નીતિન મહેતાનાં કાવ્યો/એક કાવ્ય - પછી ચાલી જવાનું નક્કી કર્યું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
એક કાવ્ય

પછી ચાલી જવાનું
નક્કી કર્યું
થોડું પાણી પીધું ન પીધું
ને ગ્લાસ પર આંગળાંઓની
છાપમાં ઢળતા સૂરજને મૂકી
હજી તો પગ ઉપાડું
ત્યાં તો
ખભે હાથ મૂકી કહે
એમ ન જવાય
કેમ
બહુ રહ્યો તારી સાથે
હવે તું કાં તો હું
કહે એવું ન ચાલે
આપણે તો એક જ

સતત ઝઘડું
હથિયારો વાપરું
લોહીલુહાણ કરું
ડરાવું ધમકાવું
કાનસથી આઠમના ચંદ્રને ઘસું
પણ જવાનું નામ જ ન લે
કહ્યું છોડ ને દોસ્ત
આપણા ઋણાનુબંધ પૂરા થયા
તો કે ના
જ્યાં તું ત્યાં હું
હું જ તારું અસ્તિત્વ

હું જ તારા શ્વાસ
હું જ તારું જીવન
ટપારી કહું
ઝાઝો પ્રગટ ન થા
છુપાવતાં શીખ
હવે માત્ર
તું જલદી જા
ખાડો ખોદ્યો
દાટ્યો
સાંજ પડી ગઈ
સવાર થઈ ન થઈ
ઝાકળભીની માટીમાંથી
કૂંપળ થઈ ડોકું કાઢ્યું
કહ્યું છોડને
તો કહે છોડ થવું છે
વૃક્ષ થવું છે
કહ્યું કરવતે દેવાશે
પણ નફ્ફટ માને તો ને
કહે ધિક્કારશે
તોયે હું તો ચામડીની જેમ સાથે ને સાથે જ
રહીશ
પણ જશે ક્યારે
જેવી મરજી
ચુપકીદીભરી બપોરે
કે તારાભરી રાતે
ચાલી પણ જાઉં
કંઈ નક્કી નહીં
બસ બસ
ઠાલા દિલાસા ન આપ
નાટક ન કર

આખી રાત ઉઘાડી આંખે
સાંભળું તો
ઘા પડેલી છાતીમાં
આછું આછું કણસે
પણ જાય નહીં

થોડા દિવસ પછી
અડધી રાતે
આંખ મીચકારતા કહે
જાઉં કે ના જાઉં
તેની આ અવઢવથી
થાક્યો હું તો