ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે/અંતે આરંભ – રસિક ઝવેરી

From Ekatra Wiki
Revision as of 00:16, 9 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અંતે આરંભ ૧-૨, રસિક શાહ, ૨૦૦૯
અનેક વિષયો પરની તર્કપકડવાળી વિચારણા

સાહિત્યવિવેચનનાં પુસ્તકો તો ઘણાં પ્રગટ થાય છે, કેટલાંક ઉત્તમ પણ થાય છે; પણ આ પ્રકાશન એ એક બહુ લાક્ષણિક ઘટના છે, કેમ કે એમાં અનેક વિષયો પરની, તર્કપકડવાળી વિચારણા છે અને ખાસ તો એ કે સાહિત્યના, તેમ જ કોઈપણ શિસ્તને વરેલા કોઈપણ વિષયના અધ્યયનશીલ વિદ્યાર્થીઓ આ ગ્રંથસંપુટના બધા જ લેખો રસથી વાંચી શકે એમ છે. વાંચનારના વિચાર અને તર્ક ઘસાય-મંજાય છે, એ સરાણે ચડે છે. આ લખાણો વિચાર-ઉત્તેજક છે એ અર્થમાં એનું વાચન એ પ્રકારનો એક નશો બની રહે છે. રસિકભાઈનો કોઈપણ લેખ, તાત્ત્વિક વિચારણાને ચુસ્ત રીતે નિરૂપતો ને વૈજ્ઞાનિક પદ્ધતિએ આલેખાતો હોવા છતાં (કે કદાચ એથી જ?) તમે એમાં સહજ પ્રવેશ કરી શકો ને એમાંથી પૂરેપૂરું પસાર થઈ શકો એવી વિશદતા, અને અલબત્ત, સુરેખતા ધરાવે છે. એવું આપણે, આમ તો, ૧૯૪૬થી જાણીએ છીએ. ત્યારથી રસિકભાઈએ ‘મનીષા’ આદિ સામયિકોમાં લખવાનું શરૂ કર્યું હતું. પચાસ-બાવન વરસમાં એંસી-પંચ્યાસી લેખ પ્રગટ કર્યા. (સારું કહેવાય, વરસે એકથી વધારે!). કારકિર્દીની કોને પડી હતી, કેમ કે, એક તો અનેક વિષયોમાં પેસવાનો સળવળાટ બલકે રસ. પહેલું વિજ્ઞાન, અને એ રસ્તે તત્ત્વજ્ઞાન, ગણિત, મનોવિજ્ઞાન-મનોવિશ્લેષણ, સર્જનલક્ષી-મનોવિજ્ઞાનકેન્દ્રી શિક્ષણ, કલામીમાંસા, સાહિત્યમીમાંસા અને સમીક્ષા. આ તો રસની મુખ્ય રેખા. એના ફાંટા પાછા વિવિધ – ધર્મ, જૈનદર્શન, મૃત્યુચિંતન, સામાજિકતા-નૈતિકતા-વૈયક્તિકતા, Beyond the word, Synectics, Drugs and mysticism, અને ... ‘all raised to n.’ અને બીજું, પ્રબળ વાચનભૂખ – રસિકભાઈસંદર્ભે વધુ યોગ્ય શબ્દ વાચન‘પિપાસા’ અને એની, સતત, મિત્રો સાથે લહાણી. વાંચવામાંથી, વાતો કરવામાંથી ઊંચા આવે તો, કે ત્યારે, લખે. લખ્યું. જાણતલોને રસ પડ્યો; રસિકભાઈ બરાબર ધ્યાનપાત્ર બન્યા. પણ ‘ગ્રંથ પ્રકાશિત કરે તે ગ્રંથકાર’ એ ન્યાયે એમની લેખક તરીકે નોંધણી થવી બાકી જ રહી ગઈ! હવે સત્યાસીએ પહોંચીને ‘અંતે [છેવટે] આરંભ’ કર્યો; ચાલો, ‘અંતે આરંભ’ [તો] કર્યો – ગ્રંથકાર તરીકે. એ હજુ લખતા રહેશે પણ સમયના લાંબા પટમાં, છૂટક બિંદુઓ રૂપે સામયિકોમાં ને આપણી સ્મૃતિમાં વિખરાયેલાં આ સત્ત્વશીલ-તત્ત્વશીલ લખાણો આયોજિત રૂપે હવે ગ્રંથ-સંકલન પામ્યાં એથી એક મજબૂત વિચારકનું મનોજગત આપણી સામે પૂરું મૂર્ત થયું – એને આપણે સૌ ઊજવીએ, સૅલિબ્રેટ કરીએ. રસિકભાઈનાં, ગણિતથી લઈને કવિતાસંગ્રહની તપાસ સુધીનાં લખાણોમાં સૌથી ઉપર તરી આવે છે એમની પદ્ધતિ. વિચારણામાં પરિવર્તન તો આવતાં રહે છે પણ દૃઢ સ્થિર રહે છે આ પદ્ધતિ. એ કહે છે, ‘પહેલો લેખ ‘વિજ્ઞાનનો આત્મા’ મને આજે પણ ઘણો મહત્ત્વનો લાગે છે. વૈજ્ઞાનિક પદ્ધતિનો મારો આગ્રહ હજી એવો ને એવો દૃઢ છે.’ (ભાગ ૧ : પૃ. ૯) આ ‘પદ્ધતિ’ અને (તત્ત્વ) ‘રસ’ એમનાં મુખ્ય કેન્દ્રો છે. પુસ્તકના પહેલા ભાગના નિવેદન ‘થોડીક મારી વાત’માં એમણે સ્પષ્ટ લખ્યું છે કે, ‘મેં અનેક વિષયમાં ઉત્કટ રસ લીધો છે; વિજ્ઞાન,ગણિત ને તત્ત્વજ્ઞાનની પદ્ધતિ ને વિષયની વિચારણામાં, મુદ્દાની તપાસમાં ને નિખાલસ અભિવ્યક્તિમાં મને સતત રસ પડ્યો છે.’ (૧ઃ૯) એમની આ રસ-મયતા પોતાના દૃષ્ટિબિંદુને હંમેશાં સ્પષ્ટ રાખતી, અપાર જિજ્ઞાસામાંથી જન્મી-કેળવાઈ છે. એટલે એમની કલારસિકતા પણ તત્ત્વરસિકતાનો એક અંશ બની છે – સુધારીને એમ કહેવું જોઈએ કે એ કલારસિકતા તત્ત્વરસિકતાની સમાંતરે રહી છે. પોતાને રસ પડ્યો છે એની સાથે જ, એમણે જાણે કે સંકલ્પપૂર્વક પોતાને માટે એક શરત રાખી જણાય છે કે, વાંચનારને પણ એમાં રસ પડવો જોઈએ – કશું ક્લિષ્ટ, સંદિગ્ધ રહેવું ન જોઈએ. એટલે સંકુલમાં સંકુલ મુદ્દાની અભિવ્યક્તિને એ વિશદ રાખી શક્યા છે – લાભશંકર ઠાકરે એમને ‘તાર્કિક વિશદ ગદ્યકાર’ કહ્યા છે એ બહુ સાચી બલકે બહુ મહત્ત્વની ઓળખ છે. ‘ગણિતના વિકાસે ‘સંખ્યા’ની વિભાવનાને વધારે રસમય બનાવી મૂકી છે’ (૧ઃ૧૯) એમ કહીને એ આપણને બે અંકી (બાયનરી) ગણિત બહુ જ વિશદ રીતે, રસથી, સમજાવે છે. તત્ત્વવિચારકની સમાંતરે જ એમની ભૂમિકા શિક્ષકની પણ રહી છે. ‘જડ શિક્ષણમાળખું નવા ગણિતને પણ શુષ્ક બનાવી દેશે?’ (૨ઃ૧૭૦) એ એમનો ધ્રાસકો ગણિતપ્રેમી વિચારકનો એટલો જ બાળકપ્રેમી શિક્ષકનો પણ છે. નોંધી રાખવા જેવો એમનો ઉદ્ગાર એ છે કે, ‘શીખવાનો આનંદ બાળકનો પાયાનો અધિકાર ગણાવો જોઈએ.’ (૨ઃ૧૮૭) પદ્ધતિની સ્પષ્ટતા અને ચુસ્તતાને કારણે એમનો કોઈપણ લેખ ક્યાંય વિષયાંતર કરતો નથી. કોઈ મહત્ત્વના પુસ્તક વિશે વ્યાપક પ્રકારની ચર્ચા કરવાને બદલે એમાંના, રજૂ કરવા ધારેલા કે મહત્ત્વના મુદ્દા પર એ ધ્યાન કેન્દ્રિત કરે છે ને ચર્ચા-સીમા પહેલેથી સ્પષ્ટ કરે છે. ‘નીતિનાશને માર્ગે’ (ગાંધીજી)ની એમની જાણીતી ને ચર્ચાક્ષમ બનેલી સમીક્ષામાં એમણે કહ્યું છે કે ‘વૈજ્ઞાનિક દૃષ્ટિએ, એમાં રજૂ થયેલી માન્યતાઓ, ગૃહીતો અને વિધાનોની ચકાસણી કરવાનો આ સમીક્ષાનો હેતુ છે’ (૨ઃ૪૬). એવું જ એમણે, અન્ય પુસ્તકોની વાત કરતાં પણ સ્પષ્ટપણે કહ્યું છે. લેખમાં વચ્ચેવચ્ચે પણ એ પોતાની ભૂમિકા અને લક્ષ્ય સ્પષ્ટ કરતા જ રહે છે. જે પુસ્તકની વાત કરતા હોય એની પૂરી પ્રકાશનવિગતો પણ એમણે આપી જ છે, વિગતચોકસાઈ જાળવી છે. કેટકેટલાં ક્ષેત્રોનો ને વિષયોનો એમણે સઘન સ્પર્શ કર્યો છે. પશ્ચિમના વિચારજગતનાં અનેકવિધ સંચલનોનો એમણે આપણને મૂળગત પરિચય કરાવ્યો છે. બંને ભાગોના અનુક્રમ પર નજર કરવાથી પણ ખ્યાલ આપશે કે, સ્વતંત્ર વિષયો વિશે જેમ કે ‘આધુનિક અભિગમ અને આપણાં ગૃહીતો’, ‘સાહિત્ય અને દુર્બોધતા’ (ભાગ ૧); ‘મૃત્યુ’, ‘નૈતિક જવાબદારી’, ‘સિનેક્ટિક્સ’ (ભાગ ૨); એકાધિક સંલગ્ન શિસ્તો વિશે જેમ કે ‘ફિલસૂફી અને સાહિત્ય’, ‘ફિલસૂફી અને વિજ્ઞાન’ (ભાગ-૧); ‘વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન’, ‘ગણિત, વિજ્ઞાન અને વિવેચન’, ‘સાહિત્ય, વિવેચન અને વિજ્ઞાન’ વિશે એમણે લખ્યું છે. સાહિત્યમીમાંસા, મનોવિજ્ઞાન, ગણિત આદિના અનેક ઉત્તમ ને ચર્ચાપાત્ર ગ્રંથોને કેન્દ્રમાં રાખતા ચર્ચા-પરિચયાત્મક ને સમીક્ષાત્મક વિમર્શો આપ્યા છે. પોતાને જે કંઈ વાંચવામાં રસ પડ્યો એને બીજા સાથે વહેંચવાનું એમને ગમતું રહ્યું; એને વિશે લખવા – લખીને સ્પષ્ટ થવા ને આપણી સામે સ્પષ્ટ કરવા એ પ્રવૃત્ત થતા રહ્યા. એ કહે છે, ‘જ્યૉર્જ સ્ટાઈનરનો લેખ ‘Beyond the world’ એન્કાઉન્ટરમાં વાંચતાંવેંત બહુ ગમી ગયો હતો. એનો અનુવાદ કરવાને બદલે એને જ કેન્દ્રમાં રાખીને ‘શબ્દાતીત’ [લેખ] તૈયાર કરવામાં ખૂબ મજા આવી હતી.’ [૧ઃ૮]. આમ, આપણી ભાષા એમનાં આ લખાણો થકી, મહત્ત્વની સ-રસ વિચારણાથી સમૃદ્ધ થતી રહી. ગુજરાતીના વૈચારિક અને લલિત સાહિત્ય વિશે ને ખાસ તો સાહિત્યવિવેચન વિશે એમણે લખ્યું છે અને અનાકુલતાથી છતાં સ્પષ્ટ નિર્ભિક નિરીક્ષણો આપ્યાં છે. ‘નીતિનાશને માર્ગે’ (ગાંધીજી) વિશેની એમની આકરી લાગે એવી સમીક્ષાએ સુરેશ જોષી અને યશવંત શુક્લને પ્રતિવાદ કરવા પ્રેરેલા ને એના સ્વસ્થ, મુદ્દાસર ઉત્તરો રસિકભાઈએ વાળેલા એ આખી ચર્ચા આપણે ત્યાં થયેલા કેટલાક વિરલ તત્ત્વબોધક વિવાદોના એક દ્યોતક નમૂનારૂપ છે. કિશોરલાલ મશરૂવાળાના ‘સ્ત્રીપુરુષમર્યાદા’ પુસ્તકની સમીક્ષામાં એમણે લેખકના કેટલાક વિચારોની સરાહના પણ કરી છે કે, આ પુસ્તક, ‘અધ્યાત્મવિષયી ચિંતકો અને અનુયાયીઓને આ પ્રશ્નની વિચારણા કેવી શાસ્ત્રીય રીતે થઈ શકે, એ દર્શાવે છે’ [૨ઃ૧૩૬] ‘કવિની શ્રદ્ધા’ (ઉમાશંકર જોશી), સુરેશ જોષીના ‘ચિંતયામી મનસા’ આદિ ગ્રંથો, ‘વિવેચનતત્ત્વવિચાર’ (પ્રમોદકુમાર પટેલ) વિશે તથા ગુલામમોહંમદ શેખની અને રાવજીની કવિતા, બક્ષીની નવલકથાઓ વિશે એમણે તત્ત્વાગ્રહી વિવેચન લખ્યું છે – ક્યાંક વિવેચનનું વિવેચન કર્યું છે; ને એક મહત્ત્વનું તારણ આપ્યું છે કે ‘આપણું વિવેચન આપણને વિશ્લેષણના સમર્થન પછી આવતા અભિપ્રાયો આપી શકે તો એ સૌથી મોટી ફલશ્રુતિ ગણાશે.’ [૧ઃ૧૭૨] મનોવિજ્ઞાન વિશેના કેટલાક લેખો – ‘મનોવિશ્લેષણ અને ફ્રૉઈડ’ (૨ઃ૫૮-૮૪)થી લઈને ‘આક્રમક વૃત્તિ અને એનું સ્વરૂપ’ (૨ઃ૧૦૫-૦૬) સુધીના પાંચ-છ લેખો એ વિષયની એક સ્વતંત્ર પુસ્તિકા નિપજાવી શકાઈ હોત એવા છે. (એમણે લખ્યું છે કે ફ્રોઈડથી આજદિન સુધીના મનોવિશ્લેષણ-વિચારનો ઐતિહાસિક આલેખ આપવાનો એમનો વિચાર હતો.) એ જ રીતે એ. એસ. નીલની ‘સમરહીલ’ સ્કૂલ અને એની પાછળની નીલની, એનાં પુસ્તકોમાં નિરૂપાયેલી, વિચારણા પણ રસિકભાઈની પ્રિય વિચારણા રહી છે. (કોઈ મિત્રે કહેલું એમ એ વાતચીતમાં, લખાણોમાં પૂરા ‘નીલાયમાન’ રહેલા). ગણિત વિશે, ગણિતનાં પાઠ્યપુસ્તકો વિશેના ચાર-પાંચ લેખો પણ એમની એ વિષયની એકાગ્રતાના દ્યોતક છે. પણ, રસિકભાઈએ કહ્યું છે કે ‘કોઈ પણ એક વિષયમાં નિષ્ણાત થવાનું મને રુચ્યું નથી, ફાવ્યું નથી.’ [૧ઃ૯] એટલે, એકવિષય-તજ્જ્ઞતામાં એ સ્થિર થયા નથી; આટલો બહોળો રસ એટલે એમ કરવું એમને પાલવે એમ પણ નહોતું. આમ, એમની મુખ્ય ભૂમિકા તત્ત્વવિચારકની રહી છે. પદ્ધતિ અને અભિગમની એક સ્પષ્ટ શિસ્ત લઈને એ ચાલ્યા છે. આધુનિક વૈશ્વિક વિચારજગતમાં વિજ્ઞાન અને ફિલસૂફી નિકટ આવ્યાં છે એમાં એમને સૌથી વધુ રસ પડ્યો છે. આ તાત્ત્વિક કોટિ માટે એમણે સરસ નિરીક્ષણ આપ્યું છે કે, ‘આજના યુગમાં બને ત્યાં સુધી અધ્યાહાર દૃષ્ટિબિંદુથી ચલાવી ન લેવું જોઈએ. અથવા સંતોષ ન માનવો જોઈએ. જાગ્રત સર્જક, ભાવક અને વિવેચકે દૃષ્ટિબિંદુને બને એટલું સ્પષ્ટ કરવા પ્રવૃત્ત થવું જોઈએ.’ [૧ઃ૧૩] કેમ કે ‘વ્યવસ્થિત થવા મથતી કોઈપણ વિચારણા વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુથી મુક્ત રહીને વિકસી શકતી નથી.’ [૧ઃ૧૮] આ જ સંદર્ભે ‘ગણિત, વિજ્ઞાન અને વિવેચન’ લેખમાં, વિવેચકને માટે એમણે એક બહુ અગત્યની વાત ચીંધી છે કે, વિવેચકોએ ‘નિત્ય વિદ્યાર્થી અવસ્થા’માં રહેવું જોઈએ, અને ‘બક્ષિસમાં મળેલી માનવચેતનાની... આશ્ચર્ય પામવાની વૃત્તિને સતેજ રાખવી જોઈએ.’ [૨ઃ૨૦૪] વિસ્મય અને જિજ્ઞાસાને એક જ ભૂમિકાએ મૂકતી, વિચારકની સર્જકતા એમને અભીષ્ટ છે. જિજ્ઞાસા બલકે જ્ઞાનરસિકતાની આવી વ્યાપકતા સાહિત્યના કોઈપણ અભ્યાસીનું વિચારફલક વિસ્તારે, એની રસવૃત્તિને પરિપક્વ કરે. આરંભના દિવસોમાં, બર્ટ્રાન્ડ રસેલનું પુસ્તક On Education વાંચીને એનું ‘મૂલ્ય હૈયે વસી ગયેલું’ એથી એમણે મિત્ર સુરેશ જોષીને કહેલું કે, ‘સાહિત્ય વાંચે છે એ સારી વાત છે, પણ આવું પણ વાંચવું જોઈએ.’ [૨ઃ૧૬૬] એ સૂચન સૌ અભ્યાસીઓને વધુ ઉપયોગી થાય એવું છે. એ અર્થમાં પણ, રસિકભાઈનાં આ પુસ્તકો એક વિલક્ષણ ઘટના છે – એ પુસ્તકોનું મોટું મૂલ્ય છે. આ ગ્રંથના બંને ભાગોનું આયોજન-સંકલન ઘણુંખરું વ્યવસ્થાપૂર્વક થયું છે. પહેલો ભાગ સાહિત્યસંલગ્ન તત્ત્વવિચાર, ફિલસૂફી, વિભાવના, ગુજરાતી સાહિત્યવિવેચન અને ગ્રંથસમીક્ષાના લેખોને તથા બીજો ભાગ વિજ્ઞાન, મનોવિજ્ઞાન, વ્યાપક તત્ત્વવિચારણા, શિક્ષણ, ગણિત એવા વ્યાપક વિષયોના લેખોને સમાવે છે. બંને ભાગોમાં, રસિકભાઈના લેખન-વ્યક્તિત્વ વિશે લાભશંકર ઠાકર, જયંત પારેખ, શ્રીકાન્ત ગૌતમ, સુમન શાહ, રાધેશ્યામ શર્માનાં લખાણો પણ છે. આવી સરસ વ્યવસ્થામાં એકબે સરતચૂક પ્રવેશી ગઈ છે. ‘શબ્દાતીત’ લેખ, નિવેદનમાં, જ્યોર્જ સ્ટાઈનરના, એન્કાઉન્ટરમાં પ્રગટ થયેલા લેખ Beyond the wordને આધારે લખ્યાની નોંધ છે [૧ઃ૮] પણ એ લેખ નીચેની સંદર્ભનોંધ [૧ઃ૩૨]માં ‘ધ કેન્યન રિવ્યૂ ૧૯૬૧ના વસંત અંકમાં જ્યૉર્જ સ્ટાઈનરના લેખ ‘Retreat from the word’નો સંક્ષેપ, એવો નિર્દેશ છે. ‘વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન’ તથા ‘આધુનિક ભૌતિક વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન’ એવાં જુદાં શીર્ષકો નીચે, એક જ લેખ, બે વાર છપાઈ ગયો છે [૨ઃ૯ અને ૨ઃ૧૪]. હસ્તપ્રત તૈયાર કરતી વખતે અન્ય દ્વારા આવી સરતચૂક થઈ હોવાની સંભાવના છે. એક જ વિષય પરના લેખો એકસાથે મુકાયા છે એ યોગ્ય વ્યવસ્થા છે પણ એમાં, એ લેખોની આનુપૂર્વી થોડીક બદલાઈ હોત તો સારું એમ પણ ક્યારેક લાગે. જેમકે, નીલની વિચારણા પર આધારિત લેખોમાં ‘એ. એસ. નીલ અને મનોવિજ્ઞાન’ એ લેખ શરૂઆતમાં મુકાયો હોત તો ‘સમરહીલ’ની યોગ્ય ભૂમિકા રચાઈ હોત એમ મને લાગે છે. અલબત્ત, આ કંઈ મોટી ક્ષતિઓ (બ્લન્ડર્સ)નથી, પણ તાત્ત્વિક વિચારણાના આ ગ્રંથસંપુટમાં એક મોટી ક્ષતિ છે, એ બહુ જ ખટકે છે – એ છે શબ્દસૂચિ અને સંદર્ભસૂચિનો અભાવ. પદ્ધતિ તેમ જ શિસ્તના ચુસ્ત આગ્રહી રસિકભાઈને એ યાદ જ ન આવ્યું કે પછી એના વિના એમને ચાલ્યું? (એ ગળે ઊતરતું નથી.) કેટકેટલાં પુસ્તકો તે તે લેખમાં સંદર્ભ પામ્યાં છે એની સંદર્ભસૂચિ (બિબ્લીઓગ્રાફી) અભ્યાસી વાચકો માટે એક ઉપયોગી વાચનયાદી સમાન પણ બની હોત. હવે રસિકભાઈ, અલગ સૂચિ કરી, છપાવી અમને ચાહકવાચકગ્રાહકોને ભેટ ધરો... ‘ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્રે’ વળી એક સરસ પ્રકાશન કર્યું એનાં અભિનંદન. ગુલામમોહંમદ શેખના પઝલ / મૅજિક સ્ક્વેરના આવરણમાં, રસિકભાઈના વિચારજગતમાં બેઠેલા વિશ્વભરનાં ચિંતકો – એમાં સુરેશ જોષી અને ગાંધીજી પણ ખરા – સ્થાન પામ્યા છે. પણ આ પુસ્તકમાં પ્રકાશકનું નિવેદન નથી. એ નમ્રતા તો બરાબર, પણ મિત્ર નીતિન-કમલ-નૌશિલ-અતુલ, આ ગ્રંથનું પ્રકાશનવર્ષ પણ ક્યાંય શોધ્યું જડતું નથી એ નમ્રતા કંઈ ચાલે? પચાસ-પંચોતેર વર્ષ પછી આ પુસ્તક વંચાતું હશે (હા, વંચાતું હશે જ, રસથી) ત્યારે ૨૦૦૯ના વર્ષ (પ્રકાશનવર્ષ)ની સંભાવના કરવા માટે કેવા કેવા સંલગ્ન પુરાવા / આધારો શોધવાનું સંશોધનકૃત્ય કરવું પડશે એ અભ્યાસીઓને? ઉજવણીના હરખમાં અમે તો અમારી બંને ભાગની પ્રતમાં ૨૦૦૯નું તિલક બે વાર, કાળજીપૂર્વક, કરી લીધું છે.

● પ્રત્યક્ષ, જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૦૯