ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/વાતાપિ અને ઇલ્વલની કથા
ઘણાં ઘણાં વરસો પહેલાંની વાત. મણિમતિ પુરીમાં ઇલ્વલ નામનો એક રાક્ષસ. તેનો નાનો ભાઈ વાતાપિ. એક દિવસ તે રાક્ષસ કોઈ તપસ્વી ઋષિ પાસે જઈ ચડ્યો. તે બોલ્યો, ‘તમે મને ઇન્દ્ર જેવા એક પુત્રનું વરદાન આપો.’ ઋષિએ તેને એવું કોઈ વરદાન આપ્યું નહીં, એટલે રાક્ષસ તો રાતોપીળો થઈ ગયો. પણ તે ઋષિએ બીજો આશીર્વાદ આપ્યો, ‘તું જે મરેલા પુરુષનું નામ દઈને બોલાવીશ તે જીવતો થઈને તારી પાસે આવશે.’
હવે રાક્ષસ તો એ વાત સાચી પડે છે કે નહીં તે જોવા બેઠો. તેણે પોતાના ભાઈ વાતાપિને બકરો બનાવ્યો, મંત્રીને તે રાંધ્યો, પછી એ જ બ્રાહ્મણને ખવડાવી દીધો. ભોજન પછી ઇલ્વલે પોતાના ભાઈને બૂમ પાડી, ‘વાતાપિ.’ આ બૂમ સાંભળીને વાતાપિ તો પેલા બ્રાહ્મણનું પેટ ફાડીને હસતો હસતો બહાર આવી ગયો. આમ તે પાપી રાક્ષસ દરરોજ બ્રાહ્મણને ભોજન આપીને તેમને મારી નાખવા લાગ્યો.
એક વખત અગસ્ત્ય ઋષિએ જોયું તો તેમના બધા પિતૃઓ અવળા માથે કોઈ ખાડામાં લટકતા હતા. (સરખાવો, આસ્તિક પર્વમાં જરત્કારુ પણ પોતાના પિતૃઓને અવળા માથે લટકતા જુએ છે.) એ જોઈને તેમણે પૂછ્યું, ‘તમારી આવી દશા કેવી રીતે થઈ?’
આ સાંભળી પિતૃઓએ કહ્યું, ‘અમારા સંતાનો નાશ પામ્યા છે, આ કારણે આવી દશા થઈ છે. અગત્સ્ય, અમે તારા પિતૃઓ છીએ, તારે કોઈ પુત્ર નથી એટલે સંતાનપ્રાપ્તિની ઇચ્છાથી આ ખાડામાં લટકીએ છીએ. જો તને પુત્ર નહીં થાય તો આ નરકમાંથી અમારી મુક્તિ નહીં થાય. એટલે તું પુત્રને જન્મ આપ.’
અગત્સ્ય ઋષિ તો હતા સત્યવાદી અને ધર્મનિષ્ઠ. તેમણે પિતૃઓને કહ્યું, ‘હે પિતૃઓ, હું તમારી ઇચ્છા પાર પાડીશ. તમે હવે દુઃખી ન થતા.’ હવે પુત્રને જન્મ કેવી રીતે આપવો? કેવી સ્ત્રી સાથે લગ્ન કરવું? મારા જેવી, મને લાયક કોઈ સ્ત્રી તો મને દેખાતી નથી. એટલે જે જે પ્રાણીના જે જે અંગ ઉત્તમ હતાં તેમાંથી એક ઉત્તમ સ્ત્રી સર્જી. હવે વિદર્ભરાજ પણ સંતાનપ્રાપ્તિ માટે તપ કરતા હતા. એટલે અગસ્ત્ય ઋષિએ એ સ્ત્રી વિદર્ભરાજને આપી દીધી. વીજળી જેવી ચપળ, તેજસ્વી સુંદર મુખ ધરાવતી તે કન્યા રાજાને ઘેર જન્મી અને ધીમે ધીમે મોટી થવા લાગી.
પોતાને ત્યાં પુત્રી જન્મી એટલે વિદર્ભરાજે બધા બ્રાહ્મણોને બોલાવ્યા, બ્રાહ્મણોએ તે કન્યાને આશીર્વાદ આપી તેનું નામ લોપામુદ્રા રાખ્યું. જેવી રીતે પાણીમાં કમલિની મોટી થાય, અગ્નિમાં જ્વાળા મોટી થાય તેમ તે કન્યા પિતાને ત્યાં મોટી થવા લાગી. એમ કરતાં કરતાં તે યુવાવસ્થા પામી, અલંકાર ધારણ કરેલી સો કન્યાઓ અને સો દાસીઓ તેને વીંટળાઈને રહેતી હતી, આકાશમાં જેવી રીતે રોહિણી શોભી ઊઠે તેવી રીતે તે તેજસ્વિની કન્યા દાસીઓ અને કન્યાઓ સાથે શોભવા લાગી. લોપામુદ્રાનું શીલ ઉત્તમ. તે યુવતી બની તોય મહાન ઋષિ અગસ્ત્યના ભયથી કોઈએ તેનું માગું ન કર્યું. એ સત્યવતી કન્યાએ પોતાના રૂપથી અપ્સરાઓને ઝાંખી કરી દીધી; એટલું જ નહીં, પોતાના ચારિત્ર્ય વડે પિતાને તથા બીજા સ્વજનોને ઝાંખા પાડી દીધા. વિદર્ભરાજને હવે ચિંતા થવા માંડી, આ પુત્રીનું લગ્ન કોની સાથે કરું?
હવે અગસ્ત્ય ઋષિએ લોપામુદ્રાને યુવાન થયેલી જાણ્યું, તેઓ વિદર્ભરાજ પાસે જઈને બોલ્યા, ‘પુત્રજન્મની ઇચ્છાથી હું લગ્ન કરવા માગું છું, એટલે તમારી પાસે આવ્યો છું. તમારી પુત્રી લોપામુદ્રા મને આપો.’
મુનિની વાત સાંભળીને રાજા તો મુંઝાઈ ગયા. અગસ્ત્ય ઋષિને ના કેમ પાડવી? અને અગસ્ત્યને પુત્રી આપવી પણ નથી. રાજાએ રાણીને બધી વાત કરી, ‘આ ઋષિ તો ભારે શક્તિવાળા, ક્રોધે ભરાય તો બધાને રાખ કરી દે.’
રાજારાણી આવી રીતે દુઃખી દુઃખી થયા હતા તે જોઈને પુત્રીએ કહ્યું, ‘તમે મારા માટે દુઃખી ન થતા. તમે અગસ્ત્ય ઋષિને હા પાડી દો. એટલે પછી તમને કશો વાંધો નહિ આવે.’
પુત્રીની વાત સાંભળીને રાજાએ વિધિપૂર્વક અગસ્ત્ય ઋષિ સાથે લગ્ન કરી દીધું.
અગસ્ત્ય ઋષિએ પછી લોપામુદ્રાને કહ્યું, ‘તું આ કિંમતી વસ્ત્રો અને અલંકાર ઉતારી નાખ.’
આ સાંભળીને દીર્ઘનેત્રવાળી તથા સુંદર સાથળ ધરાવતી લોપામુદ્રાએ બધાં કિંમતી વસ્ત્રાભૂષણ શરીર પરથી ઉતારી દીધાં. વલ્કલમાંથી બનેલાં વસ્ત્રો લોપામુદ્રાએ પહેર્યાં, હરણનું ચર્મવસ્ત્ર ઓઢ્યું, અને તે કન્યા પતિના જેવી જ બની ગઈ. પછી ઋષિ પત્ની સાથે ગંગાકિનારે જઈ તપ કરવા લાગ્યા. પત્નીને માન આપ્યું, લોપા પ્રસન્ન ચિત્તે તેમની સેવા કરવા લાગી, એવી જ રીતે અગસ્ત્ય પણ તેને ખૂબ પ્રેમ કરતા થયા.
આમ જ સમય પસાર થવા માંડ્યો. એક વાર લોપામુદ્રાને ઋતુકાળ પછી સ્નાન કરેલી જોઈ. પત્નીની સેવા, પવિત્રતા, સંયમ, શોભા, રૂપથી પ્રસન્ન થઈને અગસ્ત્ય ઋષિએ સહવાસની ઇચ્છાથી તેને બોલાવી.
લોપામુદ્રા હાથ જોડીને લજ્જાભાવ સાથે અગસ્ત્ય ઋષિને કહેવા લાગી, ‘પુરુષ સંતાન માટે જ સ્ત્રી સાથે લગ્ન કરે છે, પણ મારા હૃદયમાં તમારા માટે જે પ્રેમ છે તેને પણ તમે સફળ કરી શકો છો. હું મારા પિયરમાં બહુ સુંદર સ્થાને સૂતી હતી. તમે એવા જ સ્થાન અને પથારી પર મારી સાથે સુખ ભોગવો. મારી ઇચ્છા છે, તમે સુંદર આભૂષણો પહેરો, માળા ગળામાં રાખો. હું પણ દિવ્ય આભૂષણો પહેરીને ઇચ્છા થાય તેવી રીતે હરુંફરું.’
અગસ્ત્યે કહ્યું, ‘અરે લોપામુદ્રા, તારા પિતાને ત્યાં જેટલી સંપત્તિ હતી તેટલી મારી પાસે નથી.’
‘તમે તપસ્વી. આખા જગતમાં જેટલી લક્ષ્મી છે તે બધી એ તપના પ્રભાવથી અહીં લાવી શકો.’
‘તારી વાત તો સાચી. પણ એમ કરવાથી મારું તપ ઝાંખું થાય. મારું તપ ઓછું ન થાય એવો કોઈ ઉપાય બતાવ.’
‘હે ઋષિ, હવે મારા ઋતુકાળનો બહુ ઓછો સમય બચ્યો છે, અને બીજી કોઈ રીતે હું તમારી પાસે આવવા માગતી નથી. તમારા ધર્મને નષ્ટ પણ નથી કરવો. એટલે મેં જે કહ્યું છે તે કરો.’
આ સાંભળી અગસ્ત્યે કહ્યું, ‘હવે જો તેં આવો જ નિશ્ચય કરી રાખ્યો હોય તો ભલે. હું ધન લેવા જઉં છું.’
શ્રુતર્વા રાજા પાસે સૌથી વધુ ધન છે એમ માનીને ઋષિ તેમની પાસે ધન માગવા ગયા. રાજાએ જ્યારે જાણ્યું કે અગસ્ત્ય ઋષિ આવી રહ્યા છે ત્યારે મંત્રીઓને લઈને તેમને સત્કારવા ગયા. રાજાએ વિધિપૂર્વક તેમનો સત્કાર કરી આગમનનું કારણ પૂછ્યું.
‘રાજન્, હું તમારી પાસે ધનની ઇચ્છાથી આવ્યો છું. બીજાઓને નુકસાન ન થાય એવી રીતે મને તમારી શક્તિ પ્રમાણે ધન આપો.’ આ સાંભળી રાજાએ પોતાની આવકજાવકનો હિસાબ ધરી દીધો, ‘આમાંથી જે યોગ્ય લાગે તે લઈ જાઓ.’
અગસ્ત્ય ઋષિને રાજાની આવક-જાવક સરખી લાગી, આમાંથી કશું લઈએ તો બીજાઓ દુઃખી થશે. એટલે અગસ્ત્ય શ્રુતર્વા રાજાને લઈને વદય્ય રાજા પાસે ગયા. એ રાજાએ પણ સામે ચાલીને તેમનું સ્વાગત કર્યું. તેમની પૂજા વિધિવત્ કરીને પૂછ્યું, ‘બોલો, તમે મારા ઉપર કૃપા કરી છે, હવે આવવાનું કારણ કહો.’
અગસ્ત્યે કહ્યું, ‘અમે બંને તમારી પાસે ધનની ઇચ્છાથી આવ્યા છીએ. તમારી શક્તિ પ્રમાણે, બીજાને નુકસાન ન થાય એવી રીતે અમને ધન આપો.’
એ રાજાએ પણ આવકજાવકનો બધો હિસાબ બતાવીને કહ્યું, ‘તમારી ઇચ્છા હોય તે આમાંથી લઈ જાઓ.’
અગસ્ત્ય ઋષિ તો તટસ્થ હતા. આવકજાવકના આંકડા સરખા હતા, એમાંથી કશું ધન લેવાય તો બીજા જીવ દુઃખી થાય. એટલે બંને રાજાઓને લઈને અગસ્ત્ય ઋષિ પુરુકુત્સના પુત્ર ત્રસદત્યુ રાજા પાસે ગયા. એ રાજાએ પણ સામે ચાલીને જઈને બધાનો આદરસત્કાર કર્યો, પછી ત્રણેને સાંત્વન આપીને આવવાનું કારણ પૂછ્યું.
અગત્સ્ય ઋષિએ કહ્યું, ‘હે રાજન્, અમે બધા તમારી સાથે ધનની ઇચ્છાથી આવ્યા છીએ. તમારી શક્તિ પ્રમાણે, બીજાઓને નુકસાન ન થાય એ રીતે તમે અમને ધન આપો.’
એ રાજાએ પણ પોતાની આવકજાવક બતાવીને કહ્યું, ‘ હવે તમને જે યોગ્ય લાગે તે પ્રમાણે માગો.’
અગસ્ત્ય ઋષિએ પણ આવકજાવક સરખાં જોઈને વિચાર્યું, ‘આ ધનમાંથી કશું લઈશું તો બીજા જીવોને નુકસાન થશે.’
એ બધા રાજા એકબીજાની સામે જોવા લાગ્યા. પછી અગસ્ત્ય ઋષિને કહ્યું, ‘આ ધરતી પર ઇલ્વલ નામનો રાક્ષસ ધનવાન છે. ચાલો, તેની પાસે જઇને ધન માગીએ.’
આમ ઇલ્વલ પાસે ગયા વિના કોઈ રીતે ધન મળી શકતું ન હતું, એટલે પછી બધા ઇલ્વલ રાક્ષસ પાસે ગયા. ઇલ્વલે તેમના આગમનના સમાચાર સાંભળીને પોતાના મંત્રીઓને લઈને તે બધાનો આદરસત્કાર કરવા ગયો. પછી તે બધાને જમાડવા માટે પોતાના ભાઈ વાતાપિને રાંધ્યો. આ ત્રણે રાજાઓ બકરાના રૂપે વાતાપિને રાંધેલો જોઈ બેહોશ થઈ ગયા. પછી અગસ્ત્યે તે રાજાઓને કહ્યું, ‘તમે કશી ચિંતા ન કરતા. હું આ રાક્ષસને ખાઈ જઈશ.’
પછી અગસ્ત્ય પ્રધાન આસન પર બેઠા, ઇલ્વલ હસતાં હસતાં તેમને ભોજન પીરસવા લાગ્યો. અગસ્ત્ય એકલા જ વાતાપિના માંસને ખાઈ ગયા. પછી ઇલ્વલે વાતાપિના નામની બૂમ પાડી. મહાત્મા અગસ્ત્યને વાછૂટ થઈ. પોતાના ભાઈને પચી ગયેલો જોઈ ઇલ્વલ બહુ ગભરાઈ ગયો. ત્યારે હાથ જોડીને તે રાક્ષસ બોલ્યો, ‘બોલો, તમે શા માટે આવ્યા છો? હું તમારી શી સેવા કરું?’
એટલે અગસ્ત્ય ઋષિએ હસતાં હસતાં કહ્યું, ‘અમે તો તને ધનેશ્વર કુબેર માનીએ છીએ. આ ત્રણે રાજા એવા ધનવાન નથી. મારે ધનની બહુ જરૂર છે. તું તારી શક્તિ પ્રમાણે, બીજાઓને દુઃખ ન પહોંચે એ રીતે અમને ધન આપ.’
આ સાંભળી અગસ્ત્યને ઇલ્વલે કહ્યું, ‘તમારે કેટલું ધન જોઈએ છે એ મને કહો તો હું તમને આપું.’
અગસ્ત્ય ઋષિ બોલ્યા, ‘તારા મનમાં દરેક રાજાને દસ હજાર ગાય અને એટલું જ સોનું આપવાની ઇચ્છા છે. તેં મનમાં આ બધાથી બમણું ધન, એક સોનાનો રથ, મનોવેગી બે ઘોડા આપવાનો વિચાર કર્યો છે. એ તપાસ કર કે એ રથ સોનાનો છે કે નહીં.’
એ રથ સોનાનો હતો. પછી રાક્ષસ બહુ ગભરાયો અને તેણે માગ્યાથી પણ વધારે ધન અગસ્ત્યને આપ્યું. આ બધું ધન-ઘોડા લઈને બધા અગસ્ત્ય ઋષિના આશ્રમે ગયા. પછી રાજાઓ પોતપોતાના નગરમાં ગયા. ધન વડે ઋષિએ લોપામુદ્રાની બધી ઇચ્છા પૂરી કરી.
‘તમે મારી બધી ઇચ્છા પૂરી કરી છે. હવે તમે એક પરાક્રમી પુત્ર આપો.’
અગસ્ત્યે કહ્યું, ‘હું તારા ચારિત્ર્યથી બહુ ખુશ છું. પુત્રની બાબતમાં મારો વિચાર સાંભળ. બોલ, તારે કેટલા પુત્ર જોઈએ છે? હજાર? દસ જેવા સો? કે સો સમાન દસ કે હજાર જેવો એક?’
લોપાએ કહ્યું, ‘મારે એક જ પુત્ર જોઈએ છે. હજાર ખરાબ પુત્ર કરતાં એક પુત્ર સારો.’
અગસ્ત્ય ઋષિએ તેની વાત સ્વીકારીને તેની સાથે સહવાસ કર્યો. લોપા સગર્ભા થઈ. અગસ્ત્ય વનમાં જતા રહ્યા, પછી લોપાએ સાત વરસ ગર્ભ ટકાવ્યો. પછી અગ્નિ જેવો તેજસ્વી દૃઢસ્યુ નામનો પુત્ર જન્મ્યો. તે જન્મથી જ વેદ-વેદાંગ ભણવા લાગ્યો. બાળક હતો ત્યારથી તેણે પિતાને ત્યાં ઇંધણની જવાબદારી ઊપાડી હતી, એટલે તેનું નામ ઈધમ્વાહ પડ્યું. આવા ઉત્તમ પુત્રને જોઈને ઋષિ આનંદ પામ્યા, તેમના પિતૃઓનો પણ ઉદ્ધાર થયો.’
(આદિ પર્વ, ૯૪થી ૯૭)