નારીસંપદાઃ વિવેચન/દ્રષ્ટિ ભીતરનીઃ સત્યજીત રાયનું કલાવિશ્વ

Revision as of 23:54, 14 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૨૩

દૃષ્ટિ ભીતરની - સત્યજિતરાયનું કલાવિશ્વ વિશે (અમૃત ગંગર)
બકુલા દેસાઈ ઘાસવાલા

‘દૃષ્ટિ ભીતરની’ શબ્દ વાંચીએ એટલે અશ્વિન મહેતા લિખિત ‘છબી ભીતરની’ યાદ આવે. દૃષ્ટિ કે છબી સાથે ભીતરને બદલે અંતર્છબી શબ્દપ્રયોગ થઈ શકે તો અહીં પણ દૃષ્ટિ સાથે અંતર્ચક્ષુ કે અંતર્દષ્ટિ જેવો શબ્દપ્રયોગ થઈ શક્યો હોત પરંતુ બન્ને લેખકોએ 'ભીતર' શબ્દ પસંદ કર્યો છે એટલે અંતરતમ અથવા તૃણમૂળ સુધી પહોંચવાની સાધના ઈંગિત હોઈ શકે. અહીં તો અમૃત ગંગર સત્યજિત રાયના સંપૂર્ણ કલાવિશ્વનું ભીતર જઈને દર્શન કરે છે અને વાંચનનો સંતર્પક અનુભવ થાય છે. એમ પણ કહી શકાય કે આ પુસ્તકમાં સત્યજિત રાયની સમગ્ર કલાસાધનાને સમજવાની અને પામવાની પૂરતી સામગ્રી ઉપલબ્ધ છે જેમાં પોતાના દાદાજી ઉપેન્દ્રકિશોર રોયચૌધરી, પિતાજી સુકુમાર, કાકુથી (દાદાના ભાઈ) લઈ ઝાં રેન્વાર સુધીની હસ્તિઓનાં સંસર્ગ અને આંદોલનો ઝીલવાની વાતો સંકલિત છે. લગભગ ૫૦૦ની આસપાસની સંખ્યામાંથી ૨૬ પાનાંઓ પર પ્રાસ્તાવિક, ૩૭૩ પર પાનાંઓ ફિલ્મ-સાહિત્ય-ઈતર કલાસમૃદ્ધિની રસલહાણ અને ૮૮ પાનાંઓમાં પરિશિષ્ટની ભૂમિકા પર રચાયેલી આ ભીતરકથા અભ્યાસુઓ, વિવિધ કલાના તાલીમાર્થીઓ અને જિજ્ઞાસુઓ માટે મૂલ્યવાન ગ્રંથ છે. સત્યજિત રાયે પોતાની આત્મકથા નથી લખી પરંતુ એમનાં જીવનસંગિની બિજોયાએ લખી છે એટલે એમને સમજવા માટે ખાસ્સી આશીર્વાદરૂપ છે. અમૃત ગંગરના મતે સત્યજિત રાયની કલાદૃષ્ટિ અને સૃષ્ટિ ઐક્ય, સંવાદિતા, ઊંડી નિસ્બત અને નિષ્ઠા સાથે વૈશ્વિક વિચારી તૃણમૂળ સાથે જોડાયેલાં રહેવાનાં બળકટ અને બળવંત વણાટનું દર્શન કરાવે છે. એમનું વ્યક્તિત્વ બહુઆયામી કહેવાય. ફિલ્મ નિર્માણની બારીકીઓને ભીતર ઉતારનારા સત્યજિત રાય કે માણિકદાની કાર્યશૈલીમાં આંખે ઊડીને વળગે એવી મુખ્ય બાબત તે એમની કામ પ્રત્યેની ચીવટાઈ અને એમની આત્મપરક નિષ્ઠા. રમૂજ, તરંગ, વ્યંગ, ફારસ, દયાભાવનું કલાત્મક મિશ્રણ હોય કે રંગ, પ્રકાશ, ધ્વનિ, ગતિ, અભિનય અને સંવાદ સાથે પ્રકૃતિ, વાસ્તવિકતાનો સમન્વય કરવાનો હોય કે કલાકારો અને ટેકનિશિયનો પાસે કામ લેવાની સૂઝસમજ હોય બધું એમને સિદ્ધ અને એ જ એમની આગવી લાક્ષણિકતાઓ. કોઈપણ કૃતિ હોય એની સાહિત્યિકતા જાળવીને જરૂરી ફેરફાર કરીને તેઓ ફિલ્મને અત્યંત ઋજુ, સંવેદનશીલ અને સિનેમાસહજ કૃતિ બનાવી શકે. ફિલ્મ નિર્માણમાં કેમેરા, સેટ્સ ડિઝાઈનિંગ, કોસ્ચ્યુમ્સ ડિઝાઈનિંગ, મેઈક અપ વગેરે બાબતો પરસ્પર આધારિત હોય છે. દિગ્દર્શકની સમાંતર સિનેમેટોગ્રાફર અને ડાયરેક્ટર ઑવ ફોટોગ્રાફીની ભૂમિકા અગત્યની હોય છે (પાનું:૧૦૩), નાનામાં નાની વાતે એમની કાળજી દેખાયા કરે પછી વસ્ત્રાભૂષણોની વાત હોય કે આસપાસનો માહોલ દર્શાવવાની. લેખકે સત્યજિત રાયની ૩૪ જેટલી ફિલ્મો, ૬ જેટલી દસ્તાવેજી ફિલ્મો અને કલાપ્રવૃત્તિ વિશે વિશદ છણાવટ કરી છે જે સર્વાંગી દૃષ્ટિએ ધ્યાનાકર્ષક બને જ છે પરંતુ મને તો ટાગોરની ‘નષ્ટનીડ-ચારુલતા વિષયક' વર્ણનાવલિ સમગ્ર પુસ્તકના નિચોડ સમી લાગી છે. નાનકડી ભરતકામની કલા કે બ્રાહ્મિકા ઢબની સાડીની લઢણ વિશે નુકતેચીની કરવાની હોય ક્યાં કશું ચુકાયું હોય તેવું લાગે નહીં ! આ પાનાં પર જ એક ઉલ્લેખ ધ્યાન ખેંચે છે કે ચલચિત્ર છલચિત્ર થવાની તરકીબ જાણે છે. દૃશ્ય-શ્રાવ્ય-પ્રકાશ આયોજન સમાન મહત્ત્વ ધરાવે. કોઈપણ કલાને દૃશ્ય, શ્રાવ્ય, ગંધ, સ્વાદ અને સ્પર્શના પાંચેપાંચ માધ્યમ અથવા એક કે બેથી પણ મહેસૂસ કરી શકાતી હોય છે. ફિલ્મ, નાટકની અનુભૂતિ દૃશ્ય-શ્રાવ્યથી જ થાય છે, પુસ્તક વાંચનમાં આંખો સક્રિય હોય છે. ગાયન કે કાવ્ય માટે શ્રવણશક્તિ મહત્ત્વની બને છે તો પણ એની કલાત્મક પ્રસ્તુતિ થાય ત્યારે એ અતલ મનને સ્પર્શે છે. માણિકદાને આ દરેક પાસું સ્વયંસિદ્ધ હતું. અલબત્ત, એને માટે એમનો પરિશ્રમ અજોડ અને ભીતરની દૃષ્ટિ અલૌકિક હતી. વિશાળ ખંડમાં દિવસના સતત બાર કલાકથી વધારે સમય વ્યસ્ત રહીને તેઓ પોતાનું શ્રેષ્ઠ આપતા રહ્યા. એમને ક્યારેય અંગત મદદનીશ કે રહસ્ય સચિવની જરૂર ન પડી. પત્રોના જવાબ પણ જાતે આપે અને કોઈ મહેમાન-અતિથિ આવે તો મુખ્ય દ્વાર જાતે જ ઉઘાડીને આવકારે. એમની વાર્તા કે કથા પસંદગીમાં જીવનને સ્પર્શતા દરેક પાસાંઓને આવરી લેવાયાં હોય. બાળકો અને બાળપણ સાથે એમનું તાદાત્મ્ય ફિલ્મ સિવાય બાળ સામયિક સંદેશની (બંગાળી મીઠાઈનું નામ) માવજત સુધી પહોંચે. એ રીતે દાદા ઉપેન્દ્રકુમાર અને પિતા સુકુમારની વારસાઈને એમણે જીવંત રાખી છે. અપુત્રયી વિશે લેખક માંડીને વાત કરે છે. એ બધી નોંધ અહીં પણ કરવી જોઈએ પરંતુ એક સીમાબદ્ધ લેખમાં શબ્દમર્યાદાનો ખ્યાલ રાખવો પણ જરૂરી છે. તો પણ એમની કથા પસંદગી વિશે રહીરહીને પણ ઉલ્લેખ કરવાનો મોહ ટાળી ન શકાય. સ્વતંત્રતાકાળ દરમિયાન રવિબાબુ અને સમકાલીન સાહિત્યકારોની અભિવ્યક્તિને ઉજાગર કરવાની અનિવાર્યતા હોય કે સામાજિક વિષમતા પર ધ્યાન દોરવાની જરૂર હોય, કટોકટી સમયે પોતાનો અવાજ બુલંદ બનાવવાની ઘડી હોય સત્યજિત રાય પોતાની નિસબત દર્શાવ્યા વગર ન રહે અને અમૃત ગંગર એની વિશદ નોંધ લીધા વગર આગળ ન વધે એ આ પુસ્તકનું ધ્યાનાકર્ષક પાસું છે. યુદ્ધ ક્યારેય વિકલ્પ નથી એ વલણ અહીં સુપેરે મુખર થાય. ભીતરની દૃષ્ટિથી જ અવલોકન પણ કર્યું એટલે મને સતત વિચાર આવતો રહ્યો કે બંગાળ અને ગુજરાતનો સાહિત્ય, સંગીત કલા સંદર્ભે જીવન વિષયક તુલનાત્મક અભ્યાસ શક્ય છે? આ પુસ્તકનું વિશિષ્ટ પાસું અમૃત ગંગરની સંશોધાત્મક દૃષ્ટિ સાથે જરૂર જણાય ત્યાં તુલનાત્મક અભ્યાસ પણ છે. બંગાળી સાહિત્યનું યથાતથ ગુજરાતીમાં મહાદેવભાઈ, નગીનદાસ પારેખ જેવા ભાવાનુવાદકોએ કર્યું પરંતુ ગુજરાતી ફિલ્મો એકાદ-બે અપવાદ બાદ કરતાં સત્યજિત રાય-માણિકદાની ફિલ્મોની સમકક્ષ ગણનામાં આવે? ‘ગણશત્રુ' જેવી ફિલ્મની કલ્પના આપણે કરી શકીએ? અમૃત ગંગર સત્યજિત રાયના ચાહક તરીકે વીરચંદ ધરમશીની સાથે પોતાને મૂકે છે એટલું સાચુ. કેતન મહેતા, અભિજાત કે સૌમ્ય જોષીની ( લેખન માટે) યાદ તો આવે. એક સ્થળે સત્યજિત રાય, ઋત્વિક ઘટક અને મૃણાલ સેનની કાર્યશૈલી વિશે ઘણું કરીને અભિનેત્રી માધવીદીનું મંતવ્ય ( પાનું ૧૧૪) પ્રગટ થયું છે એ એટલું સોંસરું અને વેધક છે કે એક કલાકાર, સાહિત્યકાર કે નિર્માતા - દિગ્દર્શક કેવી રીતે કામ કરે, તૂટેકૂટે અને ફિનિક્સ પંખીની જેમ બેઠાં થાય કે નવાં ક્લેવર ધરે તે વિશે વાચક-દર્શક તરીકે પણ વિચારતાં થઈ જવાય કે આ જ કારણે કોઈ કૃતિ દિલોદિમાગ પર લાંબા સમય સુધી કેમ છવાયેલી રહે છે અને શા માટે કોઈ એક ગીત, કાવ્ય, વાર્તા કે ફિલ્મ સેન્સર કરવામાં આવે! સત્યજિત રાયની દસ્તાવેજી ફિલ્મ સિક્કિમને ભારત સરકાર અને ત્યાંના રાજા દ્વારા સેન્સર કરવામાં આવેલી પરંતુ હજી સુધી એનું કોઈ તાર્કિક કારણ જડતું નથી! એ તો ચાળીસ વર્ષે પણ મુક્ત થઈ પરંતુ એવું બને ખરું કે રાજકીયપક્ષોને ન પરવડે એવી કોઈ પણ અભિવ્યક્તિ પર ક્યારે અને કેવી પાબંદી આવી જાય તે ન કહેવાય! પુસ્તકની પ્રસ્તાવના લખનાર કે પ્રાસંગિક લખનાર વ્યક્તિઓ પર ઐતિહાસિક સમયખંડની જેમ સાંપ્રત, પ્રવર્તમાન સંજોગો વિશે મનોગત શી હલચલ ચાલતી હશે? “બહારની દુનિયામાં ભરપૂર અરાજકતા છે અને અંદર કોલાહલ છતાં જીવનકર્મ-મર્મને આત્મસાત્ કરીને વાસ્તવદર્શન કરાવવાનો પ્રયાસ!” અંધશ્રદ્ધા, વૈજ્ઞાનિક રેશનલ વલણ, જાસુસી કથાનકો, પ્રેમની નજાકત અને સાસાંરિક વિડંબનાની સંગતિ-વિસંગતિ દર્શાવતો કોઈ વિષય બાકાત નહીં એવું સત્યજિત રાયની ફિલ્મો વિશેની વિશદ ચર્ચામાં મને તો કંઈક ભીતરદર્શન થયું! પુસ્તકમાં સત્યજિત રાયના અંગત જીવનની વાતો છે પરંતુ લાંબી લેખણે લખાયેલી નથી છતાં એમનું બાળપણ, દાદા, માતા-પિતાનો પ્રભાવ, પત્ની બિજોયા સાથેનું સખ્ય, પુત્ર સંદીપ અને એનો પરિવાર, પારિવારિક-મિત્રો સાથેના સંબંધોનો અણસાર તો મળતો રહે છે. શાંતિનિકેતન, વિનોદવિહારી, નંદલાલ બોઝ ઉપરાંત એમના અંગત સાથીઓમાં એક સમયે પંડિત રવિશંકર હતા તો સુવ્રત મિત્ર, બંસી ચંદ્રગુપ્ત પણ ગણનાપાત્ર રહ્યા. હજી પણ પુસ્તકમાં ઉલ્લેખ થયો હોય તેવાં ગણનાપાત્ર નામો હશે જ. ઉપર લખ્યું એમ સત્યજિત રાયને ફક્ત ફિલ્મ સાથે જ ન સાંકળવા જોઈએ. અમૃત ગંગર એમની સાહિત્યકાર, કલાકાર, કેલિગ્રાફર, ટાઈપોગ્રાફર, પોસ્ટર ડિઝાઈનર એમ સર્વગુણસંપન્ન સત્યજિત રાય તરીકે ઓળખ આપે છે. સિસોટીસંપન્નકાર તરીકે પણ. પાનાં ૩૫૯ પર અમૃત ગંગર લખે છે કે આખી ને આખી સિમ્ફની તેઓ સિસોટી પર વગાડી શકતા. એમની ફિલ્મોમાં સિસોટી સંભળાય તો ધારી લેજો કે એ સિસોટીસંપન્ન કલાકાર પણ સત્યજિત રાય જ છે. વળી ક્યાંક કોઈ પુરુષપાત્રનો કલમથી લખતો હાથ દેખાય તો ધારી લેજો કે એ હાથ સત્યજિત રાયનો (કેલિગ્રાફર) છે! તો હીરોઈનનો ભરતગૂંથણ કરતો હાથ બિજોયાનો જ હશે. સત્યજિત રાયને નામે ચાર પ્રકારનાં અંગ્રેજી બીબાંઓ વિશ્વ વિખ્યાત છે : રે રોમન, બિઝાર, ડેફનિસ અને હોલિડે સ્ક્રિપ્ટ ઉપરાંત એમણે બંગાળીમાં પણ કેટલાક બીબાં ડિઝાઈન કર્યાં હતાં. મૂળ તો એમની આકાંક્ષા ગ્રાફિક ડિઝાઈનર બનવાની હતી ( પાનું ૩૫૮-૩૫૯). પુસ્તકોના મુખપૃષ્ઠ કે ફિલ્મોના પોસ્ટરની ડિઝાઈન માટે તો તેઓ નિષ્ણાત. સતત કાર્યરત રહેવું એ એમનો સ્વ-ભાવ એટલે છત્રીસ વર્ષમાં ચોત્રીસ વર્ષે સર્જિત પથેર પાંચાલીથી લઈ છત્રીસ જેટલી ફિલ્મો, અઢળક ચિત્રાંકન, લેખન અને શું શું નહીં? અમૃત ગંગર રહી ગયેલાં સપનાંની નોંધ પણ લે છે. મહાભારત, એ પેસેજ ટુ ઈન્ડિયા અને એલિયન એ ત્રણ ફિલ્મો રહી ગઈ. એલિયન માટે તો ઉઠાંતરીનો પ્રશ્ન પણ ઊભો થયો પરંતુ સત્યજિત રાયે સામે કેસ કરવાનો વિચાર સુદ્ધા ન કર્યો. તેના બદલે બીજી ફિલ્મ બનાવવામાં મન પરોવ્યું હતું... અમૃત ગંગર માણિકદાના સ્થાયીભાવ શાંતિ અને ક્ષમાની ખૂબ સરાહના કરે છે. પાનાં નંબર ૩૭૩ પર સત્યજિત રાયના સમગ્ર કલાવિશ્વનું ભીતર દર્શન વિરામ પામે છે. આટલું મૂલ્યવાન દર્શન કરાવવા બદલ અમૃતભાઈનો જેટલો ઋણ સ્વીકાર કરીએ તેટલો ઓછો .એમાં પણ ક્યૂઆર કોડ્સ આપીને તો એમણે વાચકોને એટલી સરળતા કરી આપી છે કે વાંચતાં વાંચતાં પણ યૂ ટ્યુબ પર જઈને કે જ્યાં ઉપલબ્ધ હોય ત્યાં જે તે કૃતિ કે રચના માણી શકાય અને સંતુષ્ટ થઈને આગળ વધી શકાય. મેં તો એવું અનેક વાર કર્યું . દિલથી આભાર.


સંદર્ભપુસ્તકનું નામ બાકી છે