નીતિન મહેતાનાં કાવ્યો/એક રચના - બસ જવું જ છે

From Ekatra Wiki
Revision as of 02:41, 8 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
એક રચના

બસ જવું જ છે
રોકાઈ જાને
ના ઘણું રહ્યો
દિલાસા
દવાઓ
ને
દાક્તરોએ બહુ થીગડથાગડ કર્યાં
એમ તે કંઈ જવાતું હશે
તું છેક હારી ગયો
એમ માનો તો એમ
પણ બસ જવું જ છે
નથી લડવું
નથી જુદા પડવું
નથી સચવાવું
ન જોઈએ કોઈ ઓળખ
હવે તો માત્ર ભુંસાવું
હવે આંગળીએ બાઝેલી
બારાખડી હવાના કણકણમાં
વેરતો
ઓગળતો
ચાલી નીકળું

હાથ મને રોકો મા
લખવામાં
છેકવામાં
મેળવવામાં
તરછોડવામાં
આ ને તે
મુદ્રાઓમાં
તમે ઘણું ઘણું
ખરચાયા
ઘસાયા
વીંઝાયા
હવે આરામ કરો
હવે મને જવા દો

ચીજવસ્તુઓ મને ઘેરી ન વળો
જાતે રંગાયા વિના મને રંગનાર
વહાલ વિલાપ ને વેરથી
મને તમારી જોડે વણનાર
આમ તો
આપણે બન્ને અનિત્ય
ચાલો ત્યારે નીકળું

મિત્રો
તમારો સાથ તો કેમ ભુલાય
કોફી પીતાં
કેફિયત આપતાં
ન્યાયાધીશ બનતાં
અકળામણો
ને
એકરારોથી
સંધાતા
તૂટતા
ઉજાગરા કરતા
અંતકડી અધૂરી છોડતા
હળવાશથી
મોકળાશથી
એકમેકને બાંધતા
આપણે સાથે ને સાથે ચાલ્યા છીએ
મારા હૂંફાળા પડછાયાઓ
મને મોડું ન કરાવો
હવે તો
ક્ષિતિજ પર સૂર્ય
પાછળથી સાદ ન પાડતા
હવે હું પાછું વળી નહીં જોઉં

જેમનાં સપનાં આવ્યાં
જેમનાં સપનાં જોયાં
જેમને મળાયું નહીં
જેમને પમાયું નહીં
એ બધાંની
ખંડિત સ્મૃતિવિસ્મૃતિઓ
વચ્ચે
ઘવાઈને પડેલો
મારો ઇતિહાસ
અહીં જ ભલે રહ્યો

કાગળ
મને લલચાવ નહીં પ્લીઝ
આકાંક્ષાઓ
અભાવો
અપરાધો
સપનાંઓ
સ્ખલનો
સિદ્ધિઓ
ને
સલાહોની વાતો લખી છેકી
શાહીના ધોધ વરસાવી વરસાવી
તને ગૂંગળાવી માર્યો
હવે તું હવામાં તર
જંગલમાં હરફર
શાંત રાત્રિમાં
રણની કોરી ચુપકીદી બની
તારાઓનું સંગીત સાંભળ
આજથી
તું મુક્ત

શબ્દો
તમે તો મારો મુખવટો
શક્તિ
શસ્ત્ર
સત્તા
શરણ
સલામતી
ઇચ્છિત દૃષ્ટિસૃષ્ટિની ગતિ
વ્યૂહરચનાનું એક પ્યાદુ
તમે
દર્પણદીપ
અદ્‌ભુત પુષ્પવત્‌
અવિરત નદી
આંધળી તરસ
ને
 
અંત સુધી તો કોયડો જ
અહીં સુધી આવ્યા
આભાર
હવે સામેના
પહાડ પર પહોંચું ત્યારે

ને
કવિતા
તું તો હંમેશાં
આનંદઅધૂરપનો ઉન્માદઉચાટ
સતત લોહીઉછાળ
હંમેશાં અશક્ય
મૂંઝવણ
મથામણ
તનેય
આવજો નથી કહેતો
અવિવેક માટે ક્ષમા
હવે
ત્રુટક ત્રુટક
શ્વાસ
પાંગતે મૂકી
ખોડંગાતી દૃષ્ટિ સાથે
હું તો આ ચાલ્યો.