વનાંચલ/પ્રકરણ ૧૦

From Ekatra Wiki
Revision as of 15:08, 15 February 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <center><big><big><big>'''(૧૦)'''</big></big></big></center> {{Poem2Open}} આ પ્રજાને જેવો સરકારી અમલદારોનો ભય તેવો બીજો ભય ભૂતપ્રેતનો, ડાકણવંતરાનો, ઝોડઝપટનો. હરતાંફરતાં એમને ડાકણ દેખાય! કોઈ માંદું પડે એટલે વળગાડ, બખડજંત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


(૧૦)

આ પ્રજાને જેવો સરકારી અમલદારોનો ભય તેવો બીજો ભય ભૂતપ્રેતનો, ડાકણવંતરાનો, ઝોડઝપટનો. હરતાંફરતાં એમને ડાકણ દેખાય! કોઈ માંદું પડે એટલે વળગાડ, બખડજંતર કહેવાય; દાણા મંતરાવાય, દોરા કરાવાય ને ભગત-ભૂવાઓને બોલાવાય. એવા જાણકારો ગામમાં હોય; લોકો એમના તરફ ભય ને માનની નજરે જુએ. મારા દાદા ને બાપુ પણ મંતર-જંતર જાણે છે એમ મનાતું. (દાદા પાસે એક જૂની હાથે લખેલી ચોપડી જોયાનું યાદ છે. એમાં જાતજાતના રોગ મટાડવાના ને ઝેર ઉતારવાના મંત્રો હતા.) જેને ઘેર કોઈ માંદું હોય તે આકડાનાં થોડાં પાન લઈને અમારે ત્યાં આવે ને બોલ્યા વગર ટોલ્લા ઉપર મૂકી જાય. બાપુ એના ઉપર સળીથી કંઈક લખે, પાન લટકાવે. પાન જેમ જેમ સુકાતાં જાય તેમ તેમ રોગી સાજો થતો જાય. બાપુ ને દાદાના અવસાન પછી મોટા ભાઈ પણ પાન લખી આપતા. એ ઘેર ન હોય ત્યારે અમે પણ લખી આપીએ. બા કહે : ‘બેટા, અંદર રામનું નામ લખવાનું; તારા બાપુ એમ જ કરતા; એ જ એમના જાદુમંતર.’

મોટેરાં ભૂતપ્રેતની અનેક વાતો કહે. શિયાળાની રાતે વાળુ કર્યા પછી બધાં સગડીએ બેઠાં હોય ત્યારે કે ઉનાળામાં વાડામાં ખુલ્લામાં ખાટલા ઢળાયા હોય તેમાં પડ્યાં પડ્યાં આવી વાતો ચાલે. અમને એક બાજુ આવી વાતો સાંભળવી ગમે તો વળી બીક પણ એટલી જ લાગે. વાતો સાંભળ્યા પછી કોઈ વાર ઊંઘમાં ભયંકર સ્વપ્નાં આવે ને બૂમો પાડી ઊઠીએ.

આ સાંભળો, દૂરના કોઈ ગામેથી મૃદંગનો અવાજ આવે છે. કોઈનું ઢોર કે માણસ માંદું હશે તે બાધા કરતાં હશે. નદીએ થઈને મૃદંગ ને કાંસીજોડા વગાડતી એક મંડળી બળિયાદેવના થાનકે જાય છે, બાધા કરવા. આગળ પુરુષો ભજન ગાતા ચાલે છે; પાછળ સ્ત્રીઓ ગીત ગાતી આવે છે. રોગી બાળકને એક જણે ખંધોલે બેસાડ્યું છે; એક માણસ માથે બળતી સગડી લઈને ચાલે છે; બીજાએ વળી મોંમાં ખાસડું રાખ્યું છે; ત્રીજાની બંને બગલમાં થાનકે રમતા મૂકવાના માટીના ઘોડા છે. બળિયાદેવ સૌથી બળિયા દેવ, એની ધાક ભારે. ફોલ્લી જેવું જણાય એટલે ‘બાપજી પધાર્યા’ કહેવાય; દવાદારૂ ન થાય ને બાધા-આખડી રખાય. વૈજનાથ મહાદેવમાં બળિયાદેવનું થાનક છે. પથ્થરનું, ધડ વગરનું, લાંબા કાનવાળું એક મસ્તક તે બળિયાદેવ. સમૂહગાન ચાલે છે : ‘એ બળિયાકાકાનો મેંમા(મહિમા) રે ચાલો જોવાને જૈયે’; ‘એ લાવો લાવો ને ખડિયો કલેમ કંકોતરી મોકલીએ...’ ઉનાળાનો બપોર ધખતો હોય, વગડો રવ રવ થતો હોય, ધૂળ ઊડતી હોય, મંડળીના માણસો પરસેવે રેબઝેબ થઈ ગયા હોય — આખું દૃશ્ય અતિશય અવસાદ પ્રેરે એવું.

જેમ બળિયાબાપજી તેમ માતા પણ આ લોકોની જીવતીજાગતી દેવી. ‘નવા દહાડા’માં (ખાસ તો દિવાળીની આગળના) માતાનો રથ ફરી જવાનો ભય ભારે. સાંજે પવન ચાલતો હોય ત્યારે ઘરની બહાર ન નીકળવાની ચેતવણી મળે : ‘ઓટલા ઉપર જ રમવાનું; આ નવા દહાડામાં માતાનો રથ નીકળે; ફરી જાય તો માંદા પડાય.’ સાધારણ રીતે આ ઋતુમાં લોકો મલેરિયાથી પીડાતા હોય, ઘેર ઘેર ખાટલા હોય, એટલે માતાનો કોપ સમજી જાતજાતની બાધાઆખડીઓ રખાય. ઘોઘંબા ગામમાં શંકર અને બીજલ નામના બે ઓડ ભાઈઓ રહે. શંકર ઓડ માતાનો ‘ગોલ્લો.’ એને માતા આવે. એની લાલ આંખો, વાંકડિયા વાળ ને કદાવર શરીર આમેય ભય પમાડે એવાં. કોઈ માંદું હોય તો શંકર ઓડને બોલાવે. એનામાં માતાનો પ્રવેશ થાય. ધૂણતો ધૂણતો શરીર ઉપર લોખંડની સાંકળના સાટકા વીંઝતો ને ‘હાઉ, હાઉ, હાઉ’ કરતો એને અનેક વાર માતાને થાનકે જતો જોયો છે. કોઈ વળી કાળકા માતાની બાધા રાખે ને સાત-આઠ ગાઉ દૂર આવેલા પાવાગઢ સુધી ગાતા-વગાડતા ધૂણતા જાય. આગળ એક માણસ બકરું દોરીને ચાલે – માતાજીને ખોળે રમતું મૂકવા.

કોઈ વાર અમારે બારણેથી ઈશાનમાં આવેલા ડુંગરો પર અજવાળું દેખાય, મોટેરાં કહે : ‘એ તો કોઈએ ‘ડુંગરો નવાડયો’ હશે.’ ‘ડુંગરો નવાડવો’ એટલે ડુંગરમાં દેવતા મૂકી આવવો, આગ લગાડવી. આદિવાસીઓની એ માનતા. ઢોર કે માણસ માંદું પડ્યું હોય ત્યારે તેઓ ડુંગરે જઈ બાધા કરે; આગ લગાડે ને એમાં કૂકડાંનો ભોગ આપે. ડુંગર આ પ્રજાનો એક દેવ.

સાતેક વર્ષનો હતો ત્યારે અમારા પ્રદેશમાં ‘હણગા’ની જોરદાર વાતો ચાલતી. આ ‘હણગા’ વિશે પછી ક્યાંય કશું સાંભળ્યાનું યાદ નથી. કહેવાતું કે બાવાઓ પાસે એવી મેલી વિદ્યા હોય છે, જડીબુટ્ટી હોય છે. આ જડીબુટ્ટી સૂંઘતાં જ તે ગમે તે રૂપ ધારણ કરી શકે છે ને ફરી સૂંઘતાં પાછો માણસ બની જાય છે. બા પાસે સાંભળ્યું હતું કે એક બાવો જડીબુટ્ટી સૂંઘીને ‘હણગું’ થયો ને પછી જડીબુટ્ટી ખોવાઈ જતાં ‘હણગું’ જ રહી ગયો. સીમમાં રાતવાસો રહેનાર કે બપોરી વેળા એકલદોકલ ખેતરમાં જનારા કહે કે હણગું મળ્યું. ભયનો માર્યો બિચારો ધ્રૂજતો હોય. કોઈને પાડો દેખાય તો કોઈને વળી વિચિત્ર હિંસક પ્રાણી દેખાય. એક વાર અમે મોટા ભાઈ સાથે અમારાં ખેતર જોવા ગયેલા. પાછા વળતાં સાંજ પડવા આવી હતી. અમે અમારા ખેતરને અડીને જતી નેળમાં ચાલી રહ્યા હતા ત્યાં તો ખેતરના ખોડીબારામાંથી અમારો ખેડૂત નીકળ્યો. ‘પગે લાગીએ ગોરદેવ.’ ‘આશીર્વાદ, કેમ છો કાભઈ?’ કાભઈ અમારી સાથે ચાલવા લાગ્યા. થોડી વાર મૂંગા મૂંગા ચાલ્યા પછી કહે : ‘અંધારું થયા પછી શેમમાં(સીમમાં) ફરવું સારું નહિ.’ મોટા ભાઈએ પૂછયું : ‘કેમ, કંઈ જાનવર(વાઘ) આવે છે કે શું?’ ‘જાનવર તો નથી આવતું, પણ આ તો જાનવરથીય ભૂંડું. વાઘ-વરુને તો હથિયારથી પહોંચી વળીએ, પણ આ હમણાં દેખાય ને હમણાં અલોપ, એને શું કરીએ! આ ગઈ રાતે જ હું આપણા ખેતરમાં વાહો(રાતવાસો) રહેલો. મધરાત થઈ ને જુવારમાં કશુંક ફરતું હોય એવો ગણહારો સંભળાયો. માળા(ઝાકળિયું) ઉપરથી મેં જોયું તો પાડા જેવું કશુંક ફરે, જુવારનાં ડૂંડાં ભચેડતું હોય એવો અવાજ સંભળાય. મેં હોંકારો કર્યો ને ડાંગ ખખડાવી એટલે અલોપ, જાણે કશું હતું જ નહિ!’ મોટા ભાઈએ કહ્યું : ‘એ તો પાડો જ હશે. ધનેહરવાળો પાડો હમણાં આ બાજુ બહુ ફરે છે.’ ‘ના, ના, મોટા પાડો હોય તો વાડમાંથી નીકળતો દેખાયને? આ તો ભડકો થઈને પાર!’ આમ ‘અલોપ’માં પાછો ભડકો ઉમેરાયો! ભૂત-પ્રેતમાં માનનારની કલ્પના પણ સારી પેઠે ઉત્તેજાય છે ને ચમત્કારમાં વધારો થયા જ કરે છે.

ડાકણ તો આ લોકને હેંડતાં ને ચાલતાં મળે, દિવસે, રાતે, ગામમાં, સીમમાં – ગમે ત્યાં ને ગમે ત્યારે. બિલાડીમાં ને બકરીમાં, કદરૂપી સ્ત્રીમાં ને તેમાંય ખાસ ડોસીમાં એમને ડાકણ દેખાય. ગાડું લઈને જતા હોય ને વરુ કે શિયાળવું રસ્તે ભેટી જાય તો એમાં એમને વંતરું જ દેખાય! કહે : ‘મારું બેટું શિયાળવું થઈને બળદના પગમાં અંટવાયું ને બળદ ભડકાવ્યા, વરૂ થઈને ગાડું આંતર્યું!’ અમારા ગામની બાજુમાં જ આવેલા ઘોઘંબામાં ધૂળીમાશી રહે. પાતળી સોટી જેવી કાયા ને કરડી આંખો. બધાં એમને ડાકણ માને. અમારા વાડા આગળની નેળમાંથી જતાં હોય એટલે બા અચૂક બોલાવે : ‘કેમ ધૂળીમાશી, ક્યાં નીકળ્યાં?’ અમને બીક લાગે. બા કહે : ‘એવાં માણસને તો દેખીએ એટલે સામે ચાલીને બોલાવીએ. બીએ છીએ એવું જાણી જાય તો વળગી પડે, ખાઈ જાય.’ પછી તો શું ખાઈ જાય, કેવી રીતે ખાઈ જાય તેની વાતો ચાલે : જેને ખાવો હોય તેના અંગૂઠે રાતમાં આવીને ડાકણ કાળો દોરો બાંધી જાય; પછી ઘેર જઈને ચૂલો સળગાવી ઉપર તાવડી મૂકે એટલે તરત પેલા માણસનું કાળજું તાવડીમાં આવીને પડે. અરે, એક વાર તો કોઈને ઘેર ગાય તાજી જ વિયાયેલી ને ધૂળીમાશી જઈ પડ્યાં. એમની આંખ વાછરડા પર પડી કે તરત વાછરડું પછાડ ખાઈને નીચે પડ્યું, મરી ગયું! એક સગર્ભા બાઈને ડાકણોએ આખી રાત ઘોડો કરીને ફેરવી તે સવારમાં બિચારી મરી ગઈ. ડાકણો કાળી ચૌદશની રાતે સ્મશાનમાં મંત્રસાધના કરવા જાય, ત્યાં નિર્વસ્ત્ર થઈ જાય ને મડદા પર બેસી સાધના કરે – આવી આવી અનેક વાતો સાંભળવા મળતી.

અમારા જેવા ઊજળી વરણના માણસોનાં ઘરમાં પણ અજવાળા માટે ઘાસલેટના ખડિયા જ સળગાવાતા, જે સૂવાનો વખત થાય એટલે બુઝાવી નાંખવામાં આવે. પૈસાની એક મળતી દીવાસળીની પેટીનીય નવાઈ; ‘વિમ્કો’ની એ ‘ચિત્તાફાઈટ’ દીવાસળીની પેટી અમને રમકડાં જેવો જ આનંદ આપતી; ઉપર, એક માણસ હાથમાં દાતરડા જેવું હથિયાર ઉગામી ઊભો છે ને સામે એક ચિત્તો બે પગ પર ઊભો થઈ ગયો છે એવું ચિત્ર ઘણું ગમતું. બીજા લોકો તો રાતદિવસ ઘરમાં દેવતા બળતો રાખે; અજવાળાની જરૂર હોય ત્યારે બોયાં સળગાવે. આવા સમયમાં અંધકાર ઘણા ચમત્કારોનો જનક અને પોષક હોય એ સમજાય એવું છે. અજવાળી રાતે ચંદ્રના, નહિ તો પછી તારાઓના ઝાંખા પ્રકાશમાં જ વનવગડાના રસ્તાઓ ઉપર ને ખેતરમાં લોકો ફરે. આવામાં એકાદ વિચિત્ર આકારનું ઝાડ પણ ઝંડ જણાય ને પાંદડાંના ખખડાટમાં ચુડેલના ચૂડલા ખખડતા સંભળાય. અજ્ઞાનનો અંધકાર વળી બીજું મોટું કારણ. વિચિત્ર માનસિક રોગોને વળગાડ સમજવામાં આવે; માણસ ધીમે ધીમે ક્ષીણ થઈને મરણ પામે તો એને ‘ગળતી મૂઠ’ ભોગ બન્યો ગણવામાં આવે.

આમ છતાં નાનપણમાં બનેલી ને સાંભળવા મળેલી કેટલીક ઘટનાઓનો બૌદ્ધિક ઉકેલ જડતો નથી. અમે(પુષ્પાબહેન, રમણ અને હું) દાદાને ઘેર સૂઈ રહીએ. દાદા દીવો ઠારી ઊંઘી જાય; અમે રાતમાં જાગી જઈએ ત્યારે ખૂબ બીક લાગે. કોઈ વાર દાદાને કહીએ તો દીવો સળગાવે ને અમે ઊંઘી ગયાં છીએ એમ જાણે એટલે પાછા હોલવી નાંખે. એ ઘરનો એક ભાગ અગાઉ કોઢ તરીકે વપરાતો એટલે ભીંતની આગળ ઢોર બાંધવાના લાકડાના ખીલા હતા. ભીંત અને ખીલા વચ્ચે ભાગ્યે જ ચાર-પાંચ ઇંચનું અંતર હશે. એક રાતે દાદાએ કોઢમાં કોઈને કણસતું સાંભળ્યું એટલે એ ઊઠ્યા. દીવો કરીને જુએ છે તો ભીંત અને ખીલા વચ્ચે પુષ્પાબહેન પડેલાં! મહામહેનતે દાદાએ બહાર કાઢ્યાં. સવારે દાદાએ કહ્યું કે ઊંઘમાં શકરી કોઢમાં જઈ સૂઈ રહેલી. અમને બીક ન લાગે એટલે દાદાએ આવું કહેલું એમ મોટા થયા પછી અમને જણાવ્યું. પુષ્પાબહેન આજેય એમનો આ અનુભવ ઘણી વાર કહે છે.

અમારા ફળિયામાં એક કૂતરો– પગ રાંટા પડે એટલે ‘રાંટિયો કૂતરો’ નામ પડેલું. એનો પરિવાર મોટો. કોઈ અજાણ્યું માણસ કે ઢોર ગામમાં પેસે એટલે એ દોડતો ધસે ને ભસે. એક વાર ગામમાં એક ફકીર માગવા આવ્યો. સફેદ લુંગી, સફેદ લાંબો ડગલો, માથે ફેંટો, ગળામાં મોટા મોટા રંગબેરંગી મણકાનો બેરખો. ઝાંપેથી ગામમાં પેસતો જોતાં જ જેઠાકાકાના ઘર આગળથી રાંટિયાએ ભસવાનું શરૂ કર્યું ને દોડતો દોડતો ફકીરની સામે આવ્યો, ફકીરે એની સામે જોયું કે તરત એ ભસતો બંધ થઈ ગયો! ફકીર કોતર ઉપર થઈને ઘોઘંબામાં ચાલ્યો ગયો. રાંટિયો પછીથી કદી ભસી શક્યો નહિ; એનું મોં જ ન ઊઘડે! બિચારો ભૂખે રિબાઈને મરી ગયો.

મારા બાપુના જીવનનું એક રહસ્ય એમના જીવતાં ને મરણ પછી પણ ઘરના માણસો સિવાય ભાગ્યે જ કોઈ જાણતું હશે. બાપુ રામભક્ત. રામરક્ષા ને હનુમાન ચાલીસાનો રોજ પાઠ કરે. હનુમાન એમને હાજરાહજૂર. નાનપણમાં જોયેલો પરચાનો એક પ્રસંગ બરાબર યાદ છે. ઘરમાં ઢોર કે કોઈ માંદું હશે. સાંજનો વખત છે; બાપુ નાહીધોઈને દેવ આગળ પાટલા ઉપર બેઠા છે; દીવો ને અગરબત્તી કરવામાં આવ્યાં છે. સામે પાટલા ઉપર અડદના દાણા મૂક્યા છે. પૂજા શરૂ થાય છે એટલે અમને છોકરાંને બહાર કાઢી બારણાં બંધ કરી દેવામાં આવે છે. માત્ર બા જ ઘરમાં રહી છે. બાપુ હનુમાન ચાલીસા બોલે છે તે અમને બહાર ઓટલે રહ્યાં રહ્યાં સંભળાય છે. થોડા શ્લોકો બોલ્યા પછી એકાએક અવાજ આવતો બંધ થઈ જાય છે. અમારું કુતૂહલ વધી જાય છે. બારણું સહેજ ખુલ્લું રહી ગયું છે તેમાંથી હું જોઉં છું તો બાપુ પાટલા ઉપરથી કૂદકો મારી ઊભા થઈ જાય છે; ‘હાફ હાફ’ એવો અવાજ કરતા હાથમાં દાણા લઈ ઘરમાં ચારેકોર ઘૂમે છે. ને પેલું દૃશ્ય તો આજેય ભુલાયું નથી, નજર સામે એવું ને એવું તાજું તરે છે : બાપુ એક કૂદકો મારે છે ને ઘરના ઊંચા માળિયાના પાટડા ઉપર જઈ બેસે છે! માળિયામાં ચારે ખૂણે દાણા ફેંકે છે; મોટી ફાળો ભરતા વાડામાં થઈ દાદાના ઘરમાં જાય છે, છેવટે દેવસ્થાનમાં પાટલા ઉપર આવીને બેસી જાય છે. હનુમાનજીની છબીને પગે લાગે છે. હવે બારણાં ઊઘડી જાય છે; બાપુ હતા તેવા જ સ્વસ્થ બનીને બેઠા છે; અમારી સાથે હસે છે, બોલે છે – જાણે કંઈ જ ન બન્યું હોય એમ! અમે ભય અને કુતૂહલના માર્યા દાદા પાસે આ પ્રસંગનો ખુલાસો માગીએ છીએ. દાદા કહે છે : ‘તારા બાપા તો દેવપુરુષ છે, એના પરતાપે જ આપણે બધાં સુખી છીએ.’