દલપત પઢિયારની કવિતા/બીજું, બ્હા૨ અમથું શું લખીએ?
કાગળ ઉપર નામ તમારું નોંધ્યું
કોરમોર કંઈ કેસ૨ક્યારી, કંકુનું ઘર બાંધ્યું!
બધી દિશાઓ સમય સમેટી બાજોઠ ઢાળી બેઠી
અક્ષર અક્ષર ઊગ્યા ભાણ ને અજવાળું આરાધ્યું!
નદીઓ તેડી, ફૂલો તેડ્યાં, તારાનું કુળ તેડ્યું
વાદળનું પડતર ખેડ્યું ને જળનું તોરણ બાંધ્યું!
ગોરંભો બાંધીને આખું ઝાડ ઊભું ઠલવાયું
પંખીએ માળામાં તરણું શ્વાસ લગોલગ સાંધ્યું!
બીજું, બ્હાર અમથું શું લખીએ?
અવરજવર ઘર, સાવ અડોઅડ આખું અંદર લાધ્યું!