ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે/૧૯મી સદીનાં સામયિકો : સાંસ્કૃતિક-સાહિત્યિક પ્રવાહો

From Ekatra Wiki
Revision as of 00:39, 7 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૯મી સદીનાં સામયિકો : સાંસ્કૃતિક-સાહિત્યિક પ્રવાહો

૧૯મી સદીમાં આપણને રસ જાગ્યો છે એ સારી વાત છે પણ કેવળ સાહિત્યને લક્ષ્ય કરવાથી, માત્ર સાહિત્યિક સામગ્રી એમાંથી તારવી લેવાથી એ સમયને પૂરો પામી શકાશે નહીં. એટલું જ નહીં, એમ કરવાથી એ સમયના સાહિત્યને પણ, એનાં બધાં પરિમાણો સાથે પામી નહીં શકાય. જરૂર છે સદીના સર્વગ્રાહી નિરીક્ષણની ને એ માટે ધૃતિપૂર્વક અધ્યયન કરવાની. પરંતુ આપણી તપાસ, આપણો શોધપ્રવાસ ઘણો વિકટ બની રહે એ હદે ઇતિહાસની સામગ્રી દુર્લભ બનવા લાગી છે; કેટલીક સામગ્રી તો નષ્ટ થઈ ચૂકી છે. જૂના – ૧૯મી સદી ઉત્તરાર્ધના અને ૨૦મી સદીના આરંભકાળના – સંદર્ભગ્રંથોમાં ઉલ્લેખ પામેલાં પુસ્તકોમાંથી ઘણાં પુસ્તકો મળતાં નથી; જૂનાં ગ્રંથાલયોમાં પણ એ સચવાયાં નથી. તો પછી, પત્ર-પત્રિકાઓ, સામયિકો તો આપણે સાચવ્યાં જ શેનાં હોય!૧ ઇતિહાસની આપણે બે રીતે ઉપેક્ષા કરી છે : કેટલીક સંલગ્ન દસ્તાવેજી સામગ્રીનું, એને ક્ષુલ્લક ગણીને આપણે જતન કર્યું નથી, એને વેડફાઈ જવા દીધી છે અને બીજું, આપણા વિલક્ષણ ‘રસૈકલક્ષી’ આગ્રહોને કારણે, ૧૯મી સદીની સાહિત્યકૃતિઓમાંનાં ઇતિહાસલક્ષી તથ્યો અંગે પણ આપણે ખાસ્સા ઉદાસીન રહ્યા છીએ. એટલે, સાંસ્કૃતિક અભ્યાસને કેન્દ્રમાં લાવનારા આવા પરિસંવાદ-પ્રયાસો નવી મથામણો માટે ઉપયોગી બની શકે. મૂળ સ્રોત જ્યારે અપ્રાપ્ય બની જાય ત્યારે અધિકૃત દ્વૈતીયીક સ્રોત મૂલ્યવાન બની રહે છે. એવા ગ્રંથોમાંથી પણ ઘણાખરા તો દુર્લભ બનવા માંડ્યા છે ત્યારે એક સારું ચિહ્ન એ છે કે એમાંના કેટલાકનાં પુનર્મુદ્રણો હવે થવા લાગ્યાં છે.૨ આપણી અધ્યયનપ્રવૃત્તિને એથી ઘણો ટેકો મળી રહે એમ છે.

૧૯મી સદીનું પત્રકારત્વ – એક રોમાંચક ઇતિહાસ રેડીઓ-ટેલિવિઝનમાં જેમ બે પ્રકારના કાર્યક્રમ હોય છે – રેકોર્ડેડ (પૂર્વ-અંકિત, સંપાદિત) અને લાઈવ (સદ્યપ્રસારિત, જીવંત); એવું પુસ્તક અને સામયિક વિશે પણ કહી શકાય. પુસ્તક એક રીતે તારણ કે સંપાદન છે; એ સુધારેલું, ઘટાડેલું, કંઈક પરિવર્તિત ને સંપાદિત એટલે કે સંમાર્જિત કરી લીધેલું પણ હોય છે અને, ભલે બહુ મોડું પ્રકાશિત ન થયું હોય તો પણ એ કંઈક અંશે સમયબાહ્ય હોય છે, કંઈક આસન્ન ભૂતકાળનું હોય છે. લેખકનું સર્જનાત્મક કે વિચારાત્મક લખાણ સૌ પહેલાં, અને તાજું તો સામયિકમાં પ્રગટે છે ને એમ સામયિક જ વર્તમાનને સદ્ય-પ્રકાશિત કરે છે. છાપામાં, ચોપાનિયામાં, સામયિકોમાં પ્રગટ થયે જતી સામગ્રી – એમાં ઉત્તમ લખાણો પણ હોવા છતાં – વ્યાપક રીતે ને સર્વપ્રથમ એ દસ્તાવેજી સામગ્રી હોય છે, સૂચ્યગ્ર વર્તમાનને રજૂ કરનારી. એ પછી એમાંનું ઘણું ગળાઈ જાય છે, ખરી પડે છે ને અલ્પ ઉપયોગી થઈને મુખ્ય પ્રવાહની બહાર ખસેડાઈ જાય છે; પુસ્તકોમાં એ બધું જ સંચિત થતું ને સચવાતું નથી, પણ સામયિકે જે સાચવેલું હોય છે એ ભવિષ્યને માટે મહત્ત્વની સંશોધનસામગ્રી, સાંસ્કૃતિક સંચલનો બતાવી આપનાર અગત્યની બાબત બની રહે છે. એ રીતે જોઈએ તો, ૧૯મી સદીમાં, છાપખાનું આવતાં જ સમાચાર અને વિચારની (ન્યૂઝ ઍન્ડ વ્યૂઝની) અઢળક સામગ્રી મુદ્રિત થઈ છે. સાહિત્ય તેમજ સંસ્કૃતિના સુધારક યુગને આકાર આપનારાં પરિવર્તનો બહુ તરલ અને ઝડપી, અનેકમુખી અને મુખર હતાં, ને એ બધું જ એના કાચા ને પાકા રૂપમાં એ મુદ્રણ માધ્યમમાં ઝિલાયું છે, બલકે ઠલવાયું છે. નવા વિચારો મુદ્રણ માટે તેમજ મુદ્રણ નવા વિચારો માટે, એમ પરસ્પર-ઉત્તેજક હતાં! એથી લખાયું તે છપાયું એટલું જ નહીં, માત્ર છપાવવાના શોખ માટે પણ લખાયું! સાહિત્યેતર અને સાહિત્યિક એવાં બંને પ્રકારનાં લખાણોને આ લાગુ પડે છે. ને આ બધાંએ પલટાતા યુગની ભાતીગળ મુદ્રા આંકી છે. એટલે જ, પત્રકારી સામગ્રી એ સમયનાં સાંસ્કૃતિક સંચલનોને પકડવા-ઓળખવા માટેનો અખૂટ ભંડાર છે. અખૂટ એ અર્થમાં કે એ સુમાર વગરની છે ને અખૂટ એ અર્થમાં પણ કે એ સહજસુલભ નથી, શોધ્યે જ જવી પડે એમ છે; ને બધી તો મળે એમ પણ નથી, લુપ્ત થઈ છે.૩ એટલે અહીં મેં મારા અભ્યાસનાં મુખ્ય નિરીક્ષણો અને તારણો રજૂ કર્યાં છે ને એ માટે, મહદંશે તો, અધિકૃત દ્વૈતીયીક સામગ્રીને ઉપયોગમાં લીધી છે.

વ્યાપક પરિપ્રેક્ષ્ય : સમાચારપત્રો અને વિચારપત્રો ૧૯મી સદીના પત્રકારત્વમાં સમાચારપત્રોની અને વિચારપત્રોની એમ બે ધારાઓ બતાવી શકાય. જેને ‘સાહિત્યિક’ પત્રકારત્વ કહેવાય એવી કોઈ સભાનતા કે એવું કોઈ વલણ ત્યારે ન હતું. એટલે એ સમયનાં સામયિકોમાંની સાહિત્યરસને પોષક (કૃતિઓરૂપ), અને સાહિત્યવિદ્યાને પોષક (લેખોરૂપ) એવી સામગ્રીને વિચારપત્રોના જ, ભલે મહત્ત્વના પણ, એક અંશ રૂપ ગણવી જોઈએ. તો જ ‘સુધારક’ યુગના લક્ષણવિશેષને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોઈ શકાશે. એ સમયનાં પત્ર-પત્રિકાઓનું ફલક અને એમની ખાસિયતો બતાવતો એક કામચલાઉ નકશો નીચે મુજબ આંકી શકાય :

Giridharo and Pichchhdharo 1.png

એ નકશામાં જોઈ શકાશે કે સમાચારપત્રો અને વિચારપત્રોનાં કાર્યક્ષqેત્રો મહદંશે જુદાં પડે છે છતાં અમુક અંશે એમાં ખાસિયતોની હેરફેરને અવકાશ રહ્યો જ છે. (એટલે આ નકશામાં એ બન્નેની એકએક બાજુ ખુલ્લી રાખી છે. ખાસિયતોને ચુસ્ત ચોકઠામાં, ચારે બાજુ બાંધી નથી.) સમાચારપત્રો સમાચારથી સુધારા સુધી વિસ્તરતાં રહ્યાં છે ને વિચારપત્રો સુધારાથી નવવિચાર તરફ પ્રસરતાં રહ્યાં છે – એ ભેદ મહત્ત્વનો બને છે અને ‘સુધારક’ સમયનાં વ્યાપ અને વિલક્ષણતા પણ એ બતાવે છે. બંને પ્રકારનાં પત્રોમાં, દરેકના બે-બે પ્રકારો ઊપસી આવ્યા છે – પત્રકારી પ્રવૃત્તિને સાધન/હથિયાર બનાવનારાં અને બીજાં એને કંઈક સન્નિષ્ઠાલક્ષી માધ્યમ બનાવનારાં સમાચારપત્રો; કર્તવ્યને આક્રમકતાથી પ્રયોજનારાં વ્યક્તિ/મંડળીનિષ્ઠ વિચારપત્રો અને કર્તવ્યને મધ્યમમાર્ગી ઠાવકાઈથી પ્રયોજનારાં સંસ્થાનિષ્ઠ વિચારપત્રો. અલબત્ત, એમાં પણ લક્ષણવિશેષોની હેરફેરને અવકાશ રહ્યો જ છે. નવી પશ્ચિમી વિદ્યાઓ – વિવિધ જ્ઞાનશાખાઓ – તરફના તેમજ પશ્ચિમી સાહિત્ય તરફના ઉત્સાહી ખેંચાણને લીધે વિચારપત્રોએ સાહિત્ય-વિદ્યાના પ્રેરણાત્મક ઉત્કર્ષની ભૂમિકા પણ ભજવી છે ને એણે જ ‘સાહિત્યના સુધારકયુગ’ને આકાર આપ્યો છે. પરંતુ, વ્યાપક રીતે તો આ બધાં જ પત્રોએ જે સાંસ્કૃતિક સંચલનો જન્માવ્યાં એથી એક સ્પષ્ટ યુગચિત્ર ઊપસ્યું અને ‘સાહિત્યના સુધારકયુગ’ને ઘડવામાં પણ – ને આજે હવે એને પામવામાં પણ – આ અખંડ યુગચિત્રને જ મહત્ત્વનું લેખવું જોઈએ.

૧. આ પત્રકારત્વનાં મુખ્ય સ્થિત્યંતરો

આ સમયના પત્રકારત્વનો – ઈ. ૧૮૨૨માં ‘મુંબઈ સમાચાર’ વર્તમાનપત્ર શરૂ થયું ત્યાંથી લઈને ઈ. ૧૮૮૩માં ‘પ્રિયંવદા’ (મણિલાલ દ્વિવેદી) જેવું પંડિતયુગીન ચિંતનલક્ષી પત્ર શરૂ થયું એ પહેલાં સુધીના પત્રકારત્વનો એક ઝડપી ખ્યાલ આપવા માટે હવે હું (૧) મુખ્ય સ્થિત્યંતરો બતાવવામાં અને પછી, (૨) કેટલાંક મહત્ત્વનાં વિચારપત્રોના તંત્રીઓની વિશિષ્ટ કામગીરી બતાવવામાં મારી વાતને સીમિત કરું છું. એને અંતે હું (કોઈપણ સમયનાં) સામયિકોના સંકલિત અધ્યયન વિશે કેટલીક વાત કહીશ. પહેલી પચીસી મહદંશે પારસી સમાચારપત્રોની હતી. પારસી કોમના સમાચાર આપવા, અને પારસી કોમને નવી સભ્યતાથી કેળવણી આપતો બોધ કરવો – એ મુખ્ય કર્તવ્ય, અને એ ઉપરાંત તે સમયનાં અંગ્રેજી વર્તમાનપત્રોમાંથી મહત્ત્વના લાગેલા સમાચારોના સાર/તરજૂમા આપવાનું કામ પણ આ પત્રોનું હતું. (સમાચારોની પ્રાપ્તિ મુજબ આ પત્રો દૈનિક-અર્ધસાપ્તાહિક-સાપ્તાહિક સમયગાળે પ્રકાશિત થતાં અને આઠ પાનાંથી એક પાના સુધી સીમિત રહેતાં!૪) ‘મુંબઈ સમાચાર’ એમાં સૌથી વધુ સાતત્યવાળું ને સન્નિષ્ઠ હતું. એ ઉપરાંત ‘મુંબઈના ચાબૂક’, ‘જામે જમશેદ’, ‘વરતમાન’, ‘સમશેર બહાદુર’, ‘આપઅખત્યાર’ અને બીજાં ઠીકઠીક સમાચારપત્રો સમયાંતરે શરૂ થતાં, બીજામાં ભળી જતાં, અને લુપ્ત થતાં રહ્યાં. આ બધાંએ તે સમયની રૂઢ સ્થિતિઓની તેમજ પરિવર્તનોની – એવી બન્ને રેખાઓ ઉપસાવી છે. એક મહત્ત્વની બાબત નોંધીને આગળ ચાલીએ કે, તે સમયનાં અંગ્રેજી સમાચારપત્રો અંગ્રેજ સરકારનાં વલણો અંગે વિમર્શાત્મક, ને ક્યારેક આકરી ચિકિત્સા કરનારાં, ક્રિટિકલ, હતાં પણ એવી કોઈ ભૂમિકા આ ગુજરાતી પત્રોની ન હતી. (એ ભૂમિકા પછી ‘ગુજરાતમિત્રે’ તેમજ ‘ડાંડિયો’, ‘સ્વતંત્રતા’, ‘ગુજરાતી’ જેવાં વિચારપત્રોએ ભજવી હતી.) આ પત્રો અંગ્રેજી પત્રોમાંથી માહિતીકક્ષાના સમાચારોનું ચયન જ મહદંશે કરતાં હતાં. એમનું બાકીનું ધ્યાન પારસી કોમનાં સમાચાર અને સુધારા પર કેન્દ્રિત થયેલું હતું. ‘જામે જમશેદ’નો તો એક મંત્ર હતો કે આ પત્ર, ‘પારસી કોમની મતા છે.’ પરંતુ આ પત્રોમાંનાં કેટલાંકનું એક બીજું સ્વરૂપ નકારાત્મક પત્રકારત્વ રૂપે ઊપસ્યું હતું : અન્ય પત્રો વિશે ઘસાતું લખવું, અત્યંત તોછડી અને ગ્રામીણ, લગભગ અશ્લીલ ગણી શકાય એવી અસુભગ ભાષામાં લખવું, ચારિત્ર્યખંડન સુધી જવું, વગેરે. ‘ચાબૂક’ એમાં સૌથી વધુ દૂષિત ને આક્રમક હતું. બીજા છાપાના તંત્રીને ગધેડો કહેવો એ તો એની સૌમ્યમાં સૌમ્ય ગાળ હતી!૫ ‘રાસ્ત ગોફતાર’ શરૂ થતાં જ ‘ચાબૂકે’ એને વધાવેલું(!) કે, ‘રાસ્ત ગોફતાર (= સત્ય બોલનાર)’ એવું પયગંબરી નામ જ એ કેમ રાખી શકે? બીજાંને હલકાં દેખાડવા? ચારિત્ર્યખંડન માટે એકવાર ‘ચાબૂક’નું લાઇસંસ જપ્ત થયેલું. સોદાબાજી કરવી, લાંચ લેવી – એવી પીળા પત્રકારત્વની દૂષિતતા પણ ‘ચાબૂક’ સાથે જોડાયેલી હતી. ‘સત્યપ્રકાશે’ જદુનાથ મહારાજ પર પસ્તાળ પાડેલી ને બીજાં પત્રો એની સાથે હતાં ત્યારે ‘ચાબૂકે’ જદુનાથને એમનાં જૂઠાણાં રજૂ કરવા દેવા માટે મંચ પૂરો પાડેલો! ‘સમશેર બહાદૂર’ પણ આવું – આરંભે નીડરતા બતાવનારું પણ પછીથી નકારાત્મક બનેલું પત્ર હતું.૬ વહેતા સમયની સરેરાશ સ્થિતિને રજૂ કરવા ઉપરાંત પણ કેટલીક નોંધપાત્ર અને પ્રભાવક બનેલી વિલક્ષણતાઓ આ સમાચારપત્રોએ પ્રગટાવી છે ને સમાચારપત્રો અને સમાચારપત્રો વચ્ચેના, તેમજ સમાચારપત્રો અને વિચારપત્રો વચ્ચેના મતભેદો-સંઘર્ષોએ એ સમયના પત્રકારત્વનાં દૃષ્ટિકોણ અને વલણોને ઘણી મુખરતાથી ઉપસાવી આપ્યાં છે – એ તત્કાલીન પત્રકારી મનોદશા અને વલણો દર્શાવવા માટે આટલી ચર્ચા અહીં આવશ્યક ગણી છે. બીજું સ્થિત્યંતર મુખ્યત્વે શુદ્ધ ભાષા અંગેની સભાનતાથી અંકાય છે. ૧૮૪૯માં ‘ગનેઆંન પરસારક’ શરૂ થાય છે ત્યારે એની આરંભકાલીન લેખન-અભિવ્યક્તિ આ પ્રકારની હતી : ‘જારે. ગનેઆંન. પરસારક. ચોપાનીઉં. આયે. ટાપુમાં. પહેલ. વહેલું. પરવરતાવીઉં. [...] અને. આપણા. દેશીઓએ.હમને. સારી. મદદ. આપીચ*’ પ્રત્યેક શબ્દને અંતે પૂર્ણવિરામ જેવું ચિહ્ન, વાક્ય પૂરું થતાં* જેવું ચિહ્ન અને તે વખતની રૂઢિ મુજબની, જોડાક્ષર વિનાની પારસી લેખનરીતિ.૭ પરંતુ, ભાષા/જોડણીની આ અશુદ્ધિ પર પસ્તાળ પડતાં, અને એનું વાજબીપણું પ્રતીત થતાં, એના ત્રીજા જ પુસ્તકમાં પત્રનું નામ બદલાઈને ‘જ્ઞાનપ્રસારક’ થઈ જાય છે. એના ‘દીબાચા’ (પ્રાસ્તાવિક)માંની કેફિયત બહુ દ્યોતક છે. એમાં લખ્યું હતું : ‘જ્ઞાનપ્રસારકને મદદ આપનાર સરવે સાહેબોની જનાબમાં અરજ ગુજારીને જણાવીએ છઈએ કે જે વખતથી અમોએ આ ચોપાનીયું પરવરતાવવાનો વિચાર કીધો હતો તારથી જ અમોએ એવું ઠરાવ્યું હતું કે જેમ બને તેમ ગુજરાતી બોલીની શુદ્ધ જોડની આ ચોપાનીયામાં દાખલ કરવી[...] [પણ] એ સુધારો એકદમ દાખલ કરવાને અમને પણ દુરસત લાગું નહીં હતું, કાં જે આજ સુધી મુંબઈના ઘણાં ખરાં પારસી રહેવાસીઓને શુદ્ધ જોડનીથી લખેલી ગુજરાતી ભાષા વાંચવાનો મહાવરો નથી તેથી કોઈને ચોપાનીયું પસંદ આવે નહીં – પણ અમને ૧|| [દોઢ] વરસની ટુંકી મુદત કહાડતા પણ ઘણી મુશ્કેલી પડી અને અમોને ઘણી તરફથી ઠપકા આવ્યા કે ‘તમો ખોટી જોડનીથી ગુજરાતી શું કરવા છાપો છો? એક તરફથી તમો લોકો કહો છો કે ખોટી જોડનીથી ભાષાને તથા પુસ્તકોને ઘણું નુકસાન પહોંચે છે તથા તે સાથે વલી ઘણી એબ લાગે છે, અને એ આપણી ભાષામાં એક હસવાજોગ ખામી છે – વલી બીજી તરફથી તમો જ લોકો એ ખોટી જોડની કામમાં લાવો છો તે ઘણું નાદુરસ્ત છે.’ એવી તરેહથી કેટલીએક તરફથી અમને ઠપકા મલ્યાથી અમને ફરજ પડી છ કે કાંઈ પણ રીતે એ ઘણો જ જરૂરનો સુધારો ચોપાનિયામાં દાખલ કીધો જોઈએ.’૮ ભાષાની આ ‘શુદ્ધિ’ વધુ સ્પષ્ટ રૂપમાં તો જો કે ત્રીજા સ્થિત્યંતરમાં, દલપતરામે અને નર્મદે હાથ ધરેલાં વિચારપત્રોમાં આકાર લે છે. ભાષાની પારસીશાઈ અશુદ્ધિ કેવળ પારસી લેખકોનાં લખાણોમાં જ દેખાતી હતી એવું નથી. કરસનદાસ મૂળજી જેવા બિનપારસી અને વિચારશીલ લેખકની ભાષા પણ એવી જ અર્ધ-ઘડાયેલી હતી. ધર્મસુધારાની દિશામાં શકવર્તી ગણાયેલા ‘હીંદુનો અસલ ધરમ અને હાલના પાખંડી મતો’ નામના એમના લેખમાંનું આ અવતરણ જુઓ : ‘મહારાજોનો પંથ પાખંડ ભરેલો તથા ભોલા લોકોને ઠગવાનો છે તે અસલના વેદપુરાણ વગેરેના ગ્રંથો ઉપર જણાવે આ પ્રમાણે સાબેત થાય છે. એટલું જ નહીં પણ મહારાજોના બનાવેલા પુસ્તકો ઉપરથી બી સાબેત થાય છે કે મહારાજોએ કાંઈ જ નહીં પણ નવું પાખંડ અને તીખલ ઉભું કીધું છે.’૯ આ સ્થિત્યંતરનું બીજું મહત્ત્વનું સોપાન તે – સીમિત ક્ષેત્રોમાંથી વ્યાપક ક્ષેત્રો તરફની ગતિ. પારસી પત્રોમાં પણ ‘રાસ્ત ગોફતારે’ એના ૭મા વર્ષથી ‘તમામ દેશી લોકોને લાગુ’ પડે એવો વ્યાપનો સંકલ્પ કરેલો – એમ કહીને કે, ‘દેશી વરતમાંન પતરમાં નામ રાખીને આએ પતરને ફકત પારશીઓનાં જ ફાએદાને સારૂં કાંમ લગાડવું તેમાં હમો ચુક શમજીએ ચ.’૧૦ ‘જ્ઞાનપ્રસારકે’ પણ કોમસીમિત ન રહેવા ઉપરાંત નવાં હુન્નર-કારીગરીને પ્રોત્સાહિત કરતી – એવા ખાસ અર્થમાં ‘જ્ઞાન’ની પ્રસારક બનતી સામગ્રીની દિશા ખોલી હતી. એના મુદ્રાલેખમાં જ હતું કે ‘ગનેઆન પરસારક એટલે જે એલમ [ઈલમ] તથા હોનરોનો ફેલાવો કરનાર ચોપાનીઉં.’૧૧ વ્યાપકતાના આ વળાંકનું સૌથી વધુ લાક્ષણિક દૃષ્ટાંત છે ‘સત્યપ્રકાશ’. કરસનદાસ મૂળજી સામાજિક-ધાર્મિક સુધારાની હિમાયત કરતા લેખો મુખ્યત્વે ‘રાસ્તગોફતાર’માં, ને એ ઉપરાંત ‘સ્ત્રીબોધ’, ‘જ્ઞાનપ્રસારક’ વગેરેમાં લખતા. પણ એમને વધારે મોટા ફલકની, પારસી વાચકવર્ગ ઉપરાંત વધારે બહોળા વાચકસમુદાય સુધી પહોંચવાની આવશ્યકતા જણાયેલી, ને ખાસ તો, હિંદુ ધર્મ / સંપ્રદાયમાં ફેલાયે જતી બદીઓ વિશે પણ એમને લખવું હતું. એ મોકળાશ માટે એમને સ્વતંત્ર સામયિકની જરૂર લાગી, એથી શ્રેષ્ઠીઓની સહાયતા લઈને એમણે ‘સત્યપ્રકાશ’ (૧૮૫૫) શરૂ કર્યું. ‘સત્યપ્રકાશ’ના પહેલા જ અંકમાં એમણે વૈષ્ણવ મહારાજોની દાંભિક વૃત્તિઓને તથા એમની ગલીચ લીલાઓને ખૂબ નીડરતાથી ઉઘાડી પાડી આપતો લેખ કર્યો અને પછી એની પ્રતિક્રિયા રૂપે થયેલાં લખાણોની સામે, અને મહારાજોની તરફદારી કરનાર બહુ મોટા વર્ગની સામે, ઘણા સાહસપૂર્વક વધુ આકરી ભાષામાં પ્રતિવાદ કરતા લેખ એમણે કર્યા. એ બધા લેખોનો એવો પ્રભાવ પડ્યો કે ‘The Bombay Times’ અને ‘આપ અખત્યાર’ જેવાં પત્રોએ પણ એવી જ અસરકારકતાથી એનો પ્રતિભાવ આપ્યો. ‘આપ અખત્યારે’ તો ‘હિંદુઓના માહારાજના મંદીર એક છીનાલવાડો, તેઓના દિવાનખાના એક ભરશટ અને બઆબરુ કુટણીનું ઘર’ એવો તીવ્ર પ્રતિસાદ આપ્યો.૧૨ પરિણામે, અગાઉ નિર્દેશ્યો છે તે, ‘હિંદુનો અસલ ધરમ અને હાલના પાખંડી મતો’ એ કરસનદાસનો પ્રભાવક લેખ લખાયો જેણે ‘મહારાજ લાયબલ કેસ’ને જન્મ આપ્યો. આ દરમ્યાન, વર્તમાનપત્રો કરતાં સામયિક ચોપાનિયાનું – વિચારપત્રોનું પ્રમાણ અને એનો પ્રભાવ વધ્યાં એ પણ આ સ્થિત્યંતરનું મહત્ત્વનું સોપાન. ‘બુદ્ધિવર્ધક ગ્રંથ’ અને વિશેષે તો ‘બુદ્ધિપ્રકાશ’ દ્વારા આ વ્યાપકની નવી દિશા ખૂલી અને સામયિક વિચારપત્રનું રૂપ વધુ સ્પષ્ટ થયું. ત્રીજું મહત્ત્વનું સ્થિત્યંતર ‘ડાંડિયો’થી આરંભાય છે અને ‘સ્વતંત્રતા’ અને ‘ગુજરાતી’ સુધી આ મુખર આક્રમક સુધારો અને તીવ્ર વૈચારિક ચિકિત્સા પ્રસરે છે ને દૃઢ થાય છે. ૧૮૬૪ આસપાસથી લગભગ બે દાયકા સુધીના, સુધારકયુગના આ પત્રકારત્વે ઘણાં નવાં પરિમાણો ઉમેર્યાં અને નવજાગૃતિનાં પ્રભાવક સંચલનો પ્રગટાવ્યાં. ૧૮૬૪માં આરંભાયેલા ‘ગુજરાતમિત્રે’ સમાચારપત્ર રૂપે એક આગવી છાપ ઊભી કરી. પ્રજાહિતલક્ષી નીડર પત્ર તરીકે એની, ‘કલકત્તા રિવ્યૂ’ અને ‘ધ બોમ્બે રિવ્યૂ’ના અંગ્રેજ પત્રકારોએ પણ, પ્રશંસા કરી હતી. પત્રમાં ગુજરાતી અને અંગ્રેજી એમ બે વિભાગો આવતા હતા. એણે પણ આવા પ્રતિભાવ જગાડવાની શક્યતા ઊભી કરી હતી.૧૩ ‘ગુજરાતમિત્ર’માં ગુજરાતી ભાષાનું રૂપ સાફ-સૂથરું ને વધુ શુદ્ધ બન્યું હતું. એ પણ આ સ્થિત્યંતરનું એક મહત્ત્વનું સોપાન ગણાય. ‘ડાંડિયો’માં નર્મદે સમાચારપત્ર અને વિચારપત્ર બંનેની યુગપત્ ભૂમિકા અદા કરવાનું પ્રયોજન રાખ્યું હતું. (‘ચોપાનિયું અને વર્તમાનપત્ર એ બેનું કામ કરતું એવું પત્ર તો આજ કાલ એક [જ] છે’ – ડાંડિયો, ૨૫-૧૨-૧૮૬૪) પણ વર્તમાનપત્ર તરીકે એનો આશય મુખ્યત્વે દૂરિત-શોધનો હતો એ એણે સ્પષ્ટ કહેલું : ‘અમે સમાચાર આપનાર નથી પણ અંધેર પકડનાર છૈયે.’ સામયિક પત્રોની ભાષા કેવી તો શુદ્ધ બલકે શાસ્ત્રશુદ્ધ ને વ્યાકરણશુદ્ધ પણ હોવી જોઈએ એ વિશે નર્મદની સભાનતા ઘણી મોટી હતી એ, અન્ય કેટલાંક પત્રોની ભાષાની એણે તર્કનિષ્ઠ ટીકા કરી છે એના પરથી પણ પામી શકાય છે. પરંતુ એથી આગળ, ઇચ્છારામ દેસાઈ તો મુદ્રણનાં પણ શુદ્ધિ અને ચોકસાઈ સુધી ગયા હતા – પોતાની ગુજરાતી ટાઈપ ફાઉન્ડ્રી ઊભી કરીને એમણે ‘ગુજરાતી’ દ્વારા ગુજરાતી ભાષાની અવિસ્મરણીય સેવા બજાવી હતી. બીજા સ્થિત્યંતરના ગાળામાં આરંભાયેલાં ને પ્રવૃત્ત રહેલાં સંસ્થા-સામયિકોની વાત જુદી કરવી પડે એમ છે. અંગ્રેજ સરકારે કે એણે સ્થાપેલી સંસ્થાઓ દ્વારા એ ચાલતાં રહ્યાં હોવાથી એ મહદંશે ઠાવકાં અને વિરોધ-વિવાદથી દૂર રહેલાં હતાં. અલબત્ત, કોઈ સરકારી નિયંત્રણ વિનાની મોકળાશથી એ ચાલતાં હતાં અને એથી વ્યાપક રીતે એ સાંસ્કૃતિક સંચલનોને ઝીલતાં હતાં અને વિમર્શાત્મક પ્રતિભાવો રજૂ કરી શકતાં હતાં. સપ્ટેમ્બર ૧૮૬૨માં શરૂ થયેલું ‘ગુજરાત શાળાપત્ર’ સરકારી કેળવણી ખાતાનું સામયિક હતું ને શિક્ષકોના વ્યવહારુ પ્રશ્નો ઉપરાંત શિક્ષકોના કર્તવ્યની ચર્ચાને આવરતું હતું. ૧૯૭૧થી નવલરામ પાસે તેનું તંત્રીપદ ગયું એ પછી વિચારપત્રના વ્યાપ સાથે એમાં તાત્ત્વિક ચર્ચાઓનું ઊંડાણ પણ ઉમેરાયું એને પણ, તે સમયના પત્રકારત્વનું એક મહત્ત્વનું સ્થિત્યંતર ગણવું જોઈએ. સુધારો, શિક્ષણ ને સાહિત્ય ઉપરાંત ઇતિહાસ, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર આદિ અનેક વિષયોને એમણે આવરી લીધા અને દરેકમાં આગવી ચિંતનશીલતા પ્રગટાવી. એમના કેટલાક લેખોમાં તો સુધારકયુગથી આગળ સાક્ષરયુગીન દૃષ્ટિનો ઉઘાડ પણ જોવા મળે છે. દરેક વિષયનાં પુસ્તકો વિશે લખતાંલખતાં એમને ‘ગુજરાત શાળાપત્ર’ પણ એ માટે અપર્યાપ્ત લાગ્યું હતું અને ગ્રંથસમીક્ષાના એક અલગ ત્રૈમાસિકની તાકીદે જરૂર છે એવું એમણે કહ્યું હતું એ જાણીતી વાત છે. એમના આવા વિચારમાં સાહિત્યસામયિકનું ઇંગિત જોઈ શકાય છે. બુદ્ધિવર્ધક સભાએ ૧૯૫૬માં ‘બુદ્ધિવર્ધક’ માસિક પત્ર શરૂ કરેલું. એના આદ્ય સ્થાપકોમાં એક નર્મદ પણ હતો પણ પછી મતભેદ થતાં એ એનાથી અળગો થયો. (‘ડાંડિયો’માં તો ‘બુદ્ધિવર્ધક’ અંગે એણે ઘણી આકરી પ્રતિક્રિયાઓ આપેલી!) પણ આ સામયિક ઘણું જ અનિયમિત પ્રગટ થતું હતું એથી, એ સમેટાયું એ પહેલાં જ એ ધ્યાનવર્તુળની બહાર નીકળી ગયેલું હતું. સંસ્થાગત સામયિકોમાં ‘બુદ્ધિપ્રકાશ’ સૌથી મોટું ફલક ધરાવનારું, એ સમયનાં સર્વ સંચલનો પ્રગટાવનારું – અને આજે તો આપણને એની, એ સમયગાળાની પ્રવૃત્તિ વધુ પ્રભાવક લાગે એવી સર્વદેશીયતાવાળું સામયિક હતું. આવાં સ્થિત્યંતરોનો આ આલેખ ૧૯મી સદીનાં પત્રકારી પરિમાણોનો એક વિહંગદર્શી ખ્યાલ આપી શકશે. હવે આ સામયિક રેખાઓને વધુ સ્પષ્ટ રૂપ આપવા માટે, ત્રણ મહત્ત્વના તંત્રીઓની યુગવિધાયક કામગીરીનો સમીક્ષિત પરિચય મેળવીએ.

૨. યુગવિધાયક તંત્રીઓની ભૂમિકા

(૧) દલપતરામ અને ‘બુદ્ધિપ્રકાશ’ [૧૮૫૫ થી ૧૮૭૯] ૧૮૫૦થી આરંભાયેલું પણ અણસરખું ચાલતું ને ઝોલાં ખાતું ‘બુદ્ધિપ્રકાશ’ કર્ટિસ અને ફાર્બસના ઘણા આગ્રહથી દલપતરામે હાથમાં લીધું ત્યારથી ૨૪ વર્ષ સુધી એમણે એમાં ગુજરાતના સાંસ્કૃતિક જીવનને ચારે કોરથી ઝીલવાનું તેમજ અનેકવિધ દિશાઓમાં વ્યાપક સમાજને તથા વિદ્યા અને સાહિત્યને પ્રેરવા-પોષવાનું, યુગવિધાયક કામ અનાક્રમકતાથી છતાં અસરકારક રીતે કર્યું હતું. સુંદરમે દલપતરામની કવિતાને એમના સમયની સર્વ સામાજિક પ્રવૃત્તિઓના કૅટલૉગ તરીકે ઓળખાવેલી છે. એવું જ ‘બુદ્ધિપ્રકાશ’ માટે પણ કહી શકાય કે, એમાં તે સમયનાં સર્વ સાંસ્કૃતિક સંચલનોનું ઝીણી વિગતો સાથે અને સારા એવા વિમર્શ સાથે અંકન થવા પામ્યું હતું.૧૪ આ બધાને કારણે ‘બુદ્ધિપ્રકાશ’ એ સમયના સાંસ્કૃતિક અધ્યયન માટે અને વિશેષ સંદર્ભે સાહિત્યના અધ્યયનને માટે પણ ઘણું ઉપયોગી નીવડે એમ છે. દલપતરામની ઠરેલ બુદ્ધિ એકકેન્દ્રી અને અત્યાગ્રહી નહીં પણ સર્વગ્રાહી અને મોકળાશવાળી હતી. બધું જોવું, પ્રતિભાવ પણ આપવો; પરંતુ પ્રતિવાદ કરવાનો આવે ત્યારે પણ પણ પ્રતિક્રિયાવાદી ન થવું એવું સમધારણ વલણ (કોઈને વ્યવહારુ અને ચતુર પણ લાગે એવું વલણ) એમણે રાખ્યું હતું. જેમકે ‘ડાંડિયો’એ જ્યારે એમના ‘કાવ્યદોહન’ના સંપાદન પર પ્રહાર કરેલો ત્યારે પણ એમણે ‘હું ક્ષમારૂપી ઢાલ ધરું છું’ એવો ઠાવકો પ્રતિભાવ આપેલો. ‘બુદ્ધિપ્રકાશ’ના એમના તંત્રીપદના પહેલા જ અંક (જુલાઈ ૧૮૫૫)માં એમણે વાચકો સાથે સંધાન કરેલું. એની ‘વિજ્ઞપ્તિ’ (નિવેદન)માં એમણે વાચકોને કહેલું કે, પ્રશ્નો પૂછો, ચર્ચાપત્રો મોકલો. સામયિકના પ્રતિપોષણ(ફીડબૅક) માટે એમણે વાચકોને ‘બુદ્ધિપ્રકાશ’ની સમીક્ષા માટેય મોકળાશ આપેલી! લખેલું કે, કોઈ લેખ બહુ ગમે અથવા ન ગમે તો લખી જણાવવું, ભાષા અશુદ્ધ જણાય તો તે વિશે લખી જણાવવું, વગેરે.૧૫ આજેય, કોઈપણ સંપાદકને માટે આ ધડો લેવા જેવી બાબત છે. તંત્રીપદ સંભાળતાં એમણે પોતાનું કર્તવ્ય આવા અભિલાષથી વ્યક્ત કરેલું : ‘મને બીજું કામ કરવા કરતાં મારા દેશના સુધારાનું પરોપકાર કામ કરવાની ખૂબ ધગશ છે.’ (વિજ્ઞપ્તિ, જુલાઈ ૧૮૫૫) એમાં સુધારાનો એક મહત્ત્વનો અર્થ પ્રજાની કેળવણી એવો એમના મનમાં હતો. એ એમણે અનેક રીતે કર્યું : પશ્ચિમના સમાચારો અને નવી શોધોની માહિતી આપીને; એ દ્વારા, અણકેળવાયેલા રૂઢ માનસ સામે વૈજ્ઞાનિક બુદ્ધિનાં પ્રતીતિકર પરિણામો ધરીને;૧૬ અહીંની (બાળલગ્નાદિ) રૂઢિઓમાંથી નીકળવાના વ્યવહારુ ઉપાયો બતાવતાં અનુનયપૂર્વકનાં લેખો, કાવ્યો, વાર્તાત્મક લખાણો (પોતાનાં તેમજ અન્યોનાં) રજૂ કરીને તેમજ સાહિત્ય અને વિદ્યાના જિજ્ઞાસુ વાચકવર્ગને માટે અર્વાચીન-મધ્યકાલીન કૃતિઓ, સંસ્કૃત અને અંગ્રેજી નાટક-નવલકથાઓના સાર અને એ પરના લેખો, સાહિત્યવિચાર અને ભાષાવિચારની પ્રાથમિક પણ જિજ્ઞાસા-ઉત્તેજક વિગતો-ચર્ચાઓ પ્રગટ કરીને. ‘બુદ્ધિપ્રકાશ’ના બહુ વિશાળ ફલકમાં, સાદા વર્તમાનપત્રમાં આવે એવા સમાચારો (ઉ. ત. ‘ટપાલના નવા દર’, ‘બૅન્કોનું દેવાળું’, ‘ગુજરાતમાં રૂપ વધારવાની રીતો – રસાયણશાસ્ત્રના નુસખા’) તેમજ વિસ્મય-જ્ઞાન-પોષક, કંઈક જ્ઞાનકોશ જેવી ઍન્સાયક્લોપીડિક માહિતી (ઉ.ત. હોર્સપાવર એટલે શું; જંગલી બતકો, સારસ, માખી એક કલાકમાં કેટલું ઊંડે?; ફ્રાન્સની સૌથી મોટી લાઈબ્રેરી)થી માંડીને જ્ઞાનલક્ષી ને તાત્ત્વિક ગણી શકાય એવી પરિચય-ચર્ચા (ઉ.ત. તામ્રપત્રો; શિલાલેખો; શબ્દવિચાર : કેટલાક ગુજરાતી શબ્દોનાં તત્સમ રૂપ અને અર્થ) સુધીના વિષયોનો સમાવેશ થતો હતો, એ એની સર્વાશ્લેષી સામયિક પ્રવૃત્તિઓનો ખ્યાલ આપે છે. આ બધામાંથી શિક્ષણ, ભાષા અને સાહિત્યના વિષયોમાં કેન્દ્રિત થઈએ તો તંત્રી અને વિચારક તરીકે દલપતરામે, પોતાની સક્રિયતા સમેતનાં, એ સમયનાં જે વલણો અને વિચારણાઓ ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રતિબિંબિત કર્યાં છે એ બહુ મહત્ત્વનાં, અમુક અંશે તો પરિવર્તનકારી અને થોડાંક તો આજે પણ પ્રસ્તુત જણાય એવાં છે. વિચારક-સંપાદક દલપતરામનું સંચરણ એમાં સતત ઉપર તરી આવે છે. વિદ્યાર્થીઓને માટેની પાઠ્યસામગ્રી – ‘વાચનમાળા’ – તૈયાર કરવાની એ સમયની પ્રવૃત્તિ તો બહુ જાણીતી છે પરંતુ શિક્ષકો માટેય બુદ્ધિપ્રકાશે કહેલું કે, મહેતાજીઓએ વિદ્યાર્થીઓને માત્ર માહિતી આપવાને બદલે એમની બુદ્ધિ કેળવાય એવી રીતે શીખવવું; એ એક હુન્નર છે ને તેના નિયમો હોય છે (જુઓ : જાન્યુ, ૧૮૬૦) અને અંગ્રેજી શીખવા જનારને એક મહત્ત્વની શીખ બલકે ચેતવણી પણ ‘બુદ્ધિપ્રકાશે’ ઉચ્ચારેલી કે, ગુજરાતીના સારા જ્ઞાન વિના અંગ્રેજી સારું ન આવડે. (જુલાઈ ૧૮૬૨). દલપતરામની (ને અન્ય કવિઓની) ‘બુદ્ધિપ્રકાશ’માં પહેલીવાર પ્રકાશિત થયેલી કેટલીક કાવ્યકૃતિઓ – તેમજ કેટલીક સંસ્કૃત-અંગ્રેજી કૃતિઓના પરિચયો – અમુક અંશે કેળવણીપોષક પણ હતાં એ જાણીતી વાતનો પણ અહીં નિર્દેશ કરવો જોઈએ. ગુજરાતી ભાષા માટેની, એના લિખિત-મુદ્રિત રૂપની શુદ્ધિ માટેની સભાનતા અને એ શુદ્ધિ માટેના પ્રયત્નો એ સમયનાં પત્ર-પત્રિકાઓમાં પ્રતિબિંબિત થતાં રહ્યાં છે એ એક જુદા અભ્યાસનો મુદ્દો બને એમ છે. એમાં ‘બુદ્ધિપ્રકાશ’ની ભૂમિકા પણ ઘણી મહત્ત્વની રહેલી. દલપતરામે એ અંગેના સમાચારો અને એ અંગેના વિચારોને મંચ પૂરો પાડેલો. ઑકટોબર ૧૮૫૮ના અંકમાં, દક્ષિણી ગુજરાતી[બોલી]એ અને પારસી ગુજરાતી[બોલી]એ ગુજરાતી ભાષાને કેવી રીતે અશુદ્ધ કરી છે એ વિષય પર મહીપતરામનો વક્તવ્યલેખ પ્રગટ થયેલો. એમાં એમણે શાળાઓ માટે શુદ્ધ ગુજરાતીમાં પાઠ્યપુસ્તકો હોય એવો આગ્રહ પણ સેવેલો. વળી, શુદ્ધ ઉચ્ચારોની જરૂરિયાત વિશે, સંસ્કૃત ઉચ્ચારવાની કેળવણી વિશે, ‘ઝીણા વિચાર’ રજૂ કરવા માટે સંસ્કૃતનો ઉપયોગ કરવો જોઈએ એ વિશે, શુદ્ધ ભાષા લખવા વ્યાકરણના જ્ઞાન અને ઉપયોગ વિશે, અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરતાં અંગ્રેજી-ગુજરાતીના મિશ્રણ જેવી વિલક્ષણ ભાષા ન બને એની કાળજી રાખવાની જરૂર વિશે – ‘બુદ્ધિપ્રકાશ’માં સતત લખાતું રહ્યું છે. ડિસે. ૧૮૭૫ના અંકમાં તો ‘શાસ્ત્રી ગુજરાતી ભાષા – સંસ્કૃતમાંથી ગુજરાતી અનુવાદનાં રમૂજી ઉદાહરણ’ એવો લેખ પણ મળે છે. ભાષા અંગે કેવા મોટા ફલક પર વિચાર થયો છે એનો આના પરથી અંદાજ આવશે.૧૭ જોડણીની એકવાક્યતાની સમસ્યા એ આપણો કાયમી પ્રશ્ન છે. ૧૯૨૯માં ગાંધીજીની દરમ્યાનગીરીથી જોડણીકોશ થયો એ પૂર્વે વિદ્વાનોમાં પણ જોડણીની અનેકવિધતાના પ્રશ્નો હતા. (એ પછી, આજે પણ એનો પૂરો ઉકેલ તો આવ્યો નથી.) પરંતુ એની વિચારણા સતત ચાલતી રહી છે એમાં કદાચ ‘બુદ્ધિપ્રકાશ’ પહેલું હશે. નવે. ૧૮૬૨નું ‘બુદ્ધિપ્રકાશ’ નોંધે છે કે, ગુજરાતી લખાણમાં જોડણીના કશા નિયમો નથી હોતા એટલે નવી વાચનમાળા માટે એકસરખી જોડણી રાખવાનો થિયોડોર હોપે ઠરાવ કરેલો અને પછી જાન્યુઆરી ૧૮૬૯માં (ગાંધીજીના જન્મવર્ષે!) વધુ વ્યાપક ભૂમિકાએ ગુજરાતી ભાષાની જોડણીના નિયમો સમાન કરવા માટે એક કમિટીની રચના થયેલી એમાં હોપ ઉપરાંત મહીપતરામ, નંદશંકર, દુર્ગારામ, નર્મદ, વ્રજલાલ કાળિદાસ, દલપતરામ, વગેરે હતા અને એ સૌએ નિયમોની યાદી તૈયાર કરેલી. સાહિત્ય એક વિષય તરીકે, એનાં અનેકવિધ પાસાં અને પરિમાણો સાથે ‘બુદ્ધિપ્રકાશ’માં સ્થાન પામતો રહ્યો હોવાથી રસપ્રદ, રુચિ ખીલવનાર તેમજ જિજ્ઞાસાપોષક બનતો રહ્યો છે. કવિતા ‘બુદ્ધિપ્રકાશ’નું એક મહત્ત્વનું અંગ રહ્યું. દલપતરામની અને બીજા નાના-મોટા અનેક કવિઓની કવિતા સતત ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થતી રહી. પણ દલપતરામ એટલેથી અટક્યા ન હતા. ઑકટોબર ૧૮૫૫ના અંકમાં એમણે લખેલું કે, ‘ઘણાની કવિતા લખવાની ઇચ્છા હોય છે પણ પિંગળના જ્ઞાન વિના લખી શકતા નથી.’ અને એ માટે એમણે પિંગળ વિશેની લેખમાળા શરૂ કરી હતી એ છેક માર્ચ ૧૮૬૦ના અંક સુધી પ્રગટ થતી રહેલી. (આ ઉપરાંત, ચી. ના. પટેલ નોંધે છે એમ લગભગ ૧૪ વર્ષ સુધી દલપતરામે અંગ્રેજી સ્કૂલના વિદ્યાર્થીઓને કવિતા કરવાની તાલીમ આપી હતી. ને એનો લાભ કે. હ. ધ્રુવ અને નરસિંહરાવ જેવાઓએ પણ વિદ્યાર્થીકાળમાં લીધેલો! – જુઓ ‘બુપ્રસૂચિ’નું નિવેદન પૃ.૧૧). એ ઉપરાંત નવેમ્બર ૧૮૬૧થી એમણે (ભલે પ્રત્યેક અંકમાં નહીં છતાં) દોઢેક વરસ સુધી ગુજરાતી ભાષાના મધ્યકાલીન કવિઓ વિશે, પરિચયલક્ષી છતાં ક્યાંક મૂલ્યાંકન પણ દર્શાવતી, લેખશ્રેણી કરેલી.૧૮ દુર્ગારામ અને ફાર્બસનાં અવસાન વખતે માત્ર શ્રદ્ધાંજલિ નોંધ ન લખતાં દલપતરામે છ-છ સાત-સાત અંક સુધી એમના સ્મરણાલેખ કર્યાં છે એ બહુ નોંધપાત્ર છે. મહીપતરામના ‘દુર્ગારામ ચરિત્ર’ કરતાં પણ દલપતરામના આ લેખાંકોમાં દુર્ગારામનું ચરિત્ર વધારે પરિમાણોવાળું ને વધુ રસપ્રદ બન્યું છે. સાહિત્યસંપર્ક ‘બુદ્ધિપ્રકાશ’નું એક મહત્ત્વનું અંગ બનેલું. નવાં પ્રગટ થયેલાં (ક્યારેક તો તૈયાર થઈ રહેલાં) પુસ્તકોની જાહેરાત રૂપે તથા મળેલાં પુસ્તકોની પહોંચ રૂપે (વિગતે અને મિતાક્ષરી રૂપે) સરજાતા સાહિત્યનો પરિચય એમણે કરાવેલો. ‘બુદ્ધિપ્રકાશ’માં, ગ્રંથાવલોકનો મોડાં, ઘણુંખરું દલપતરામના કાર્યકાળ પછી શરૂ થાય છે, ને અવલોકનની મહત્ત્વની કામગીરી તો એ પછી નવલરામ દ્વારા ‘ગુજરાત શાળાપત્ર’માં થાય છે. સાહિત્યને, આવા વિવિધ આવિષ્કારો દ્વારા, દલપતરામે ‘બુદ્ધિપ્રકાશ’માં મંચ પૂરો પાડ્યો એમાં એક સર્જક-સંપાદક લેખે એમનો સાહિત્યરસ પ્રવર્ત્યો એ તો ખરું જ, પણ એમનું મુખ્ય લક્ષ્ય તો, આ દ્વારા પણ વ્યાપક લોકશિક્ષણનું રહ્યું હતું એમ કહેવું વધારે ઉચિત થશે. એ રીતે એમણે પોતાના આ સામયિકના માધ્યમનો વધારેમાં વધારે કસ કાઢ્યો છે ને યુગવિધાયક કામગીરીમાં, એથી એમનું મહત્ત્વનું પ્રદાન રહ્યું છે.

(૨) નર્મદ અને ‘ડાંડિયો’ (૧૮૬૪-૧૮૬૯)

પ્રજાજીવનનાં તમામ ઘટકોને વ્યાપી વળતા૧૯ ચિકિત્સક અને તેજાબી પત્રકારત્વના સંકલ્પ સાથે ‘ડાંડિયો’ આરંભાયું હતું ને એવી જ તીવ્રતાથી ચાલતું રહ્યું હતું. આવી અદમ્ય પરિવર્તનેચ્છાએ નર્મદની સુધારક પત્રકાર તરીકે પણ એકદમ નોખી મુદ્રા આંકી હતી. દલપતરામે સમત્વ અને ધૃતિશીલતાનું વિધાયક મૂલ્ય ઉપસાવ્યું હતું તો નર્મદે ઉદ્રેક અને ઉચ્છેદકતાનું વિધાયક મૂલ્ય શું હોઈ શકે તે, ઘણે અંશે પ્રતીત કરાવી આપ્યું હતું. એના આવા શોધનલક્ષી ‘ટીકા’ત્મક બલકે ટીકાતત્પર અવાજને કારણે ‘ડાંડિયો’ એ ‘નવજાગરણકાળનું એક અમોઘ આંદોલન’૨૦ પણ બન્યું હતું. ઉદ્બોધનની સંમુખતા અને પ્રત્યક્ષતા સુધારક નર્મદનું પહેલું મહત્ત્વનું લક્ષ્ય. મુખ્યત્વે બુદ્ધિવર્ધક સભામાં કરેલાં ભાષણો દ્વારા સુધારક-વિચારક તરીકે એનું કાઠું બંધાયેલું. પણ બુવસભાનો લગભગ સંકેલો થઈ જતાં, સરખું વિચારતા મિત્રોની નાનકડી મંડળી ઊભી કરીને, સ્થાપિત તત્ત્વો અને અહિતકારી દૂરિત તત્ત્વો સામે અવાજ ઊંચકતું એક પાક્ષિક પત્ર પ્રગટ કરવા એણે વિચાર્યું. એનું પરિણામ તે ‘ડાંડિયો’. આમ, ઉદ્બોધનશૈલીના જ ત્વરિત સંક્રમણને બીજું માધ્યમ લાધ્યું. આદર્શ તરીકે એણે એડિસનના ‘સ્પૅક્ટેટર’ (૧૮મી સદી પૂર્વાર્ધ)ને રાખ્યું તે તો સમાજના બધે જ ફરતા, બાતમી મેળવતા, ને એને લેખનરૂપે વ્યક્ત કરતા એક દર્શક (સ્પૅક્ટેટર) પાત્રના આકર્ષણને કારણે. ‘ડાંડિયો’ને પણ એણે એવા પાત્રરૂપે કલ્પ્યો, પણ આ ડાંડિયો કેવળ દર્શક ન રહ્યો; એ વધુ મુખર ને ઉદ્દામ બન્યો. ૧૮૬૯ પછી ‘ડાંડિયો’, ‘સનડે રીવિઉ’ સાથે જોડાઈ ગયું ત્યારે એનું નામ હતું ‘ઍક્સ્પોઝર’. એ મુજબ એ શરૂઆતથી જ ‘પોકળ ખોલનાર’ (ઍક્સ્પોઝર) કે ઢંકાયેલા સત્યને ઉઘાડું કરી આપનાર સામયિક હતું. નર્મદ (અને નર્મદમંડળી)નું પત્રકાર-ધ્યેય કેવળ સત્યોદ્ઘાટનનું કે સ્પષ્ટ વક્તવ્યનું જ ન હતું, વાતને વધુ તીક્ષ્ણ અને ઉત્તેજક રીતે રજૂ કરવાનું પણ હતું. એમાં લેખક તરીકે નર્મદની લાક્ષણિક રૂપકરીતિ પણ અસરકારક બનતી. એક વૈષ્ણવ મહારાજે કોઈ સ્ત્રી પર બળાત્કાર કર્યો ને એનું મરણ નીપજાવ્યું એ નૃશંસ ઘટનાને ‘સાંઢે કરેલી ગૌહત્યા’ તરીકે વર્ણવીને કટાક્ષ કરતો નર્મદ, પછી તરત વૈષ્ણવસમાજ પર તૂટી પડે છે : ‘વૈષ્ણવો છેક નફ્ફટ થઈ ગયા, તેઓની લાજેન્દ્રિય છેક બેહેર મારી ગઈ છે?’ (૧ ઑક્ટો., ૧૮૬૫). સુપ્ત કે સંવેદનશૂન્ય થયેલી પ્રજાને તીવ્ર અભિવ્યક્તિથી ઢંઢોળવાની પત્રકારવૃત્તિ અહીં દેખાશે. ક્યારેક, આજે અસુભગ લાગે એવી ભાષા પણ એમાં જોવા મળે છે : ‘તમારાં કરતૂકોની વિગતવાર ટીપ ડાંડિયા પાસે મોજૂદ છે તે પ્રસંગે પ્રસંગે બહાર કાહાડી ખાસડાં પાટુએ તમારી ઘટતી સેવા બજાવ્યાં કરશે.’ (૧ જુલાઈ ૧૮૬૬) આવા વલણને લીધે ‘ડાંડિયો’એ વાચકોમાં કુતૂહલ અને ઉત્તેજના, તેમજ અપરાધીઓમાં કે લક્ષ્ય બનનારમાં ધાક અને ભય જન્માવ્યાં હતાં. ‘ડાંડિયો’ એક બાજુ, આ રીતે લોકપ્રિય બન્યું હતું તો બીજી બાજુ દૂષણ-ગ્રસ્ત સમાજનું તેજાબ-પરીક્ષણ કરવાનો અળખામણો પણ આવશ્યક પત્રકારધર્મ નર્મદે બજાવ્યો હતો એમ પણ કહી શકાશે. મહીપતરામ-પ્રકરણ આનું સૌથી વધારે લાક્ષણિક, અને અલબત્ત કમનસીબ દૃષ્ટાંત છે. કંઈક દુર્ગારામ વિશે ને વધુ તો મહીપતરામ વિશે – પરદેશ જઈ આવ્યા પછી એમણે સ્વીકારી લીધેલા જ્ઞાતિ-પ્રાયશ્ચિત્ત અંગે – ઠઠ્ઠામજાક વાળી, બહુ કડવી, અપમાનજનક ભાષા નર્મદે વાપરી છે. અલબત્ત, એનો મુખ્ય વાંધો તો મહીપતરામે એક અગ્રણી લેખક-શિક્ષક-સુધારક તરીકે એમનું પોતાનું ગૌરવ ન જાળવ્યું એ વિશે હતો. એ અંગેનાં લાંબાં લખાણોમાંથી નર્મદના થોડાક ઉદ્ગાર જોઈએ : ‘તમને, ફજેત થઈ, પૈસે ખરાબ થઈ અને પછવાડેથી ફજેતી કરાવવાને નાતમાં દાખલ થવું કેમ ગમ્યું? [...] જસના કામ કરવામાં જે પહેલ કરે તેને દુખ સોસવું જ પડે [...], [મહીપતરામને] દાખલ થવું હતું તો શું હાવી ફજેતીથી? હડેહડે થઈને? પૈસા ખરચીને? માણસ રૂપે ટેક મૂકીને? [...], [પરિણામ ખબર હતી છતાં હિંમત કરીને પરદેશ ગયા, તો પછી] ઘબરાઈને હલકી રીતે નાતમાં દાખલ થવાનું શું કામ હતું? [...] આવી હલકી રીતનું પ્રાશ્ચિત લીધું એથી સુધારાવાળાને દિલમાં દુખ કેમ ન થાય?’ (૧૫ ઑકટો. ૧૮૬૭) આમ, એની વાત પ્રતીતિકર છે; તેમ છતાં એના ટોનનો, ને એની (અહીં ઉદ્ધૃત કરી નથી એવી) અપમાનજનક ભાષાનો પણ બચાવ થઈ શકે એમ નથી. પત્રકાર નર્મદનો એક લક્ષણવિશેષ, તે વખતના કેટલાક અંગ્રેજ અધિકારીઓની એણે છડેચોક નિર્ભીક ટીકા કરેલી એ છે. સરકારી તંત્રોનો એ સૌથી વધુ ટીકાકાર હતો. રેલવે ખાતાના અંધેર વિશે લખતાં એણે અમલદારોને લક્ષ્ય કરેલા : ‘મ્હોટાં મ્હોટાં ટોપસાંઓના પગાર તરફ અને તેઓની વર્તણૂક તરફ ઉપરીઓ શા માટે રહેમથી જોય છે?’ અને ‘અંગ્રેજોને મોટા પગારો આપી, સરકારનો પૈસો ક-મજરે ખરચાય છે’ (૧૫ નવે. ૧૮૬૫) એવું સ્પષ્ટ એણે કહેલું. સમર્સ નામના ડેપ્યુટી કલેક્ટરને તો ‘ડાંડિયો’ની પસ્તાળથી જ પાછા જવું પડેલું. સમર્સની મનસ્વિતા અંગે એણે પ્રબળ પ્રતિક્રિયા આપેલી. પહેલાં તો, ‘ચોળાઈ ગયેલા કાગળના કકડાઓ ઉપર શેરા લખી’ મોકલવાની એની અવિવેકી રીતનો એણે ઉધડો લીધેલો કે, ‘ટેસ્ટ’ તે શું અને ‘ઑફિશ્યલ નીટનેસ’ તે શું એની [આ] ગોરા સાહેબને ઠીક માહેતગારી દેખાય છે!’ અને ‘મોગલાઈ રાજના કારભારીને પેઠે આપઅખત્યારી’ કરનાર આ અમલદાર અંગે એક પત્રકાર તરીકે (પણ કવિની અસરકારક શૈલીએ) તે જાણે આખરીનામું આપે છે. ‘ડાંડિયો [...] રણશિંગડું ફૂંકી કુલ રૈયતને અને સરકારને જણાવે છે કે મિ. સમર્સ થકી આ જિલ્લારૂપી વનમાં મ્હોટ્ટો ભયંકર દવ ભડ ભડ બળિ રહ્યો છ. ત્રાહ્ય! ત્રાહ્ય !!!’ (૧૫ જૂન ૧૮૬૬). ‘વાચનમાળા’ અંગે હોપ વિશે એણે લખેલું કે ‘બધી દુનિયા જાણે છે કે હોપે એક ટીંચભાર પણ લખ્યું નથી. બધી મહેનત તો ડીપોટી-ઈન્સ્પેક્ટરોની. ત્યારે તેમનાં નામ કેમ બાહાર પાડ્યાં નથી?’ (૧૫ જુલાઈ ૧૮૬૫) અને ટેલરના વ્યાકરણને માન્ય કરનાર કર્ટિસના અધિકાર વિશે લખ્યું હતું કે, ‘અમે કહેવાને કાંઈપણ આંચકો ખાતા નથી કે એ બાબતમાં કર્ટિસ સાહેબ વિદ્વાન તો છે જ નહીં.’ (૧૫ ઑગસ્ટ ૧૮૬૫) આમાં ક્યાંક નર્મદનો, દલપતરામને કારણે એની અવગણના થતી હોય એવો પૂર્વગ્રહ કે દ્વેષ ડોકાતો હોય એવું પણ લાગે; પરંતુ સ્પષ્ટ કથનની એની નિર્ભિકતા અને એનો પત્રકારી આત્મવિશ્વાસ એમાં પ્રગટ થાય છે. વળી, ફાર્બસ માટે તો નર્મદને પૂરો આદર હતો એ પણ વ્યક્ત થયા વિના રહ્યું નથી. એમના અવસાન વખતે અંજલિ આપતાં એણે લખેલું કે, ‘એમણે તો ગુજરાત જ પોતાનું વતન જાણ્યું છે. ગુજરાતીઓને ઉત્તેજન આપવા પરિશ્રમ લેવામાં બાકી નથી રાખી. [...] જે શખ્સે આટલો ગુજરાત અને ગુજરાતીઓ પર ઉપકાર કર્યો છે, તેમનું નામ પ્રસિદ્ધ રાખવા માટે કાંઈક થવું જરૂરી છે. [...] તેમની ઇયાદદાસ્ત કાયમ રાખવા માટે એક સ્કૉલરશીપ અપાય ઇયા વાર્સિક સારો ઈનામી નિબંધ લખાય એવું થાય.’ (૧૫ સપ્ટેમ્બર ૧૮૬૫) સાહિત્ય અને વિદ્યા અંગેની એની પ્રીતિ ‘ડાંડિયો’માં પણ અનેક રીતે વ્યક્ત થઈ છે. જ્યાં એણે તીવ્રતાથી લખ્યું છે ત્યાં પત્રકારી ભાષા સાથે સજ્જ અભ્યાસીનો દૃષ્ટિકોણ પણ ગૂંથાતો રહ્યો છે. વિદ્યાનાં કામોમાં સજ્જતા વિનાનો કેવળ પ્રકાશન-ઉત્સાહ હોય તો શું થાય એ અંગેની એની વાતો આજેય પ્રસ્તુત જણાય એવી છે : (૧) ‘ગુજરાતીઓમાં ખરા વિદ્વાન લખનારા થોડા છે. [...] એક બે સિવાય બધા રાંધેલું તૈયાર ખાનારા છે. એથી જે ડીક્ષનરીઓ નીકલી તેમાંથી એકપણ સર્વોત્કૃષ્ટ નીકલી છે? (૧ ઑકટોબર ૧૮૬૭). ‘રાંધેલું તૈયાર ખાનારા’ એટલે બીજામાંથી સીધું જ કે સારરૂપે લેનારા, મૌલિક વિચાર વિનાના. (૨) ‘બેચાર વરસ પર કોશો બનાવવાનું ગાંડું લાગ્યું હતું તેમ હાલ વળી વ્યાકરણ બનાવવાનું ચાલે છે.’ વળી ‘હોપની ચોપડીઓમાં [...] ગુજરાતી નહીં પણ અંગ્રેજી ગુજરાતી છે. એટલા માટે, નિશાળમાં જનાર છોકરાઓ વગર બીજું કોણ બહારનું એ ચોપડીઓ સુંગે છે!’ અને કેટલાક પાદરીઓના બાઇબલના અસ્પષ્ટ ગુજરાતી અનુવાદોનો ઊઘડો લેતાં કટાક્ષપૂર્વક લખ્યું છે કે ‘એમણે જે પુસ્તકોના તરજૂમા કર્યા છે તેમાં પોતાનું લખેલું પોતે જ ભાએગે સમજે!!!’ (૧૫ જુલાઈ ૧૮૬૫) ભાષા અને સાહિત્યની અભિજ્ઞતાના વિકાસ માટે આ અનુવાદનું મહત્ત્વ એને બરાબર સમજાયું હતું. એણે લખ્યું હતું કે, ‘એક ભાષાના વિદ્વાન બીજી ભાષાથી કેવલ અજ્ઞાન રહે છે. જ્યાં સુધી એકમાંથી બીજામાં તરજૂમા નથી થવા લાગ્યા ત્યાં સુધી દરેક ભાષામાં મોટી ખોડ છે’ અને બીજી સરસ વાત એણે એ કહી કે, ‘આખા હિંદુસ્તાનની સામાન્ય ભાષા એક હોવી જોઈએ ને તેને સારુ હિંદી સહુને સુતરી પડે એવી છે. [...] દરેક વિદ્વાને પોતાની જન્મભાષાની સાથે સારી પેઠે હિંદી, કામ જેટલી સંસ્કૃત અને ઘણી ઘણી વાતની જાણ આયાતી મળે માટે સારી પેઠે અંગ્રેજી ભાષા જાણવી જોઈએ.’ (૧ માર્ચ ૧૮૬૮) પત્રકારથી વિચારક તરફની, ને ત્યાંથી સાહિત્યવિચારક તરફની એની ગતિ ‘ડાંડિયો’ની સર્વગ્રાહી વ્યાપકતાને પણ સંકેતે છે. ૧૮૬૪ સુધીમાં પ્રગટ થયેલાં પુસ્તકોની યાદી (‘ટીપ’) ૧૮૬૭માં પ્રગટ થઈ હતી એનો સરસ સમીક્ષિત અહેવાલ ૧ નવેમ્બર ૧૮૬૭ના અંકમાં પ્રગટ થયો છે. યાદીમાંથી ઉત્તમની એ તારવણી કરે છે, જેમકે, ‘કોશમાં હીરાચંદવાળો સારો; કહેવતની [ચોપડીઓ] તેમાં દલપતરામવાળી સારી છે.’ કવિતાનાં પુસ્તકો અંગે એને અસંતોષ છે, એનું મન ઠરે છે તે ‘પ્રેમાનંદ, સામળ ને દયારામ’માં. એ ટીકા કરે છે કે ભાષા વિશેના ને શાસ્ત્રવિષયક ગ્રંથો કરવા વિશે કેળવણી ખાતાએ ધ્યાન આપ્યું નથી. ‘મરેઠી ભાષાનો કોશ શને ૧૮૨૮માં સરકારે કરાવ્યો [...] પણ હજી ગુજરાતી ભાષાનો નાનો સરખો પણ કોશ ન મળે. [...] સરકારે ગુજરાતીને જોઈએ તેટલું પણ ઉત્તેજન નથી આપ્યું’... વગેરે. પુસ્તકો મળ્યાની પહોંચ અને મિતાક્ષર નોંધોની પરંપરા ‘બુદ્ધિપ્રકાશ’માં હતી તે ગ્રંથાવલોકન સુધી તો ‘શાળાપત્ર’માં જ પહોંચે છે – એ મહત્ત્વનું કામ મોટા પ્રમાણમાં નવલરામે જ કર્યું પરંતુ, ઉપર મુજબના સમીક્ષિત અહેવાલ ઉપરાંત, જેને ગ્રંથાવલોકન કહેવાય એવો એક નમૂનો ‘ડાંડિયો‘ના છેક પાછળના વર્ષના એક અંકમાં જોવા મળે છે. ૧૫ જુલાઈ ૧૮૬૮ના અંકમાં ‘ડાહ્યાભાઈ કૃત્ય કવિતા અંક’ શીર્ષકથી જે નોંધ છે એનો અંશ જોઈએ : ‘આ ન્હાના કદનું પુસ્તક તેના કરતાએ અમારી ઉપર મોકલાવ્યું છે એ કવિ અજુ ઘણી ન્હાની ઉંમરના છે [...] સ્કૂલમાં જાય છે. એટલી ન્હાની ઉંમરથી એ ભાઈનું મન કવિતા તરફ વલેલું જોઈ અમે ખુશી છૈયે.[...] ઘણા કવિઓએ ન્હાની ઉંમરથી લખવાનું શિરૂ કરેલું અમારા જાણવામાં છે. પણ હિંદુસ્થાનમાં – ગુજરાતમાં છોકરાંઓએ પોતાનો અભ્યાશ મૂકી દેઈ ખ્યાલ ટ્ટપા [?] ઉપર ઘુમ્યા રહેવું એ અમારા વિચારમાં ગેરવાજબી છે. જો પણ હંમેશાં એમ કહેવાય છે કે Poeta nascitur nonfit (કવિ જન્મના જ હોય છે અને બનેલા નથી હોતા) તો પણ જન્મબુદ્ધિમાં વિદ્વતા અને જ્ઞાનના વધવાથી (કેટલો) ફાયદો થાય છે. [...] માટે અમારા ઉગતા કવિઓને એટલી ચેતવણી આપવી પડે છે કે તેઓએ જ્ઞાનભંડોલ ખૂબ કરવો અને કાવ્યશાસ્ત્રનો અભ્યાશ કરી લખવા માંડ્યું [? માંડવું]. ત્યારે જ કંઈ બી રૂપી તમારામાં ઝેન હશે તેનો છોડવો ઉગી કોઈ દહાડો ઝાડ બનશે. [...] આટલી તો શીખામણ. હવે કવિતામાં તો કંઈ ઝાઝો દમ નથી [...] અમારી શલાહ એટલી છે કે એકદમ છપાવી બહાર પડવાની હોંસ ગ્રંથકારે રાખવી નહીં. તેણે કાંઈ પણ મોભો પાડવા પછી બ્હાર પડવું. ગુજરાતીઓમાં કદર મોભાથી થાય છે.’ જાણે નવલરામની જ વિચારસરણી અને ભાષા! ગ્રંથાવલોકનનો આવો પૂર્વરંગ ‘ડાંડિયો’માં ને નર્મદમાં જોઈ સાનંદાશ્ચર્ય થાય છે. (આવું સાનંદાશ્ચર્ય ‘ડાંડિયો’માં હીરાચંદ કાનજીએ ‘કાવ્યદોહન’ની સદૃષ્ટાંત ટીકા કરી છે એ વાંચીનેય થાય છે. અખાની કવિતાના ચયનમાં દલપતરામે જે ભ્રષ્ટ પાઠાંતરો કરી દીધાં હતાં એના સંભવિત શુદ્ધ પાઠ ચીંધવામાં હીરાચંદની ઘણી સમજ વરતાય છે.) કોઈ ઝીણવટથી કરવા ધારે તો, માત્ર પાંચ-છ વર્ષના ગાળામાં ‘ડાંડિયો’માં જે ગદ્ય (અને ભાષારૂપ) વિકસતું આવ્યું છે એનો ઉત્તમ અભ્યાસ મળી શકે એમ છે. નર્મદનું ગદ્ય ‘ડાંડિયો’ને લીધે પણ કેળવાતું ગયું એ તો જાણીતું છે. જો કે પત્રકારી આવેશ અને ઉદ્દંડતાએ નર્મદની લખાવટને કેટલીકવાર ઘણી અસુભગ તેમજ ગ્રામીણ કરી દીધી છે એ પણ વિવેચકોએ નોંધ્યું છે.૨૧ મત્સરપૂર્વક એણે કેટલીક ટીકાઓ કરી છે – જેમકે, ઝવેરીલાલ મહેતાના ‘શાકુન્તલ’ના અનુવાદની વિસ્તૃત, પણ આધારો વિનાની ટીકા અને દલપતરામના ‘ફાર્બસવિરહ’ વિશેનો અછડતો તોછડો પ્રતિભાવ (જુઓ : માર્ચ ૧૮૬૮). એેમાં તો નર્મદની સમજ પણ હોડમાં મુકાયેલી લાગે. પરંતુ, ‘ડાંડિયો’નું મહત્ત્વનું પ્રદાન તો, લોકોમાં ગદ્ય વાંચવાનો રસ એણે જગાડ્યો એ છે (જેમ કવિતા વાંચવાનો રસ ‘બુદ્ધિપ્રકાશે’ લગાડેલો). ‘ડાંડિયો’ શરૂ કરવાની વિચારણા ચાલતી હતી ત્યારે તો ‘લોકને ગદ્ય વાંચવાનો બિલકુલ શોખ નહીં તેથી તેઓ [...] પૈસા ખરચી આપણું છાપું લેવાના નહીં.’ એવી પાકી દહેશત હતી ને થોડોક જ વખતમાં તો, ખુદ નર્મદને પણ આશ્ચર્ય થયેલું એમ, ‘ડાંડિયાથી લોકમાં ગદ્યગ્રંથો વાંચવાનો શોખ ઉત્પન્ન થયો’તો.’૨૨ છ એક વર્ષ ચાલેલા ‘ડાંડિયો’માં બે વાર તો ઝોલા આવી ગયા હતા. ૧૮૬૫ના અંતે ને પછી ૧૮૬૭ના મધ્યમાં થોડોથોડો વખત એ બંધ રહ્યું હતું (૧૮૬૫ના ૧૫ ડિસેમ્બર અંકમાં તો, ‘આ હું છેલ્લું બોલું છું, આ હું મરું છું’... ‘નવ કરશો કોઈ શોક, રસિકડાં...’ જેવાં અંતિમ વચનોય મુકાયેલાં છે. અલબત્ત ‘વેળાએ આ મરણ મૂર્છારૂપ પણ હોય’ એવી આશા પણ એમાં વ્યક્ત થયેલી) નર્મદમાં પત્રકાર તરીકેનો અપ્રતિમ ઉત્સાહ હતો, એક પ્રકારની યુયુત્સા હતી. દૂરિતો સામે લડવાનો તેમજ નવું કરવાનો પંથ ઘણો લાંબો છે એથી ઘણું બાકી રહી જશે એવો વલવલાટ – સુધારક વિચારક તરીકેનો અસંતોષ – એના કંઈક કરુણગર્ભ (પૅથેટિક) ઉદ્ગારોમાં વ્યક્ત થયેલો છે : ‘આપણું આયુષ ટૂંકું, ને કરવું તો ઘણું – સબબ બાકી બહુ રહી જ જાય. તેનો શોક શું કરવો! મારાથી ઘસડાય તેટલું ઘસડ્યું. હવે તો વલી બીજે જન્મે – જો જન્મ હોય તો – નહીં તો આટલું જ.’ (એ જ અંક, ૧૫ ડિસેમ્બર ૧૮૬૫) આમ, દલપતરામથી ભલે જુદી દિશામાં – એક વ્યાકુળ ને ઉદ્રેકશીલ પણ સતેજ પત્રકારધર્મની દિશામાં – નર્મદનું કામ પણ યુગવિધાયક જ રહ્યું. તીવ્ર લક્ષ્યને અગ્રિમતા આપીને પણ એ વ્યાપ અને વૈવિધ્ય ચૂક્યો ન હતો ને પોતાની ચેતનશીલતાનો પૂરો હિસાબ એણે આપ્યો હતો.

(૩) ઇચ્છારામ સૂ. દેસાઈ અને ‘સ્વતંત્રતા’ (૧૮૭૮-૭૯); ગુજરાતી (૧૮૮૦ થી ૧૯૧૦)

‘ડાંડિયો’ શરૂ કરતી વખતે એક આદર્શ તરીકે સામે રખાયેલા ‘સ્પૅક્ટેટર’માં એડિસને એક લક્ષ્મણરેખા દોરેલી – બીજા બધા વિષયો લેવા, પણ રાજકારણ અને ધર્મની વાત ન આવે એની કાળજી રાખવી. નર્મદે આ લક્ષ્મણરેખા ન રાખેલી પરંતુ ઇચ્છારામે તો વળી એમના બંને પત્રોમાં રાજકીય ચર્ચાને જ કેન્દ્રમાં રાખેલી અને નર્મદે સામાજિક-ધાર્મિક વિષયો અંગે દાખવેલી એવી જ પ્રબળતા, વધુ સંગીન રીતે એમણે દાખવેલી. ‘સ્વતંત્રતા’ માસિકના પહેલા અંક (જાન્યુઆરી ૧૮૭૮)ના મુખપૃષ્ઠ પર જ વિષયવ્યાપની જાહેરાત હતીઃ ‘જેમાં રાજદુવારી, સંસારી, ભાષાજ્ઞાન, વેપાર, હુન્નરાદિ પરચુરણ વિષય પર જુદી જુદી કલમથી જુદાં જુદાં વિષયો લખવામાં આવશે.’૨૩ પણ પહેલો વિષય – ‘રાજદુવારી’ – તે પ્રકાશવર્તુળમાં રહેલો. ‘સ્વતંત્રતા’ શરૂ કર્યું એ પહેલાં ઇચ્છારામે ‘આર્યમિત્ર’ નામના એક સાપ્તાહિકનું થોડોક વખત સંપાદન સંભાળેલું અને પછી ‘મુંબઈ સમાચાર’માં વરસેક પ્રૂફરીડરની કામગીરી બજાવેલી. પરંતુ, અંગ્રેજ સરકારના વધુ દૃઢ થતા જતા સકંજાથી એમના મનમાં જાગેલા ગુલામી અંગેના ચચરાટે, અને એથી, સ્વતંત્રતા અંગેની સભાનતાએ એમને અલાયદું સામયિક શરૂ કરવા પ્રેર્યા. અભિવ્યક્તિના માધ્યમ તરીકે પત્રકારત્વ તરફ એ વળ્યા એમાં, બને કે, ‘આર્યમિત્ર’ અને ‘મુંબઈ સમાચાર’માંની કામગીરી પ્રેરક-નિર્ણાયક બની હોય. એટલે, નવલકથાલેખક અને સંપાદક-સંશોધક તરીકેની કારકિર્દી શરૂ થાય એ પહેલાં એમની પત્રકાર તરીકે કારકિર્દી શરૂ થઈ. ‘સ્વતંત્રતા’ શરૂ કરવા માટે એમણે સુરતમાં ‘શારદાપૂજક મંડળી’ સ્થાપેલી – એ નામ જ ઘણું લાક્ષણિક ને એમની ભાવિ લેખક-કારકિર્દી માટે સૂચક છે. ‘સ્વતંત્રતા’ના પહેલા જ અંકમાં ઇચ્છારામ અંતરના ઉદ્રેકથી ને તારસ્વરે, છતાં પત્રકારની માહિતીસજ્જતાથી, ખરી ઉત્તેજના જગાડતી વાણી ઉચ્ચારે છે : ‘નિસ્તેજ થયેલી સ્વતંત્રતાને સતેજ કાંતિમાન કરવાની જરૂર છે કે નહીં? જ્યારે આપણા દેશની અનરગળ દોલત હીચકારા પ્રયત્ને પરદેશીઓ ઘસડી જાય; [...] જ્યારે જૉન સ્ત્રાચી જેવા સ્વાર્થી દેશને પાયમાલ કરવા વાસ્તે [...] જાલિમ કર [ટૅક્સ] મુકવાની યુક્તિ બતાવી ગરીબ-રાંકડી નિરબળ પ્રજાને દુખના અગાધ સાગરમાં ડુબાડે; ને તેમાં સુજ્ઞ પણ સ્વાર્થી-અવિવેકી લૉર્ડ લીટન જેવા વૈસરાય[=વાયસરૉય] સંમત થાય[...] અને નિમક જેવી વસ્તુ પર અઘટિત વેરો લેવાય૨૪[...] ત્યારે આપણે ખરા હકને સારુ સ્વતંત્ર ન થવું? [...] આ ઓશિયાલાપણું હવે સેહવાતું નથી! ‘હવે બહુ થયું! બહુ ખમ્યું! [...] તો હવે ક્યાં સુધી રાંડીરાંડની પેઠે ખૂણામાં ભરાઈ બેસવું? સ્નેહીઓ! આ ગુલામગીરી હવે વેઠાતી નથી! સ્વતંત્રતા યશસુખનું ધામ છે. સ્વતંત્રતા આપણા ઉત્સાહનાં કાર્યો સમય પરત્વે કરાવે છે. અહા! વહાલી સ્વતંત્રતા!’૨૫ ત્રીજો અંક થાય એ દરમ્યાનમાં તો સરકારી જોહુકમીની એક નવી આપત્તિ આવી પડી – છાપાં-ચોપાનિયાં પર, અભિવ્યક્તિ-સ્વાતંત્ર્ય ઉપર નિયંત્રણ મૂકતો કાયદો. એની કડક ટીકા કરતા લેખો ઇચ્છારામે આ માર્ચ ૧૮૭૮ના અંકમાં લખેલા – ‘ક્યાં છે રે છાપાની છૂટ?’ તથા ‘દેશી છાપાની કતલ.’ અને એમણે સરકારને સંબોધીને સીધું જ લખ્યું : ‘અમને રાજકીય સ્વાતંત્ર્ય આપો [...] તમારાથી ગમે તેટલું રક્ષણ મળ્યું હોય તો પણ તમે પરદેશી [...] તમે અમે દબાવતા રહો છો એ અમારાથી કેમ સહન થાય? અમે પણ શૂરવીર છીએ [...] માટે રાજકીય સ્વાતંત્ર્ય માગવાનો અમારો હક છે.’૨૬ ‘સ્વતંત્રતા’નું પ્રકાશન અટકાવી દેવું પડ્યું. એટલું જ નહીં, એ દરમ્યાન થયેલાં હડતાળ અને હુલ્લડ (‘સુરત રાયટ્સ’)ના મૂળમાં ‘સ્વતંત્રતા’નાં ઉશ્કેરણીજનક લખાણોને જવાબદાર ગણી ઇચ્છારામની અને પ્રેસમાલિકની ધરપકડ થઈ! પાંચ માસને અંતે તે નિર્દોષ છૂટ્યા એની પાછળ એક રમૂજી ગણાય એવી વક્રતા એ હતી કે, કૉર્ટમાં કેટલાક વિદ્વાન સાક્ષીઓએ કહ્યું કે, ઇચ્છારામના લેખોની ભાષા સંસ્કૃતમય – બેહદ અઘરી ગુજરાતી! – હતી એટલે એ સમજે તો લોકો ઉશ્કેરાયને? એક વર્ષ જતાં – ૧૮૭૯ના માર્ચમાં ‘સ્વતંત્રતા’ ફરી શરૂ થયું; ‘સત્તા અને સ્વતંત્રતા’ વચ્ચેના સંઘર્ષની તંત્રી-ચર્ચા એનો મહત્ત્વનો અંશ હતી. પણ પછી, એપ્રિલ ૧૮૭૯ના અંક પછી, ઇચ્છારામે પોતાનું આ સામયિક ‘ગુજરાતમિત્ર’ના તંત્રી કીકાભાઈને હવાલે કર્યું ને એમણે પણ વર્ષના અંત સુધી ચલાવી એને સમેટી લીધું. પરંતુ ઇચ્છારામે બે વર્ષ દરમ્યાનના માત્ર પાંચ જ અંકોમાં એક વિચક્ષણ પત્રકાર તરીકેની પ્રતિભા દેખાડી. રાજકીય સ્વાતંત્ર્ય અંગેની અભિજ્ઞતાનો સંચાર, સઘન સંસ્કૃતમય પણ છટાદાર ઉદ્બોધકની શક્તિવાળું ભાષાપોત અને ઇચ્છારામની વિખ્યાત થયેલી રાજકીય નવલકથા ‘હિંદ અને બ્રિટાનીઆ’નું એમાં જ શરૂ થયેલું પ્રકાશન – ‘સ્વતંત્રતા’નું પ્રદાન છે. જો કે ગુજરાતી ભાષાનાં ૧૯મી સદીનાં વિચારપત્રોની પરંપરામાં તો ‘ગુજરાતી’નું સ્થાન અને પ્રદાન વધુ મહત્ત્વનાં છે. ‘ગુજરાતી’ સાપ્તાહિકનાં બે મહત્ત્વનાં પરિણામો ક્રમશઃ ઉઘડેલાં : એક તે, રાજકીય અભિજ્ઞતાનો સંચાર થતાં સમાજસુધારાનો સંદેશ અને બીજું, તે સાહિત્યકૃતિઓના પ્રકાશન દ્વારા સાહિત્ય અંગેની અભિજ્ઞતાનો સંચાર. ઉપરાંત ‘ગુજરાતી’ના આરંભકાળથી સતત લક્ષમાં રહેલું જે મહત્ત્વનું પરિમાણ તે લેખન અને મુદ્રણમાં ભાષાની શુદ્ધિનાં આગ્રહ અને કાળજીનું પરિમાણ. સાપ્તાહિકનું ‘ગુજરાતી’ એવું નામ પણ (એ નામ કવિ નર્મદે સૂચવેલું) એક તરફ કોમ કે પ્રદેશ-નિરપેક્ષ સમસ્ત ‘ગુજરાતી’ પ્રજાવિશેષનો, ને બીજી તરફ ‘ગુજરાતી’ ભાષાવિશેષનો જાણેકે સંકેત કરનારું હતું. મુંબઈના શ્રેષ્ઠીઓ ને શિક્ષિતોએ ‘ગુજરાતી’ના તંત્રીપદ માટે ઇચ્છારામનું નામ વિચાર્યું એમાં એમની ‘સ્વતંત્રતા’કાળની નીડર પત્રકાર-પ્રતિભાનો જ મોટો ફાળો. એના પહેલા જ અંક (૬-૬-૧૯૮૦)ની વિષય-વર્તુળ નોંધમાં, પૂર્વઅનુભવોએ આંકી આપેલી એક પાળ હતી : ‘રાજકીય વિચારથી અમારો કીલો [અમે] બાંધવા માગતા નથી [...] અમે રાજકીય અને સંસારી સંયુક્ત બળથી અમારો કીલો બાંધવા માગીએ છીએ.’ સરકારના વિરોધની તીવ્રતા ઓછી થવાનું એક કારણ તો એ પણ હતું કે ૧૮૮૦-૮૪ દરમ્યાન વાયસરૉય તરીકે આવેલા લૉર્ડ રિપનનું વલણ માનવતાકેન્દ્રી અને મોકળાશ આપનારું હતું. ઇચ્છારામે પોતાની નવલકથા ‘હિંદ અને બ્રિટાનીઆ’ (૧૮૮૫) વિદાયભેટ તરીકે રિપનને અર્પણ કરી હતી. આમ છતાં, રાજકીય સ્વાતંત્ર્યના મુદ્દે ઇચ્છારામની કલમ ક્યારેક તીવ્ર થઈ જતી. ૧૮૮૩ના જૂનના ‘ગુજરાતી’ના એક અંકમાંની અંગ્રેજી તંત્રીનોંધમાં એમણે કેટલાક અનુદાર અંગ્રેજ અમલદારોને ધ્યાનમાં રાખીને પરખાવેલું કે, ‘We owe you no political debt, and if we do, better take it and clear off. But as among men, there must be independence, equality and friendship.’૨૭ રિપનના ગયા પછી પરિસ્થિતિ ફરી બદલાઈ. ‘હિંદ અને બ્રિટાનીઆ’ પર રાજદ્રોહનો આરોપ મુકાયો (ને અલબત્ત, પાછો ખેંચાયો). ‘ગુજરાતી’માં ઇચ્છારામની પ્રગતિશીલ રાજકીય ચર્ચાઓ, નિર્ભિક રીતે પ્રગટ થતી રહી અને એક તબક્કે તો એમની લેખનરીતિ સરકારને વાંધાજનક લાગતાં, પ્રેસ એક્ટ અન્વયે એમની જામીનગીરી લેવાઈ. એનો આઘાત લાગતાં એમણે કહ્યું કે, મારું વર્તમાનપત્રકારનું જીવન હવે પૂરું થયું, મારો ઉત્સાહ મરી ગયો છે.૨૮ અને ૧૯૧૦થી એમણે ‘ગુજરાતી’નું સક્રિય પત્રકારત્વ છોડ્યું. ‘ગુજરાતી’નું એક સૌથી નોંધપાત્ર કામ ગુજરાતી ભાષાની શુદ્ધિ, સરળતા અને અસરકારકતા બાબતે હતું. પહેલો અંક પારસી પ્રેસ ‘કયસરે હિંદ’માં છપાયેલો ને તે ઘણી મુદ્રણ-અશુદ્ધિઓ વાળો હતો. તરત જ એમણે પ્રેસ બદલી નાખ્યો. ને ૧૮૮૪માં પોતાનો ‘ગુજરાતી પ્રિન્ટિગ પ્રેસ’ સ્થાપીને એમણે શુદ્ધ-સ્વચ્છ મુદ્રણ અંગે પૂરી કાળજી રાખી. સદીના અંતે તો ‘ગુજરાતી ટાઇપ ફાઉન્ડ્રી’ સ્થાપીને એમણે ગુજરાતીમાં સંશુદ્ધ મુદ્રણનો મહત્ત્વનો વળાંક આણ્યો. છ ધોરણ સુધી જ ભણી શકેલા ઇચ્છારામે સંકલ્પ અને પરિશ્રમથી, એક તરફ પ્રાચીન સાહિત્યના સંકલન-સંશોધનમાં રસ લીધો ને પોતાની ભાષાભિવ્યક્તિને સઘન સંસ્કૃતમયતાની ગરિમા આપી તો બીજી બાજુ અંગ્રેજીનો અભ્યાસ કરી પ્રભુત્વ મેળવ્યું. સંસ્કૃત અને અંગ્રેજી પુસ્તકોના એમણે કરેલા અનુવાદો એનું પરિણામ છે. પરંતુ, ‘ગુજરાતી’ ચલાવતાં એમને બીજી પ્રતીતિ એ થઈ કે પોતાના વિચારોનું સંચરણ બહોળા સમુદાયમાં કરવું હોય તો સંક્રમણશીલ સરળ ગુજરાતી અભિવ્યક્તિ માટે પ્રયત્નશીલ થવું જોઈએ. અભિવ્યક્તિની અસરકારકતા એવી જ રાખીને એમણે ‘સ્વતંત્રતા’ની સંસ્કૃતમય ભાષાને છોડીને ‘ગુજરાતી’માં સરળ-પ્રભાવક ભાષા યોજી – તે પણ ગુજરાતી ભાષા અંગેનું એક મહત્ત્વનું સ્થિત્યંતર હતું. મધ્યકાલીન કૃતિઓના સંપાદિત પ્રકાશન દ્વારા, ભેટયોજના અન્વયે મુનશી જેવાની નવલકથાઓના પ્રકાશન દ્વારા એમણે ‘ગુજરાતી’નું સાહિત્યલક્ષી પરિમાણ પણ ઊભું કર્યું. ‘બૃહત્ કાવ્યદોહન’ (૮ ખંડો)ના સંપાદક તરીકે સૌથી વધુ જાણીતા ઇચ્છારામ દેસાઈએ નીડર પત્રકાર તરીકે આવાં વિવિધ પરિમાણો ઉપસાવીને ગુજરાતના સંસ્કારજીવનને વૈચારિક ભૂમિકાએ આંદોલિત કર્યું અને ૧૯મી સદીમાં વિકસતા જતા ગુજરાતીના ગદ્યમાં પોતાની એક વિશેષ મુદ્રા ઉમેરી એ એમનાં મહત્ત્વનાં યુગવિધાયક કાર્યો ગણાશે. નવલરામ અને ઇચ્છારામની સામયિક પ્રવૃત્તિએ ગુજરાતી પત્રકારત્વને, સુધારકયુગની લાક્ષણિકતાઓ સમેત, પંડિતયુગના ચિંતનલક્ષી સામયિક પત્રકારત્વની પ્રવેશરેખા પર લાવીને મૂક્યું. એ પછી, સાક્ષરયુગનાં ચિંતનલક્ષી ને સાહિત્યલક્ષી સામયિકો વિકસતાં ગયાં; જૂનામાંથી ચાલતાં રહેલાં ‘બુદ્ધિપ્રકાશ’ અને ‘ગુજરાતી’ જેવાં વિચારપત્રોએ પણ સાહિત્યસર્જનને તથા સાહિત્યિક અધ્યયનને વધુ ઝીલવાનું વલણ બતાવ્યું; સમાચારલક્ષી પત્રકારત્વની, તથા સુબદ્ધ સામયિકોના વૈચારિક-સાહિત્યિક પત્રકારત્વની બે ધારાઓ સ્પષ્ટપણે જુદી વહેવા લાગી. એટલે, સુધારકયુગના સમયખંડની – ૧૯મી સદીને વ્યાપી વળતા લગભગ છ-સાત દાયકાની –પત્રકારત્વ પ્રવૃત્તિનો, સ્થિત્યંતર પછી સ્થિત્યંતરને, તંત્રી પછી તંત્રીને લક્ષમાં લેતો આ ઐતિહાસિક આલેખ છે. પરંતુ, આખા સમયનું એકસાથે આકલન કરતા સાંસ્કૃતિક અધ્યયનનો આલેખ તો સામયિકોના સંકલિત અભ્યાસથી વધુ સઘન ને સ્પષ્ટ રૂપે ઊપસી શકે.

૩. સંકલિત અધ્યયનની દિશા અને પદ્ધતિ

રૈખિક (લિનિયર) કાલક્રમી અધ્યયન અમુક અંશે સમયનું ખંડદર્શન આપે છે અને એક સળંગ સમયના પેટાખંડકોને ક્રમશઃ અજવાળતું (ને પાછળ જનાર ખંડકને વિસારતું જતું) આગળ ચાલતું હોય છે એટલે હવે, આખાય સમયની સ્પષ્ટ સાંસ્કૃતિક ઓળખને પામવા માટે સર્વ પત્ર-પત્રિકાઓને એકસાથે હાથ ધરતી સંકલિત (કૉમ્પોઝીટ) અધ્યયનની એક નવી દિશા ખૂલતી જાય છે. આ અધ્યયન બે મોરચે થાય છે : એક તો, સર્વ સામયિકોને સુલભ બનાવવાં, એમાં એના એકે એક ઘટકની – જાહેરખબરો, કવર ડિઝાઇન ને મુદ્રણસજ્જા જેવી, પહેલી નજરે સામગ્રી-બાહ્ય ને વધારાની (રિડન્ડન્ટ) લાગતી બાબતોની પણ જાળવણી થાય એની કાળજી રાખવી. એટલે પુનર્મુદ્રણથીય આગળ જઈને – એનું ડિઝિટાઈઝેશન કરવું. પછી પ્રત્યેક સામયિકની ને એ ઉપરાંત સર્વ સામયિકોની સંકલિત અને વર્ગીકૃત સૂચિઓ કરવી. બીજો મોરચો છે – સમાન સમયગાળામાં ચાલતાં, પરસ્પર પ્રભાવ પાડતાં કે ઝીલતાં, સમાન પ્રશ્નો (ઇસ્યુઝ) પર વિવાદ (ડિબેટ) કરનારાં સામયિકોની તુલના કરવી. યુરપ-અમેરિકામાં તો આવાં અધ્યયનો અનેક સંશોધનમંડળીઓ અને યુનિવર્સિટીઓ દ્વારા ખૂબ મોટા પાયા પર ચાલે છે.૨૮ એવું સર્વાશ્લેષી અધ્યયન આપણે ત્યાં તો થાય ત્યારે. પરંતુ, સુધારકયુગનાં પત્ર-પત્રિકાઓ સંદર્ભે આપણે થોડાંક નાનાં, પ્રારંભિક કામ આદરી શકીએ : ૧૯મી સદીનાં કેટલાંક સામયિકોની સૂચિઓ થઈ છે ને એ દિશામાં થોડાંક વધુ સામયિકોની સૂચિઓ થઈ રહી છે – સામયિકો અખંડ રૂપે મળ્યા-ન મળ્યાની સમસ્યાઓની વચ્ચે પણ. એવી થોડીક વધુ સૂચિઓ થાય તો પછી સંકલિત સૂચિઓ તૈયાર કરવાની દિશામાં જઈ શકાય. પરંતુ સ્વતંત્ર સામયિકોની સૂચિઓની વૈજ્ઞાનિકતાના ને એકવાક્યતાના પ્રશ્નો પણ છે. એવું કોઈ એક સૂચિ-નિયંત્રક કે માર્ગદર્શક કેન્દ્ર નથી કે એવી કોઈ માર્ગદર્શક હાથપોથી (મૅન્યુઅલ) આપણે ત્યાં તૈયાર થયેલી નથી એટલે અર્વાચીન સમયનાં સામયિકોની સ્વતંત્ર ને વર્ષવાર / સમયખંડવાર સંકલિત સૂચિઓ થઈ રહી છે એમાં પણ શાસ્ત્રીય પદ્ધતિના ને સૂઝના – ને એકવાક્યતાના પણ – પ્રશ્નો છે. સુધારકયુગનાં સમાચારપત્રો-વિચારપત્રો અંગે તુલનાત્મક અભ્યાસોને ઘણો અવકાશ છે. જેમકે અન્ય પારસી સમાચારપત્રો અને ‘રાસ્તગોફતાર’ વચ્ચેની – સમાચારો, વિચારોના સીમિત ને બહોળા ફલક અંગેની – તુલના; સુધારાના પ્રશ્નોને હાથ ધરવા અંગે ‘રાસ્તગોફતાર’ અને ‘સત્યપ્રકાશ’ની તુલના; સામાજિક અને આર્થિક સુધારા અંગેના દૃષ્ટિકોણ અંગે ‘સત્યપ્રકાશ’ અને ‘ડાંડિયો’ વચ્ચેની તુલના; વગેરે. કેટલાંક વલણો અને વિચાર-વિભાવનને કેન્દ્રમાં રાખતી તુલનાઓ પણ કરવા જેવી છે – ખરેખર તો એવા પ્રકલ્પો(પ્રોજેક્ટ) લઈને શાસ્ત્રીય અધ્યયન કરવા જેવું છે, જેમકે સુધારા અંગેની પારસીપત્રોની ને ‘ડાંડિયો’ની સમજ; સુધારા અંગેની ‘ડાંડિયો’ અને ‘બુદ્ધિપ્રકાશ’ની વિચારસરણી અને પ્રકૃતિ વચ્ચેનો ભેદ; સ્વતંત્રતા અંગે ‘ડાંડિયો’માંના (નર્મદના) ખ્યાલો અને ‘સ્વતંત્રતા’ અને ‘ગુજરાતી’માંના (ઇચ્છારામના) ખ્યાલો – સાંસ્કૃતિક પુનરુત્થાનનાં ઘણાં પરિમાણોને સ્પષ્ટ કરી આપી શકે એમ છે. સમાચારપત્રો અને વિચારપત્રોમાં એના તંત્રીઓનાં, લેખકોનાં કેટલાંક વિશિષ્ટ-અને-પક્ષિલ વલણો વિચારરૂપે તેમજ વિવાદરૂપે પ્રગટ થયેલાં છે ને કોઈ એકને જ ધ્યાનમાં રાખીએ તો મૂળ તથ્યને પકડવાનું શક્ય ન બને – પક્ષિલ નિરીક્ષણો ખોટાં તારણો તરફ લઈ જાય. જેમકે ‘ડાંડિયો’માં નર્મદના સુધારા અંગેના, સુધારકો અને લેખકો અંગેના, સરકારનાં વિદ્યાકીય અને વહીવટી વલણો અંગેના, કેટલાંક પુસ્તકો (જેમકે ‘કાવ્યદોહન’નું સંપાદન અને ‘શાકુંતલ’ના અનુવાદો) વિશેના વિચારો રજૂ થયેલા છે તે ‘બુદ્ધિપ્રકાશ’, ‘બુદ્ધિવર્ધક’, (મહીપતરામના સંપાદનમાં ચાલેલા) ‘ચંદ્રોદય’માંના તે-તે સમયના પ્રતિભાવો-પ્રતિક્રિયાઓના સંદર્ભમાં જોઈ-ચકાસી શકાય તો જ તથ્યોનાં સ્પષ્ટ ને સાચાં રૂપ ઊપસે. એ સમયે સમાચારપત્રો વચ્ચે પ્રતિસ્પર્ધાની તીવ્રતા હતી – એમાં ઊપસેલી સામાજિક-સાંસ્કૃતિક વિલક્ષણતાઓ પણ તુલનાથી વધુ ચોખ્ખારૂપે પામી શકાય. કેટલાક સાહિત્યિક વિવાદો પણ સમાન સમયનાં સામયિકોમાં ચાલેલા છે, જેમકે શામળ અને પ્રેમાનંદની કવિતાની તર-તમતા અંગે ‘બુદ્ધિપ્રકાશ’ અને ‘શાળાપત્ર’ વચ્ચે ચાલેલી ચર્ચાઓ (એમાં ‘ગુજરાતમિત્રે’ પણ ઝુકાવેલું), ને એ માટે એમણે રજૂ કરેલા આધારો રસપ્રદ હતા ને એ સમયની સાહિત્યસૂઝનાં મર્યાદા-વિલક્ષણતા બતાવનાર હતા – એ તુલનાથી વધુ ઊઘડી શકે. તુલના માટેનું એક સૌથી મોટું ને મહત્ત્વનું ક્ષેત્ર તો છે એ સમયની ગુજરાતી ભાષા તેમજ ભાષા અંગેની સભાનતા. પારસીપત્રોની જોડાક્ષરો વિનાની તથા વિલક્ષણ શબ્દરચના ને વાક્યરચનાવાળી અ-શુદ્ધ લિખિત ભાષાથી લઈને ‘સ્વતંત્રતા’ની પ્રભાવક સંસ્કૃતમય ભાષા સુધીના ફલકને લખાણોના નમૂના લઈને તપાસવામાં આવે તો ભાષા સાથે સંકળાયેલા અભિવ્યક્તિ-સંદર્ભોનું તેમજ સાંસ્કૃતિક સંદર્ભોનું મહત્ત્વનું અધ્યયન સાંપડે. નર્મદ અને ઇચ્છારામની ઉદ્બોધનાત્મક ને ઉત્તેજક ભાષા; દલપતરામની ઠાવકી ને નર્મભરી ભાષા; ‘શાળાપત્ર’માં નવલરામની સંક્રમણશીલ રહીને પણ તત્ત્વગામી બનતી વિમર્શાત્મક ભાષા; ‘ચાબૂક’ની પીળા પત્રકારત્વને લક્ષતી ભાંડણભાષા અને ‘ડાંડિયો’ની તેજાબી છતાં વિધાયક સૂઝને પ્રગટ કરતી સ્ફોટક ભાષા; ‘જ્ઞાનપ્રસારક’ અને ‘રાસ્તગોફતાર’ની વિગત-વિચારને લક્ષતી ભાષા અને ‘સત્યપ્રકાશ’ની દલીલબદ્ધ રહીને ધાર્મિક દાંભિકતાને વિદારવા જતી ને છતાં અભિવ્યક્તિમાં અણઘડ રહી જતી ભાષા – એવા કેટકેટલા વિવિધ ભાષાવિવર્તો ભાષા-અધ્યયનની રાહ જોતા પડ્યા છે. વક્તવ્યશુદ્ધિ, લેખનશુદ્ધિ અને મુદ્રણશુદ્ધિને લક્ષ કરતી ‘જ્ઞાનપ્રસારક’ની, ‘ડાંડિયો’ની, ‘બુદ્ધિપ્રકાશ’ની, ‘ગુજરાતી’ની સભાન અને કંઈક અંશે અભિયાનરૂપ પ્રવૃત્તિ પણ તુલનાનો એક બીજો મહત્ત્વનો મુદ્દો છે. સર્વ સાંસ્કૃતિક પરિમાણોની તપાસને સંદર્ભે આ પત્રકારી સંચલનોને તે સમયના ઇતિહાસલક્ષી, સાહિત્યલક્ષી સંદર્ભગ્રંથોના પ્રકાશમાં પણ જોવા જોઈએ. ‘અમદાવાદનો ઇતિહાસ’, ‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’ જેવા કેટલાક ગ્રંથો આ રીતે ઉપયોગી ને અધ્યયનસહાયક બની શકે. એ સમયનાં સમાચારપત્રો, વિચારપત્રો દુર્લભ થતાં જાય છે ને ક્રમશઃ લોપ પામતાં જાય છે ત્યારે હવે સામયિક અધ્યયન ઘણું જ તાકીદનું, તાકીદનાં કામોમાં પણ અગ્રતાક્રમે મૂકવુંં જોઈએ એવું કામ છે. આવો એક લેખ ભલે અધિકૃત દ્વૈતીયીક ગ્રંથો-સંચયો પર આધારિત હોય – લાંબા સંશોધનાત્મક અધ્યયનો માટે, બને એટલી મૂળ સામગ્રી મેળવવા માટે ધૃતિપૂર્વકનો ઘણો મોટો પરિશ્રમ કરવાનો રહે. એવા પરિશ્રમની ને સૂઝની દિશામાં નવા અધ્યેતાઓ અને સંશોધકો વળે એવી આશા સાથે મારી વાત પૂરી કરું.

સંદર્ભનોંધો : ૧. જૂનાં ચોપાનિયાં, સામયિકો આપણે સાચવ્યાં નથી એટલું જ નહીં, ૨૦મી સદીના ૭મા દાયકા આસપાસનાં આધુનિકતાવાદી વિદ્રોહી સૂરવાળાં સામયિકો પણ, કોઈ ગ્રંથાલયે કે એના સંપાદકોએ સુધ્ધાં સાચવ્યાં નથી! કોઈની પાસે નમૂનાખાતર કોઈ એકાદ દુર્લભ અંક સચવાયો હોય તો ભાગ્ય! નજીકના ભૂતકાળની આવી સમયરેખાઓને પણ આપણે નષ્ટ થવા દીધી છે એ, આપણામાં ઇતિહાસબુદ્ધિનો કેવો અભાવ છે એનું, બલકે ઇતિહાસ સાચવવા અંગે આપણે સાવ બે-તમા છીએ એનું કમનસીબ દૃષ્ટાંત છે. રમેશ શુક્લે ‘ડાંડિયો’ના અંકોને ગ્રંથાકારે પ્રગટ કરીને ઉગારી લીધા એ દૃષ્ટાંત તો વિરલ જ. એ પછી પણ એ રસ્તે જવાનું, બીજાં સામયિકો ઉગારી લેવાનું આપણે કર્યું નથી! ૨. ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો ઇતિહાસ’ના ૩ ખંડો પુનર્મુદ્રિત થયા છે ને ફાર્બસ ગુજરાતી સભાએ, દીપક મહેતાના માર્ગદર્શનમાં, ૧૯મી સદીનાં દુર્લભ પુસ્તકો પૈકીનાં ૪૦ પુસ્તકોની મૂળ રૂપમાં ૪૦ સી.ડી. પ્રકાશિત કરી છે – એ એનાં હાથવગાં દૃષ્ટાંત છે. બીજાં થોડાંક પણ છે ને બીજાં ઘણાં, મૂળ સ્રોતરૂપ તેમજ સંદર્ભનાં પુસ્તકો પ્રકાશનની રાહ જોતાં પડ્યાં છે. જૂનાં પુસ્તકોની પહેલી આવૃત્તિઓ દુર્લભ બની છે – મોટા ભાગની તો આપણે નષ્ટ થવા દીધી છે – એનો તો હવે કશો ઉપાય જ નથી. ૩. ‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’માં ૧૯૦૮ સુધીનાં ૯૪ ગુજરાતી વર્તમાનપત્રો-સામયિકોની અકારાદિક્રમ યાદી મૂકવામાં આવી છે. એમાં, આ ૫૦-૬૦ વર્ષને અંતે પણ ૯૪માંથી ત્રીજા ભાગનાં પત્ર-પત્રિકાઓનાં શરૂ થયાનાં વર્ષ દર્શાવી શકાયાં નથી! દસ્તાવેજી વિગતોનું આપણે ત્યાં કેટલી ઝડપથી વિગલન અને ગળતર થતું જાય છે એનો આ સંકેત છે. ૪. આ વિગત ‘ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ’માંથી તારવેલી છે. બીજી કેટલીક આવશ્યક માહિતી માટે પણ આ લેખમાં આ સ્રોતનો ઉપયોગ કર્યો છે. ૫. ‘મુંબઈ સમાચાર’ માટે એણે લખેલું : ‘સમાચારના અધીપતી જેવો નખતો [નકટો?] ઘધેડો અને શોહાંમણું ચોપગું હમોએ હમારી ઉંમરમાં બીજું કોઈ જોઈઉતું નહી....’ (ઉદ્ધૃત : ગુ.પ.ઇતિહાસ, પૃ.૭૦) ૬. પાછળથી તો એ એટલું વ્યક્તિત્વશૂન્ય ને રેઢિયાળ બની ગયેલું કે મણિલાલ દ્વિવેદીએ ‘સુદર્શન’ (માર્ચ, ૧૮૯૬)માં નોંધેલું કે, ‘૪૧ વર્ષનું થયા છતાં વધતી જતી વયથી તેણે કાંઈ ડહાપણ પ્રાપ્ત કર્યું જણાતું નથી.’ (જુઓ : ગુ.પ.ઇતિહાસ, પૃ.૯૪) આપણાં લાંબાં ચાલનારાંમાંથી કેટલાંક સામ્પ્રત સામયિકોને પણ લાગુ પડે એવી આ ટીકા, બલકે ચેતવણી છે. ૭. જુઓ, ‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’, પૃ.૩૧૬. ૮. એ જ, પૃ.૩૧૬-૩૧૭. ૯. ‘સત્યપ્રકાશ’, ૨૧-૧૦-૧૮૬૦; અહીં ઉદ્ધૃત ‘ગુપઇતિહાસ’માંથી, પૃ.૧૧૬. ૧૦. ‘રાસ્ત ગોફતાર’, ૩-૧-૧૮૫૮; અહીં ઉદ્ધૃત ‘ગુપઇતિહાસ’માંથી, પૃ.૧૦૨-૧૦૩. ૧૧. જુઓ ‘ગુજરાતી સાહિત્યકોશ-ખંડ : ૩’માં ‘ગુજરાતી સામયિકો’. દીપક મહેતાએ ‘સૌથી જૂનું સામયિક’ કહીને ઓળખાવેલા (૧૮૪૦માં શરૂ થયેલા) ‘વિદ્યાસાગર’માં પણ ‘વિદ્યા’નો અર્થ ઉપયોગી વિદ્યા/કૌશલ એવો હતો. એ સામયિક વિશે કોઈ સોરાબજી બંગાળીએ લખેલું કે, ‘ગુજરાતી જુબાનમાં વીદીઆ અને હુન્નર સંબંધી માહાવારી[માસિક] ચોપાનીયાં આગલ પરગટ થતાંતાં નહીં. એ કારણસર મિ. નવરોજીનું ‘વીદીઆ સાગર’ ચોપાનીઉં પેહેલવહેલું જ નીકલીઉં હતું.’ (‘ઓગણીસમી સદીની ગુજરાતી ગ્રંથસમૃદ્ધિ’, પૃ.૪૬, ૪૭.) ૧૨. ‘આપ અખત્યાર’, ૨૨-૬-૧૮૫૯; અહીં ઉદ્ધૃત ‘ગુપ ઇતિહાસ’, પૃ.૧૧૫. ૧૩. ‘ગુજરાતમિત્ર’ પછી ‘સ્વતંત્રતા’ અને ‘ગુજરાતી’માં પણ પ્રારંભિક તંત્રીલેખ કે એક વિભાગ અંગ્રેજીમાં પ્રગટ થતો હતો એણે પણ અંગ્રેજી પત્રકારોનું તેમજ અંગ્રેજ સરકારનું ધ્યાન ખેંચ્યું હતું. ઇચ્છારામ દેસાઈએ તો, પોતે આકરી રાજકીય ટીકા કરતા તે અંગ્રેજ સરકાર સુધી પહોંચે એ માટે પણ સમાન્તરે અંગ્રેજીમાં પોતાના વિચાર આ પત્રોમાં પ્રગટ કરેલા! ૧૪. જુઓ ‘બુદ્ધિપ્રકાશ : સ્વાધ્યાય અને સૂચિ’ (સંપા. ચી. ના. પટેલ)માંની ૫૦ વર્ષની અનુક્રમણિકા (‘લેખોની યાદી’). ‘બુદ્ધિપ્રકાશ’ વિશેની આ લેખમાંની ચર્ચામાં આ સૂચિમાંની વિગતો ઉપયોગી નીવડી છે. ૧૫. એ જ, પૃ.૨૨. ૧૬. દલપતરામ કેવી પ્રતીતિકરતાથી વાત રજૂ કરે છે એનું એક દૃષ્ટાંત એ છે કે, જ્યોતિષીઓની ભ્રામક વિદ્યાને તે આ રીતે મૂકી આપે છે : ‘આપણા જોશીઓ ટીપણું જોઈને ગ્રહનક્ષત્રો વિશે કહે છે પણ આકાશમાં એ ગ્રહનક્ષત્રોને ઓળખી બતાવી શકતા નથી.’ (માર્ચ, ૧૮૬૦; અહીં ઉદ્ધૃત ‘બુપ્રસૂચિ’) ૧૭. આ વિગત-સંકલન ‘બુપ્રસૂચિ’ને આધારે. ૧૮. પ્રેમાનંદ વિશે લખતાં એમણે એ મતલબનું કહ્યું હતું કે, ‘કવિતા માત્ર મહેનતથી નથી થતી, તેમાં ઈશ્વરી બક્ષિસ જોઈએ; પ્રેમાનંદનાં વર્ણનોમાં એવી બક્ષિસ [=પ્રતિભા?] દેખાય છે, પોતાનામાં એ નથી.’ (જુઓ, જાન્યુઆરી ૧૮૬૨; બુપ્રસૂચિ, પૃ. ૫૨) ૧૯. ‘ડાંડિયો’ના એક અંકમાં પહેલા સવા વરસની કામગીરીનું સરવૈયું આપ્યું છે એ વાંચતાં સામાજિક, ધાર્મિક, રાજકીય (સરકારી), સાહિત્ય-શિક્ષણ-વિદ્યાક્ષેત્રીય, એમ દરેક અંગમાં વ્યાપેલા દંભને અને ભ્રષ્ટ-દૂરિત આચારોને ઉઘાડા પાડતી આકરી ટીકાથી સર્વગ્રાહી ‘શુદ્ધિ’કરણનો અભિલાષ એણે સેવ્યો હતો. (જુઓ : ૧૫ ડિસેમ્બર ૧૮૬૫નો અંક; ‘ડાંડિયો’ ગ્રંથ : સંપા. રમેશ શુક્લ) ૨૦. એ જ ગ્રંથ, સંપાદકીય લેખ, પૃ. ૮. ૨૧. જુઓ, (૧) ‘ગદ્ય વાંચવા અણટેવાયેલી પ્રજાને એ વાંચતી કરવા[...] પોતાના સમયના પત્રકારી ગદ્યની જે શૈલીનાં બીજ રોપ્યાં અને જે [શૈલી]ને યથાસંસ્કાર ખીલવી, તેમાં આજના રસજ્ઞ વાચકને સુઘડતા ઓછી જણાશે અને લાલિત્ય તો કદાચ બિલકુલ નહીં જડે’ – વિજયરાય વૈદ્ય (‘નર્મદશતાબ્દી ગ્રંથ’, પૃ. ૩૩૭; અહીં ઉદ્ધૃત ‘ગુપ ઇતિહાસ’ પૃ. ૧૭૫), અને (૨) ‘નર્મદની શૈલીમાં ગૌરવ સાથે આડંબર તથા ગ્રામ્યતા[પણ હતી તે]નો ઉલ્લેખ પણ થવો જોઈએ. પણ એ દોષો નર્મદના કરતાં આપણા ઊગતા ગદ્યના વધારે અંશે ગણી શકાય’ – રતન માર્શલ (ગુપઇતિહાસ, પૃ. ૧૭૫-૧૭૬). ૨૨. આ બંને અવતરણો માટે જુઓ ‘જૂનું નર્મગદ્ય’, પૃ. ૩૭૩-૭૪; અહીં ઉદ્ધૃત ‘ડાંડિયો’ ગ્રંથ (સંપા. રમેશ શુક્લ), પૃ. ૪. ૨૩. અહીં ઉદ્ધૃત ‘ગુપ ઇતિહાસ’, પૃ. ૧૨૪. ૨૪. મીઠા પરના કર માટે ગાંધીજીએ ૧૯૩૦માં દાંડીકૂચ-આંદોલન કરેલું એની અરધી સદી પહેલાં, અંગ્રેજ શાસકોની, ૧૮૭૮માંની એવી જ ગુસ્તાખી માટે ઇચ્છારામે પણ આવી નુક્તેચીની કરી હતી. દલપતરામે પણ આ અંગે એમની ઠાવકી માર્મિકતાથી કવિતા કરેલી : ‘મીઠાની મટાડો મહા મોંઘવારી.’ ૨૫. અહીં ‘ગુપ ઇતિહાસ’ના પૃ. ૧૨૫-૧૨૬માંથી ૨૬. The Source Material for a History of the Freedom Movement in India. Vol. I, pp. ૩૭૦-૩૭૧; ઉદ્ધૃત : ‘અર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રતિબિંબિત રાષ્ટ્રીય અસ્મિતા’ (દિલાવરસિંહ જાડેજા). પૃ. ૭૯ ૨૭. એ જ, પૃ. ૩૬૦; જાડેજા, પૃ. ૮૦. ૨૮. એની વિગતો ને ચર્ચા માટે જુઓ ‘પ્રત્યક્ષ’, એપ્રિલ-જૂન ૨૦૧૦માંનું પ્રત્યક્ષીય : ‘સામયિક અધ્યયનની નવી ક્ષિતિજોનો ઉઘાડ’, પૃ. ૩ થી ૫.

સંદર્ભગ્રંથો અને વિશેષ વાચન કવિ, ન્હાનાલાલ, કવીશ્વર દલપતરામ (૧ થી ૪) વિશેષે કરીને ખંડ. ૨, ૧૯૩૪. જાડેજા, દિલાવરસિંહ, અર્વાચીન ગુજરાતી કવિતામાં પ્રતિબિંબિત રાષ્ટ્રીય અસ્મિતા, ૧૯૭૪. દેરાસરી, ડાહ્યાભાઈ, સાઠીના સાહિત્યનું દિગ્દર્શન, ૧૯૧૧. દેસાઈ, નટવરલાલ ઈ., સ્વ. ઇચ્છારામ સૂ. દેસાઈના સાક્ષરજીવનની રૂપરેખા, [૧૯૧૨ પછી, ૧૯૩૦ આસપાસ] પટેલ ચી. ના. (સંપાદક), બુદ્ધિપ્રકાશ : સ્વાધ્યાય અને સૂચિ, ૧૯૯૯. પારેખ, હીરાલાલ, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનો ઇતિહાસ (૧ થી ૩), ૧૯૩૩-૩૪, પુનર્મુદ્રણ ૨૦૧૦. મહેતા, દીપક, ઓગણીસમી સદીની ગુજરાતી ગ્રંથસમૃદ્ધિ, ૨૦૧૦. માર્શલ, રતન, ગુજરાતી પત્રકારિત્વનો ઇતિહાસ, ૧૯૫૦. શુક્લ, રમેશ (સંપાદક), ડાંડિયો (ગ્રંથરૂપ સંકલન પ્રકાશન), ૧૯૯૬. શેઠ મગનલાલ વખતચંદ, અમદાવાદનો ઇતિહાસ, ૧૮૫૧.

●‘ગુજરાતી સુધારક યુગ : સંસ્કૃતવિમર્શ સંદર્ભે’ એ વિષય ઉપર મ. સ. યુનિવર્સિટી વડોદરાના ગુજરાતી વિભાગે યોજેલા પરિસંવાદમાં, તા. ૨૪મી જાન્યુ. ૨૦૧૧ના દિવસે ‘સુધારકયુગનું પત્રકારત્વ’ વિશે કરેલું વક્તવ્ય – સંવર્ધિત લેખરૂપે. ● ‘શબ્દસૃષ્ટિ’, મે. ૨૦૧૧ (લેખશીર્ષક હતું : ‘૧૯મી સદીની નિરીક્ષા : સામયિકપત્રોની બારીએથી.’)