છંદોલય ૧૯૫૭/પૃથ્વી (ઈશ્વરની દૃષ્ટિમાં)

From Ekatra Wiki
Revision as of 00:48, 27 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પૃથ્વી (ઈશ્વરની દૃષ્ટિમાં)

આષાઢી આ આભ જે મેઘઘેર્યું
કૅમેરા શું હોય ના શ્યામરંગી
વસ્ત્રે વીંટ્યો, ગોઠવ્યો સ્થિર; હેર્યું
પૃથ્વીકેરું ફોકસે દૃશ્ય, ભંગી
અંગાંગોની જે ક્ષણે સ્પષ્ટ, લાંબી
ટૂંકી ઝાંખી સ્હેજ ના, સપ્રમાણ
લાગી ત્યાં તો વીજની ચાંપ દાબી
ઓચિંતાની, કોઈને થૈ ન જાણ;
અંધારા કો ખંડમાં પ્લેટ ધોઈ
હોંસે હોંસે (પ્રેમ શો સર્જનોમાં!),
કેવું આવ્યું ચિત્ર કે જોઈ જોઈ
પ્હેલાં ધાર્યો રોષ કૈં ગર્જનોમાં,
અંતે સાર્યાં અશ્રુ કારુણ્યપૂર્ણ
વર્ષારૂપે; ચિત્ર ત્યાં ચૂર્ણ ચૂર્ણ!

૧૯૫૬