ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/કૃતિ-પરિચય

From Ekatra Wiki
Revision as of 07:06, 11 April 2024 by Shnehrashmi (talk | contribs)
Jump to navigation Jump to search
કૃતિ-પરિચય

‘ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો’

ઉદયન ઠક્કર આજની ગુજરાતી કવિતાનો એેક વિશિષ્ટ જ નહીં, વિલક્ષણ કવિ અવાજ છે. એ અવાજમાં વ્યંજનાનો અંતર્ગૂઢ સૂર છે, તિર્યક્ અભિવ્યક્તિની વેધકતા છે. છંદલયના વિવિધ રણકાર એ પ્રગટાવે છે તો મરમાળી રહેતી બહુરંજકતાનો મુખર ઘોષ પણ એમાં સંભળાય છે. એક જ રસિક ભાવક સામે કે બે-પાંચ રસિકોની નાનીશી મંડળી સામે એ પઠન કરતા હોય કે પછી મોટા સંમેલન-મુશાયરામાં કાવ્યને ‘રજૂ’ કરતા હોય – એમની કવિતા સરખો આનંદ-પ્રતિભાવ પામે છે. પરંતુ એકાન્ત-વાચનમાં સર્જક તરીકેની એમની સજ્જતા પણ પ્રતીત થાય છે. ગુજરાતીની, દેશ-વિદેશની ભાષાઓની કવિતાનું એમનું વાચન-પરિશીલન; કવિતાનું જ નહીં, મનુષ્યચેતનાને પ્રભાવિત કરતી પૌરાણિક(mythical) કથાસૃષ્ટિમાં ને પ્રાદેશિક-વૈશ્વિક ઇતિહાસ-કથાનકોમાં પણ એમની કેવી, કેટલી રસજિજ્ઞાસા રહેલી છે એ પણ એમની કવિતા વાંચતાં વરતાય છે. એ રીતે એક વ્યાપક ભાવક-સંવેદનાને અને વૈચારિકતાને એમણે કેળવી છે, સર્જક તરીકે ઘૂંટી છે. એ રીતે, ઉદયન આપણા વિદગ્ધ સર્જકોમાંના એક છે. આ વિદગ્ધતાને એમણે વ્યક્તિ/કવિના અદમ્ય વિસ્મયથી એમની કવિતામાં ગૂંથી છે. અને અભિવ્યક્તિનું એક આગવું, પોતાનું, રચના-સ્થાપત્ય એ સરજતા રહ્યા છે એટલે જાણીતો સંવેદનવિષય હોય એ પણ એમનામાં એક વિશિષ્ટ રૂપ પામે છે. પરંતુ એકાન્ત-વાચનમાં ટિખળથી, રમૂજ-કટાક્ષથી, તિર્યક્તાથી, બહુરંજન-લક્ષિતાથી ઊપસતું એક ચાતુર્ય પણ પકડાય-પમાય છે. એમાં એમનો કંઈક અળવીતરો, વિલક્ષણ રીતિ-વિશેષ ક્યારેક સ્વાદ્ય બને છે તો ક્યાંક અતિસેવનથી એ ચાતુર્ય એમની રચનાને કવિતાના પરિવેશની બહાર મૂકી દે છે. આસ્વાદ્યતા, ક્વચિત્, ખંડિત થાય છે. ઉદયન ઠક્કરની કવિતા, ભાવકની સજ્જતાની અપેક્ષા રાખનારી, વિદગ્ધ ભાવકને વધુ આસ્વાદ્ય લાગનારી કવિતા છે. કવિમાં વિસ્મય અને વિદગ્ધતાની જે જુગલબંધી છે એ ભાવકને ચેતો-વિસ્તારનો આનંદ આપનારી છે.

–રમણ સોની
(સંપાદકીય લેખમાંથી)