ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/સુકન્યા અને ચ્યવન ઋષિની કથા
મહર્ષિ ભૃગુના પુત્ર ચ્યવન હતા, તેમણે સરોવર કાંઠે મહાતપ કર્યું હતું. મહાતેજસ્વી ચ્યવન એક જ સ્થલે તપ કરતા કરતા ઘણા સમય સુધી વીર સ્થાન પર બેઠા રહ્યા, તેને લીધે તે થાંભલા જેવા થઈ ગયા. લતાઓથી તેમનું શરીર ઢંકાઈ ગયું અને લાંબા સમયે પિપીલિકા (કીડી — ઊધઈ)એ તેમના શરીર પર રાફડો બનાવ્યો. રાફડાથી ઢંકાયેલા તે મહાત્મા માટીના પિંડ જેવા દેખાતા હતા, રાફડાથી વીંટળાયેલા હોવા છતાં તેમણે તપ ચાલુ રાખ્યું હતું. ઘણા સમયે શર્યાતિ નામના રાજા તે રમ્ય અને ઉત્તમ સરોવર આગળ વિહાર કરવા આવ્યા. રાજા શર્યાતિની સાથે ચાર હજાર સ્ત્રીઓ હતી અને તેમને શુભ્ર સુકન્યા નામની એકની એક પુત્રી હતી. ઉત્તમ આભૂષણો પહેરેલી અને સખીઓથી વીંટળાયેલી સુકન્યા ફરતાં ફરતાં ભાર્ગવના રાફડા પાસે આવી. ત્યાં મનોરમ ભૂમિને જોઈને વનસ્પતિને ચૂંટતી સખીઓ સાથે તે વિહાર કરવા લાગી. રૂપ, અવસ્થા, મદ અને મદન (કામદેવ)થી છલકાતી તે કન્યાએ પુષ્પોવાળાં વનવૃક્ષોની અનેક શાખાઓ તોડી, સખીઓ વિનાની, એકાંતમાં ભમનારી, એકવસ્ત્રા તે સુકન્યાને બુદ્ધિમાન ભાર્ગવે (ચ્યવને) વીજળીના જેવી ઘૂમતી જોઈ. મહા તેજસ્વી, તપોબળવાળા, સુકાઈ ગયેલા કંઠવાળા તે બ્રહ્મર્ષિ નિર્જન વનમાં તેને જોઈને આનંદિત થયા, તેમણે તે કલ્યાણીને કશુંક કહ્યું પણ સુકન્યાએ તે સાંભળ્યું નહીં. ત્યાર પછી રાફડામાં ભાર્ગવની આંખો જોઈ, બુદ્ધિમોહથી સુકન્યાએ કુતૂહલવશ ચ્યવન ઋષિની આંખોમાં ‘આ શું છે?’ એમ કહી કાંટો ભોંકી દીધો, એને કારણે તેમની આંખો ફૂટી ગઈ, એને કારણે ઋષિ પુષ્કળ ક્રોધે ભરાયા, રાજી શર્યાતિની સેનાના ઝાડોપેશાબ બંધ કરી દીધા. સેનાના ઝાડોપેશાબ બંધ થઈ ગયા એટલે સૈનિકો ગભરાયા, રાજાએ સેનાની આ સ્થિતિ જોઈને પૂછ્યું, ‘તપસ્વી વૃદ્ધ અને વિશેષ કરીને ક્રોધી મહાત્મા ભાર્ગવનો અપરાધ કોણે કર્યો છે? એ અપરાધ જાણી જોઈને કર્યો હોય કે અજાણતાં તે તરત જ કહે.’
સૈનિકોએ કહ્યું, ‘કોણે અપરાધ કર્યો છે તે અમે જાણતા નથી.’
ત્યારે સૈનિકો તથા પોતાના પિતાને રોગથી દુઃખી થયેલા જોઈને સુકન્યા બોલી, ‘વનમાં ઘૂમતાં ઘૂમતાં રાફડામાં ચમકતું કશુંક મેં જોયું હતું, મેં તેને ખદ્યોત (આગિયો) માનીને પાસે જઈ વીંધી દીધો.’
સુકન્યાની વાત સાંભળીને શર્યાતિ તરત જ રાફડા પાસે ગયા, ત્યાં તપોરત અને વયોવૃદ્ધ ભાર્ગવને જોયા. સેનાના દુઃખનિવારણ માટે હાથ જોડીને પ્રાર્થના કરી, ‘મારી કન્યાએ અજ્ઞાનવશ તમારો અપરાધ કર્યો છે, તેને ક્ષમા કરો.’
ભાર્ગવે રાજીને કહ્યું, ‘હે રાજન, રૂપ અને ઉદારતાથી સંપન્ન, લોભ અને મોહથી બળપૂર્વક આકર્ષાયેલી તમારી કન્યાને પામીને જ તેને ક્ષમા કરીશ, હે મહીપાલ (પૃથ્વીપતિ) હું તમને સત્ય કહું છું.’ ઋષિનાં વચન સાંભળી શર્યાતિએ બીજો કશો વિચાર કર્યા વિના મહાત્મા ચ્યવનને પોતાની દુહિતા (પુત્રી) આપી દીધી. તે કન્યાને સ્વીકારી ચ્યવને પોતાનો ક્રોધ સમાવ્યો અને એમની કૃપા પામીને રાજા પોતાની સેના સાથે નગરમાં ગયા.
અનિંદિતા સુકન્યા તપસ્વી પતિને પામીને પ્રેમપૂર્વક અને તપ તથા નિયમમાં સ્થિર રહીને તેમની સેવા કરવા લાગી. ઈર્ષ્યા ન કરનારી, સુંદર મુખવાળી સુકન્યાએ અગ્નિ તથા અતિથિઓની સેવા કરતાં કરતાં ચ્યવન મુનિને બહુ જલદી પ્રસન્ન કરી દીધા.
કોઈ એક સમયે અશ્વિનીકુમારોએ સ્નાન કરતી વસ્ત્રહીન સુકન્યાને જોઈ. દેવરાજની પુત્રી સમી દર્શનીય કાયાવાળી સુકન્યાને જોઈ, તેની પાસે જઈને અશ્વિનીકુમારોએ કહ્યું, ‘હે શોભના, સુંદર સાથળવાળી, તું કોની સ્ત્રી છે, આ વનમાં શું કરે છે તે અમારે જાણવું છે, તું અમને બધું કહે.’
સુકન્યાએ લજજા સાથે તે શ્રેષ્ઠ દેવોને કહ્યું, ‘હું રાજા શર્યાતિની પુત્રી છું, અને ચ્યવન ઋષિની પત્ની છું.’
અશ્વિનીકુમારોએ હસતાં હસતાં ફરી કહ્યું, ‘પિતાએ આ વૃદ્ધની સાથે તારું લગ્ન કેવી રીતે કર્યું? હે ભામિની, આ વનમાં તું વાદળોમાં વીજળીની જેમ શોભી રહી છે, તારા જેવી રૂપવાન સ્ત્રી દેવોમાં પણ અમે જોઈ નથી. હે અનવદ્ય અંગોવાળી, બધાં જ અલંકારો ધારણ કરેલી, ઉત્તમ વસ્ત્ર પહેરેલી એવી તું જે રીતે શોભે છે તેવી રીતે કમળ પણ શોભતું નથી, હે કલ્યાણી, આટલી સુંદર હોવા છતાં તું શા માટે આવા વૃદ્ધ પતિની સેવા કરે છે, તે તો તારી સાથે કામભોગ પણ કરી શકે એમ નથી. હે શુચિસ્મિતા, તે તારી રક્ષા કરવામાં, તારું પાલનપોષણ કરવાને પણ અસમર્થ છે. તું ચ્યવનને ત્યજીને અમારા બેમાંથી એકને પસંદ કર. દેવકન્યા સમાન તેજસ્વી સુકન્યા, પતિ માટે આ યૌવન ન વેડફી નાખ.’
આવું વચન સાંભળી સુકન્યાએ તેમને કહ્યું, ‘હું પતિ ચ્યવનને ચાહું છું, આવી શંકા ન કરો.’
ત્યારે અશ્વિનીકુમારોએ કહ્યું, ‘અમે દેવોના શ્રેષ્ઠ વૈદ્ય છીએ, તારા પતિને રૂપસંપન્ન અને યુવાન બનાવી દઈશું. ત્યાર પછી ચ્યવનને કે અમારા બેમાંથી એકને પતિ તરીકે પસંદ કરજે. હે સુંદર મુખવાળી, હવે તું તારા પતિને જલદી બોલાવ.’ તેમની વાત સાંભળીને સુકન્યા ભાર્ગવ પાસે ગઈ અને જે વાતો સાંભળી હતી તે ભૃગુપુત્રને કરી.
ચ્યવને તે સાંભળીને પત્નીને ક્હ્યું, ‘તેઓ જેમ કહે છે તેમ કર.’
આમ પતિની આજ્ઞા મેળવીને તેણે અશ્વિનીકુમારોને તેમ કરવા કહ્યું, ‘એમ જ કરો’ એવું સુકન્યાનું વચન સાંભળીને અશ્વિનીકુમારો રાજપુત્રીને કહેવા લાગ્યા, ‘આ તળાવમાં સ્નાન કરવા ચ્યવન ઋષિને કહે, રૂપ પામવાની ઇચ્છાથી ચ્યવન ઋષિએ તળાવમાં ડૂબકી મારી, અને અશ્વિનીકુમારોએ પણ ડૂબકી મારી. એક મુહૂર્ત પછી ત્રણ દિવ્યરૂપધારી યુવાન ઉત્કૃષ્ટ કુંડળ પહેરીને એક સરખા રૂપવાળા, મનની પ્રસન્નતા વધારનારા તળાવમાંથી બહાર આવ્યા. તે ત્રણેએ ભેગા થઈને કહ્યું, ‘હે ઉત્તમ વર્ણવાળી, હે સુશોભના, હે ભદ્રા, અમારા ત્રણમાંથી એકને પતિ તરીકે સ્વીકાર. જેના ઉપર તારી પ્રીતિ હોય તે પસંદ કર.’
દેવી સુકન્યાએ બધાને એક સરખા રૂપ અને એક સરખી અવસ્થાવાળા જોઈને પણ મન તથા બુદ્ધિ વડે વિચારીને પોતાના પતિને જ પસંદ કર્યા. ચ્યવન ઋષિ મનોવાંછિત રૂપ, યૌવન અને સ્ત્રી પામીને બહુ પ્રસન્ન થયા અને મહાતેજસ્વી ઋષિએ અશ્વિનીકુમારોને કહ્યું, ‘હું વૃદ્ધ હોવા છતાં મને રૂપ આપ્યું, યૌવન આપ્યું અને આ ભાર્યાની પણ પ્રાપ્તિ થઈ. હું પણ પ્રસન્નતાપૂર્વક દેવરાજ ઇન્દ્ર સમક્ષ તમને સોમપાનના અધિકારી બનાવીશ. આ હું સત્ય કહું છું.’
ચ્યવન ઋષિનું વચન સાંભળીને બંને દેવ પ્રસન્ન ચિત્તે સ્વર્ગમાં ગયા અને ચ્યવન તથા સુકન્યા દેવોની જેમ આનંદપૂર્વક વિહાર કરવા લાગ્યા.
શર્યાતિએ સાંભળ્યું કે ચ્યવન ઋષિ રૂપ અને યૌવન પામ્યા છે ત્યારે તે પ્રસન્ન થઈ સેના લઈને ભાર્ગવના આશ્રમે આવ્યા. ચ્યવન અને સુકન્યાને દેવસંતાન જેવાં જોઈને જાણે સંપૂર્ણ ભૂમિ પ્રાપ્ત થઈ ગઈ ન હોય તેમ આનંદિત થઈને ત્યાં વિહરવા લાગ્યા. રાજા પત્નીની સાથે ઋષિનો આદર પામીને અનેક પ્રકારની કથાઓ સાંભળતાં સાંભળતાં થોડો સમય ત્યાં રહ્યા. એક દિવસ ભાર્ગવ રાજાને સાંત્વન આપતાં કહેવા લાગ્યા, ‘હે રાજન, તમે સામગ્રી તૈયાર કરાવો, હું તમને યજ્ઞ કરાવીશ.’
રાજા શર્યાતિએ પ્રસન્ન ચિત્તે ચ્યવનનું વાક્ય સ્વીકારી લીધું. શુભદિને યજ્ઞની સામગ્રી એકઠી કરીને રાજા શર્યાતિએ એક ઉત્તમ યજ્ઞ મંડપ બનાવડાવ્યો. ભૃગુપુત્ર ચ્યવને રાજા શર્યાતિ પાસે યજ્ઞનો આરંભ કરાવ્યો. તે યજ્ઞમાં એક અચરજભરી ઘટના જોવા મળી. ચ્યવન ઋષિએ અશ્વિનીકુમારોને સોમ આપ્યો, ત્યારે ઇન્દ્રે ચ્યવન ઋષિને સોમ આપતાં અટકાવ્યા. ઇન્દ્રે કહ્યું, ‘આ બંને સ્વર્ગમાં દેવતાઓની દવા કરે છે. તેઓ પોતાનાં કર્મ પ્રમાણે સોમપાન માટે સુપાત્ર નથી એમ હું માનું છું.’
ચ્યવન બોલ્યા, ‘હે ઇન્દ્ર, આ બંને મહાત્મા રૂપવાન છે, ગુણવાન, દ્રવ્યવાન છે. તેમણે મને દેવતાઓ જેવા યુવાન બનાવ્યો છે. એટલે ઇન્દ્ર, તેમનું અપમાન ન કરો. હે પુરંદર(ઇન્દ્ર) તમે અને બીજા દેવતાઓને જ કેમ યજ્ઞભાગ મળે? આ અશ્વિનીકુમારોને પણ તમે દેવ જ માનો.’
ઇન્દ્રે કહ્યું, ‘આ બંને ચિકિત્સકો છે, કર્મ કરનારા છે, ઇચ્છાનુસાર રૂપ બદલીને મૃત્યુલોકમાં ઘૂમનારા છે, તેઓ કઈ રીતે સોમના અધિકારી?’
ઇન્દ્ર આ વાત બીજી વાર કહેવા માગતા હતા, ત્યારે ભાર્ગવે ઇન્દ્રનો અનાદર કરીને અશ્વિનીકુમારોને સોમરસ આપ્યો. અશ્વિનીકુમારોને સોમરસ લેતા જોઈ વલનાશક ઇન્દ્રે કહ્યું, ‘જો તમે જાતે આ બંનેને સોમ આપશો તો તમારી ઉપર અત્યંત ઘોર વજ્ર ઉગામીશ.’
આવું સાંભળવા છતાં હસતાં હસતાં અને ઇન્દ્રની સામે જોઈને ભાર્ગવે અશ્વિનીકુમારોને વિધિવત્ ઉત્તમ સોમરસ આપ્યો. ત્યારે શચીપતિએ (ઇન્દ્રે) ઋષિ ઉપર ઘોર વજ્ર ઉગામ્યું, ઋષિએ પ્રહાર કરતા ઇન્દ્રના હાથને સ્તંભિત કરી દીધો. તેના હાથને સ્તંભિત કરીને મહા તેજસ્વી ચ્યવન મંત્રથી અગ્નિ પ્રજ્વલિત કરીને ઇન્દ્રને મારવા માટે કૃત્યા ઉત્પન્ન કરવા અગ્નિમાં હવન કરવા લાગ્યા. તે ઋષિના તપ અને બળને કારણે યજ્ઞકુંડમાંથી મહાકાય, મહાપરાક્રમી મદ નામનો મહાઅસુર કૃત્યા રૂપે પ્રગટ્યો. તેના શરીરનું વર્ણન કરવા સુર અને અસુર અશક્ત હતા. આગળ નીકળેલી તીક્ષ્ણ દાઢોને કારણે તેનું મોં મહા ભયંકર દેખાતું હતું. તેનો એક હોઠ પૃથ્વી પર અને બીજો હોઠ આકાશ સુધી ફેલાયેલો હતો. તેની ચાર દાઢ સો સો યોજન લાંબી હતી, બીજા દાંત દસ દસ યોજનના હતા. તેમનો આકાર પ્રાકાર જેવો અને શૂળના આગલા ભાગ જેવો હતો. તેની બંને ભુજા પર્વત જેવી વિશાળ અને મોટી હતી, તે દસ હજાર યોજન લાંબી હતી. નેત્ર સૂર્યચંદ્ર જેવાં હતાં અને મુખ યમ જેવું હતું. વીજળી જેવી ચંચલ જીભે પોતાનું મોં ચાટતો હતો. તેને જોઈને એમ જ લાગતું હતું કે તે જગતને ચાટી જશે. તેનું મોં ફાટેલંુ હતું અને દૃષ્ટિ ભયાનક હતી. તે રાક્ષસ અત્યંત ક્રોધે ભરાઈને ભયંકર ગર્જના કરતો, લોકોને બીવડાવતો ઇન્દ્રને ખાવા તેની તરફ દોડ્યો.
તે ભયાનક મોંવાળા મદ રાક્ષસને મોં પહોળું કરીને ખાઈ જવાની ઇચ્છાથી આવતો જોઈ ઇન્દ્ર ભયથી આકળવિકળ થઈ ગયા, ભયને કારણે તેમના હાથ જડ થઈ ગયા. તે પોતાના મોંને અંદરથી ચાટવા લાગ્યા. ત્યારે ભયભીત ઇન્દ્ર ચ્યવન ઋષિને કહેવા લાગ્યા. ‘હે ભાર્ગવ, આજથી આ બંને અશ્વિનીકુમારો સોમરસના અધિકારી બન્યા. આ મારું વચન સત્ય છે. હું તમને કહી રહ્યો છું. વિધિવત્ આરંભેલા યજ્ઞનો સમારંભ મિથ્યા નહીં નીવડે. હું જાણું છું કે તમારું વચન કદી મિથ્યા નહીં થાય. આજે તમે આ અશ્વિનીકુમારોને યજ્ઞભાગને પાત્ર બનાવ્યા, એટલે હે ભાર્ગવ, આ કાર્યથી તમારો પ્રતાપ હજુ વધારે પ્રકાશશે. આ સુકન્યાના પિતાની કીર્તિ જગતમાં ફેલાય, એટલે મેં તમારા પ્રતાપને પ્રગટાવવા આ કર્યું છે. હે ભૃગુનંદન, મારા પર કૃપા કરો. તમે જેવું ઇચ્છશો તેવું જ થશે.’
ઇન્દ્રની આવી વાત સાંભળીને મહાત્મા ચ્યવનનો ક્રોધ તરત જ શમી ગયો અને મદ રાક્ષસે ઇન્દ્રને છોડી દીધા. ત્યારે વીર્યવાન ચ્યવનને તે મદના ભાગ કર્યા. તે મદ્યપાનમાં, સ્ત્રીઓમાં, જુગારમાં અને શિકારમાં જઈ વસ્યો. આ પ્રકારે મદને વહેંચીને ચ્યવને સોમરસથી ઇન્દ્રને, અશ્વિનીકુમારોને તથા બીજા દેવતાઓને તૃપ્ત કરી રાજાનો યજ્ઞ સંપન્ન કર્યો. આ રીતે બોલનારાઓમાં શ્રેષ્ઠ ઋષિએ પોતાનો યશ જગતમાં ફેલાવ્યો અને પતિમાં અનુરાગ ધરાવતી સુકન્યા સાથે વનમાં તે વિહાર કરવા લાગ્યા.
(આરણ્યક પર્વ, ૧૨૨થી ૧૨૫)