જયદેવ શુક્લની કવિતા/વ્રેહસૂત્ર

Revision as of 00:57, 29 February 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
વ્રેહસૂત્ર

મૂળને સૂંઘતો
વૃક્ષને સંવેદતો
વનરાજિમાં પ્રસરતો
આનન્દથી વરસતો
પ્રતિપળ તરસતો
ટળવળતો
ગાતો, વાતો
ખડખડ હસતો,
ભાગતો, વાગતો, ખાળતો
ચાલી રહ્યો છું...
વૃક્ષો વીથિકાઓ વચ્ચેથી
અન્ધારમાં રણકતા ને ડણકતા જંગલો
ને ગૂઢ-ઘેરા વનમાં
વલવલતો
પસાર થતાં
ઊભો રહી જાઉં છું
ડધાઈને.
તાકી રહું છું.
આરપાર પ્રાણશંકર બની.
અન્ધારાં ફૂંફાડતાં ભરડી નાખે
મને ને મારી સાત પેઢીના પ્રાણને.
વૃક્ષને તાળવે બોલતા ઘુવડમાંથી
વેરાઈ જાઉં.
રાઈ રાઈ થઈ...
ત્યાં
સંકષ્ટ ચતુર્થીના ચન્દ્ર જેવું
આકાશમાં કંઈ ઊગે...
મોદકની ઝંખા જાગે
ટેરવાંમાં હણહણાટ
પલનો, વલવલનો, તલનો
અન્ધાર-જલનો...
ભૂલો પડી
શોધ્યા કરું છું
ભૂંસાતો, ગાતો, વાતો, વરસતો, તરસતો
આ બૃહદારણ્યમાં
દમયંતીને.

પૂર્વ
માથે દીર્ઘ શિખા રાખી
તાપીમાં સ્નાન કરી
ચાર છેડે પીતામ્બર ધારણ કરી
સન્ધ્યાવન્દન સમ્પન્ન કરી
યજુર્વેદ સંહિતાના ઘનપાઠ કરતો
પાઈ પાઈ માટે
જોજન જોજન ચાલતો
હું કોને શોધી રહ્યો હતો?
કોણ છે એ કશ્યપ?
શા માટે છે એ કશ્યપ?
એના પુત્ર, પૌત્રો ને પ્રપૌત્રોની પેઢીઓની પેઢીઓ
કયા અન્ધાર-જલમાં
ભૂલી પડી ગઈ છે...
ભૂલો પડેલો
બૃહદારણ્યક નિઃસીમ આકાશ નીચે
શોધું છું.

એ ઉન્નત અભિરામ ગ્રીવા
એ ચમ્પકવરણો દેહ
પ્રવાલસમ ઓષ્ઠદ્વય
કઠિનમૃદુ પીમળતા એ અમૃતકુમ્ભો...
અચાનક બધું લાક્ષાગૃહની જેમ સળગી ઊઠે છે.
હું કયા ભોંયરામાં થઈ
ક્યાં નીકળું તો
ભેદી શકું છેદી શકું
આ તળ-અતળ...
ભોંયરાનાં છમછમતાં અન્ધારાં
એવાં તો કર્બુર
કે ઓળખી શકાતી નથી
કૃષ્ણા કે તૃષ્ણા...

મારી પ્રમાતાનાં
સ્વપ્નોની ઉપત્યકાઓમાં
કોણ ગબડી રહ્યું છે?
ગર્ભ સમયે
જાંબુવન જોવાના દોહદ
કોણ જગાડે છે
આમ, રાતોની રાતો
સદીઓની સદીઓમાં...?

યાજ્ઞવલ્ક્ય
પાણિનિ
ને
દ્વૈપાયનમાં રેલાતો, ફેલાતો, છોલાતો, ઠોલાતો
ખોલાતો
અટકી જાઉં છું
વિ-સર્ગ આગળ.
અન્ધારાં જલ ઠલવાતાં જાય છે
ચારેકોર
લય પ્ર-લય
કયો?
કયા મન્વન્તરમાં જોયા હતો?
સાંભળ્યો હતો?
સૂંઘ્યો હતો?
ચાખ્યો હતો?
સ્પર્શ્યો હતો?
તે... તો...

કોણ દમયંતી તે કોણ સીતા ને કોણ પારમિતા?
કોણ વનલતા સેન?
કોટાનકોટિ સૂર્યો જ્યાં પ્રકાશે છે
એવા અન્ધારાની પેશીએ પેશી
ચશ્યશીને
કર્ણિકારની દીપશિખાએ લઈ
ઊંડે ને ઊંડે
ઊતરી પડવા મથું છું....
ત્યાં
આ કોના,
કોના શ્વાસની આંચથી
અટકી જાઉં છું?
કોણ છે એ?
કોણ વહી ગયું છે સમુદ્રને મારામાંથી?
કોણ હરી ગયું છે આકાશને મારામાંથી?
કોણ ચૂસી ગયું છે વાયુને...
કડેડાટ કરતી દિશાઓ ભીંસી નાખે છે મને
ને હું....
મૂળને સૂંઘતો
વૃક્ષને સંવેદતો
વનરાજિમાં પ્રસરતો
તરસતો
ટળવળતો
પંચકેશ ને વલ્કલ ધારણ કરી
યજ્ઞવેદીઓમાં
આજ્યની આહુતિઓ અર્પતાં
મસૃણ પીળી-કેસરિયા જ્વાળાઓ જોતો
इदं अग्नेय स्वाहा इदं अग्नये, (मह्यं च)
બોલતો
હાથમાં સ્રૂચિ ધારણ કરતો
ઊભો છું.
યુગોથી.
અગ્નિ.
કયો અગ્નિ?
કોણ અગ્નિ?
કોણ જમદગ્નિ?
કોણ કોને આહુતિ આપે?

મૂળને સૂંઘતો
પ્રસરતો, તરસતો
વરસતો
ટળવળતો,
કયા મનવન્તરમાં
કયા ઋષિને ત્યાં
વ્રેહસૂત્રનો અભ્યાસ કરતો બેઠો છું?