અનુનય/ડૂબકી

From Ekatra Wiki
Revision as of 01:11, 27 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ડૂબકી

–– પછી મેં ડૂબકી મારી
ને
પાતાળ દેશની નાગકન્યા
મને વીંટળાઈ વળી;
સળવળ સળવળ ભીનો ભીનો પાશ
દબાવા લાગી મારી પાંસળી પાંસળી;
વેદનાના સુખમાં મારું મન
સુંવાળા દેહની શય્યામાં
આળોટવા લાગ્યું.
અંગઅંગમાંથી વછૂટતી વિચિત્ર સુવાસની
છાલકોમાં મારી વાસનાઓ છંટાવા લાગી.
ઊંડે ઊંડે ઊંડે
પાતાળઊંડા કોઈ પેટમાં
હું સરવા લાગ્યો;
વલોવાતાં વમળોના કેન્દ્રમાં
નહીં ઊગેલા સૂરજની ખરતી રજને
લાંબી લાંબી લપલપતી જીભો ચાટવા લાગી.
જલના ઉદરમાંથી બહાર :
મારો સુદામાનો કૃષ્ણાવતાર!

૨૬-૯-’૭૪