અનુનય/દરિયો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
દરિયો

નજરની નાયલૉની જાળમાં
મેં દરિયાને બાંધી લીધો;

કાંઠે
ચાંદનીમાં તરફડતી તરંગોની
રૂપેરી માછલીઓનાં લિસ્સાં શરીરમાં
મેં દરિયાને સૂંઘી લીધો;

કાંઠા પર ફસડાઈને ફૂટી જતા
ફીણફુગ્ગાઓના રેતિયા અવાજમાં
મેં દરિયાનો શોષ સાંભળી લીધો;

પવનના તીખા તોખારે ચઢીને
દરિયાના અધીરા અસવારને
મેં સરુવનમાં ઊતરતો જોયો
છાયાઓના અંધકારથી નીતરતો જોયો.

હવે ઓરડામાં આખી રાત
મારે દરિયાવલોણું :
ને સવારે તો–
હું ચૌદ ચૌદ રત્નોનો રાજા!

૮-૫-’૭૪