ચાંદરણાં/યુદ્ધ અને શાંતિ
Jump to navigation
Jump to search
2. સમય
- આપણે ઘડિયાળ ભેટ આપી શકીએ તે માટે ઈશ્વરે સમય આપ્યો!
- ઘડિયાળ વેચાય તે કમાણીનો સમય કહેવાય.
- સમય સાચવવો હોય તો ઘડિયાળ વેચવી પણ પડે.
- સમય ગુજરી જાય છે છતાં જીવે છે.
- સમય તેનો તે જ રહે છે, છતાં માણસનો સમય બદલાય છે.
- સમયને કાયમની માંદગી એટલે એને ‘‘સાચવવો પડે’’ છે.
- ઘડિયાળી ઘડિયાળ સુધારે, સમય આપણે સુધારવાનો.
- સમયની બંધ છીપમાં અંધકારનો ગર્ભ પોષાય છે.
- ઘડિયાળને પણ બંધ પડવાનું ભવિષ્ય હોય છે.
- અધીરાઈ સમયનો અર્થ ઝૂંટવી લે છે.
- સમય બરબાદ કરો, બીજું બધું આપોઆપ બરબાદ થવા માંડશે.
- સમય બાંધેલી ક્ષણોની ગાંસડી નથી!
- સમયની માટીમાં બબ્બે માસના અંતરે ઋતુનાં બી વવાય.
- સૂર્યને જાણીએ તો સમય જાણવાની જરૂર ઓછી.
- સમય પોતે જ પોતાનો વારસ હોય છે.
- વિધવા પાસે થોભેલો સમય આગળ વધતો નથી.
- બકરીનો લંચટાઇમ ઘડિયાળમાં હોતો નથી.
- સમય જ્યાં વજન (વેઈટ) થઈ જાય તે ‘‘વેઇટિંગ રૂમ’’
- સમયનું વજન દૂર ફેંકે એવો કોઈ વેઈટ લિફ્ટર છે ખરો?!?!
- માણસ ધીરજ રાખે પણ ઘડિયાળ ધીરજ રાખતી નથી.
- ગાલ પર ગુલમહોર ઉગાડે એવો કાળનો તમાચો ક્યાં છે?
- સમય પ્રેમને શાંત કરે છે, પણ ઘરડો નથી કરતો.
- પસાર થયેલા સમયને હું ગુજરી ગયેલો સમય કહી શકતો નથી.
- સમયની રેતી ધરતી પર હોય છે, આકાશ પર હોતી નથી.
- સમય મને ઘેરે છે, પણ બાંધી શકતો નથી.
- સમયની કાતર દરજીને પણ વેતરી નાખે.
- કોઈ ઘડિયાળ એવી નથી, જેમાંથી બધાં કામ માટે સમય કાઢી શકાય.
- વહેતો સમય વહીને પણ પોતામાં જ જાય છે.
- સમયના પંદરમા પગથિયે પૂરો ચાંદ દેખાય એવું થોડું છે?
- ઘડિયાળ જોતી નથી પણ બતાવે છે!
- ઘડિયાળ બંધ હોય ત્યારે જ નહીં, ચાલતી હોય ત્યારે પણ તટસ્થ હોય છે!
- વરસ બેસે તે પૂરા બાર મહિને જ ઊઠે!
- ઘડિયાળનો કાંટો ઊંધો ફેરવો તેથી ગયેલો સમય પાછો ન ફરે!