નારીસંપદાઃ વિવેચન/ગુજરાતી વિવેચનમાં પ્રયુક્ત કૃતિનિષ્ઠ અભિગમ

From Ekatra Wiki
Revision as of 00:17, 16 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૩૪

ગુજરાતી વિવેચનમાં પ્રયુક્ત કૃતિનિષ્ઠ અભિગમ
મીનલ દવે

આજની આ રમણીય સવારે, નર્મદાના વિશાળ જળરાશિના સાનિધ્યમાં આપની સમક્ષ ઉપસ્થિત થવાનો આનંદ છે, આ માટે “ગુજરાતીનો અધ્યાપક સંઘ” પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી અનુભવું છું. ગુજરાતી વિવેચનમાં પ્રયુક્ત કૃતિનિષ્ઠ અભિગમ વિશે વાત માંડી રહી છું, ત્યારે એ બાબતે સભાન છું કે આ પહેલાં આ અભિગમ વિશે આદરણીય ભાયાણી સાહેબ, સુરેશ જોષી, સુમન શાહ, પ્રમોદકુમાર પટેલ, ચંદ્રકાન્ત ટોપીવાળા તથા શિરીષ પંચાલ જેવા પૂર્વસૂરિઓ લખી-બોલી ચૂક્યા છે. ડો. પી.જે. પટેલ, રમેશ ઓઝા તથા નીતા ભગત જેવાં અભ્યાસીઓએ પોતાના સંશોધનકાર્યમાં આ અભિગમને આવરી લીધો છે. વીસમી સદીના મધ્યભાગે સ્વ. બળવંતરાય ઠાકોર, રામનારાયણ વિ. પાઠક, ઉમાશંકર જોશી તથા સુંદરમ્ સમા સ્વનામધન્ય વિવેચકોની કાવ્યવિચારણામાં અન્ય નામ સંદર્ભે આ અભિગમની ચર્ચા થઈ ચૂકી છે. આથી જ્યારે આપની સમક્ષ આ અભિગમ વિશે બોલી રહી છું ત્યારે હું તો માત્ર ખેપિયાની ફરજ જ બજાવી રહી છું. ઈ.સ.૧૯૧૦થી ૧૯૨૮ના સમયગાળામાં રશિયામાં “રશિયન સ્વરૂપવાદ Russian Formalismની સ્વતંત્ર પ્રવૃત્તિ ચાલી હતી. તેમનો ઉદેશ સાહિત્યના અધ્યયનને અલગ અને સ્વતંત્ર વિદ્યાશાખા તરીકે સ્થાપિત કરવાનો હતો. “સાહિત્યતત્ત્વ”ને સ્વાયત્ત સ્થાન અપાવવાનો પુરુષાર્થ કરતાં આ જૂથે “સાહિત્ય સર્જન એ કેવળ ભાષાકીય રચના છે તથા અન્ય ભાષા સર્જનથી તે જુદું પડે છે,” તેવું દર્શાવ્યું. સાહિત્યના સ્વરૂપ વિચારમાં કૃતિના આકાર-Formને તેમણે મહત્ત્વ આપ્યું. તથા સાહિત્યકૃતિનું જાદુઈ રહસ્ય તેના પોતીકા ભાષાસંદર્ભમાં રહેલું છે તેમ સ્વીકાર્યું. જોકે કૃતિનો અર્થ તેની ભાષાકીય વાસ્તવિકતામાં સમાયેલો છે, તેને બાહ્ય વિશ્વ સાથે કોઈ અનુસંધાન નથી, એવું સિદ્ધ કરવા તેઓ મથ્યા. કૃતિનિષ્ઠ અભિગમનો એક છેડો અહીં મળે છે. ઇંગ્લેન્ડ-અમેરિકામાં આ દરમિયાન જે અભિગમો પ્રચલિત હતા, તે સ્વરૂપલક્ષી વિવેચન, ઐતિહાસિક વિવેચન, સાંસ્કૃતિક વિચારધારાઓનું વિવેચન તથા ચરિત્રલક્ષી વિવેચનને લીધે સાહિત્યની સાહિત્ય તરીકેની વિશેષતા પર આક્રમણ થતું હતું. સાહિત્યકૃતિની સ્વતંત્ર અને સ્વાયત્ત સત્તાનો ત્યાં સ્વીકાર ન હતો. ઈંગ્લેન્ડમાં પ્રભાવવાદી વિવેચનપ્રવૃત્તિ ચાલતી હતી. કૃતિના વાચન દરમિયાન વાચકના મન પર જે “છાપ” જન્મે તેનું વર્ણન એ પ્રભાવવાદી વિવેચન. ત્યાં કૃતિ તો માત્ર નિમિત્ત ન બની જાય. વાસ્તવમાં વિવેચક પોતાની અંગત લાગણીઓ, સ્મૃતિઓ, સ્વપ્નાંઓ બધું તેમાં ભેળવે! અહીં કૃતિ-કૃતિનું વિશ્વ, તેમાં ભાષાનો વિનિયોગ વગેરે ગૌણ બની જાય. એવું જ સ્વરૂપ, ઈતિહાસ, નીતિ, કર્તા વગેરેને કેન્દ્રમાં રાખવાથી બનતું. એની સામેના વિરોધમાં કૃતિનિષ્ઠ અભિગમનો બીજો છેડો મળે છે. વીસમી સદીના આરંભથી જ ઇંગ્લૅન્ડ-અમેરિકામાં જડમૂળથી પરિવર્તન શરૂ થયેલું. જ્ઞાનવિજ્ઞાનને ક્ષેત્રે પ્રચંડ ફેરફારો થઈ રહ્યા હતા. કળા-સાહિત્યની સામે વિજ્ઞાન અને ટૅક્નોલોજી તથા બુદ્ધિવાદનું વર્ચસ્ વધી રહ્યું હતું. નગર સંસ્કૃતિ અને યંત્ર સંસ્કૃતિનો વ્યાપ સમગ્ર યુરોપને ઘેરી વળ્યો હતો. આવા વાતાવરણમાં કવિતાની – સાહિત્ય પુનર્પ્રતિષ્ઠા કરવાની હતી, તો બદલાતી જતી વિચારધારા સાથે વિવેચન પ્રવૃત્તિને નવી ભૂમિકાએ ગોઠવવાની હતી. આ સમયગાળામાં જ ટી.એસ. એલિયટે “સંવેદનાઓના વિખેરાવા”ની વાત મૂકી આપી. જ્યારે વાસ્તવ અંગેના સદીઓ પુરાણા ખ્યાલો અને માન્યતાઓ ભાંગીને ભુક્કો થઈ રહ્યા હોય, માનવમનમાંથી વિચારો અને લાગણીઓ નાશ પામી રહી હોય, ત્યારે કવિઓએ કાવ્યના સર્જનમાં પોતાની એકતા અને અખિલાઈ — વૈશ્વિકતા સિદ્ધ કરવી પડે છે. જગત સાથે છેદાયા વિના સાહિત્યની સ્વાયત્તતા તથા સાર્થકતા સિદ્ધ થવાથી કળાકૃતિ બની શકે છે. રશિયન સ્વરૂપવાદી સ્કૉવસ્કીએ કહ્યું હતું : "કળા હંમેશાં જીવનથી સ્વતંત્ર રહી છે. કળાનો રંગ કદી પણ શહેરના કિલ્લા પર ફરકતી ધજાનું પ્રતિબિંબ પાડતો નથી.” આ ભૂમિકાએ ઊભેલા ઇંગ્લૅન્ડ-અમેરિકાના સાહિત્ય જગતમાં ઈ.સ. ૧૯૪૧માં જહોન ક્રો રેન્સમ પોતાના વિવેચનગ્રંથ New Criticism સાથે પ્રવેશે છે. એ બાબત નોંધવી જોઈએ કે New Criticism સંજ્ઞા ઈ.સ. ૧૯૧૧માં અમેરિકન વિવેચક જે.ઈ. સ્પિંગને પોતાના વિવેચન માટે વાપરી હતી. જ્હોન ક્રો રેન્સમ દ્વારા વપરાયેલી આ સંજ્ઞાને એલન ક્લિન્થ બ્રુક્સ તથા વિલિયમ વિમ્સેટે પણ એ જ અર્થમાં પ્રયોજી છે. અત્યાર સુધીના વિવેચકોએ કૃતિ વિવેચનની જે પદ્ધતિ સ્વીકારી હતી, તેની સામે આ વિચારકોએ પોતાની “નવ્યવિવેચન”ની વિભાવના મૂકી આપી, જેને આપણે કૃતિનિષ્ઠ, આકારવાદી, રૂપરચનાવાદી…એવું નામ આપ્યું. કૃતિના મૂળ સ્ત્રોતો, સામાજિક પૃષ્ઠભૂમિ, વિચારોનો ઈતિહાસ કે સાહિત્યના પ્રભાવો વગેરેનો આધાર લેવાને બદલે અહીં સાહિત્યકૃતિના સંવિધાનની તપાસને વધારે મહત્ત્વ આપ્યું. કૃતિના પાઠ કે શબ્દબંધનું સઘન વાચન એની તપાસ પદ્ધતિ બની. કેમ કે કૃતિના શબ્દોમાંથી જે પ્રચુર અને સંકુલ અર્થ પ્રતીત થતો હોય છે, તેનો આધાર શબ્દ સંદર્ભ હોય છે. પરિણામે દ્વિઅર્થિતા, વક્રતા, વિરોધાભાસ જેવા સંકુલ અર્થ સંબંધો કૃતિમાં સંગઠક બળ ગણાવા લાગ્યા. આ અભિગમનું સહુ પ્રથમ પ્રસ્થાન-ગૃહિત તે કૃતિની સ્વયત્તતાનો સ્વીકાર. સાહિત્યકૃતિના Ontological Statusની સ્થાપના. વિશ્વજીવનના ક્રમમાં સાહિત્યકૃતિ એ એક સ્વતંત્ર, સ્વાયત્ત અને આત્મપર્યાપ્ત સૃષ્ટિ છે, એની અનોખી વાસ્તવિકતા છે, પોતાનાથી જુદા—બીજા એવા કોઈ પદાર્થ કે વસ્તુની અવેજીમાં નહીં, પરંતુ પોતાને માટે જ તે અસ્તિત્વમાં આવી હોય છે. જ્ઞાનની અન્ય શાખાઓ કરતાં તેનું આગવું વિશ્વ છે. અત્યાર સુધીના અભિગમો કરતાં આ ગૃહિત નવું હતું. અન્ય અભિગમોમાં કૃતિને ઘડનારાં પરિબળો, કવિચિત્ત, કવિની અનુભૂતિ, પ્રેરણા, નીતિ, દુર્બોધતા જેવા પ્રશ્નો ચર્ચાતા હતા, કૃતિ ગૌણ હતી. નવ્ય વિવેચને કૃતિનિષ્ઠ અભિગમ અપનાવ્યો. આપણને આ સાંભળતાં કે વાંચતાં મમ્મટ યાદ આવી જાય. જેણે કૃતિની સૃષ્ટિની સ્વાયત્તતાનું ગૌરવ કર્યું હતું : “નિયતિકૃત નિયમરહિતા, અહ્લાદૈકમયી, અનન્યપરતંત્ર અને નવરસરુચિરા” એવી કાવ્યસૃષ્ટિ ભારતીય અલંકાર શાસ્ત્રોએ પણ સાહિત્યને સ્વતંત્ર સ્થાન આપ્યું છે. કૃતિનું વિશ્વ ભાષાનું નિર્માણ હોવાથી ભાષા સાથે તે અવિભાજ્યપણે બંધાયેલું છે. કૃતિ જન્મની જાણે સર્જકના ચિત્તમાં જે ભાવ-સંવેદન કે અનુભૂતિ જન્મ્યાં હોય તે ભાષાકર્મ દ્વારા વિશિષ્ટ રૂપ પામે છે. કૃતિની રચના પ્રક્રિયામાં ભાષાનો હિસ્સો મોટો છે. કૃતિ કર્તાથી અલગ થઈ સ્વતંત્ર રૂપ ધારે તેમાં ભાષા સજીવ ભાગ ભજવે છે. ભાષા વડે સામગ્રીનું નવેસરથી સર્જન થાય છે. નવ્યવિવેચને કૃતિની સ્વતંત્ર વસ્તુલક્ષી અસ્તિતા પ્રતિષ્ઠિત કરવાનો પુરુષાર્થ આદર્યો. આગળ જોયું તેમ સાહિત્યને એક ભય જ્ઞાન-વિજ્ઞાન-યંત્રના વધતા જતા પ્રભાવનો પણ હતો. આથી સાહિત્યની વિશાળ પાયા પર પ્રતિષ્ઠા કરવાનો પ્રયત્ન પણ નવ્ય વિવેચન દ્વારા થયો. સાહિત્ય સર્જન કોઈ મિથ્યા પ્રવૃત્તિ નથી, તેમાં મૂર્તિમંત થતા જ્ઞાન વડે તે જીવન તથા જગતનો પરિચય કરાવે છે. જ્ઞાનની અન્ય શાખાઓની જેમ તે સત્યને દૃષ્ટાંતરૂપે મૂકતું નથી, પરંતુ દરેક કૃતિનું પોતાનું આગવું મૂલ્ય હોય છે. કવિતા સ્વાયત્ત હોવાનો અર્થ એ નથી કે તે જીવનથી વિચ્છેદ પામી છે. તે તો માનવજીવનને વધુ અખિલાઈથી રજૂ કરે છે. એલન ટેઈટ સાહિત્યને “સ્વયંપર્યાપ્ત માનવ અભિવ્યક્તિ” તરીકે ઓળખાવે છે. આ અભિગમને સર્જકના રૉમેન્ટિક વિભાવો સામે પણ વિરોધ છે. અહીંયાં જે રીતે કૃતિની સ્વાયત્તતા ontological statusનો સ્વીકાર થયો તે રીતે કૃતિની organic unity - જૈવિક સંવાદિતા - સજીવ એકતા - તથા the whole – અખિલાઈનો પણ વિચાર કરાયો છે. દરેક કૃતિને પોતીકો આકાર હોય છે, તેની આગવી જૈવિક સંવાદિતા તથા અખિલાઈ ત્યાં સિદ્ધ થતી હોય છે. જેમ ટી.એસ. એલિયટે દાન્તેની કાવ્યસૃષ્ટિની પાછળ રહેલી સંપૂર્ણ વ્યવસ્થિત જગતની કલ્પનાનો પરિચય આપ્યો હતો. અખંડ પુદ્ગળની સૃષ્ટિમાં પાછે પગલે જઈએ તો એરિસ્ટોટલ સુધી પહોંચી શકાય. કૃતિનું સૌંદર્ય કોઈ એક ઘટક કે ઘટકના સરવાળામાં નથી. પરંતુ તેની સમગ્રતામાં છે. ઉમાશંકર જોશીએ ૧૯૪૦માં એક નિબંધમાં આ બાબત સાવ સરળ ભાષામાં મૂકી આપી છે : “જે સમજવાની જરૂર છે તે તો સમગ્ર કાવ્ય જ છે, તેનો અર્થ જ નહીં. અલબત્ત પૂર્ણ રસાસ્વાદ માટે બધા જ અંશો સમજાય એ અત્યંત આદર્શ સ્થિતિ છે.” કોલરિજ પણ કહે છે : “કોઈ પણ સાહિત્યકૃતિમાં તેનું એકેએક ઘટક અન્ય માટે આધાર બને છે, તેમ જ તેને પ્રકાશિત કરીને કૃતિના મુખ્ય તત્ત્વ સાથે જોડી આપીને તેમાં ઓગળી જાય છે.” આપણા રોજિંદા જગતમાં દેખાતાં અનેક દ્વંદ્રો કાવ્યના વિશ્વમાં સંતુલન સાધે છે. જેને લીધે કાવ્યના અપૂર્વ વિશ્વનું સર્જન થાય છે. એલિયટે પણ નવ્ય રચનામાં અનુભવ જગતનાં વિભિન્ન તત્ત્વોનું સંયોજન અને એકીકરણ પર ભાર મૂકેલો. એણે વિવેચનની ભૂમિકા વિશે એક વિધાન કરેલું : "Honest criticism and sensitive appreciations are directed not upon the poet, but upon the poetry." પ્રામાણિક વિવેચન અને સંવેદનાત્મક આસ્વાદો કૃતિને અનુસરે છે, કવિને નહીં. કૃતિનિષ્ઠ અભિગમની અખિલાઈની વિભાવનાનું મૂળ એલિયટની વિચારણામાં છે. કૃતિનિષ્ઠ અભિગમમાં કૃતિના આકારની અંતર્ગત structure સંરચના અને texture ભાત/પોત એવાં બે ઘટકોની સ્વીકાર છે. દરેક કૃતિનું પોતાનું આગવું રચનાતંત્ર હોય છે. જ્હોન ક્રો રેન્સમે સ્ટ્રક્ચર અને ટેક્ષ્ચરનો વિચાર મકાનની દીવાલ અને તેના પરનાં જુદાં જુદાં ચિતરામણોનાં ઉદાહરણથી સ્પષ્ટ કર્યો છે. દીવાલના એટલે સ્ટ્રક્ચર અને ચિતરામણ તે ટેક્ષ્ચર. રેન્સમના આ વિચારમાં સ્ટ્રક્ચર તથા ટેક્ષ્ચર વચ્ચે રહેલું અંતર એલંન ટેઈટ દ્વારા સધાઈ જાય છે. ટેઈટ કૃતિના આકારને ધ્યાનમાં રાખીને tensionનો વિશિષ્ટ ખ્યાલ આપે છે. વિરોધી લાગતાં ઘટકોની વચ્ચેની ક્રિયા-પ્રતિક્રિયામાં જે આંતરિક સમતુલન રચાય છે, તે જ tension. ક્લીન્થ બ્રુક્સ ફૂલછોડનું ઉદાહરણ આપીને સર્વ ઘટકો વચ્ચેના જૈવિક સંબંધની સંભાવનાની ચર્ચા કરે છે. જે રીતે દરવાજાના ઈટોના તોરણમાં પરસ્પરના બળને આધારે ઈંટો ટકી રહે છે, તે રીતે કૃતિનાં બધાં ઘટકો વચ્ચે જીવંત ગતિશીલ સંબંધોમાંથી તેનું સંકુલ-અખંડ રૂપ ઊભું થાય છે. વિવેચન તેનો મહિમા કરે છે. ભારતીય પરંપરામાં પણ આ અંગેની સભાનતા જોવા મળે છે. પરસ્પરાશ્રિત એકબીજાને અનુપ્રાણિત કરતા બધા ભાગોનો સરવાળાથી કૃતિ અખંડ પદાર્થ બને છે. આ લાક્ષણિકતાને અપરિવૃત્તિસહતા તરીકે ઓળખાવાઈ છે. ભોજ અને બીજા અલંકારિકાએ સમગ્ર કૃતિના ગુણ તરીકે પ્રબંધ ગુણો તરીકે સંવિધાન - સસૂત્રતા વગેરેની જે વાત કરી છે તે આ જ વિશેષતા સૂચવે છે. તેથી ય વધીને રસને કૃતિની એકતા તથા અખંડતાના સૂત્ર તરીકે સ્વીકારવામાં આવ્યો છે. ઔચિત્યના સિદ્ધાંતની સાથે પણ કૃતિ એક સંગઠિત અવયવી હોવાનો ખ્યાલ સંકળાયેલો છે. કૃતિને મૂલવવા માટે આ અભિગમ વિશિષ્ટ રીતે કામ કરે છે. ત્યાં કૃતિનું મૂલ્યાંકન ઉપરછલ્લું કરવાનું નથી. પરંતુ સૂક્ષ્મદષ્ટિથી વિશ્લેષણ તથા વિવરણ કરવાનું છે. જેને માટે સંજ્ઞા પ્રયોજાઈ છે close reading. કૃતિઓની લાક્ષણિકતાઓને ભાષાના સ્તર પર ઉઘાડી આપવાની છે. સંવેદનાઓ, અર્થ વગેરેની ભાષાની રચના પ્રક્રિયામાં તપાસ કરવાની છે. કૃતિના અંગપ્રત્યંગોના પારસ્પરિક સંબંધો, કૃતિના કૃતિત્વ માટે તેમની અનિવાર્યતા, નાનીમોટી પ્રાયોગિકતાઓ, ઈ.નું વર્ણન-વિશ્લેષણ થાય છે. તેને – કૃતિને તેના સમયખંડથી, સમગ્ર પરંપરાથી અળગી કરીને તપાસાય છે. આથી કૃતિનિષ્ઠ અભિગમ પર સાહિત્યકૃતિની ઐતિહાસિકતાનો છેદ ઉડાડયાનો આરોપ મુકાય છે. બ્રૂકસ એનો બચાવ કરતાં એવું કહે છે : “કૃતિની ઐતિહાસિકતાનો અહીં અસ્વીકાર નથી. ખરેખર તો દરેક મહાન કલાકૃતિમાં એવાં ઉત્તમ તત્ત્વો હોય છે, જે ઇતિહાસને પણ ઓળંગી જતાં હોય છે.” બ્રૂક્સના આ બચાવ છતાં એ પ્રશ્ન થાય જ કે દરેક કૃતિની પોતાની સાંસ્કૃતિક, સાહિત્યિક પરંપરા હોય છે. તેનાથી અળગી કરીને તપાસવા જતાં તેને અન્યાય થઈ જવાનો ભય ન રહે? શક્ય છે કે કૃતિનાં સાહિત્યિક પાસાં જ વણસ્પર્શ્યા રહી જાય. કૃતિનિષ્ઠ અભિગમ કૃતિના પદબંધ, લય સંયોજન અને ભાષાવિધાનના પરસ્પર સંબંધોને પણ ધ્યાનમાં લે છે. વર્ણસંયોજનો, વર્ણાનુપ્રાસ, અંત્યાનુપ્રાસ વગેરેની તપાસ ઉપરાંત પંક્તિઓમાં તેમનું સ્થાન, આયોજન વગેરેનો પણ ખ્યાલ રાખે છે. કારણ કે વિવેચને સર્જક પાસે તો જવાનું નથી. પરંતુ કૃતિ પાસેથી જ કૃતિને પામવાની છે. એના રચાતા આકારને તપાસવાનો છે. વિષયવસ્તુ મહત્ત્વનાં નથી, જેટલો કૃતિનો આકાર મહત્ત્વનો છે, કૃતિની વિશેષતાઓને ભાષાસંવિધાનને સ્તરે ઉકેલવાનો છે. સંવેદના, સાહચર્યો, અર્થો વગેરેની ભાષાગત રચનાપ્રક્રિયાને ઉકેલવાની છે. કૃતિના મુખ્ય-ગૌણ ઘટકોના પારસ્પરિક સંબંધો, કૃતિના ભાવજગતમાં એની અનિવાર્યતા, રચનારીતિની વિવિધ યુક્તિ-પ્રયુક્તિઓનું વિશ્લેષણ કરવાનું હોય છે. આથી શબ્દરૂપથી લઈને સમગ્ર કૃતિમાં પ્રવર્તતી અર્થ સંદિગ્ધતા, વિરોધાભાસ, વક્રતા, સંરચના જેવાં તત્ત્વોને તે બારીકાઈથી અવલોકે છે. કાવ્યભાષાના અન્વયોનો તે અભ્યાસ કરે છે. કલ્પન, પ્રતીક, રૂપક, પુરાકલ્પન જેવાં ઓજારો કૃતિમાં કેટલાં કારગત નીવડયાં છે તેની ચર્ચા કરે છે. કૃતિની વૈયક્તિક ટેક્નિક અને તેની નીપજ એવી ભાષાની તપાસ અહીં કેન્દ્રમાં રહે છે. આ સંદર્ભમાં સંસ્કૃત કાવ્યો પરની ટીકાઓનું સ્મરણ થાય. તેમાં બીજી બાહ્ય બાબતોનો સ્પર્શ ભાગ્યે જ થયો છે. શબ્દોનું અર્થઘટન અને તેમના તાત્પર્યનો નિર્ણય, એની સાથે જ ટીકાકારોની મુખ્ય નિસ્બત રહી છે. શ્લેષ, વક્રતા જેવા કૃતિનિષ્ઠના સિદ્ધાંતો સંસ્કૃત પરંપરામાં પરિચિત લક્ષણા-વ્યંજનાથી ભાગ્યે જ જુદા પાડી શકાય. સાહિત્યકૃતિમાં અનુભવજગતના વેરવિખેર-વિસંવાદી અને વિસંગત લાગતાં તત્ત્વોનું સંયોજન થાય છે. આથી કૃતિનિષ્ઠ અભિગમ કૃતિનાં મુખ્ય ગૌણ ઘટકોની તપાસ કરતાં કરતાં તેના પરસ્પરના પ્રભાવની પણ ચર્ચા કરે છે, કૃતિમાં કેવી રીતે ઘટકો એકબીજા સાથે ગૂંથાતાં આવે છે, કૃતિની સમગ્રતાના સંદર્ભમાં કેટલાં પ્રસ્તુત બને છે, તેની પણ નોંધ લે છે. કૃતિનિષ્ઠ અભિગમને અનુસરતા વિવેચકે એકસાથે અનેક સ્તરે કામ પાડવાનું રહે છે. કૃતિનું બંધાતું આવતું રૂપ, ભાષાનું ટેલ્ચર, કલ્પન, પ્રતીકનો ઉપયોગ, સંવેદનાનું આલેખન, ઈત્યાદિ એકસાથે તપાસતાં જઈને કૃતિમાં ઊઠતાં tone ધ્વનિની પણ તપાસ કરવાની છે. કૃતિના દરેક પાત્રના અવાજ પણ વિવેચક માટે પડકાર બની જાય છે. કૃતિની રચનામાં રહેલા કેન્દ્રની આસપાસ સ્થપાતી સંવાદિતાની તપાસ તેનું મુખ્ય લક્ષ્ય છે. કૃતિનિષ્ઠ વિવેચન – નવ્ય વિવેચનનો અભિગમ જે સમયે આરંભાયો ત્યારે કૃતિને ઘડનારાં પરિબળોની ચર્ચામાં કૃતિની ઉપેક્ષા થતી હતી. આવા સંજોગોમાં કૃતિનિષ્ઠ અભિગમ અપનાવાય તો વિવેચનમાંથી અપ્રસ્તુત પ્રશ્નોનો છેદ ઊડી જાય. પરિણામે કળાની - કૃતિની સ્વાયત્તતાની સ્થાપના થઈ. કૃતિને સ્વયંપૂર્ણ રચનાનો દરજ્જો મળ્યો, કૃતિની સામગ્રીને બદલે ભાષા કેન્દ્રમાં આવી. પરંતુ કૃતિને સ્વતંત્ર પદાર્થ ગણવા જતાં કૃતિના માનવીય સંદર્ભની ઉપેક્ષા શરૂ થઈ. જેની સામે જિનિવા સંપ્રદાયના ફિનોમિનોલોજિસ્ટ -ચૈતન્યવાદી વિવેચકોએ પડકાર ફેંક્યો. “કૃતિને પૃષ્ઠ પર છપાયેલા શબ્દો” તરીકે ઓળખાવતા કૃતિનિષ્ઠ - નવ્ય અભિગમે સર્જક તથા ભાવકને બાજુ પર મૂકી દીધા હતા. માર્શલ રેમોંએ એ સામે પ્રશ્ન ઉઠાવ્યો : સર્જક તો સમકાલીનોથી આગળ હોય છે, એ પ્રજાનું મુખ છે, નેત્ર છે. પોતાના મૂક સમકાલીનો વતી તે કામ કરે છે. વળી કૃતિને એકમેવ, અદ્વિતીય, સ્વતંત્ર, ઘટક માનવાથી એ પોતાના જ સર્જકની બીજી રચનાઓ સાથેનો સંબંધ ખોઈ બેસે છે. જિનિવા સંપ્રદાયના વિવેચકો સર્જકની બધી કૃતિઓમાંથી સંભળાતા અવાજને સાંભળવા મથતા હતા. નવ્ય વિવેચને - કૃતિનિષ્ઠ વિવેચને રૂપરચનાનું ગૌરવ કરવાથી અલંકાર, પ્રતીક, ભાષા વગેરેનું મહત્ત્વ લીધું. પરંતુ જિનિવા સંપ્રદાય તો તેને surface textual forms સમગ્રના એક અંશ તરીકે જ ઓળખાવે છે. વિવેચકે જે શોધ કરવાની છે તે તો અનુભૂતિ જે ક્ષણે મૂક મટી જઈને શબ્દબદ્ધ થઈ તે ક્ષણની સર્જકચેતનાની કરવાની છે. કૃતિનિષ્ઠ વિવેચનને લીધે કૃતિ જાગતિક સંદર્ભોથી દૂર થતી ચાલી, પરિણામે સાહિત્ય જિવાતા જીવનથી પણ દૂર સરી ગયું. કૃતિનિષ્ઠ વિવેચન પર સહુથી મોટો પ્રહાર રોલા બાર્થના વિરોધથી થયો. સોસ્યૂરે પણ કૃતિ પરથી સાહિત્યપ્રકાર તરફ જવાની વિભાવના આપી. ફરી પાછું કૃતિ લગી પહોંચવા માટે અન્ય પરિબળોનો ટેકો લેવાનું શરૂ થયું. નવા અભિગમો અસ્તિત્વમાં આવ્યા. તોપણ આ અભિગમે આપેલી કૃતિની સ્વાયત્તતાની વિભાવના, જૈવિક સંવાદિતા તથા અખંડતા/અખિલાઈની વિભાવના એના પ્રતિપક્ષી અભિગમોએ પણ સ્વીકારી છે. એ તો વિવેચનના ક્ષેત્રમાં બનતું આવ્યું છે. સમયના અમુક ગાળામાં કોઈ નિશ્ચિત વિભાવનાનો કે ગૃહિતોનો ઝાઝો પ્રભાવ વર્તાય છે, એ પ્રભાવ એટલો વિસ્તરે છે કે સર્જનાત્મક સાહિત્યની દિશા પણ એ નક્કી કરી આપતો હોય એવું લાગવા માંડે છે. આ પ્રભાવનો અતિરેક જ એની સામેની પ્રતિક્રિયા આરંભી દે છે. એવું જ કૃતિનિષ્ઠ અભિગમ સાથે પણ બન્યું. ફિનોમોનોલૉજિકલ તુલનાત્મક, સમાજશાસ્ત્રીય વગેરે અભિગમ તેની પ્રતિક્રિયાનું પરિણામ છે. અર્વાચીન, ગુજરાતી સાહિત્ય અને વિવેચન એના પ્રારંભકાળથી ભારતીય અને પાશ્ચાત્ય પરંપરાથી પરિચિત રહ્યું છે. કૃતિમાંથી જન્મતો “રસ” જ કૃતિનું પ્રાણતત્ત્વ છે, અર્થ છે, તેવી વિભાવનાથી આપણા વિવેચકો પરિચિત હતા. છતાં કૃતિનિષ્ઠ વિવેચનની એંધાણી આપણે ત્યાં મોડી વર્તાણી છે. આપણી વિવેચનામાં "કૃતિ”ને નિમિત્તે નીતિ, સત્ય, તત્ત્વજ્ઞાન, જીવનદર્શન વગેરેને વધારે મહત્ત્વ મળ્યું છે. નવલરામ, રમણભાઈ નીલકંઠ, આનંદશંકર ધ્રુવની વિવેચનામાં કૃતિકેન્દ્રી વિચારના આછા અણસાર મળે છે. રા.વિ. પાઠક સર્જકને બાકાત કરતાં કૃતિનિષ્ઠ અભિગમને જરા જુદા શબ્દમાં ટેકો આપતા દેખાય છે “ભલામણ કે પ્રતિજ્ઞા કાવ્ય સર્જનની પછવાડે હતી કે નહીં. એ કાવ્યને અને વિવેચને અપ્રસ્તુત છે. ભલામણ કે પ્રતિજ્ઞા કલ્પનાના સ્વૈર ઉડ્ડયનમાં આડી આવે, ભાનપૂર્વક કવિ કલ્પનાને સ્વૈર ઊડવા ન દેતાં અમુક દિશાએ વાળે, તો કાવ્ય થાય જ નહીં. અથવા તેમાં કૃત્રિમતા આવી જાય. કાવ્ય-સર્જનમાં કવિની પોતાની પણ જરા ડખલ ન જોઈએ.” બળવંતરાય ઠાકોરે કવિતાશિક્ષણ નિમિત્તે કૃતિના રૂપાયનની ચર્ચા માંડી હતી. સુંદરમની કૃતિપરક વૃત્તિ “અર્વાચીન કવિતા”માં દેખાય છે “કલા માગે છે આકારની, સ્વરૂપની પૂર્ણતા, આખી કૃતિના અંગ-પ્રત્યંગની દક્ષ સંયોજના.” ઉમાશંકર જોશી ૧૯૪૦માં organic unity જૈવિક સંવાદિતાની માંડણી કરે છે. “જે સમજવાની જરૂર છે તે તો સમગ્ર કાવ્ય જ છે, તેનો અર્થ જ નહિ. અલબત્ત પૂર્ણ રસાસ્વાદ માટે બધા અંશો સમજાય એ અત્યંત આદર્શ સ્થિતિ છે... કાવ્યકૃતિના આસ્વાદ વખતે કાવ્ય સમગ્ર ઉપર, અને નહીં કે તેના માત્ર અર્થ ઉપર, દષ્ટિ રહેવી જોઈએ.” એ બાબત નોંધવી રસપ્રદ થઈ પડશે કે આ અભિગમનો પ્રભાવ વિવેચના જેટલો જ, બલ્કે એથી પણ વધારે સર્જનાત્મક સાહિત્યે ઝીલ્યો છે. સર્જન લીલા માનવાનો ચાલ આ ગાળામાં જ શરૂ થયો. સુરેશ જોષીથી આરંભાયેલા મનાતા આધુનિક ગુજરાતી સાહિત્ય વિવેચને પોતાના વિલક્ષણ આકારવાદને રૂપે કૃતિનિષ્ઠ અભિગમનાં લગભગ બધાં જ લક્ષણો અપનાવેલાં. અલબત્ત, એની આધારભૂમિ નોંધપાત્રભાવે ભારતીય કાવ્યમીમાંસાનાં ઉત્તમોત્તમ સત્ય વડે અનુપ્રાણિત થયેલી છે, એટલું જ નહીં પણ આધુનિક દર્શનો અને યુગચેતના સંદર્ભો વડે તથા અન્ય લલિતકલાની કેટલીક સ્પૃહણીય રસમો વડે, તેમાં ખાસ પ્રકારની સ્વાદુતા - flavour પણ પ્રારંભથી જ ઉમેરાયેલી છે. જોકે ગુજરાતી કવિતાનો આસ્વાદ કરાવતા સુરેશ જોશીના વિવેચનમાં પ્રભાવવાદી અભિગમની ઝલક દેખાય છે. છેલ્લા અઢી દાયકામાં નારીવાદ, દલિત સાહિત્ય તથા પરિષ્કૃતિની વિભાવનાએ કૃતિનિષ્ઠ અભિગમને હાંસિયામાં ધકેલી દીધો છે. તેમ છતાં કૃતિની સ્વાયત્તતા, જૈવિક સંવાદિતા, અખિલાઈ તથા કૃતિના close ending ઉપેક્ષા કરવી વિવેચના કોઈ પણ અભિગમને પરવડે નહીં, તે હકીકતની નોંધ લેવી જોઈએ. ધારો કે કૃતિને તેના બધા જ સંદર્ભોથી છૂટી પાડી દેવામાં આવે તો મધ્યકાલીન સાહિત્ય તથા લોકસાહિત્યને શી રીતે મૂલવવું પ્રશ્ન થઈ પડે. કોઈ પણ કૃતિને તેની પરંપરા, તેના ઇતિહાસ, તેની સંસ્કૃતિની વિખૂટી પાડીને મૂલવવામાં આવે તો કૃતિનું વિશ્વ પણ ભાંગી ન શકે વળી રચાયેલી કૃતિ સર્જકથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે, પણ ભાવની ચેતના સાથેના તેના અવિભાજ્ય સંબંધનું શું? આ પ્રશ્નો ગુજરાતી વિવેચને પણ કૃતિનિષ્ઠ અભિગમ સામે મૂકી આપ્યા છે, તે તરફ અંગુલીનિર્દેશ કરી મારી વાતને વિરામ આપીશ.


ગુજરાતી વિવેચનમાં પ્રયુક્ત કેટલાક અભિગમો, અધીત ૨૯, પૃ. ૭૨થી ૮૦