૮૬મે/ત્યાશીમે (ચિંતન પરીખ માટે)
Jump to navigation
Jump to search
ત્યાશીમે (ચિંતન પરીખ માટે)
‘શતં જીવ શરદ:’–ત્યાશીમા જન્મદિને તમે કહ્યું.
તમારી શુભેચ્છામાંથી મેં શું ગ્રહ્યું?
તમે આયુષ્યની અવધ જે આંકી રહ્યા
એમાંથી સત્તર વર્ષો હવે બાકી રહ્યાં.
આયુષ્યનું ઋતુચક્ર ત્યાશી વર્ષો કેવું ચાલ્યું?
ક્રમે ક્રમે ફૂલ્યું-ફાલ્યું":
શૈશવનું સ્વર્ગ– એ હેમંત,
મૈત્રીનું માધુર્ય– એ શિશિર,
પ્રેમનું મિલન– એ વસંત,
વિરહનું એકાંત– એ ગ્રીષ્મ,
કવિતાનું પુનશ્ચ– એ વર્ષા,
આ પાંચે ઋતુના અંતરાલે
પ્રથમથી જ હતી શરદ,
લપાતી, છુપાતી, પ્રચ્છન્ન, ગોપન,
એ આજે હવે પ્રગટ થાય,
હવેથી મારું મન-હૃદયનું આકાશ
નિરભ્ર, નિર્લેપ, શુભ્ર, શાન્ત–એ શરદ.
૧૮ મે, ૨૦૦૮