અનુનય/ભૂલ કરે તે –

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ભૂલ કરે તે ––

ભૂલ કરે તે ભોગવે એેવો અણલખ નીમ
તમે ભલાજી ભૂલથી આવી ૫ડ્યા આ દીમ.
આંગણમાં ઊગ્યું હતું અણસમજણનું ફૂલ
ઊગી પડખે આકરી હવે સમજની શૂળ.
શૂળ સમજની કારમી અમને લાગી આજ
ઝેર ચડ્યાના ભાનમાં ભૂલી ઘરનું કાજ.
ગામ બધું વાતો કરે, છાનું ગગણે સીમ
સખીઓ સખણી ના રહે બોલે ફાવે તીમ.
બોલે ફાવે તીમ-નું અમને ઝાઝું સુખ
મૂગાં સાંભળીએ બધું મલકમલકતે મુખ.
તમે ભલાજી હેતનો મંતર માર્યો ઈમ
નાગણ નાખે મોહમાં રૂડો મદારી જીમ.
ભુલકણા બે જીવની ભૂલનું કરીએ કીમ?
ભૂલ કરે તે ભોગવે એેવો અણલખ નીમ.

૨૯-૯-’૭૪