કંસારા બજાર/વિસ્તરે છે રણ
Jump to navigation
Jump to search
વિસ્તરે છે રણ
તળાવમાં તળિયે પથરાયેલા માટીના થર
જે ક્યારેક તળાવમાં ન્હાવા પડેલા કિશોરોના
જીવ ખેંચી લે તેવા લપસણા હતા
તે આજે,
નજર સામે નિષ્પાપ દેખાય છે.
વસૂકી ગયેલી ગાય જેવી એક સ્ત્રી
વાછરડાના મૃત દેહને પંપાળી રહી છે.
રણવચાળે એક ઘુડખર
નિષ્પલક ઊભું છે.
સમજાતું નથી કે આજે,
અનરાધાર વરસાદ વચ્ચે પણ
દુકાળનાં આ દશ્યો કેમ નજર સામે તરવરે છે?
લીલાંછમ વૃક્ષો પર નથી ઠરતી મારી આંખ.
ત્વચા પ૨ જીવી રહ્યું છે,
અવિરત એક રણ.
જંગલી બાવળ ચૂસી રહ્યા છે, શરીરના ક્ષાર.
રણના એક છેડેથી બીજે છેડે
દોડે છે ઘુડખર, વેગથી,
વિસ્તરે છે, રણ, બમણા વેગથી.