક્ષસ પાસે ગયાં. છોકરો રાક્ષસને પગે લાગ્યો, રામ રામ કરીને પછી બોલ્યો, ‘સસરા, ઘણા માનથી બેસજો અને અમે તો આ નીકળ્યાં.’
રાક્ષસ કહે, ‘ના રે જમાઈ દીકરા, તમે ક્યાં જશો, નથી જવું. જવું હોય તો મારી દીકરીને પણ લેતાં જાઓ. મારી અપરાધમાં પડેલી દીકરી પારકે ભલી.’
પછી ત્યાંથી ચારે જણ નીકળ્યાં. તેઓ એક ખંડ મૂકે અને બીજા ખંડમાં જાય. તેઓ તો છોકરાના ગામ નજીક આવવાં લાગ્યાં. નગરી નજીક આવી અને દિવસ આથમી ગયો. રાણી બોલી, ‘રાજા, આપણે હવે થોડી વાર બેસીને વિરામ પામીએ.’
બધાં બેઠાં. પછી પાછાં ઊઠ્યાં, ગામને ગોંદરે આવ્યા. છોકરો કહે, ‘આ મારું ગામ છે.’ પેલી ચાર જણી ત્યાં ખચકાઈ અને બોલી, ‘હવે તું રાજા અને અમે ત્રણ તારી રાણીઓ! આપણે તો મોટા લોક! દિવસ આથમે ગામમાં નહીં પેસીએ. આપણે અહીં સૂઈ રહીએ. વહેલી સવારે વાજતેગાજતે સામૈયાં થશે અને ગામમાં પગ મૂકશું.’ પેલો તો થાંભલો ઊભો રહે તેમ ઊભો રહ્યો અને બોલ્યો, ‘સાચી વાત છે.’ ત્રણે રાણીઓ લાગી તે એક સાડલો પાથર્યો. ત્યાં વળી ગાદલાં શાનાં? રાજા સાડલા ઉપર બેઠો. આખા દિવસનો ચાલી ચાલીને થાકેલો હતો એટલે આડો પડ્યો એવો જ સૂઈ ગયો. પેલી ત્રણેય સૂતી.
‘અઝઝર-વઝઝર’ રાત જાય અને તેઓ તો અડધી રાત થઈ ને પાછી ઊઠી. ઊઠીને વાતો કરવા લાગી. ‘કંઈક નવીનતા કરીએ તો જ આપણે સાચી.’ ભગવાનની પરી બોલી, ‘એક તાળી પાડું તો અહીં સાત માળિયો મહેલ ને ઉપર સોનાનું ઈંડું થઈ જાય.’ બીજી રૂખિયાની દીકરી બોલી, ‘જો હું તાળી પાડું તો મહેલની પાછળ લીલો બાગ થઈ જાય. બાગમાંથી ઝાસી-ઝવલી અને મરવા-મોગરાનાં ફૂલોની સુગંધ આવે. કાળી પાંખોના ભમર ગુંજન કરે અને લીલી પાંખોના સૂડા ઊડે. વચ્ચે તો ઝીલવાનું તળાવ થઈ જાય અને આપણે અને રાજા આનંદ સાથે ઝીલીએ.’
આમ વાતો કરતાં કરતાંમાં તો સાચું, એકે તાળી પાડી તો સાત માળિયો મહેલ ને ઉપર પાછું સોનાનું ઈંડું ચાંદાના અજવાળામાં ‘જળુકા’(તેજના લિસોટા) પાડે. બીજીએ તાળી પાડી તો બાગમાં કોઈએ નહીં જોયા હોય એવાં વૃક્ષ થઈ ગયાં. વચ્ચે પાછું તળાવ ને અંદર પાણી ‘કિલ્લાટા’ કરે. પછી ત્રણેયતો પેલાને ઊંચો કરીને સાતમા માળિયે લઈ ગઈ. પછી સૂઈ ગઈ. રાજા વહેલો ઊઠીને જુએ. તે મનમાં વિચારે, ‘હું તો સપનામાં છું કે શું છે?’ પેલી રાણીઓને જોઈને બધી વાત સમજી ગયો.
વહેલા વાણિયા-બ્રાહ્મણ અઘવા બહાર નીકળ્યા તો અઘ્યા નહીં અઘ્યા ને, હાથમાં લોટા અને આવ્યા તે વાટે પાછા. લોકો દોડતાં રાજાના મહેલે ગયાં અને કહેવાં લાગ્યાં, ‘ફરિયાદ રે ફરિયાદ!’ રાજા દાતણ કરતાં બોલ્યો, ‘સવારમાં કેવી ફરિયાદ?’ લોકો કહેવા લાગ્યાં, ‘ગામને ગોંદરે કોઈક સૂબો જાગ્યો છે તે સાત માળિયો મહેલ બનાવ્યો છે ને ઉપર સોનાનું ઈંડું કંઈ ચળકે! પાછળ કોટ પણ રાતમાં કરી નાખ્યો છે.’
રાજા સિપાહીઓને કહે, ‘ઝટ દોડો. તેને કચેરીમાં હાજર કરો.’ રાજા તો ઝટ ઝટ દાતણ-કોગળા કરીને ઊભો થયો. પગમાં સોનાની મોજડી ને હાથમાં રતન ગેડિયો લઈને કચેરીમાં ગયો. સોનાના સિંહાસન ઉપર બેઠો નહીં બેઠો ને સિપાહી તો દોડતા આવ્યા. પણ રાજાને કંઈ કહી શકે નહીં. પેલા છોકરાને જોઈને રાજા ને પ્રધાન અને બધા દરબારીઓ ઊભા થઈ ગયા.
છોકરો બોલ્યો, ‘રાજા, આવી ગયો આવળનું ફૂલ લઈને.’ રાજાના હુકમ છૂટ્યા. આખી નગરીમાં ઢંઢેરો પીટાવ્યો કે ‘વિધવાનો છોકરો આવળનું ફૂલ લઈને આવ્યો છે. બધાં લોક ગામના ચોકમાં ફૂલ જોવા આવજો. બધાંને ખાવાનું પણ અહીં મળશે. કોઈ ભાંગ્યા પગનું ચકલું પણ ઘેર રહેવું નહીં જોઈએ.’
ઢંઢેરો સાંભળતાં ગામના ચોકમાં તો માનવીઓનો મેળો ભરાઈ ગયો. સિપાઈ લાગ્યા તે બધાં માનવીઓને લાઇનસર બેસાડી દીધાં. ત્રણે રાણીઓ લાગી તે તાળીઓ પાડી પાડીને બત્રીસતેત્રીસ પ્રકારનાં ભોજનિયાં બનાવીને નગરીનાં બધાં લોકોને તેમણે ખવડાવી દીધું. પછી બધાં લોક અને છોકરો અને ત્રણ રાણીઓ રાજાની કચેરીમાં ગયાં. લોકો તો કચેરીમાં ‘ઉર નં પૂર’ ઊમટ્યાં. આખી કચેરી ભરાઈ ગઈ. પછી છોકરાએ ભગવાનની પરીને કહ્યું, ‘રાણી, હવે તું સુંદર સુંદર આવળનાં ફૂલ બનાવી નાખ.’ ભગવાનની પરીએ મંતર બોલીને એક તાળી પાડી તો સોનાની થાળી બની ગઈ. બીજી તાળીએ તો લીલો-પીળો ‘ઓસાર’ છાબડી ઉપર આવી ગયો. ત્રીજી તાળીએ તો છાબડીમાં ગાડાના પૈંડા જેવડાં મોટાં ફૂલ થઈ ગયાં અને અડધાં તો જોઈને જ મરી ગયાં અને અડધાં લોક સૂંઘીને સૂંઘીને મરી ગયાં. રાજા પણ સૂંઘીને મરેલી પ્રજા જોઈને મરી ગયો. હવે તો પેલાં ચાર સિવાય ભાંગ્યા પગનું ચકલું પણ આ કચેરીમાં જીવતું બચ્યું નહીં.
પેલી ત્રણ જણી કણિયોરની કાંબ અને અમીનો હંસો લઈને ઊભી થઈ. એક એકને બેઠાં કરી દીધાં. પછી તો નગરમાં સોળમાં વાજાં વાગવા લાગ્યાં. શેરી-બજારે માળવીઓ ગોળ વહેંચાવા લાગ્યો. રાજા અને છોકરો કચેરીમાં આવ્યા. રાજાએ પોતાના હાથે છોકરાને સોનાના સંહાિસન ઉપર બેસાડ્યો અને પછી જતાં જતાં બોલ્યો, ‘આજથી તું રાજા! જાળવીને રાજ કરજે અને બધી પ્રજાને સુખી રાખજે.’ રાજા છોકરાને રાજપાટ સોંપીને ચાલવા માંડ્યો. આમ રાજા અને છોકરાની હઠ પૂરી થઈ, માતા અને બધાંએ સાથે મળીને ખાધું પીધું ને રાજ કર્યું. વારતા થાય પૂરી. આંબે આવે કેરી પછી આવજો…