મનોહર ત્રિવેદીનાં કાવ્યો/રુંઝ્યું વળવાની વેળ
Revision as of 00:35, 4 March 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <center><big><big>'''રુંઝ્યું વળવાની વેળ'''</big></big></center> <poem> અને ઊડે છે સાંજ મારે ફળિયેથી.... જાંબુડિયો રંગ જાય ઘૂંટાતો બીડમાં સુક્કી એકાદ ઘાસ સળિયેથી.... ધણની વચ્ચેથી બે’ક ઊઠે છે વાંભ પણે સીમ માથે ઊડ...")
અને ઊડે છે સાંજ મારે ફળિયેથી....
જાંબુડિયો રંગ જાય ઘૂંટાતો બીડમાં
સુક્કી એકાદ ઘાસ સળિયેથી....
ધણની વચ્ચેથી બે’ક ઊઠે છે વાંભ
પણે સીમ માથે ઊડ્યો ગુલાલ
ખરીઓની છાલકથી વાટ ચડી હેલારે
ગામ ભણી તરતા આ આ ઢાળ
તરતા આ ઢાળના વળાંકમાંથી છેલ્લેરા
છૂટ્યા રે સૂર વાંસળીએથી....
લીંમડાની ડાળખીએ ટાંગેલી ઠીબમાંથી
અંધારે ચાંચને ઝબોળી
ઘરની પછવાડે રાતરાણીનાં ફૂલોએ
હોઠભીની વાત કૈંક ખોલી
આખ્ખુંયે ગામ જાણે હુક્કાનો ડાયરો :
છલકે સોડમ ગલી-ગલીએથી....
રુંઝ્યું વળવાની વેળ ઓસરતી જાય
આમ કોલાહલ નીતરતો શેરીએ
ખેતરનો થાક પછી હળવેથી ચુપચાપ
વાળુ કરીને ચડે મેડીએ
હવે, ઓરડામાં (ચણિયાનાં આભલાંમાં આભ બીજું)
કોડિયાંઓ ઝલમલતાં ચણિયેથી....
અને ઊડી ગઈ સાંજ મારે ફળિયેથી...