મનોહર ત્રિવેદીનાં કાવ્યો/મૂકી જો
Revision as of 00:40, 5 March 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <center><big><big>'''મૂકી જો'''</big></big></center> <poem> એક પલ્લે સ્વભાવ મૂકી જો ત્રાજવાં પર પ્રભાવ મૂકી જો જે હશે તે જ તે કહી દેશે– દર્પણે હાવભાવ મૂકી જો પ્રેયસી જેવું જ વિશ્વ સુંદર છે તું જરી તો લગાવ મૂકી...")
એક પલ્લે સ્વભાવ મૂકી જો
ત્રાજવાં પર પ્રભાવ મૂકી જો
જે હશે તે જ તે કહી દેશે–
દર્પણે હાવભાવ મૂકી જો
પ્રેયસી જેવું જ વિશ્વ સુંદર છે
તું જરી તો લગાવ મૂકી જો
ઘર બને છે પછી જ સાચું ઘર
બારણે આવ-જાવ મૂકી જો
શ્હેર વસ્તી વગરનું થૈ જાશે
આપણો ત્યાં અભાવ મૂકી જો
ડૂબશે કે જશે કિનારા પર?
તારું છે કામ : નાવ મૂકી જો
એમનો અણબનાવ ભૂલી તું
પ્રેમનો રખરખાવ મૂકી જો
ઘાવ કરજે પછી જ બીજા પર
ત્યાં તું તારા જ ઘાવ મૂકી જો
‘મ્હેક પોત કને તું રાખી લે’
પુષ્પ સામે સુઝાવ મૂકી જો