મેઘાણીની નવલિકાઓ - ખંડ 1/પાનકોર ડોશી

From Ekatra Wiki
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પાનકોર ડોશી

એક જમાનામાં એ વ્યાપારે ને ઉદ્યોગે ધીકતું ગામ હતું. પણ એક જ દાયકાની કોઈક અકળ ભીંસ આવી — અને, એક જ થપાટે કોઈ મનુષ્યના બત્રીસેબત્રીસ દાંત હચમચી જાય, તેવું જ કાળના તમાચાએ આ ગામનું ખેદાનમેદાન કરી નાખ્યું. દર ત્રણ-ત્રણ ઘર છોડીએ એટલે અક્કેક મકાનનું ખંડિયેર આવે. કૂતરાં આખી રાત રોયા કરે. સવાર પડતાં જ સહુ જુએ કે ખંડિયેરોના ઉકરડાઓમાં રઝળતાં ગધેડાંમાંનું એકાદ ગધેડું તો કૂતરાઓએ ચૂંથી નાખેલું પડ્યું જ હોય. એ સડતા મુર્દાની દુર્ગંધ બે’ક દિવસ લોકોને મળી રહે તે પછી જ ઝાંપડા આવીને એને ઢસડી જતા. મ્યુનિસિપાલિટીનો અભરામ પટાવાળો આવે પ્રસંગે એકાદ ઝાંપડાનો બરડો તો પોતાની સોટી વડે ફાડ્યે જ રહેતો. એ ખાવા ધાતા ગામ ઉપર બિહામણી રાત ઝમ્ ઝમ્ અંધારું વરસાવતી હતી. સુધરાઈ ખાતાનાં ફાનસો એકબીજાંને ન જોઈ શકે તેવું જાણે કે કશુંક કાવતરું ગોઠવતાં શેરીઓનાં વાંકઘોંકમાં ભટ્ ભટ્ કાકડે બળતાં હતાં. ને તાજી રાંડેલી કોઈ કોઈ જુવાન સ્ત્રીઓ, ખૂણો પાળતી પળતી, લોટો લઈ શેરીઓમાં ગુપચુપ નીકળતી હતી. એવે સમયે મારા ફળિયાની ખડકી ઉપર સાંકળના ખખડાટ બોલ્યા: ઠક્! ઠક્! ઠક્! ઠક્! જૂની સાંકળ જૂના કમાડની જોડે રણઝણતી નહોતી, પણ માથાફોડ કજિયો કરતી હતી. એના અવાજો ખરે જ મારી કાગાનીંદરમાં મને કોઈ માથાં પછાડતી ગાંડી સ્ત્રીના ધડુસ્કારા સમાન લાગ્યા. પછી મને ઘોઘરો અવાજ સંભળાયો: “પાનકોર ડોશી! એ હે... ઈ પાનકોર ડોશી! એલી એઈ ડોકરી! આવવું છે કે નૈ?” ફરી પાછા સાંકળના શિર-પછડાટા: ઠક્! ઠક્! ઠક્! ઊંઘમાં ને ઊંઘમાં મને એમ થતું હતું કે જાણે પાનકોર ડોશીને તેડવા કોઈ જમ આવ્યો હતો. એ રાતના ત્રીજા પહોર જોડે, મારી સાંકડી શેરી જોડે અને ગામના સૂનકાર જોડે મને જમ તથા જમપુરીની કલ્પના ખૂબ બંધબેસતી લાગી. કાગાનીંદરમાં મને એમ લાગ્યું કે આ ખખડાટ ને આ ઘોઘરા હાકોટા અમારી ખડકીએ નહિ પણ બાજુની કોઈ બીજી ખડકી ઉપર ચાલી રહ્યા છે. થોડી વારે તો એ ખડકીમાં બોલાસ વધ્યો. જુદા જુદા બોલ સંભળાયા: “એલા આમદ! બોકાસાં શું નાખી રિયો છો?” “આ પાલાવાળા આખી રાત કોઈને ઊંઘનું મટકુંય લેવા થોડા આપે છે, માડી!” “પણ તઈં ઈ રાંડ ડોકરીને જ કોઈક કહોને કે માવડી, હવે ઝટ હોંકારો તો દે — એટલે આમદ પાલાવાળો ખડકી ભભડાવતો મટે!” “રાંડ બેરકી છે ને! કાન તે કોના લેવા જાય!” ફરી પાછી સાંકળ ટિપાવવા લાગી, ને આમદ પાલાવાળો એટલું બોલીને ચાલતો થયો કે “ઈ ડોકરીને રાંડને કે’ જો કો’ક — કે જો ગાડીએ આવવું હોય તો હાલ ને હાલ ઝાંપે પોગી જાય; નીકર હું પાલો હાંકી મેલશ. હમણે અસવાર આવી પોગશે; પછેં તમામ પાલા હાલશે ને હું એકલો વાંસે નહિ રઉં. મારાં બીજાં છડિયાં ફાસ ગાડી ચૂકે! ને ઈ રાંડ ડોકરીને કે’જો કે હું ફદિયાં રોકડાં લઈ મેલશ કાલ સાંજે આવીને.” મારી બારીમાંથી — બારી તો એને કેમ કહેવાય? મારા નાનકડા જાળિયામાંથી — મેં ઊઠીને જોયું તો આમદ ઘોઘરો એના હાથમાં મેશથી છવાયેલું, ધુમાડિયું, કાળું ફાનસ લઈને બીજી શેરીમાં ચાલ્યો જતો હતો. અમારી આસપાસના લત્તામાં લધા સોનીની ખડકીમાં, વેલજી ખત્રીની ડેલી ઉપર ને સંઘાણીના ડેલામાં ઠેકાણે ઠેકાણે અક્કેક ધુમાડિયું ફાનસ તબકતું હતું, અને પુરાતન કમાડો ઉપર ધિંગી સાંકળો માથાં પછાડતી હતી. સાત ગાઉ દૂર આવેલા રેલ્વે-સ્ટેશને ઉતારુઓને માટે બેલગાડી હાંકતા પાલાવાળા ઠેકાણે ઠેકાણે એના ઘોઘરા અવાજે હાક પાડતા હતા. એ હાકમાં કોણ જાણે કેવીયે કાળ-વાણી સાંભળીને કૂતરાં લાંબા સ્વરનાં રુદન કરતાં હતાં. બુઢ્ઢો ગામ-ચોકિયાત માલૂજી સિપાહી ખોં ખોં ઉધરસો ખાતો ખાતો ને ખોંખારા મારતો ગામ ગજાવતો હતો કે “હૂ-ઉ-ઉ... ખબડદાર! જાગતા સૂજો! જાગો છો કે, પીતાંબરભાઈ?” “હવે હા, ભાઈ, હા; જાગીએં જ છયેં ને?” કોઈક સામો જવાબ દેતું. “અરે, ગાંગલા મેરાઈ!” માલૂજી ચોકિયાત પોતાની લાકડીનો છેડો એક ઘરના કમાડ ઉપર ઠબકારીને બોલી ઊઠ્યો: “ગાંગલા, તારી બારી ઉઘાડી છે: બંધ કર! બંધ કર! જાગછ કે, ગાંગલા?” અંદરથી કોઈ વૃદ્ધ સ્ત્રીનો અવાજ આવતો: “માલૂજીભૈને કહીએં કે ઠીક, બાપા, ઠીક! બંધ કરી વાળું છું, હો! ઈ તો ગાંગલો કે’ કે, માડી, ઉનાળાની ગરમી બહુ થાય છે તે જરીક વા આવે તે ઉઘાડી મેલ્ય ને! આ ઈમ ઉઘાડી મેલી ત્યાં તો મારી મૂઈની આંખ મળી ગઈ...” “ગરમી થાતી હોય તો ચૂનાબંધ મેડિયું ચણાવોને, બાપા! પણ આ તો તમારા ત્રીસ વરસના જૂના ચોકિયાતને કપાળે તમે કો’ક દી કાળી ટીલી બેસારશો, વઉ! હવે તો હેમખેમ નોકરી માથેથી ઊતરી જાયેં તો હાઉં: ગંગ નાયા! થોડાક દી આ માલૂજી ડોસાની આબરૂને ખાતર પણ ગરમી વેઠી લે. બાપ ગાંગલા! મોટા જાટલીમેન!” આટલું બોલીને માલૂજી સિપાહી આગળ વધ્યો. ગળામાં કોઈ કાયમી ચાવી ચડાવી રાખેલ સંચો ગોઠવ્યો હોય તે રીતે એનો અવાજ ચાલુ થયો: “હૂ-ઉ-ઉ... જાગતા સૂજો! જાગતા સૂજો! પાનાચંદકાકા, જાગો છે કે? હા, ખબરદાર રે’જો! હૂ-ઉ-ઉ...” એવો ‘સ’ અને ‘હ’ વચ્ચેનો અવાજ કાઢીને માલૂજી ચોકિયાતે ખોંખારો ખાધો. એ ખોંખારાના પ્રત્યુત્તરો જુદા જુદા લત્તાઓના ચોકિયાતોએ પોતાના ‘હૂ-ઉ-ઉ...’ સ્વરો વડે સારાય ગામમાં પહોંચાડ્યા. આમ આખી રાત ગામ જાગતું જ સૂતું. મને થયું કે આ લોકો ક્યારે ઊંઘતાં હશે? શી રીતે થાક ઉતારતાં હશે? ચોકિયાત જો સહુને જાગતાં સૂવાનું કહેતા તેમ જ જગાડતા જ ફર્યા કરે, તો ચોકી શાની! અને કોના ઘરમાં ચોરાવા જેવી માલમત્તા રહી છે! આખી રાત આ છોકરાં રડે છે ને માંદાં ફફડે છે. આખી રાત ફળિયે ફળિયે કોઈ રોગના કણકાટ ચાલે છે. ને આઘે આઘે એ શા તીક્ષ્ણ અવાજ આવે છે? — “રા...મ! મ...હા...વી...ર! રા...મ!” આટલા કાન ફાડી નાખતા અવાજે આ કોણ આવી ભીષણ પ્રાર્થના કરી રહ્યું છે? “ગગા!” મારી માએ કહ્યું: “ઈ તો ત્રીકમ વાલજીના ધીરુને ખેન (ક્ષય) થ્યું’તું ને, ઈ અંતકાળ લાગે છે. એના કાનમાં ધરમના બોલ સંભળાવતા લાગે છે. જીવ ઊંડો ઊતરી ગયો હશે ને, તે ઓછો અવાજે સાંભળી શેનો શકે બાપડો?” હું રોમ રોમ ધ્રૂજતો હતો. મારી છાતી ઉપર જાણે કે આ ગામનું સમસ્ત વાતાવરણ સીસા જેટલું બોજાદાર બનીને ચંપાતું હતું. ત્યાં તો મારી બગાસાં ખાતી બાએ મને કહ્યું કે “ગગા, હવે તારુંય ટાણું થઈ ગયું. તારીય પાલાગાડી હમણે ખડકીએ આવીને ઊભી રે’શે. તું મોં-બો ધોઈ લે, માડી! ને ઈ તો આ ગામમાં થિયા જ કરવાનું. મોટે ફળિયે ઝમકુ માની દિવાળીના હવે દા’ડા ગણાય છે. સોની ફળિયામાં મેરામણને તો ત્રણ વાર ઝોબો આવી ગ્યો: હજુ પોર જ પરણ્યો’તો બાપડો; હવે એકાદ રાતનો મે’માન છે. વેલજી ફુવાના છોકરાને આંચકીનું તાણ આવી જાય છે. એવા બાળા જુવાનોનો જ પાર નથી, ત્યાં હું જેવા ગલઢાંખખ્ખનું તો શું પૂછવું? અમે તો રાતમાં ધરમ-બોલ બોલાતા સાંભળીએ કે તરત વરતી કાઢીએ કે આ ફલાણું ફલાણું ઊપડ્યું...” જીવનના કરતાં મૃત્યુનો જ હિસાબ આ ગામનાં માણસોની જીભ ઉપર વિશેષ રમતો હતો. મને આ મારું વતન કોઈ કબરના ઊઘડતા કૂપ જેવું લાગ્યું. એક તો, પરોઢિયે મારે ચાલવાનું હોવાથી હું ઘણો મોડો સૂતેલો. માને શરીરે સોજા થતા હોવાથી, ને બહેન વર્ષ પહેલાં વિધવા બની હતી તેને ખૂણો મુકાવવા સાસરેથી તેડી લાવવાની હોવાથી, મારાથી મારી પત્નીને તેડી જવાય તેમ નહોતું. એ પણ આખી રાત ખોં ખોં કરતી હતી. એનાથી જુદા પડવાનો સમય મને અત્યંત અકારો લાગતો હતો. પણ મારા બજારની સ્થિતિ ડામાડોળ હોવાથી મારે મુંબઈ પહોંચ્યા વગર છૂટકોયે ન હતો. પત્નીને શાંત પાડ્યા પછી માંડ માંડ મારી આંખ મળેલી. હું તંદ્રામાં જ હતો. ભાંગ્યાંતૂટ્યાં ખરાબ સ્વપ્નો, એક ડાળેથી બીજી ડાળે છલંગો મારતાં વનનાં વાંદરાં જેવાં, મારા મગજમાં ઉત્પાત મચાવી રહ્યાં હતાં. ગામના કોલાહલથી હું જાગ્યો ત્યારે મારી પત્ની ફાનસમાંથી દીવાના ડબાને કાઢી એની પથારીમાંથી માંકડ વીણતી હતી. છોકરો સૂતો હતો તેને ચટકા ભરી ભરીને માંકડોએ ઢીંમણાં ઉઠાવ્યાં હતાં. સ્ત્રીના વાળનાં લટિયાં દીવાના કાકડાથી બહુ જ નજીક ઝૂલતાં હતાં, ને દીવાના ઘાસલેટી ધુમાડાની શેડ એ લટિયાંની જોડે ગેલ કરતી હતી. આ ઘર, આ માથા પરનો વર્ષોજૂનો મેડો, આ ભાંગલાંતૂટલાં પેટીપટારા, ટીપું ટીપું તેલ પીને બળી રહેલ આ નિસ્તેજ દીવા ને એ દીવાની માનવ-પ્રતિકૃતિઓ મારી મા, પત્ની, બહેન, પાડોશીઓ; ને પેલા દૂર દૂરના લત્તામાં ‘રામ’, ‘મહાવીર’ જેવાં પુનિત નામોના બરાડા સાંભળીને આત્માનાં અગાધ ઊંડાણોમાં શાતાને સાટે વ્યથા પામી રહેલ મરણોન્મુખ જુવાન સ્ત્રી-પુરુષો: એ-ની એ જ આ દુનિયા, કે જેમાં મારો જન્મ થયેલો, મારી બાલ્યાવસ્થા બંધાયેલી, મારી જુવાની પણ થોડીઘણી પોષાયેલી, તે આજે મને ન કહી શકાય તેટલી બિહામણી ભાસી. ઘડીવાર એમ થયું કે આ ચોકિયાતોના બુમરાણ રોકવા હું પોલીસ ફોજદારને પત્ર લખું; આ ઉકરડા, ગધેડાં, કૂતરાં, તેમ જ બળતાં કરતાં સો ગણાં તો પ્રજાનાં હૈયાંને બાળતાં ફાનસો સંબંધમાં હું સુધરાઈ ખાતાના ઉપરીને અરજી કરું. ત્યાં તો રસ્તા પર ઘૂઘરાના રણકાર તથા બળદગાડીના કચૂડાટ બોલ્યા. પાલાગાડી મારી પછીત પાસે ઊભી રહી, ને મારો ગાડાવાળો બૂમ પાડે તે આગમચ જ મેં એને મેડી ઉપરથી કહ્યું કે “દાઉદ! બોકાસાં ન પાડતો, હો કે; હું જાગેલો જ છું.” “એ હો, ભાઈ; નહિ પાડું.” એટલો પ્રત્યુત્તર વાળીને દાઉદ પાલાવાળાએ પોતાનું ધાર્યું કરી લીધું. એ એટલા જોરથી બોલ્યા કે મારો છોકરો ઊંઘમાંથી જાગી ઊઠ્યો: મારે જે અટકાવવું હતું તે જ બન્યું! નીચે દાઉદ ગાડીવાળો ધીમે ધીમે બોલતો હતો કે “નવી નવાઈના આવ્યા, ભાઈ! ગળાં તાણીએ અમે ને કહે કે બોકાસાં પાડતો નૈ! અલ્લા! દુનિયાય કેવી છે! જમાનો બહુ બાલિસ્ટર આવતો જાય છે...” બાલિસ્ટર એટલે બારીક! મને થયું કે એના બૂમો પાડવાના આ શહેરી હક ઉપર મેં તરાપ મારી તેથી કરીને દાઉદ ચિડાયો છે. પાછો દાઉદ બબડતો હતો: “આપણે શું? આપણે તો દસ છડિયાં ગોતવાં પડત, દસેયને જગાડવા જાવું પડત, એટલું ઘાસલેટ બળત, એટલા જોડા ઘસાત ને એટલા ઢાંઢાં ટૂંપાત તે કરતાં આ એક જ સુવાંગ ભાડૂત મળી ગયો! આપણે શું? બોકાસાં નહિ પાડીએ, બાપા! તમે શેઠિયા છો, મુંબી ખેડો છો: મા’લોને, બાપા, સુવાંગ ગાડી! ને દાઉદની પાલાગાડી એટલે તો શું? પેટમાં પાણીય હલે! તો તો દાઉદની સાત પેઢી લાજે! ખબર છે?...” બબડતો બબડતો દાઉદ પ્રભાતિયું ગાવા લાગ્યો:

ધન્ય અલા! ધન્ય મોલા!
ધન્ય તેરી સાયબી! ધન્ય અલા!
જમીં કા તેને જલેસા બનાયા
રાવટી અસમાનકી
ધન્ય અલા! ધન્ય મોલા!
ધન્ય તેરી સાયબી!

મારા રડતા છોકરાને છાનો રાખવાના મારા પ્રયત્નો એળે ગયા. “ભાઈ હાલે જાવું થે! જાવું થે!” ...“આંઈ બાઉ કરડે થે! કરડે થે!” “આંઈ ઠાઠડિયું બઉ નીકલે થે!”... “આંઈ નથી લેવું” એ બધી મારા બાળકની ધા મને અતિશય મૂંઝવતી હતી. મારી પત્ની એને ચોંટિયા ભરી ભરી છાનો રાખવા કરતી હતી. અંતે મારી ડોશીએ આવીને કહ્યું કે “ભાઈ, તું તારે જા, માડી; ઇ તો હમણાં છાનો નહિ જ રહે. તું તારે જા. સવારે તને નહિ દેખે એટલે આફૂડો છાનો રહી જશે. ને કાલથી એને પંડ્યાની નિશાળે જઈને સોંપી આવશું.” સૂનમૂન હૃદયે હું એ સુવાંગ ભાડે કરેલી દાઉદની પાલાગાડીમાં બેઠો. મારી પત્નીનું મોં મેડીના જાળિયા આડે કોઈ કેદીના મોં જેવું જોઈ રહ્યું હશે, એવું મેં કલ્પી લીધું — કેમકે નીચેથી મેડીના જાળિયામાં કશું જોઈ શકાય તેટલી તાકાત એ ડબાના દીવાના તેજમાં નહોતી રહી. “તમે, ભાઈ, બહુ ખોટીપો કર્યો. એક છોકરાના કજિયા જેવી વાતમાં...” દાઉદે પાલાગાડી હાંકતાં હાંકતાં મને સંભળાવ્યું: “આપણે ટેશનનો આઠ ગાઉનો પંથ કાપવો છે; ને મુંબઈવાળી ગાડી તો સાત બજ્યે આવી જાય છે. બીજી તમામ પાલાગાડીઉં જાતી રહી હશે.” અમે ઝાંપે આવ્યા ત્યારે એક જ પાલાગાડી ઊભી હતી, ને ત્યાં ધમાધમી મચી રહી હતી. અંધારામાં પાંચ-સાત ઘોઘરા અવાજ અફળાતા હતા: “તમે મારું છડિયું નહીં બેસાડવા દ્યો — એમ?” એ અવાજ આમદ પાલાવાળાનો હતો. “ના ના;” એની ગાડીની અંદરથી અવાજ આવ્યો: “ચારની બોલી કરી’તી ને સાત ખડકી દીધાં — ને ઉપરાંત પાછો આ એકને ઘાલવા આવ્યો છો? શરમાતો નથી?” “તો ઊતરો હેઠા.” “ઊતરે શેનાં? છ-છ ફદિયાં મફત આવે છે? અમે ઉજાગરે મૂઆં એ શું જખ મારવા?” “અહીં ક્યાં — અમારા માથા ઉપર બેસારીશ?” “સલોસલ ખડક્યાં છે રોયાએ: જાણે ખજૂરનાં વાડિયાં ભર્યાં.” “પણ ઈ છડિયું છે કોણ?” “અરે, ઓલી...” “કોણ?” “અત્યારમાં દાતણપાણી કર્યા વગર ક્યાં એનું નામ લેવું, બાપા!” “મૂઈ રાંડ ડાકણ!” “કોણ પણ?” “ઓલી મોટા શેઠના ફળિયાવાળી પાનકોર ડોશી.” “અરે, ભોગ લાગ્યા! એલા આમદ! હવે ડાહ્યો થઈને ગાડી હાંક ગાડી; નીકર આ ડાકણના મોંમાંથી વેણ પડ્યું એટલે આમાંથી કો’કનું ધનોતપનોત નીકળી જશે. હાંક ઝટ, અક્કલ વગરના! છડિયું બાંધવામાં જરા સરત રાખતો જા! તારો બાપ તો આવો અક્કલનો ઓથમીર નો’તો. કોઈ ન મળ્યું તે આ પાનકોર ડાકણ મળી તને? આ લે: તારે છ ફદિયાનો લોભ હોય તો લઈ એ અટાણથી જ, છ ફદિયાંને બદલે બે આના; પણ ઉપાડ ઝટ, ગાડી ઉપાડ હવે.” “ડોશી! તુંને હવે કાલ લેતો જઈશ, કાલ. અટાણે જઈને સૂઈ રે’.” એટલું કહીને આમદે ગાડાની ઊંધ ઉપર ઠેક દીધી, રાશ હાથમાં લીધી ને બળદોનાં ઢીંઢાં ઉપર હાથ મૂક્યા એટલે ગાડું ધૂળના ગોટા પછવાડે અદૃશ્ય બન્યું. અંધારામાં એક માનવી, કોઈ ચિતારાએ છાયાચિત્ર આલેખ્યું હોય તેવું, સ્તબ્ધ ઊભું હતું. એના માથા ઉપર એક ડબો હતો, તેનો કટાયેલો કાળો રંગ સુધરાઈના ઝાંખા ફાનસની પાસે ડોશીની દરિદ્રતાની ચાડી કરતો હતો. એ હતી પાનકોર ડોશી. બે-ચાર માણસો બીડી પીતાં પીતાં પાનકોર ડોશીનું ટીખળ કરતા હતા: “લ્યો ભાઈ, પાનકોર તો મુંબઈ જઈ આવી!” “પણ, એલી પાનકોર, તને આટલે ગઢપણે આ શું સૂઝ્યું! ઘર ઝાલીને બેસી રે’ ને!” “અરે ભાઈ, પાનકોર તો મુંબઈના ભલભલા બાલિસ્ટરોને ભૂ પાઈ દેશે, જોજો તો ખરા!” “આવે મોટે કામે હાલી છો તું, હેં પાનકોર, ને મોટર ભાડે કરતી નથી?” અમારી બળદગાડી હજુ બહુ દૂર નહિ ગઈ હોય ત્યાં જ આટલી બધી વાતો થઈ ગઈ. ગાડામાં બેઠો બેઠો પાલામાંથી હું પછવાડે જોતો હતો કે પાનકોર ડોશી નામનું એ માનવી મૂંગું મૂંગું અમારી પાછળ પાછળ ચાલ્યું આવે છે. પ્રથમ તો મને એ અતિ બિહામણી લાગી. બીકની અસરનું મુખ્ય કારણ પેલા આમદની ગાડીના ઉતારુઓએ કરેલી વાતો. ‘ડાકણ’ શબ્દ મારી સ્મૃતિમાં જ હતો. અંધારે અંધારે મને પાનકોર ડોશીના દાંત લાંબા લાંબા થતા લાગતા હતા. શાહુડીનાં પીંછાંની પેઠે પાનકોર ડોશીના માથાના તમામ વાળ જાણે ઊભા થઈ ગયા હોય તેવું ભાસ્યું. પછી વળી મને યાદ આવ્યું કે એ તો એના માથા ઉપર સામાનનો ડબો છે. મારી છાતીએ સ્વેદ વળતાં હતાં. હું વારંવાર દાઉદને ગાડી ઝડપથી હાંકવા કહેતો હતો; પણ પછવાડે પાનકોર ડોશી ચાલી આવી છે તેથી હું બીઉં છું, એવું કહેવાની મારી હિંમત નહોતી. મને થયું કે પાનકોર મારી પાછળ જ પડી છે. મેં ગાડીના પાલામાં એકલા પડ્યાં પડ્યાં, ઉનાળાનો બાફ હોવા છતાં, માથા ઉપર કામળ ઓઢી લીધી. થોડી થોડી વારે અકળાઈને કામળ ઉઘાડી હું પાછળ જોતો તો પાનકોર હાજર ને હાજર હતી. હવે તો એણે ગાડીનું ઠાઠું પણ પકડ્યું હતું. મેં મારા હૃદયમાં ને હૃદયમાં મારા બાળકની રક્ષા માટે ‘ગાયત્રી’ રટવા માંડી. એમ પણ બોલાઈ ગયું કે “હે ડાકણ! તારા દાંત પાડે હડમાન...” આ શબ્દોએ દાઉદનું ધ્યાન ખેંચ્યું: “કોણ છે? કોના દાંત પાડવાનું કહો છો — હેં શેઠ?” “કોઈક ગાડીને ઠાઠે વળગ્યું આવે છે, દાઉદ...” મારો સ્વર માંડ માંડ નીકળ્યો. કૂદકો મારીને દાઉદ નીચે ઊતર્યો; ગાડીના આડામાં લટકાવેલું ધુમાડિયું ફાનસ ઉતારીને પછવાડે ગયો. “એલી, કોણ છો તું?” કહીને ફાનસ ડોશીના મોં સામે ધરવા જાય છે ત્યાં પવનનો ઝપાટો આવ્યો: દીવો ઠરી ગયો. “અરે, ભાઈ, હું પાનકોર છું;” અંધારામાંથી પેલો અવાજ નીકળ્યો — જેવો અવાજ કાઢીને વગડાનો પવન કોઈ ડુંગરની ખીણમાં હૂ-હૂ કરે છે. “ડોશલી!” દાઉદ બહાદુર બન્યો: “શા સાટુ મારી ગાડીને ઠાઠે વળગી આવછ? મારા ઢાંઢા ટૂંપાય છે. ક્યાંક ઢાંઢાને ભરખતી નહિ, માવડી! આઘી હટ.” “અરે, ભા! ઠાઠું ઝાલીને પાંચ ગાઉ તો ચાલી નાખ્યું. હવે ટેશન સુધી પોગવા દેને, દીકરા!” ડોશી કરગરી. “મેલી દે મેલી હવે; નીકર હવે એક અડબોત ભેળા બત્રીસ દાંત ખેરી નાખીશ;” કહીને દાઉદે પાનકોરનો હાથ ઠાઠા પરથી ઝટકાવી નાખ્યો. ડોશીનો આધાર જતાં એ જમીન પર ઢગલો થઈ ગઈ. દાઉદે ફરીથી ગાડીની ઊંધ પર છલંગ મારીને બળદને દોડાવી મૂક્યા. હું હેબતાઈને અંદર પડ્યો હતો. દાઉદ કોઈ પીરપીરાણાંનાં નામ જપતો હોય તેવું દીસતું હતું. પછવાડે હવે કોઈ જ નહોતું એ મેં ચાંદરડાંને અજવાળે સ્પષ્ટ જોઈ લીધું. હું પણ હિમ્મતમાં આવી ગયો. મને પોતાને જ નવાઈ લાગવા માંડી કે આટલું બધું હું કેમ ડરતો હતો! “હુંય મોટો બેવકૂફ જ ને, હેં શેઠ?” દાઉદ હસ્યો. મેં પૂછ્યું: “કેમ?” “ડોશીના બત્રીસ દાંત પાડી નાખવાનું મેં કહ્યું ને! પણ એને તો એકેય દાંત ક્યાં રિયો છે હવે!” “તમે બધાં એને કેમ હુડકારો છો — હેં દાઉદ?” “અરે, ભાઈ, હુડકારે નહિ ત્યારે શું કરે? ગામ આખાને માથે મોતનો પંજો ફરે છે — પણ આ એંશી વરસની ડોશીથી તો મોત પણ બીતું ભાગે છે! એના ત્રણ છોકરા ઊડી ગયા: એક પરારની સાલ મરકીમાં, એક અગાઉ તાવમાં, ત્રીજે દીકરે પોર આપઘાત કર્યો.” “આપઘાત!” મારાથી ઘોર સ્વરે બોલાઈ ગયું. કોણ જાણે કેમ, પણ સામટા સો જણની ફાંસીના કરતાંય એક જણનો આપઘાત મને વધુ બિહામણો લાગતો. “આપઘાત તો કરવો જ પડે ના, ભાઈ! પોતાનું ગજું વિચાર્યા વગર મોટા માણસું સામે વેર બાંધવાનો તો ઈ જ અંજામ હોય ના!” પછવાડે નજર કરીને દાઉદે બળદોનાં પૂછડાં ફરી એક વાર મરડ્યાં, ને પાછી વાત આગળ ચલાવી: “મારો બાપ વાતું કરતો કે આ પાનકોર તેર વરસે પરણીને આવી તે વેળા તો એને નદીએથી હેલ્ય ભરીને હાલી આવતી જોવા બજારને હાટડે હાટડે ટોળાં બેસતાં. ત્રણ વરસમાં એને ત્રણ સુવાવડું આવી, ને ધણી કોગળિયામાં ઊડી પડ્યો. એનાં દેરિયાં જેઠિયાંએ બધી ઇસ્કામત દબાવી દીધી એમ કે’વાય છે. સાચું ખોટું ખુદાને માલમ. પણ નાનાં ટાબરિયાં સોતી પાનકોર દેરિયાં-જેઠિયાંને આંગણે પાંચ દા’ડા લાંઘી. પછી દળણાં દળીને ત્રણેય છોકરાને મંડી મોટા કરવા. ગામે એનો પીછો લીધો કે તારા વરનો દા’ડો જમાડ્ય ને જમાડ્ય. પાનકોર કે’ કે, જમો અમારાં લોઈ. “આ... તેને વળતે જ દા’ડે જુવાનજોધ જેઠને લોહી વમન ચાલ્યાં.” “હેં!” મારાથી કહેવાઈ ગયું. “હેં શું — ત્રીજે દા’ડે તો હોકો ભરીને હાલી નીકળ્યો! તે દિવસથી જુવાન પાનકોર ડાકણ કે’વાણી.” અહીં દાઉદે ફરીથી પીર પીરાણાને યાદ કર્યાં; ચલમ પેટાવી એના ઉપર કશીક ભૂકી ભભરાવી: લોબાનની ધૂંવાડી ભભકી ઊઠી. “હાજર સો હથિયાર, ભાઈ!” દાઉદે સમજ પાડી: “ભૂત પલીત કે ડેણડાકણ હોય તો ભાગે એટલા સારુ, હું તો સમજણો થ્યો ત્યારથી જ, લોબાનની પડીકી ભેળી ને ભેળી જ રાખું છું.” “હં, પછી પાનકોરનું શું થયું?” “પછી તો, ભાઈ, એના ખોરડાની થડોથડ દેરજેઠની ચૂનાબંધ મેડીઉં ખેંચાણી. વચ્ચે ભીંસાતી પાનકોર એના ત્રણ છોકરાને ઢાંકીને બેઠી. બેય મેડીઉંવાળાએ માન્યું કે પાનકોર અકળાઈને ખોરડું છોડી દેશે, એટલે ત્યાં આપણે રસોડાં ઉતારશું. પણ પાનકોર તો વીંછણ જેવી ચોંટી જ રહી. ઓલ્યા કે’કે, ખોરડું મૂકી દે. પાનકોરે કહ્યું: લાવો કિંમત. ઓલ્યા કે’ કે, આ લે રૂપિયા એકસો. પણ પાનકોર ન માની. આખું ગામ વાત કરતું કે જો ઈ કટકો પાનકોરે દઈ દીધો હોત તો આજ ગામમાં શી રૂપાળી મેડી બનત! ગામની શોભા મારી નાખી પાનકોરે. ગામનું નાક ગણાય તેવી ઈ ઈમારતને પાનકોરે જાણી જોઈને ભૂંડી લગાડી. ગામના અમલદાર, શેઠિયાઉં — અરે, ખુદ દરબારસાહેબ આવીને સમજાવી ગયા કે’ પાનકોર, ભૂંડી, આ તારાં કુટુંબીઓની મેડી નથી લાજતી, પણ અમારું શહેર લાજે છે. દરબાર કે દિલ્લીનો હાકેમ જોઈને છક્ક થઈ જાય એવી મારી બજારને, પાનકોર, તું એક તારા ‘ઊંહું’ વાસ્તે મ બગાડ્ય, મ બગાડ્ય. પણ પાનકોરની જિદ્દ છૂટી નહિ. બાપડા જેઠને ઘેર મોરબીના ઝવેરીની જાન આવી ત્યારે આ સોનાની થાળીમાં લોઢાની મેખ જેવું પાનકોરનું ખોરડું જોઈને સહુ લાજી ઊઠ્યાં.” “હાં, પછી?” દાઉદ જરા થંભ્યો એટલે મને વધુ કુતૂહલ થયું. “ઈ જાન ત્યાં જમતી’તી ત્યારે, એમ કહેવાય છે કે, પાનકોરને બહાર નીકળવાની બંધી હતી. અંદર પાનકોરનો એક છોકરો રોમે રોમે શીતળાએ વીંધાઈ ગયેલો. પાનકોરે જાળિયામાંથી ડોકાઈને કહ્યું કે, કો’ક ઉઘાડો ને... મારા છોકરાને મૂંઝવણ થાય છે... વૈદને બોલાવવો છે. ઉઘાડ્યું તો કોઈએ નહિ, પણ જાન જમીને જાનીવાસે ગઈ કે તરત જ બધાંને ઝાડા-ઊલટી હાલી મળ્યાં. કોઈ કહે કે દૂધપાકમાં ઢેઢગરોળી પડી ગયેલ, ને કોઈ કહે કે નક્કી પાનકોરની નજર લાગી. પછી તો પાનકોરનો શીતળાવાળો છોકરો દસમે વર્ષેથી જ આંધળો બન્યો; બીજો છોકરો કોણ જાણે ક્યાંક અસૂરી વેળાએ પીરપીરાણાના ઓછાયામાં આવી જઈ ગાંડો થઈ ગયો; ને ત્રીજાને ભણતરમાં વિદ્યા ચડી ખરી, પણ ચાર અંગ્રેજી ભણીને ઊઠી જવું પડ્યું. પાનકોરના છોકરાનો કોણ હાથ ઝાલે? એના પોતાના જ ધરમના સાધુ એને ત્યાં ભિક્ષા લેવા જાય તો પાનકોર રોટલીમાં ઘીની ધાર ન કરે. એક વાર તો એક સાધુને એણે ‘મારા પીટ્યા... મારા રોયા’ કહીને ઘરમાંથી કાઢેલો. લોકોએ ઘણુંય પૂછ્યું કે, પાનકોર, શું થયું? પાનકોરે જવાબ ન દીધો તે આજની ઘડી સુધી નથી દીધો. સાધુએ કહ્યું કે, પાનકોર ઘરમાં બેઠી બેઠી એના દેરના છોકરાને મારવાનું કશુંક ટૂમણ કરતી’તી તે મેં એને ઉપદેશ દેવા માંડ્યો એટલે ડાકણ ખિજાઈ ગઈ. ત્યારથી પાનકોરનો પાણીછાંટોય લેતું ગામ બંધ પડી ગયું. એક છોકરો આંધળો, એક ગાંડો ને ત્રીજો આ રીતે એની માને લીધે અળખામણો: ત્રણેયનાં પેટ ભરવા સારુ પાનકોરે હાથમાં દોરડી ને દાતરડું લીધાં. વગડે ઘાસ કાપવા નીકળી, ને ભરી બજારે ઘાસની ગાંસડી લઈ ફાટેલ કાળે સાડલે જેવીતેવી લાજ કાઢી પ્રથમ જે દી ઊભી રહી, તે દી એના કુટુંબીઓમાં તો હાહાકાર બોલી ગ્યો. નાતજાત ને બીજાં વરણ પણ ફિટકાર દેવા લાગ્યાં કે, મોટા ફળીની જુવાનજોધ વિધવા વહુએ શા અવળા ધંધા માંડ્યા! આ, શેઠ, એમ કરતાં આજ ત્રીસ વરસ વયાં ગ્યાં.” “ડોશીની ઉંમર કેટલી?” મેં વચ્ચે પૂછ્યું. “લાગે સિત્તેર, પણ સાચોસાચ પચાસ-પંચાવન. એનો સહુથી મોટો આંધળો આજ જીવતો હોત તો ચાલીસનો હોત, વચેટ આડત્રીસનો. ત્રણેયને ડોશીએ હાથોહાથ બાળ્યા: ત્રણેયની આગ એણે જ લીધેલી: પોતે એક આંસુય ન પાડ્યું એવી તો કઠોર કલેજાની! છોકરા મૂવા ત્યારે નાતજાતમાંથી કોઈ આભડવા નો’તું નીકળ્યું.” “ત્યારે?” “રોજ ખડ વાઢવા જાયને, તે વસવાયાં જોડે વહેવાર થયેલો. એ લોક દે’ન પાડવા આવેલા.” “ડોશી રાજકોટ શું જાય છે?” “બબડે છે કે, ગવન્ડરને બંગલે જઈને લાંઘીશ.” “શી બાબત?” “આ તમારું હિન્દુઓનું મોટું દંગલ ઊપડ્યું’તું ને સરકાર સામે?” “હા.” “તે વખતમાં સરકારી ખાતાઓમાં માણસુંની તાણ હતી. ડોશીના નાનેરા દીકરાએ મામલતદારની કચેરીમાં કારકુની લીધી’તી.” “અરે, રામ રામ!” “ડોશીને કોઈક કહેવા ગ્યાં કે, આ તો સરકારી નોકરીઉં છોડવાનો કાળ છે ત્યારે તું ડાકણ ઊઠીને જનમભોમનું લૂણ હરામ કરી રહી છો? ડોશી કહે કે, લૂણ ખાવાનોય ત્રાંબિયો નથી રિયો ઘરમાં ને તમે બધા વાવટા ઝાલી ઝાલી સરઘસું કાઢનારા રોજ હડતાલું પડાવો છો તે મારે ખડની ભારી કેમ કરી લાવવી? લોકોએ એના ઘર કને સરઘસ લઈ જઈ ધડાપીટ બોલાવી. ડોશીએ બહાર નીકળીને છડેચોક સંભળાવ્યું કે, તમારા વૈકુંઠ શેઠ ને કરસનપરસાદ દેસાઈ ખેડુની ખાલસા જમીનું છાનામાના હરરાજીમાં રાખી લ્યે છે, એને પીટો ને! આ બે મોવડીઓનાં એણે નામ લીધાં, એટલે તો પછી બાકી શું રે’? ડોશી તો રીઢી થઈ ગયેલી, પણ દીકરો આ લોકોની ભીંસ ખમી ન શક્યો. સરઘસવાળાઓએ આવીને જ્યારે એની માની ઠાઠડી બનાવી બાળી, ત્યારે પછી છોકરાના છાકા છૂટી ગયા; પાદરના ઝાડ હેઠે ગળાટૂંપો ખાધો, ને ડોશી હવે આવલાં મારે છે એ છોકરાનાં બે નાનાં બાળ સારુ સરકારી જિવાઈ મેળવવા.” “બે છોકરાંને ઘેર મૂકીને નીકળી છે?” “હા, ઈ બેય પણ, ભાઈ, પાનકોરનો વસ્તાર છે! પરાક્રમી છે. પાંચ વરસનો છોકરો છે, ને ત્રણ વરસની છોકરી છે. મા તો મરી ગઈ છે; પણ ડોશી ઢેબરાં કરીને મૂકી આવી છે. એ ત્રણચાર દા’ડા ચાલશે. બાકીના દી અરધાં ભૂખ્યાં કાઢી નાખશે, ત્યાં તો ડોશી પાછી વળી નીકળશે.” હું ચૂપ રહ્યો. થોડી વારે દાઉદે ઉમેર્યું: “એની દયા ખાવા જેવું કોઈએ નથી, હો ભાઈ! એ તો પાનકોરની ઓલાદ છે. લોખંડના છોકરાં માનજો. ન મૂંઝાય — આખા ગામની સામે ખોઈમાં પાણકા ભરીને ઊભા રહે — ઈ રકમ છે, બાપા! ઈ તો પાનકોર ડાકણના પોતરાં છે. હે-હે-હે-હે...” દાઉદનું હાસ્ય એટલું જોશીલું હતું કે જાણે અંધકાર ભેદાયો ને પ્હો ફાટી. મેં પછવાડે સડક ઉપર ઘણે દૂર દૂર નજર તાણી. કોઈ દેખાતું નહોતું. મને કહેવાનું મન થયું કે ‘દાઉદ, ગાડી પાછી વાળશું? પાનકોરને જ્યાં મૂકી છે ત્યાંથી પાછા લઈ આવીએ. ભલે મારે સાંજની ટ્રેઇન સુધી રોકાવું પડે’. પણ પછી તરત જ મને મારા ક્ષણિક આવેશ ઉપર કાબૂ મળ્યો. મેં વિચાર્યું કે, મારે શું? આવી આવી ડોશીઓ તો ગામોગામ પડેલી છે. એક પણ ગામડું આવી કઠોર અને અકળ જીવન-સંગ્રામ ખેડતી બુઢ્ઢી વગરનું નથી. એ વેઠે છે કેમકે એનાં લક્ષણ એવાં છે. ઘડીક મનસૂબો ઊપડ્યો: આવી આવી ડોશીઓને એકઠી કરીને સરદાર વલ્લભભાઈ એકાદ ડોશી-ફોજ બનાવે તો! ગાંધીજી મીઠાના અગર ઉપર આ પાનકોર જેવીને લઈ હલ્લો કરે તો? તો તો બરાબરની જામે: કટકા થઈ જાય તોયે પોલીસની લાઠીને મચક ન આપે ને જેલમાં પણ ત્રાહિ ત્રાહિ પમાડી દે અમલદારોને! આમ, ઉપયોગિતાની દૃષ્ટિએ આ પાનકોર મને ઘણી ખપની લાગી; દેશભક્તો ઉપર કાગળ લખવાનું પણ મન થયું કે, તમારા લાભની વાત છે: આવી ડોશીઓને ભેળી કરીને સરકાર સામે, કોઈ પણ રાજાની સામે, કોઈ પશુવધ કરનારાં મંદિરોની સામે, કોઈ જુવાન સ્ત્રી પિસ્તાલીસ વરસના પુરુષને પરણતી હોય તેની સામે, હરકોઈ નાનામોટા સત્યાગ્રહની અંદર આની એક ખડી ફોજ ચડાવી દેવા જેવું છે: રાખી લો તો કેવું સારું! આ વિચારોએ મારી પાંપણો ઉપર મણીકાં મૂક્યાં. ચાલતું ગાડું ઘોડિયા જેવું બની ગયું. બળદનાં ગળાંની ટોકરીઓમાંથી માનાં ‘હાલાંવાલાં’ ગુંજ્યાં. હું નીંદરમાં પડ્યો. સ્વપ્નમાં મેં મારા આખા ગામની સેંકડો ડોશીઓ દીઠી: કોઈ કાળાં તો કોઈ શ્વેત વસ્ત્રોવાળી: સાડલામાં થીગડાં એટલાં બધાં કે મૂળ કપડું કયું તે કળી ન શકાય: કોઈને માથે મૂંડો, તો કોઈને માથે ખરી પડેલાં આછાં ઝંટિયાં: બોખા દાંત: સૂકલ આંખો: શૂન્ય દૃષ્ટિ: ખોળામાં નાનાં નાનાં અનાથ છોકરાં: પાણીમાં ઝબોળીને સૂકા રોટલાના ટુકડા પોચા કરે છે ને મોંમાં મમળાવે છે: સામે સાક્ષાત્ જમદૂતો ઊભેલા છે, તેની કરડી નજરથી ખોળાનાં છોકરાંને સાડલામાં લપેટી છુપાવી રાખે છે. સેંકડો એવી ડોશીઓના જૂથમાંથી ધીરે ધીરે એક જ ડોશીરૂપ બંધાયું. ઘડીક એ ડોશી મટીને મારું ગામ દેખાય. ઘડીક ગામ મટીને ડોશી દેખાય: ગામ અને ડોશી એકાકાર બની ગયાં. “શેઠ, જાગો જાગો હવે! આમ તો જુવો!” એ દાઉદના અવાજે મને જાગ્રત કર્યો ત્યારે સ્ટેશન આવી ગયું હતું ને લોકોની ઠઠ જામીને હસાહસ ચાલી હતી. ઊંચા થઈને મેં જોયું તો એક રબારી ઊંટને ઝોકારતો હતો. ઊંટની પાછલી બેઠક પર પાનકોર ડોશી બેઠી હતી. હસતાં લોકો બોલતાં હતાં: “રાંડ ડાકણ આખરે આવ્યે રહી! ઊંટ માથે બેસીને આવી: છે ને પણ! શી રૂડી લાગે છે! આને કોણ પોગે! જમનેય ભરખી જાય ને!” ત્યાં તો મારી ટ્રેઇન આવી લાગી.