ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/ચ્યવન ઋષિ અને માછીમારો

From Ekatra Wiki
Revision as of 13:06, 27 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ચ્યવન ઋષિ અને માછીમારો

ભૂતકાળમાં ભૃગુવંશી મહાવ્રતી ચ્યવન ઋષિએ પાણીમાં નિવાસ કરવાનો આરંભ કર્યો. અભિમાન, ક્રોધ, હર્ષ, શોકને પરહરી બાર વર્ષ સુધી મૌન સેવીને જલવાસી વ્રતધારી રહ્યા. શીતળ કિરણોવાળા ચંદ્રની જેમ બધાં પ્રાણીઓ અને જલચર જીવોમાં તે ઋષિએ પરમ પવિત્ર વિશ્વાસ પ્રગટાવ્યો હતો. સ્થિર ચિત્તે અને પવિત્ર થઈને દેવતાઓને પ્રણામ કરીને ગંગા અને યમુનાની વચ્ચેના પાણીમાં તેમણે પ્રવેશ કર્યો હતો. ગંગા યમુનાના વાયુ સમાન ભયંકર વેગને તેમણે પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો હતો. ગંગા, યમુના અને બીજી સરિતાઓ, તળાવો ઋષિની પ્રદક્ષિણા કરતાં હતાં, તેમને કદી પીડા આપતાં ન હતાં. તે મહામુનિ પાણીમાં લાકડાની જેમ રહેતા હતા. ત્યાર પછી તે ધીમાન મુનિ એના ઉપર ઊભા રહેતા હતા. તે જળચર પાણીઓના પ્રીતિપાત્ર હતા, માછલીઓ પ્રસન્નચિત્તે તેમને સૂંઘતી હતી. આમ પાણીમાં રહેતાં રહેતાં ઘણો સમય વીતી ગયો.

ત્યાર પછી એક વેળા કોઈ પ્રદેશના માછીમારો હાથમાં જાળ લઈને ત્યાં ગયા. ઘણી બધી માછલીઓ પકડવાનો નિર્ધાર કરીને તેઓ ત્યાં આવ્યા હતા. ખૂબ જ બળવાન, શૂર, પાણીમાં ભ્રમણ કરવાની આદતવાળા, ઘણા નિષાદોએ ત્યાં જાળ નાખવાનો નિર્ધાર કર્યો. તે સ્થળે પાણીમાં ઘણી માછલીઓ હતી, એટલે સતત જાળ નાખતા રહ્યા, ત્યાર પછી માછલીઓની આકાંક્ષા રાખનારા કેવટોએ અનેક ઉપાયો કરીને જાળ વડે ગંગા અને યમુનાના પાણીને આચ્છાદિત કર્યું. તેમણે તે સ્થાને બધી બાજુથી જે જાળ નાખી હતી તે દૃઢ, નવા સૂતરથી બનેલી, લાંબીપહોળી હતી. પછી બધા પાણીમાં ઊતરીને જોરથી જાળ ખેંચવા લાગ્યા. તે બધા નિર્ભય, પ્રસન્ન અને પરસ્પરના સહકારથી તે જાળમાં માછલીઓ અને બીજા જલચરોને બાંધવા લાગ્યા.

તેમણે યદૃચ્છાથી માછલીઓથી ઘેરાયેલા ચ્યવન ઋષિને પણ જાળમાં ખેંચી લીધા. લીલા રંગના મૂછો — દાઢીવાળા, શરીરે નદીની શેવાળથી લેપાયેલા, શંખ વગેરે જલજંતુઓના નખથી છવાયેલા, વિચિત્ર પેટવાળા મુનિને તેમણે જોયા. વેદપારંગત મુનિ જાળમાં ખેંચાઈ આવ્યા તે જોઈને બધા હાથ જોડી, મસ્તક નમાવી જમીન પર આડા પડ્યા. જાળ દ્વારા ખેંચાવાને કારણે શોક, ત્રાસ અને સ્થળના ઘર્ષણથી માછલીઓ મરી ગઈ. મુનિ તે સમય માછલીઓનો સંહાર જોઈ દીર્ઘ નિ:શ્વાસ નાખવા લાગ્યા, નિષાદોએ કહ્યું, ‘હે મહામુનિ, અમે અજાણતાં જે પાપ કર્યું છે તે માટે અમને ક્ષમા કરો. અમે તમારું કયું પ્રિય કાર્ય કરીએ, અમને આજ્ઞા આપો.’

માછલીઓની વચ્ચે બેઠેલા મહામુનિ માછીમારોનું વચન સાંભળીને બોલ્યા, ‘અત્યારે મારી જે પરમ ઇચ્છા છે તે તમે ધ્યાનથી સાંભળો. હું માછલીઓની સાથે મારા પ્રાણ ત્યજીશ અથવા એમની સાથે હું વેચાઈ જઈશ, પાણીમાં તેમનો સહવાસ થયો છે એટલે હું તેમને ત્યજી શકીશ નહીં.’

મુનિએ જ્યારે આમ કહ્યું ત્યારે નિષાદો ભયથી કાંપવા લાગ્યા, ફીકા મોંવાળા, દુઃખી માછીમારોએ રાજા નહુષ પાસે જઈને બધી વાત કરી.

આવી રીતે ચ્યવન મુનિને આવેલા જાણીને નહુષ મંત્રી અને પુરોહિતની સાથે ત્વરાથી ગયા. રાજાએ યથા રીતિ શરીરશુદ્ધિ કરીને હાથ જોડ્યા, મસ્તક નમાવી પ્રણામ કર્યા, પોતાની ઓળખ આપી. રાજાના પુરોહિતે સત્યવ્રતી દેવકલ્પ મહાભાગની પૂજા કરી.

નહુષે કહ્યું, ‘હે ભગવન્, હું તમારું કયું પ્રિય કાર્ય કરું? કહો જોઈએ. એ કાર્ય ગમે તેટલું દુષ્કર હશે તો પણ હું પાર પાડીશ.’

ઋષિ બોલ્યા, ‘મત્સ્યજીવી કેવટો બહુ થાકી ગયા છે, એટલે તેમને માછલીઓના મૂલ્યની સાથે મારું મૂલ્ય પણ ચૂકવી દો.’

નહુષે કહ્યું, ‘હે પુરોહિત, ભગવાન ભૃગુનંદને જેવું કહ્યું છે તે કરો, નિષાદોને એક હજાર સુવર્ણમુદ્રા આપો.’

ચ્યવને કહ્યું, ‘હે રાજા, સહ મુદ્રા જેટલું મૂલ્ય મારું નથી. તમે શું વિચારો છો? તમારી બુદ્ધિ વડે મારું યોગ્ય મૂલ્ય કરો.’

નહુષે કહ્યું, ‘નિષાદોને એક લાખ મુદ્રા આપો. હે ભગવન્, આ જ તમારું મૂલ્ય છે ને? અથવા હજુ વધારે આપવા માગો છો?’ ચ્યવને કહ્યું, ‘હે રાજવીશ્રેષ્ઠ, એક લાખ સોનામહોરો જેટલું મારું મૂલ્ય નથી. યોગ્ય મૂલ્ય આપો, મંત્રીઓની સલાહ લો.’

‘હે પુરોહિત, નિષાદોને એક કરોડ મુદ્રા આપો. જો આ પણ ઓછું પડતું હોય તો એનાથીય વધારે આપો.’

ચ્યવને કહ્યું, ‘હે તેજસ્વી મહારાજ, મારું મૂલ્ય કરોડ કે એથી વધારે ધન જેટલું નથી. બ્રાહ્મણો સાથે વિચાર કરીને મને યોગ્ય મૂલ્ય આપો.’

નહુષે કહ્યું, ‘હે દ્વિજવર, નિષાદોને અર્ધું રાજ અથવા આખું રાજ આપી દો. મારી દૃષ્ટિએ આ યોગ્ય મૂલ્ય છે, તમારી બુદ્ધિમાં આ સિવાય બીજું કોઈ મૂલ્ય સૂઝે છે?’

ચ્યવને કહ્યું, ‘હે મહારાજ, અડધું કે આખું રાજ્ય મારા માટે પૂરતું નથી. ઋષિઓ સાથે વિચાર કરીને યોગ્ય મૂલ્ય આપો.’

ચ્યવન મુનિની વાત સાંભળી નહુષ રાજા બહુ દુઃખી થયા, તે વેળા મંત્રી અને પુરોહિત સાથે વિચારવા લાગ્યા, તે સમયે ગાયના ગર્ભથી જન્મેલા, ફળમૂળનું ભોજન કરનારા એક વનવાસી મુનિ નહુષની પાસે આવ્યા. તે દ્વિજવરે નહુષ રાજાને કહ્યું, ‘તમે જે પ્રકારે સંતુષ્ટ થશો તે જ રીતે હું એમને પ્રસન્ન કરીશ. હું હસીમજાકમાં પણ જૂઠું બોલ્યો નથી. તો પછી અત્યારે જૂઠું બોલું કેવી રીતે? હું જે કહીશ તે તમારે શંકા કર્યા વિના કરવાનું.’

નહુષે કહ્યું, ‘હે ભગવન્, મહર્ષિ ભૃગુનંદનનું કેટલું મૂલ્ય થાય તે મને કહો. ભગવન્, આમ કહીને મારું, મારા રાજ્યનું, વંશનું રક્ષણ કરો, ભગવન ચ્યવન ક્રોધે ભરાય તો ત્રણે લોકોનો નાશ કરી શકે છે, હું તો બાહુબલ ધરાવું છું, તપસ્યા વગરનો છું, એટલે મને જે નષ્ટ કરશે તેમાં કઈ વિચિત્રતા છે? હે વિપ્રર્ષિ, હું મંત્રી — પુરોહિત સાથે સંકટના અગાધ જળમાં ડૂબી રહ્યો છું, મહર્ષિનું મૂલ્ય વિશેષ રીતે કરજો.’

પ્રતાપશાળી ગૌ — શિશુએ નહુષની વાત સાંભળી મંત્રીઓ સાથે રાજાને હર્ષયુક્ત કરી કહ્યું, ‘હે મહારાજ, હે પૃથ્વીપાલ, બધા વર્ણોમાં બ્રાહ્મણ અને ગાય શ્રેષ્ઠ છે, મૂલ્યવાન છે. ગાય અને બ્રાહ્મણનું મૂલ્ય આંકી ન શકાય. એટલે તમે એમના મૂલ્ય પેટે ગાય સમજો.’

રાજા નહુષ મહર્ષિની વાત સાંભળીને મંત્રી — પુરોહિત સમેત ખૂબ હર્ષ પામ્યા. કઠોર વ્રતનું પાલન કરનાર ભૃગુનંદન ચ્યવન મુનિ પાસે જઈને કહેવા લાગ્યા, ‘હે ભાર્ગવ, તમે ઊઠો, તમારું મૂલ્ય એક ગાય જેટલું અંકાયું છે.’

ચ્યવને કહ્યું, ‘હે અનઘ(પાપરહિત), હવે હું ઊઠું છું. તમે મારું સાચું મૂલ્ય આંક્યું છે. હું આ લોકમાં ગાયના જેવું બીજું કોઈ ધન જોતો નથી. હે રાજન્, ગાયોનાં નામ, ગુણોની કથા કરવી, એ સાંભળવું, ગાયનું દાન કરવું, દર્શન કરવું — આ બધાંની બહુ પ્રશંસા થઈ છે. આ બધાં કાર્ય પાપહારી છે, કલ્યાણકારક છે. ગાયો સદા લક્ષ્મીનું મૂળ છે, ગાયોમાં પાપ નથી, ગાયો સદા મનુષ્યોને અન્ન અને દેવતાઓને હવિ આપે છે. ગાયોમાં જ સ્વાહા અને વષટકાર હોય છે, ગાયો જ યજ્ઞોને સફળ બનાવે છે અને તે જ યજ્ઞના મુખ સ્વરૂપ છે. ગાયોમાં દિવ્ય અક્ષય અમૃત વહે છે, બધાના નમસ્કારને યોગ્ય છે. તે અમૃતના સ્થાને છે. પૃથ્વી પર તેજ અને શરીરથી ગોવૃંદ અગ્નિ સમાન છે, ગાયો ઉત્તમ, મહાન, તેજનો અંબાર છે, પ્રાણીઓ માટે સુખદા છે. ગાયો જે સ્થળે નિર્ભય થઈને શ્વાસ લે છે, તે સ્થાનને અલંકૃત કરતી ત્યાંનાં પાપ નિવારે છે. ગાયો સ્વર્ગનાં સોપાન જેવી છે, ગાયો સ્વર્ગમાંય પૂજાય છે, ગાયો દૈવી સ્વરૂપ છે, તે કામદુધા છે, ગાયથી શ્રેષ્ઠ કશું નથી. હે રાજેન્દ્ર, ગાયોનું આ માહાત્મ્ય મેં કહ્યું, તેના ગુણોનું સંક્ષેપમાં આલેખન છે, તેના ગુણોનું વર્ણન કરવું તો અશક્ય છે.’

નિષાદોએ કહ્યું, ‘હે મુનિ, તમે અમારી સાથે જ વાર્તાલાપ કર્યો, તમે જે દર્શન આપ્યાં, સાધુઓની સાથે સાત ડગલાં ચાલવાથી મૈત્રી થાય છે. એટલે પ્રભુ, અમારા પર પ્રસન્ન થાઓ. જેવી રીતે અગ્નિ સમસ્ત હવિનો ઉપભોગ કરે છે એવી જ રીતે તમે અમારા દોષોને બાળી નાખનારા પ્રતાપવાન પુરુષાગ્નિ છો. હે વિદ્વાન, અમે તમને નમીને પ્રસન્ન કરીએ છીએ, અમારા પર કૃપા કરીને આ ગાયને સ્વીકારો.’

ચ્યવને કહ્યું, ‘જેવી રીતે પ્રજ્વલિત અગ્નિ સૂકાં તણખલાં સળગાવે છે તેવી રીતે દીન, કૃપણ, મુનિ, વિષધર સર્પનાં નેત્ર મનુષ્યોને આમૂલ ભસ્મ કરે છે. હે કેવટલોકો, તમે આપેલી ગાય સ્વીકારું છું. તમે નિષ્પાપ થઈને જાળમાં પકડેલી માછલીઓની સાથે સ્વર્ગમાં જાઓ.’

ત્યાર પછી તે પવિત્ર મહર્ષિની કૃપાથી તેમના વચન અનુસાર માછલીઓની સાથે નિષાદો સ્વર્ગમાં ગયા.

રાજા નહુષ માછલીઓની સાથે નિષાદોને સ્વર્ગમાં જતા જોઈ નવાઈ પામ્યા.

ત્યાર પછી ગૌ — શિશુ અને ચ્યવન મુનિ — બંનેએ નહુષને યથોચિત વર માગવા કહ્યું. પૃથ્વીપતિ, પરાક્રમી નહુષે તે સમયે પ્રસન્ન થઈને કહ્યું, ‘તમારી કૃપા છે.’

આ ઇન્દ્ર સમાન રાજાએ ધર્મમાં નિષ્ઠા રહે એવો વર માગ્યો. તેમણે પણ કહ્યું, ‘તથાસ્તુ.’

રાજાએ પ્રસન્ન થઈને બંને ઋષિઓની વિધિવત્ પૂજા કરી. ચ્યવન મુનિ દીક્ષા પૂરી કરીને પોતાના આશ્રમમાં ગયા. મહાતેજસ્વી ગૌશિશુ પણ પોતાના આશ્રમે ગયા.

બધા નિષાદ, માછલીઓ સ્વર્ગમાં ગયા. રાજા નહુષ પણ વરદાન પામી પોતાના નગરમાં ગયા.

(અનુશાસન, પ૦-૫૧)