ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે/ભાવરેખ – ચિમનલાલ ત્રિવેદી

From Ekatra Wiki
Revision as of 00:14, 9 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભાવરેખ, ચિમનલાલ ત્રિવેદી, ૨૦૦૨
સાહિત્યરુચિના સંતુલિત આલેખો

ચિમનલાલ ત્રિવેદી મધ્યકાલીન સાહિત્યના આપણા એક મોટા અભ્યાસી વિવેચક અને સંપાદક છે. અલબત્ત, એમના અભ્યાસનું ફલક અર્વાચીન સાહિત્યના વિવેચન-સંપાદન સુધી પણ વિસ્તરેલું છે. નિરૂપિત વિષયનું સમગ્રલક્ષી આકલન કરી આપનારી સૂઝ, સ્વસ્થ-સંતુલિત નિરીક્ષણો અને લાઘવભરી વિશદ લેખનરીતિ – એમનાં સર્વ વિવેચનકાર્યોની વિશેષતા છે. એ વિશેષતાઓ એમના આ ‘ભાવરેખ’ના લેખોમાં પણ જોવા મળશે. પુસ્તકના પહેલા પાંચ લેખો મધ્યકાલીન સાહિત્ય વિશેના છે. સાહિત્યના વિદ્યાર્થીઓ માટે તૈયાર થયેલો અભ્યાસલેખ ‘મધ્યકાલીન સાહિત્યને પ્રેરનારાં રાજકીય-ધાર્મિક પરિબળો’ વિશદ પ્રવાહદર્શનની રીતે નોંધપાત્ર છે. લેખના આરંભે એક સરળ નિરીક્ષણ મૂકીને તે આગળ ચાલે છે. ભાષાદૃષ્ટિએ બારમાથી પંદરમા શતકનું સાહિત્ય મધ્યકાલીન ગણાય; અખો-પ્રેમાનંદથી આરંભાતા સાહિત્યની ભાષા અર્વાચીની નિકટની છે પરંતુ સાહિત્યપરંપરાની દૃષ્ટિએ દયારામ સુધીનું સાહિત્ય મધ્યકાલીન ગણાય. પરંપરા અને ભાષાના સંદર્ભમાં આવી સ્પષ્ટતા આવશ્યક હતી. સાહિત્ય પરિષદના કલકત્તા-અધિવેશનમાં વિવેચનવિભાગના અધ્યક્ષ તરીકે એમણે રજૂ કરેલો નિબંધ ‘મધ્યકાલીન સાહિત્ય : આસ્વાદ અને અવબોધ’ મધ્યકાલીન સાહિત્યનો એમનો વધુ નોંધપાત્ર અભ્યાસ છે. આ અભ્યાસ પાછળનું એમનું એક પ્રયોજન બહુ નોંધપાત્ર છે : ‘ખાસ તો મધ્યકાલીન સાહિત્યના અભ્યાસીઓની સંખ્યા હવે ઘટતી જાય છે અને એ સાહિત્ય પ્રત્યે નવી પેઢીનો ઉમળકો જોવા મળતો નથી ત્યારે મધ્યકાલીન સાહિત્યના કેટલાક પ્રશ્નોની ચર્ચા ઉપયોગી બનશે એવી આશા સાથે” એમણે આસ્વાદ-અવબોધની ચર્ચા હાથ ધરી છે. (જુઓ પૃ. ૧૫) એમાં રહેલાં એક શિક્ષક તરીકેનાં ચિંતા-કાળજી પણ જોઈ શકાશે. લેખમાં એમણે મધ્યકાલીન સાહિત્યના કર્તૃત્વના, કૃતિઓની ભાષાના સમય-નિર્ધારણના અને કૃતિ-આસ્વાદનાં ધોરણોના પ્રશ્નો હાથ ધર્યા છે તેમજ મધ્યકાલીન કૃતિઓના શિક્ષણના પ્રશ્નને પણ ઘણી સ્પષ્ટતાથી, માર્ગદર્શક બને એ રીતે, ચર્ચ્યો છે. મધ્યકાલીન કૃતિઓમાંથી અનેક દૃષ્ટાંતો લઈને કાવ્યના અર્થસૌંદર્યને એમણે ચીંધી આપ્યું છે એ તો ખરું જ, ઉપરાંત છંદ-લય-પ્રાસ-પુનરુક્તિઓ આદિની આસ્વાદ્યતા અને પ્રભાવકતાને પણ એમણે ઘણાં દૃષ્ટાંતોથી બતાવી છે. મધ્યકાલીન સાહિત્યની કથન-શ્રવણની લાક્ષણિકતા માત્ર પદ્યકૃતિઓમાં જ નહીં, ગદ્યમાં પણ કેવી છે એ એમણે વર્ણકો જેવા વિગતલક્ષી ગદ્યમાંથી દૃષ્ટાંતો લઈને પણ બતાવ્યું છે ને કહ્યું છે કે, ‘આ ગદ્ય આંખથી વાંચવાનું નહીં પણ કાનથી સાંભળવાનું હતું અને માણવાનું હતું.’ (પૃ. ૩૨) ‘મધ્યયુગીન ઊર્મિકાવ્યો’ અને ‘મધ્યકાલીન ગુજરાતી પદ સાહિત્ય’ આમ તો સમાન વિષય પરના લેખો છે પરંતુ બંનેના સંદર્ભો ભિન્ન છે; એટલું જ નહીં, પહેલા લેખમાં પ્રવાહદર્શન કેંદ્રમાં છે જ્યારે બીજા લેખમાં પદનાં સ્વરૂપ-લક્ષણો પર વિશેષ ભાર છે. એ કારણે સ્વરૂપ અને સાહિત્યપ્રવાહનાં પરિમાણો ઉપસાવી શકાયાં છે. મધ્યકાલીન સાહિત્યપ્રકારોની તથા ભક્તિઆંદોલન આદિએ રચેલી પરંપરાઓની ભૂમિકા ‘મધ્યયુગીન ઊર્મિકાવ્યો’ના સમગ્રલક્ષી પરિચયને એક મહત્ત્વનો આધાર આપે છે. કવિતાના ઊર્મિ-અંશને કેંદ્રમાં રાખ્યો હોવાને કારણે ચિમનભાઈએ પદ-ભજન-ચાબખા-સ્તવન વગેરે ટૂંકી, સ્વતંત્ર કૃતિઓની ચર્ચા આગળ જ વાત પૂરી ન કરતાં એને કથાઅંશોવાળી પણ ઊર્મિલક્ષી એવી મહિના-બારમાસી-પદમાળા જેવા પ્રકારોની કૃતિઓને તેમજ પ્રેમાનંદનાં આખ્યાનોમાં આવતાં ઊર્મિઉદ્રેકવાળાં પદરૂપ કડવાંની ચર્ચા પણ કરી છે. અર્વાચીન સાહિત્ય વિશેના લેખોમાં ‘ઊર્મિકાવ્ય : સાહિત્યસ્વરૂપ’માં સિદ્ધાંતચર્ચા ખપપૂરતી જ એમણે કરી છે પણ અર્વાચીન ઊર્મિકાવ્ય-પરંપરામાંથી વિગતો લઈને એમણે ઊર્મિકાવ્યની વાતને વધુ મૂર્ત બનાવી છે. ગુજરાતીમાં ઊર્મિકાવ્ય-‘લિરિક’-ની વિકસતી જતી વિભાવનાને, એનાં નામાભિધાનોના નિર્દેશથી એમણે લાઘવપૂર્વક ને નક્કરતાથી સૂચવી છે. આરંભના કવિ-વિવેચકોએ ‘ગીતકવિતા’ (નર્મદ), ‘ગાયનકવિતા’ (નવલરામ), ‘સંગીતકાવ્યો’ (ન. દિવેટીઆ), ‘સંગીતકલાકાવ્ય’ (આનંદશંકર ધ્રુવ), ‘રાગધ્વનિકાવ્ય’ (રમણભાઈ નીલકંઠ) – એવી આપેલી સંજ્ઞાઓમાં કવિતાનું સંગીતતત્ત્વ કેંદ્રમાં રહ્યું છે અને કાવ્યતત્ત્વને કેંદ્રમાં રાખતી ઓળખ તો ‘ભાવકાવ્ય’ (ન્હાનાલાલ) અને ‘ઊર્મિકાવ્ય’ (બલવંતરાય) એ સંજ્ઞાઓમાં મળે છે એવું ચિમનભાઈનું નિરીક્ષણ વિચારણીય છે. દલપતરામની કવિતાનો અભ્યાસ છેલ્લા કેટલાક વખતથી ચિમનભાઈનું ધ્યાનકેન્દ્ર રહ્યો છે કેમકે ગુજરાત સાહિત્ય અકાદમી માટે એમણે દલપતરામની સમગ્ર કવિતાનું સંશુદ્ધ બલકે સંશોધિત સંપાદન હાથ ધરેલું. ‘દલપતકાવ્ય’ની કવિતાની મરણોત્તર આવૃત્તિઓમાંની એમની રચનાઓમાં મનસ્વી ફેરફારો થયેલા એને કાળજીપૂર્વક એમણેે મૂળ પાઠોમાં મૂકી આપવાનો મોટો પરિશ્રમ કરેલો. એ સંપાદનનો સંપાદકીય લેખ ‘દલપતરામ અને દલપતકાવ્ય’ આ સંગ્રહનો નોંધપાત્ર લેખ છે. આરંભે દલપતરામના જીવનસંદર્ભોનો ને એમની સાહિત્યપ્રવૃત્તિઓનો ટૂંકો પણ દ્યોતક પરિચય આપીને એમણે દલપતરામનાં કાવ્યભાવના, અભિવ્યક્તિકૌશલ, કવિશક્તિના ઉન્મેષોની તથા એમનાં મહત્ત્વનાં લાંબાં કાવ્યોની આસ્વાદ-પરિચયકેંદ્રી સમીક્ષા કરીને દલપતરામની કવિતાનું એક સંતુલિત ને ચોખ્ખું ચિત્ર આંક્યું છે. દલપતરામનાં ‘હંસકાવ્યશતક’ની ચર્ચા કરતો લેખ આગલા લેખનું એક રીતે અનુસંધાન સાચવે છે. સ્વીકારેલા મુદ્દાની સ્પષ્ટ ભૂમિકા કરીને ચાલવું એ ચિમનભાઈની એક ખાસિયત છે. ભારતીય સાહિત્ય અકાદેમીના ઉપક્રમે યોજાયેલા ‘વીસમી સદીનું ગુજરાતી સાહિત્ય’ વિશેના પરિસંવાદમાં ‘વીસમી સદીની ગુજરાતી કવિતા – પરિદર્શન (૧૯૦૧-૧૯૨૫)’ વિશે કરેલા વક્તવ્યનો લેખ આ રીતે જોવા જેવો છે. વીસમી સદીની પહેલી પચીસીને સમયસંદર્ભ – યુગસંદર્ભની દૃષ્ટિએ તપાસવાની દુષ્કરતા એમણે પ્રમાણી લીધી છે. કાન્ત, ન્હાનાલાલ, બલવંતરાય, વગેરેની કવિતા ૧૯મી સદીના છેલ્લા દાયકાથી માંડીને ૨૦મી સદીના ત્રીજા-ચોથા દાયકા સુધી પ્રસરે છે, તે સંજોગોમાં એક પચીસીના સાહિત્યને રેખાબદ્ધ કરવું મુશ્કેલ છે. વળી આમેય, વીસમી સદીનો આરંભ એ ગુજરાતી સાહિત્યનું બીજું સ્થિત્યંતર છે જેનો આરંભ પણ પાછળ – ૧૯મી સદીના છેલ્લા ચરણમાં – જાય છે. એટલે પછી ચિમનભાઈએ વ્યવહારુ ભૂમિકાએ, અર્વાચીનકાળના આરંભની ટૂંકી ચર્ચા કરીને વીસમી સદીની પહેલી પચીસીમાં પ્રસરેલા પંડિતયુગના કવિઓના અર્પણને મૂલવ્યું છે. આ સંગ્રહમાંની કૃતિ-ચર્ચા આસ્વાદક ચિમનભાઈનો સરસ પરિચય કરાવે છે. રાવજીની નવલકથા ‘અશ્રુઘર’નો કૃતિ-પરિચય મૂળ કૃતિને અવગત કરાવે એવો વિશદ બન્યો છે. કૃતિના ઉત્તમાંશોનો સ્વીકાર એ ચિમનભાઈની લાક્ષણિકતા છે જે આ સંગ્રહના બધા લેખોમાં એક કે બીજા સ્વરૂપે દેખાતી રહી છે. ‘અશ્રુઘર’ને ‘સ્નેહના ખાલીપાની, ભીતરી વેદનાની કથા’ કહીને એમણે કૃતિના હાર્દને ચીંધ્યું છે. નાકરની એક અ-જાણી રહેલી, ને સંપાદિત-પ્રકાશિત ન થયેલી કૃતિ ‘સોગઠાંનો ગરબો’નો એમણે સારગર્ભ પરિચય આપ્યો છે ને કવિના સંવાદ-ચાતુર્યના વિશેષને ચીંધી આપ્યો છે. હસ્તપ્રત પરથી થયેલા કૃતિસંપાદનની પદ્ધતિએ આ લેખ થયો હોવાથી નાકરની કૃતિ લેખને અંતે મૂકી છે એ, હવે, પુસ્તક કરતી વખતે આરંભે મૂકી હોત તો આસ્વાદ-પરિચય પૂર્વે વાચકને કૃતિમાંથી પસાર થવાની સુવિધા મળી હોત. ચિમનભાઈના ઉત્તમ આસ્વાદો તો ‘શતદલ પદ્મમાં પોઢેલો’ (ન્હાનાલાલ) અને ‘કોઈનો લાડકવાયો’ (મેઘાણી) – એ બે કાવ્યોના છે. બંને કાવ્યોનો નિકટદર્શી આસ્વાદ એમણે આપ્યો છે. ‘શતદલ પદ્મમાં પોઢેલો હો પરિમલ દાખવો, હોય જો દીઠેલો’ એ પંક્તિને – ઉપાડની પંક્તિ તરીકે, એ પછી લય-વર્ણ માધુર્યની રીતે એને વિશ્લેષીને, ને ત્યારબાદ એની અર્થ-વ્યંજનાની રીતે ચર્ચા કરીને – એમ ત્રણવાર નોંધી છે એમાં કાવ્યના ઊઘડતા જતા મર્મદર્શનનો, ભાવક-અનુભવનો, એક સરસ આલેખ મળે છે. મેઘાણીનું પૂરું કાવ્ય ઉતારીને એનું અર્થદર્શન કરાવવા ઉપરાંત ચિમનભાઈએ ‘Somebody’s darling’ના આ રૂપાંતરમાં મેઘાણીની સર્જકતાના કયા વિશેષો સ્ફુરેલા છે એનું પણ માર્મિક દર્શન કરાવ્યું છે. મૂળના શબ્દો, પંક્તિઓ સાથે મેઘાણીના રૂપાંતરમાંના શબ્દોને સાથે મૂકીને, કવિએ કેવો ગુજરાતી ભાવસંદર્ભ રચ્યો છે એના ઝીણાં અવલોકનો ચિમનભાઈએ મૂક્યાં છે. મૂળના ‘cross his hands અહીં ‘કરજોડામણ કરજો’ તરીકે કર્તૃત્વનો વ્યત્યય કરીને આવે છે.’ – એના સૌંદર્યને પકડવામાં લેખકની મર્મદૃષ્ટિનો પરિચય મળે છે. પુસ્તકને અંતે ચાર સાહિત્યકારોનો – એમના સાહિત્યકાર્ય સાથેનો – પરિચય છે એમાં કોશપદ્ધતિનો હોય એવો લાઘવભર્યો છતાં સમીક્ષિત આલેખ જોવા મળે છે. અંગતતાની ઉષ્મા પણ એમાં ક્યાંક ભળી છે. એનો સૌથી વધારે અનુભવ થાય છે ‘કે. બી. વ્યાસ’ વિશેના લેખમાં. પોતાના આ સંશોધન-માર્ગદર્શક સાથેના અંતરંગ સંબંધો આ લેખમાં નોંધ પામ્યા છે. ઝીણા અભ્યાસી તરીકેનું એમનું એક શબ્દચિત્ર પણ ઉષ્મા-સ્પર્શવાળું છે : ‘વીજળીના ત્રણચાર ગોળા લટકાવી હસ્તપ્રતોનાં પાનાં વાંચતા, પાઠાંતરોની ચકાસણી કરીને મોડી રાત સુધી વિવિધ પ્રકારની શાહીથી પાઠાંતરો નોંધતા વ્યાસસાહેબનું દર્શન મારે માટે પ્રસન્નકર હતું.’ (પૃ. ૨૨૩) ‘ભાવરેખ’ના બધા જ લેખો ચિમનભાઈની સાહિત્યસૂઝ તેમજ સાહિત્યરુચિના પ્રસન્નતાભર્યા સંતુલિત આલેખો જેવા છે. કોઈ મુદ્દાને વિશેષ ચર્ચા-વિવાદના ઊંડાણમાં લઈ જઈને મતાગ્રહને આગળ કરવાને બદલે એમણે સોંસરી ને સમગ્રદર્શી પરિચયમૂલક ચર્ચા કરવાનો રસ્તો સ્વીકાર્યો છે. આત્યંતિકતાનો એમાં પૂરો પરિહાર છે ને શૈલી લાઘવભરી છતાં વિશદ છે. આથી એમના લેખોનું બંધારણ કોશનાં અધિકરણોની સંતુલિત ચુસ્તીવાળું ને વિશેષ તો સાહિત્યના ઇતિહાસ-લેખનની, વ્યાપક સ્વીકાર્યતા ને સર્વાશ્લેષીપણાની લાક્ષણિકતાવાળું છે. એમ થાય કે ચિમનભાઈએ સાહિત્યનો ઇતિહાસ આપવો જોઈતો હતો. પરંતુ એમની આ પ્રકારની શક્તિ, પરિષદપ્રકાશિત ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ના ગ્રંથોના સહસંપાદક તરીકે, ઘણા સૂઝ-શ્રમમૂલક સંપાદનકાર્યમાં પ્રયોજાયેલી રહી. એ વચ્ચે, એમના ચાર-પાંચ વિવેચનસંગ્રહોમાં એમની સ્વતંત્ર વિવેચન-શક્તિનું પ્રસન્નકર દર્શન થાય છે.

● ‘પરબ’, ફેબ્રુઆરી, ૨૦૦૨