અનુનય/તડકાળો દિવસ
Jump to navigation
Jump to search
તડકાળો દિવસ
હવે
તડકાનો શેકેલો પાપડ ભાંગુ
કડડડ... કડડડ...
કડકો મૂકું મોંમાં –
તીખો મીઠો ગરમ ગરમ
એક શેરડો પડે સોંસરો
જીભથી જઠર સુધી
કાનમાં સણકાતી તે શિશિર
કાનથી બ્હાર નીકળી ભાગે
નાકમાં સળવળ પળપળ
શ્વાસ મૂકું કે દાઝે
ઝળહળ ઝળહળ
આંખમાં ઝળઝળિયાં થૈ બાઝે!
સૂની સૂની
બરફ તણી ચાદર ઓઢીને
પડી શેરીઓ
હવે પાંખમાં પતંગિયાંની
લિયે લ્હેરીઓ!
૨૮-૧-’૭૭