ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/માંધાતાની કથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માંધાતાની કથા

ઇક્ષ્વાકુ વંશમાં યુવનાશ્વ નામના રાજા. અઢળક દક્ષિણાઓવાળા યજ્ઞ તેમણે કર્યા. ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ તે રાજાએ હજાર અશ્વમેધ યજ્ઞ કર્યા, બીજા પણ જાતજાતના યજ્ઞ કર્યા. આ રાજાને એકે પુત્ર નહીં; એટલે વ્રતશીલ એ રાજા મંત્રીઓને રાજ સોંપીને વનમાં ગયા. પોતાને પોતાના આત્મામાં લીન કરીને તેઓ તપ કરવા લાગ્યા. એક વાર રાજાને તરસ લાગી એટલે તે પાણી પીવા ભૃગુ ઋષિના આશ્રમમાં ગયા. તે રાતે ભૃગુ ઋષિએ સૌદ્યુમ્ન રાજા માટે પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો હતો. મંત્રથી પવિત્ર કરેલો અને જે પીવાથી રાજરાણીને ઇન્દ્ર જેવો પુત્ર જન્મે એટલા માટે પાણીનો કળશ ત્યાં પહેલેથી મૂકી રાખ્યો હતો. યજ્ઞવેદી ઉપર તે કળશ મૂકીને ઋષિ રાતે જાગરણથી થાકીને સૂઈ ગયા હતા, સૌદ્યુમ્ન રાજા પણ થોડે દૂર સૂઈ ગયા હતા. યુવનાશ્વ રાજાનું ગળું સુકાતું હતું, પાણીની ખૂબ જ તરસ તેમને લાગી હતી એટલે થાક્યાપાક્યા રાજાએ આશ્રમમાં જઈને પાણી માગ્યું, રાજાનો અવાજ સાવ આછો હતો, થાકી ગયેલા લોકોએ તેમની વાત ન સાંભળી. ત્યાં અચાનક રાજાની નજર પાણીથી ભરેલા કળશ પર પડી અને પીવાય તેટલું પાણી પીધું, બાકીનું ઢોળી દીધું. તરસ્યા રાજાને તે ઠંડા પાણીથી રાહત થઈ અને તેને આનંદ થયો. પછી બધાએ સવારે ઊઠીને જોયું તો પાણી ભરેલો કળશ ખાલીખમ્મ હતો. બધાએ લોકોને પૂછ્યું, ‘આ પાણી કોણે ખાલી કર્યું?’

યુવનાશ્વ રાજાએ સાચી વાત કહી દીધી. ત્યારે ઋષિએ કહ્યું, ‘આ તમે ખોટું કર્યું. પુત્રપ્રાપ્તિ માટે આ પાણી અહીં મૂક્યું હતું અને તે મંત્રેલું હતું. મેં ઘોર તપ કરીને પુત્રપ્રાપ્તિ માટે આ પાણી મૂક્યું હતું. એટલે હે રાજા, તમને મહા બળવાન, પરાક્રમી પુત્ર થશે, તે એવો શક્તિશાળી હશે કે ઇન્દ્રને પણ યમલોક પહોંચાડી શકશે, મેં તો આ પાણી મંત્રીને રાખેલું, એ પાણી પીવાથી બહુ ખોટું થયું છે. હું મારું તપોબળ મિથ્યા તો નહીં કરી શકું, આજે તો ભાગ્યવશ આવું થઈ ગયું છે. મારા તપ અને શક્તિથી, તથા વિધિવિધાનવાળું અને મંત્રેલું પાણી તમે પી ગયા એટલે તમને ઇન્દ્ર જેવો પરાક્રમી પુત્ર જન્મશે.’

સો વર્ષ પૂરાં થયાં એટલે રાજા યુવનાશ્વની ડાબી કૂખ ફાડીને બીજા સૂર્ય જેવો પુત્ર પ્રગટ્યો. આમ છતાં રાજાનું મૃત્યુ થયું નહીં. દેવરાજ ઇન્દ્ર તે પુત્રને જોવા આવ્યા અને ઇન્દ્રે પોતાની તર્જની એ બાળકના મોંમાં નાખી, તે બાળકને ઇન્દ્રે કહ્યું, ‘માં અયં ધાતા’ એટલે આ મને ધાવશે. અને ઇન્દ્રે તથા દેવતાઓએ એ બાળકનું નામ માંધાતા પાડ્યું. ઇન્દ્રની તર્જની ચૂસી ચૂસીને એ બાળક મોટો થવા લાગ્યો. તે ધ્યાન ધરે અને તેની આગળ ધનુવિર્દ્યા, વેદવિદ્યા તથા બધાં દિવ્ય અસ્ત્ર આવી જતાં હતાં. ધનુષ-બાણ, કવચ, પણ વશ કર્યા હતા તેવી રીતે માંધાતા રાજાને પોતાના પરાક્રમથી ત્રણે લોક, અનેક પ્રકારનાં રત્ન સ્વયંભૂ પ્રાપ્ત થઈ જતાં હતાં. તેનું રાજ્ય ધનધાન્યથી ભરેલું હતું. પુષ્કળ દક્ષિણાઓવાળા યજ્ઞ તેમણે કર્યા. યજ્ઞ કરવાથી મળેલાં પુણ્ય વડે આ તેજસ્વી રાજાએ અડધું સિંહાસન મેળવ્યું હતું. નિત્ય ધર્મનું આચરણ કરનારા આ રાજાએ આજ્ઞા આપીને સમુદ્ર અને અનેક નગરો સાથે આખી પૃથ્વી એક જ દિવસમાં જીતી લીધી હતી. યજ્ઞના મંડપોથી આખી પૃથ્વી ભરચક થઈ ગઈ હતી, ક્યાંય ખાલી જગા દેખાતી ન હતી. એક વેળા તેમના રાજ્યમાં બાર વરસ સુધી વરસાદ ન પડ્યો ત્યારે તે મહાત્માએ ધાન્ય પાકે એટલા માટે ઇન્દ્રની સામે જ વરસાદ વરસાવ્યો હતો.

આ માંધાતાએ ચંદ્રવંશી, ભારે પરાક્રમી ગાંધાર દેશના રાજાને તીણાં બાણોથી માર્યો હતો. ચારે પ્રકારની પ્રજાની રક્ષા તેમણે કરી હતી, પોતાના તપોબળથી ત્રણે લોકોને સ્થિર કરી ટકાવ્યા હતા.


(આરણ્યક પર્વ, ૧૨૬)