વિનોદ જોશીનાં કાવ્યો/સાત હાથ સીંચણ
સાત હાથ સીંચણ ને બાર હાથ કૂવો
પાણિયારાં પડ્યાં ખાલી રે
બેડાં લઈને હું તો હાલી રે...
ફાગણમાં ફૂટડી ને વૈશાખે વીલી
ભાદરવે ભમરાળી રે
બેડાં લઈને હું તો હાલી રે...
આવી આવીને ખરે પાંપણથી ડૂમો
કંમખામાં ઢેલ પાળી રે
બેડાં લઈને હું તો હાલી રે...
પડખે ચડીને એક પરદેશી ઊભો
ઓશિયાળી મુંને ભાળી રે
બેડાં લઈને હું તો હાલી રે...
હાં હાં ગોરી હું તો સુરતનો સૂબો
કેમ જાવા દઉં ઠાલી રે
બેડાં લઈને હું તો હાલી રે...
ઊડઊડ અચકન ને અત્તરનો ફાયો
હું નકરી નખરાળી રે
બેડાં લઈને હું તો હાલી રે...
ફોડ્યાં પાતાળ એણે ફોડ્યાં અંધારાં
અંજવાળે ભરી થાળી રે
બેડાં લઈને હું તો હાલી રે...
મોતી વીણીને મને સાગમટે દીધાં
આંખડી એવી ઉલાળી રે
બેડાં લઈને હું તો હાલી રે...
પાછી વળીને પછી આડબીડ ઊપડી
જાણતલનો હાથ ઝાલી રે
બેડાં લઈને હું તો હાલી રે...