દલપત પઢિયારની કવિતા/વાત જરા છાની છે...!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વાત જરા છાની છે...!

વાત જરા છાની છે, કોઈનેય કે’વાની નૈં!
નદી સાવ નાની ને તોયે એ તો વહેવાની થૈ!
વાદળીને એવું કંઈ થોડું પુછાય છે,
                   ઇચ્છા કેમ ઓતવાની થૈ?

દરિયો ક્યાં નાવને પૂછે છે કોઈ દિ
          કિનારે ગઈ કે ના ગઈ!
કાચું મોતી અને અંદરથી ઓટેલું,
          તોય એ તો કહેવાની થૈ!

આખોય કારભાર રણને સોંપી,
એ તો બ્હાવરી કંઈ બહારગામ ગૈ!
પાણીની ઉપરવટ પહેરી પટોળાં,
          માછલીઓ ચાર પગે થૈ!

જળના તે ઘર વિશે જાળનો જ માંડવો,
          તોય એ તો રહેવાની થૈ...!
ફૂલોના પંથકમાં પેઠો પવન,
          પછી એને કશું સાનભાન નૈં!
ઝૂલ જેવાં લાગે પણ ઝાંઝવાં તે ઝાંઝવાં
          તોય એતો લેવાની થૈ...!