ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/કબૂતર અને કબૂતરીની કથા

From Ekatra Wiki
Revision as of 10:41, 27 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


કબૂતર અને કબૂતરીની કથા

કોઈ એક સ્થળે યમરાજ જેવા વિકટ રૂપવાળો ઘોર પાપી પક્ષીલોભી નિષાદ ભ્રમણ કરતો હતો. તેનું શરીર કાકોલ જેવું કાળું હતું, તે દયાહીન, પાપી હતો; તેની કમર પાતળી, ગરદન કૃશ, પગ નાના અને હડપચી લાંબી હતી. તે ઘોર કર્મ કરતો હતો એટલે તેને કોઈ સુહૃદ, સંબંધી, બાંધવ ન હતા, બધાએ તેનો ત્યાગ કર્યો હતો. આ નિષાદ જાળ હાથમાં રાખીને વનમાં સદા પક્ષીઓને મારીને તેમને વેચતો હતો. આ દુષ્ટાત્માએ આ વ્યવસાયમાં ઘણો સમય વીતાવ્યો, પોતાના કાર્યથી જે અધર્મ થતો હતો તેને તે જાણી ન શક્યો. તે આમ ભાર્યાની સાથે વિહાર કરતો સમય વીતાવતો હતો, દૈવયોગે મૂઢતાને કારણે બીજા કોઈ કામધંધામાં જવાની તેને વૃત્તિ ન થઈ.

એક વખત તે વનમાં ઘૂમી રહ્યો હતો ત્યારે ચારેકોરથી પ્રચંડ આંધી આવી, પવનનો વેગ વૃક્ષોને ઉખાડી પાડવા માગતો હોય તેવો લાગ્યો. જેવી રીતે સમુદ્ર નૌકાઓથી પરિપૂર્ણ હોય છે તેવી રીતે આકાશ મુહૂર્ત માત્રમાં વાદળ અને વીજળીથી છવાઈ ગયું. ખૂબ જ રાજી થયેલા ઇન્દ્રે જળધારાઓ વડે ક્ષણવારમાં વસુંધરાને સલિલ(પાણી)થી છલકાવી દીધી. ત્યારે તે નિષાદ ચેતનારહિત થઈને અને ઠંડીથી ધ્રૂજતો વ્યાકુળ ચિત્તે વનમાં ભટકવા લાગ્યો, તેને ઊંચીનીચી જમીનનો ખ્યાલ આવતો ન હતો, તેનો માર્ગ અને વનના માર્ગો પાણીથી ભરાઈ ગયા હતા. પવનના વેગથી પક્ષીઓ ભૂમિ પર પડી ગયાં હતાં, કેટલાંક પોતાના માળામાં લપાઈને બેઠાં હતાં. હરણ, સિંહ, વરાહ ઊંચા સ્થળે બેઠા હતા. જંગલી જીવો પ્રચંડ વાયુ અને વરસાદથી ત્રાસીને, ભયથી પીડાઈને અને ભૂખને કારણે વનમાં બધાં એક સાથે ભમી રહ્યા હતા. તે નિષાદ ઠંડીથી ધ્રૂજતો આગળ જઈ રહ્યો હતો, તે એક જગાએ ઊભો ન રહ્યો. એટલામાં જ તેણે વનમાં મેઘ જેવી વનસ્પતિને જોઈ. ત્યાર પછી ખીલેલા કુમુદદળવાળા પાણીથી ભરેલા મોટા તળાવની જેમ આકાશમંડળ થોડી જ વારમાં તારાઓથી શોભવા લાગ્યું. ઠંડીથી ધ્રૂજતા વ્યાધે વાદળો વિનાના આકાશ જોયું. તે દુરાત્માએ બધી દિશાઓ અને સીમાઓ જોઈ. અહીંથી તો મારું ગામ અને મારું ઘર બહુ દૂર છે. એમ વિચારીને તેણે તે વનમાં જ રાત્રિ વીતાવવાનો નિર્ણય કર્યો. પછી વનસ્પતિને બે હાથ જોડીને પ્રણામ કરી કહ્યું,

‘આ વૃક્ષની ઉપર જે દેવતાઓ છે તે બધાને શરણે હું આવ્યો છું.’ તે પક્ષીઘાતક મહા દુઃખમાં આવીને આમ બોલ્યો અને ભૂમિ પર પાંદડાં પાથરીને શિલા પર માથું મૂકીને સૂઈ ગયો.

વિચિત્ર પાંખોવાળું એક પંખી ઘણા સમયથી પોતાના સુહૃદો સાથે ત્યાં વસતું હતું. તેની પત્ની સવારે ચણવા માટે બહાર ગઈ હતી. રાત પડી ગઈ તો પણ તે પાછી આવી નહતી, એટલે તે પંખી દુઃખી થઈને કહેવા લાગ્યો, ‘આની પહેલાં પ્રચંડ વાયુ વાતો હતો, વરસાદ પડતો હતો, મારી પ્રિયા હજુ કેમ નથી આવી? શું કારણ છે કે તે હજુ આવી નથી? આ ઉપવનમાં મારી પ્રિયા સાજીસમી તો હશે ને? પ્રિયા વિના મારો માળો સૂનો સૂનો છે. મારી એ રાતા નેત્રવાળી, વિચિત્ર અંગોવાળી, મધુભાષિણી, પ્રિયા જો આજે નહીં આવે તો મારા જીવનનું કોઈ પ્રયોજન નથી. મારી પત્ની પતિધર્મરતા છે, સાધ્વી છે, પ્રાણથીય શ્રેષ્ઠ છે. એ તપસ્વિની જ જાણે છે કે હું થાકેલો છું અને ભૂખે પીડાઉં છું. તે મારામાં અનુરક્ત છે, હિતકારિણી છે, સ્નિગ્ધ મૂર્તિ અને પતિવ્રતા છે, તેના જેવી ભાર્યા જે પુરુષને હો તે આ પૃથ્વી પર ધન્ય છે, આ લોકમાં ભાર્યા જ પુરુષની પરમ નાથ કહેવાય છે, નિ:સહાય પુરુષના લોકયાત્રા નિર્વાહની બાબતમાં ભાર્યા જ સહાયક હોય છે, રોગયુક્ત અને નિત્ય કલેશમાં પડેલા મનુષ્ય માટે ભાર્યા સમાન બીજી કોઈ ઔષધિ નથી. જગતમાં ભાર્યા સમાન કોઈ બંધુ નથી, ભાર્યા સમાન કોઈ આશ્રય નથી અને જનસમાજમાં ધર્મસાધન વિશે ભાર્યા જેવો બીજો કોઈ સહાયક નથી.’

કબૂતર આ રીતે પીડિત થઈને વિલાપ કરી રહ્યો હતો ત્યારે નિષાદના હાથમાં પડેલી કબૂતરીએ પતિનો વિલાપ સાંભળ્યો. જે નારી ઉપર પતિ પ્રસન્ન નથી તેને સ્ત્રી કહેવી અયોગ્ય છે. અગ્નિને સાક્ષી બનાવીને સ્ત્રી જેની પત્ની બની તે જ એનો પતિ અને સ્ત્રી માટે પરમ આશ્રય છે. શિકારીના હાથમાં પડેલી કબૂતરી દુઃખથી કાતર થઈને ચિંતા કરતા પોતાના શોકગ્રસ્ત પતિને કહેવા લાગી, ‘હે નાથ, હું તમને કલ્યાણકથા કહું છું, તમે તે સાંભળીને એમ જ કરો; તમે એક શરણાગત પ્રાણીની વિશેષ રક્ષા કરો. એક શિકારી તમારા નિવાસ આગળ સૂઈ રહ્યો છે, તે ઠંડીથી ધ્રૂજતો અને ભૂખે પીડાતો છે. એટલે તેની યથોચિત સેવા કરો. જે કોઈ બ્રાહ્મણની હત્યા કરે, જે લોકમાતા ગાયને મારે અને જે શરણાગતની હત્યા કરે તે બધાનાં પાપ એક સરખાં છે, આપણી કપોત જાતિમાં ધર્મ અનુસાર જે વ્યવહાર છે તે જ રીતે તમારા જેવા બુદ્ધિમાન પુરુષે નિત્ય તેનું અનુકરણ કરવું ઉચિત છે. જે ગૃહસ્થ શક્તિ પ્રમાણે ધર્માચરણ કરે છે તે મૃત્યુ પછી અક્ષય લોકને પામે છે એવું સાંભળ્યું છે. અત્યારે તમે સંતાનોનું મોં જોયું છે, તમારા પોતાના શરીર માટેની દયા ત્યાગીને ધર્મ અને અર્થનો પરિગ્રહ કરીને જે પ્રકારે તેનું ચિત્ત પ્રસન્ન રહે તે પ્રકારે તેનો સત્કાર કરો.’

કબૂતર તેની પત્નીની ધર્મપ્રીતિવાળી વાણી સાંભળીને હર્ષ પામ્યો અને તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યાં. તેણે પક્ષીનાશક વ્યાધને જોઈને યથાવિધિ યત્નપૂર્વક તેનો સત્કાર કર્યો, અને તે બોલ્યો, ‘તમારું સ્વાગત છે. કહો, તમારી શી સેવા કરું? તમે સંતાપ ન કરતા. તમે તમારા જ ઘરમાં છો એમ માનો. તમારી શી ઇચ્છા છે તે કહો, હું એ પાર પાડીશ. હું તમને પ્રેમપૂર્વક પૂછું છું, તમે અમારે ઘેર આવ્યો છો. પંચયજ્ઞ પ્રવૃત્ત ગૃહસ્થે વિશેષ યત્ન કરીને ઘેર આવેલા અતિથિનો સત્કાર કરવો જોઈએ. ગૃહસ્થાશ્રમમાં રહેતો હોવા છતાં જે મોહવશ થઈને પંચયજ્ઞ કરવામાં ઉદાસ રહે છે, તેની આ લોકમાં અને પરલોકમાં સદ્ગતિ થતી નથી. એટલે તમે નિરાંતે મને કહો, જે કહેશો તે હું કરીશ; મનમાં શોક ન કરો.’

કબૂતરની વાત સાંભળીને નિષાદે કહ્યું, ‘હું ઠંડીથી થરથર ધ્રૂજું છું, ઠંડીથી બચી શકાય એવો ઉપાય કર.’

નિષાદની વાત સાંભળીને કબૂતરે ભૂમિ પર પડેલાં પાંદડાં એકઠાં કર્યાં. અને અગ્નિ લાવવા પાંખો વીંઝી અને તે ચાલી નીકળ્યો. તે અંગારકર્મીને ત્યાંથી અગ્નિ લઈ આવ્યો અને સૂકાં પાંદડાંના ઢગલામાં એ અગ્નિ નાખ્યો. આ પ્રકારે બહુ આગ સળગાવીને શરણાગતને તેણે કહ્યું, ‘હવે વિશ્વસ્ત થઈને શરીરને ગરમાવો આપો.’ કબૂતરની વાત સાંભળીને નિષાદે ‘ભલે’ કહ્યું અને પોતાના શરીરને હૂંફાળું કર્યું. આગને કારણે તેનામાં જીવ આવ્યો, અને તે કબૂતરને કહેવા લાગ્યો, ‘હે વિહંગ, હું ભૂખે પીડાઉં છું, મને થાય છે કે તું કશું ભોજન મને આપ.’

કબૂતરે એ સાંભળીને કહ્યું, ‘તમારી ભૂખ મટાડી શકું એવી મારી પાસે કશી સંપત્તિ નથી. અમે તો વનવાસી છીએ, દરરોજ ચણ લાવીએ અને એના વડે જ નિર્વાહ ચાલે. મુનિઓની જેમ અમારી પાસે વનમાં ભોજ્યપદાર્થોનો સંગ્રહ નથી થતો.’ કબૂતર આમ કહીને દુઃખી થયો. ‘હવે મારે શું કરવું?’ એવી ચિંતા કરતો પોતાની વૃત્તિની ટીકા કરવા લાગ્યો. કબૂતર થોડી વાર માટે સાવધાન થયો અને પછી નિષાદને કહેવા લાગ્યો, ‘થોડી રાહ જો, હું તને તૃપ્ત કરીશ.’ આમ કહીને કબૂતરે સૂકાં પાંદડાંમાં વધુ આગ સળગાવીને શિકારીને કહ્યું, ‘મેં પહેલાં દેવતા, મુનિ, પિતૃઓ અને મહાનુભાવો પાસેથી સાંભળ્યું છે કે અતિથિપૂજનથી મહાન ધર્મપ્રાપ્તિ થાય છે. એટલે હું તમને સાચું જ કહું છું. તમે મારા ઉપર કૃપા કરો. મેં ઉત્તમ અતિથિપૂજા કરવા વિશે નિશ્ચય કરી લીધો છે.’

સત્ય પ્રતિજ્ઞા કરનારા તે કબૂતરે અગ્નિની ત્રણ વખત પ્રદક્ષિણા કરીને હસતાં હસતાં તેમાં પ્રવેશ કર્યો. કબૂતરને અગ્નિમાં પ્રવેશતું જોઈ ‘મેં આ શું કર્યું’ એમ મનોમન ચિંતા નિષાદ કરવા લાગ્યો. ‘હું કેટલો નૃશંસ અને નિંદનીય છું, મારા પોતાના કર્મદોષથી મને અધર્મ પ્રાપ્ત થશે.’

પંખીની આવી અવસ્થા જોઈને પોતાના કર્મની નિંદા કરતો નિષાદ અનેક પ્રકારે વિલાપ કરવા લાગ્યો.

ત્યાર પછી ક્ષુધાથી પિડાતો તે લોભી અગ્નિમાં ઝંપલાવી પડેલા કબૂતરને જોઈને ફરી દયાભાવથી બોલ્યો, ‘હું અત્યંત નૃશંસ અને બુદ્ધિહીન છું. મેં આ કેવું પાપ કર્યું? હું ખૂબ જ ક્ષુદ્રજીવી છું, આ કાર્યથી મારા હૃદયમાં જીવીશ ત્યાં સુધી પાપ ડંખશે.’ વારે વારે પોતાની નિંદા કરતો તે બોલ્યો, ‘હું શુભ કાર્ય ત્યજીને પક્ષીલોભી થયો છું. હું અત્યંત દુર્બુદ્ધિ છું, પાપિષ્ટ છું, ધિક્કાર છે મને... હું બહુ નિષ્ઠુર છું, એટલે જ મહાત્મા કપોતે પોતાના શરીરને બાળી નાખી પોતાનું માંસ આપ્યું છે. આ ત્યાગ વડે તેણે મને ધિક્કારીને ધર્માચરણનો ઉપદેશ આપ્યો, એમાં તો કશી શંકા નથી. હું સ્ત્રી-પુત્રોને ત્યજીને મારા પ્રિય પ્રાણ ત્યજીશ. અત્યંત ધાર્મિક મહાત્મા કપોતે મને ધર્મોપદેશ આપ્યો છે. જેવી રીતે ગ્રીષ્મ ઋતુમાં થોડા પાણીવાળું સરોવર સુકાઈ જાય છે એવી રીતે હું આજથી આ શરીરને બધા ભોગ વિનાનું કરીને સૂકવી નાખીશ. ભૂખતરસ અને તાપ વેઠીને, શરીર દુર્બળ કરીને ધમનીયુક્ત શરીરથી અનેક પ્રકારના ઉપવાસ વેઠીને પારલૌકિક ધર્મ આચરીશ. કેવું અચરજ છે, કબૂતરે દેહદાન કરીને અતિથિસત્કાર દાખવ્યો, હવે હું ધર્માચરણ કરીશ, કારણ કે ધર્મ જ પરમ ગતિ છે.’

‘ધર્મિષ્ઠ પક્ષીશ્રેષ્ઠમાં જેવો ધર્મ છે તેવો જ મારે મેળવવો છે.’ એમ કહી તે ક્રૂર કર્મ આચરનાર લોભી વ્યાધે કઠિન વ્રત લીધું અને એવો નિશ્ચય કરીને મહાપ્રસ્થાનનો આશ્રય લીધો. ત્યાર પછી પિંજરામાં પકડેલાં કબૂતરોને છોડી મૂક્યાં, પોતાની લાકડી, શલાકા, જાળ અને પિંજરું — આ બધું ત્યજી દીધું.

નિષાદના ગયા પછી પતિનું સ્મરણ કરીને પરમ દુઃખી કબૂતરી શોકથી મૂચ્છિર્ત થઈને બોલી,

‘નાથ, તમે મારું કદી અપ્રિય કર્યું હતું તે મને યાદ નથી આવતું. બહુ પુત્રોવાળી સ્ત્રીઓ પણ વિધવા થયા પછી શોક કરે છે, પતિ વિનાની મનસ્વિની નારી બાંધવોને માટે શોચનીય નીવડે છે. તમે સદા મારું લાલન કર્યું. સ્નેહસભર, મધુર, મનોહર વાક્યોથી અનેક રીતે મને સાંત્વન આપ્યું છે. હે પ્રિય, પર્વતની કંદરાઓમાં નદીનાં ઝરણાંમાં, સુંદર વૃક્ષોની ડાળીઓ પર મેં તમારી સાથે વિહાર કર્યો છે. આકાશમાં ઉડ્ડયન કરતી વખતે પણ તમારી સાથે સુખે વિહાર કરતી હતી. હે નાથ, મેં ભૂતકાળમાં તમારી સાથે જેટલા વિહાર કર્યા છે તે આજે તમારા જવાને કારણે કશું જ નથી. પિતા, માતા, પુત્ર સ્ત્રીને પરિમિત સુખ આપે છે. અપરિમિત સુખ આપનારા પતિની પૂજા કઈ સ્ત્રી નથી કરતી? સ્ત્રી માટે પતિ જેવો કોઈ નાથ નથી, પતિના જેવું સુખ નથી. સર્વસ્વ અને ધનનો ત્યાગ કર્યા પછી સ્ત્રીઓ માટે પતિ જ અવલંબન છે. હે નાથ, અત્યારે તમારા વિના મારા જીવનનું કશું પ્રયોજન નથી. કઈ સતી સ્ત્રી પતિ વગરની થઈને જીવવાને ઉત્સાહ ધરાવે?’

અત્યંત દુઃખી પતિવ્રતા કબૂતરીએ કરુણ સ્વરે અનેક રીતે વિલાપ કર્યા પછી અગ્નિમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી તેણે પોતાના પતિને જોયો, તે વિચિત્ર વસ્ત્ર પહેરીને વિમાનમાં બેઠો હતો, અને મહાનુભાવો તેની બહુ પ્રશંસા કરતા હતા. તે વેળા કબૂતર વિચિત્ર માળા, વસ્ત્ર, સર્વ પ્રકારનાં અલંકારથી શોભતો, શતકોટિ વિમાનોમાં વિહાર કરનારા જનોથી ઘેરાયેલો હતો.

આમ કબૂતર પત્નીની સાથે વિમાનમાં બેસીને સ્વર્ગલોકમાં ગયો અને પોતાના કર્માનુસાર પ્રિયા સાથે વિહાર કરવા લાગ્યો.

નિષાદે કબૂતરદંપતીને વિમાનમાં આરૂઢ થયેલા જોયા અને તેમને જોઈને દુઃખી થઈ તેમની સદ્ગતિ વિશે વિચારવા લાગ્યો. હું પણ કેવી રીતે તપ કરીને પરમ ગતિ પામીશ? તેણે મનોમન એવો નિશ્ચય કરીને ગમનની તૈયારીઓ કરવા માંડી. પક્ષીજીવી વ્યાધ મહાપ્રસ્થાનનો આશ્રય લઈ, સ્વર્ગપ્રાપ્તિની ઇચ્છાથી નિશ્ચેષ્ટ થઈને, નિર્મમ થઈને વાયુ ભક્ષણ કરવા લાગ્યો.

ત્યાર પછી સુંદર, શીતળ જળવાળું, અત્યંત મંગલ, અનેક પ્રકારના કમળથી ભરચક એક મોટું સરોવર તેની નજરે પડ્યું. તરસ્યો માનવી એને જોઈને જ ધરાઈ જાય. વ્યાધ તે સમયે ઉપવાસને કારણે સાવ કૃશ થઈ ગયો હતો, તેણે તે રમણીય સરોવર સામે ખાસ દૃષ્ટિપાત કર્યા વિના જંગલી પ્રાણીઓવાળા એક વનમાં પ્રવેશ્યો. મહાન લક્ષ્ય સાધવાનો નિશ્ચય કરીને તે વનમાં પ્રવેશ્યો; પ્રવેશ કરતાંવેંત તે કાંટાળી ઝાડીઓમાં ફસાઈ ગયો. કાંટાથી તેનું શરીર ભેદાઈ ગયું અને લોહીલુહાણ થઈ ગયો. તો પણ તે અનેક પ્રાણીઓવાળા નિર્જન વનમાં ભમવા લાગ્યો. ત્યાર પછી વનમાં પુષ્કળ પવન વાયો, મોટાં મોટાં વૃક્ષો એકમેક સાથે અથડાયા અને મોટો દાવાનળ પ્રગટ્યો. ધીમે ધીમે પ્રલયકાળના અગ્નિની જેમ પ્રજ્વલિત થયેલો અગ્નિ ક્રુદ્ધ થઈને વિવિધ વૃક્ષો, લતા, પર્ણોવાળા વનને સળગાવવા લાગ્યો. અગ્નિદેવ જ્વાળાયુક્ત વાયુ વડે આગળ વધીને અગ્નિપુંજ વડે મૃગ-પક્ષીઓવાળા ઘોર વનને સળગાવવા લાગ્યા. વ્યાધ પોતાના શરીરનો ત્યાગ કરવા કૃતનિશ્ચય કરીને આનંદપૂર્વક અગ્નિની દિશામાં દોડ્યો. તે નિષાદ અગ્નિ વડે ભસ્મીભૂત થયો ત્યારે તેનાં બધાં પાપ ધોવાઈ ગયાં, અંતે તેને પરમ સિદ્ધિ પ્રાપ્ત થઈ. ત્યાર પછી પાપરહિત થઈને તે સ્વર્ગે સિધાવ્યો અને પોતાને યક્ષ, ગંધવી, સિદ્ધોની વચ્ચે ઇન્દ્રની જેમ શોભવા લાગ્યો. આ રીતે પતિવ્રતા કપોત-કપોતી નિષાદની સાથે પોતાના પુણ્ય વડે સ્વર્ગ ગયા.


(શાંતિપર્વ, ૧૪૧-૧૪૫)