છંદોલય ૧૯૫૭/અંગ્રેજી ઑનર્સનાં વિદ્યાર્થીઓને વિદાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અંગ્રેજી ઑનર્સનાં વિદ્યાર્થીઓને વિદાય

સુરમ્ય સુખસ્વપ્ન શાં સભર ચાર વર્ષો વહ્યાં,
લહ્યાં વયવસંતમાં કુસુમ સ્નેહની વૃદ્ધિનાં;
ઉદાર ઉરથી પરસ્પર સ્વભાવ ને બુદ્ધિના
અનેકવિધ દોષના કદીક કંટકોયે સહ્યા.
વિવેચન, વળી કથા નવલ, નાટ્યકાવ્યો ભણ્યાં,
સુપ્રજ્ઞ કવિ મિલ્ટને અસલ ક્રાંતિની ક્હૈ કથા,
વદંત ઋષિ વર્ડ્ઝવર્થ પૃથવી પરે જે વ્યથા,
અભિન્ન સમ સત્ય-સુન્દર કલાજ્ઞ કીટ્સે ગણ્યાં.
જિહાં લગ ધરાતલે જીવન આપણે ધારશું
ક્ષણો વિરલ રૂપની, રસસમાધિ આનંદની,
સદા નીરસતાભર્યા ભવરણે રસસ્યંદિની,
વિરૂપ જગની વ્યથા સમજવા ન સંભારશું?
ભણ્યા જ નહીં માત્ર, કિંતુ મુજને ભણાવ્યો તમે;
તમે જ ગુરુ, શિષ્ય હું, શિર સદૈવ એથી નમે.

૧૯૫૬