સરોવરના સગડ/ચિનુ મોદી: ગમ્મે તે કરે પણ રોમેરોમ જીવે!

From Ekatra Wiki
Revision as of 17:10, 11 May 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


Center

ચિનુ મોદી : ગમ્મે તે કરે પણ રોમેરોમ જીવે!

(જ. તા. ૩૦-૯-૧૯૩૯, અવસાન તા. ૧૯-૩-૨૦૧૭)

હું હાઈસ્કૂલમાં ભણતો હતો. ત્યારે તો ચિનુ મોદીને ક્યાંથી જોયા હોય? પણ એમની ગઝલો વાંચીને રોમાંચિત થતો. ઊંડે ઊંડે એમ થાય કે આવું સરસ, આરપાર આપણાથી ક્યારે લખી શકશે? અચાનક એક દિવસ છાપામાં સનસનાટીવાળા સમાચાર સાથે, કોર્ટમાંથી બહાર આવી રહેલા ચિનુ મોદીનો પૂરા કદનો ફોટો છપાયો. સનસનાટી એ કે - ચિનુભાઈએ છતીપત્નીએ બીજું લગ્ન કર્યું હતું! એ માટે એમણે ધર્મપરિવર્તન કરીને ઈશાદ અહેમદ એવું મુસ્લિમ નામ ધારણ કર્યું હતું. બીજી પણ કાનૂની ગૂંચો હશે એટલે પ્રકરણ બરાબરનું ચગ્યું હતું. બે ત્રણ દિવસ સુધી જાતભાતના સમાચાર આવતા રહ્યા. ચર્ચાઓ એવી ચાલે કે એમનું ખૂન થઈ જશે. છોકરીના પિતા મોટી વગ ધરાવે છે ને ચિનુભાઈ તો સાવ કવિજીવ! કોઈ કહે કે સસ્તામાં નહીં છોડે! કોઈ વળી કહે કે પાકી જેલ થવાની વગેરે વગેરે... ‘કલાપીનો કેકારવ'ની કવિતાઓની છાપ મારા મન ઉપર હજી તો એવી ને એવી જ તાજી હતી એટલે કે પ્રેમમાં પડ્યા વિના પણ એની પીડા અનુભવવા માટે હૃદયની ભૂમિ બરાબર તપ્ત હતી. મને એમની એટલી બધી ચિંતા થાય કે ન પૂછો વાત. રાત્રે પણ એવું એવું વિચારું કે, ગમે તેમ તોય કવિ છે. એમને કંઈ ન થાય તો સારું. એ ઉંમર એવી હતી કે આ ઘટના અંગે સારાસારનો વિચાર કરવાની ક્ષમતા નહોતી. ફક્ત 'ચિનુ મોદી’ એ નામ જ મારા માટે આઇકોન. એટલી બધી લાગણી કે આંખો ભીની થઈ જાય. ન જાને કેમ પણ હું એમનામાં મારી છવિ નિહાળતો. લાયબ્રેરીમાં જાઉં અને ‘કવિતા’ના અંકોમાં વિવિધ સમયે આવેલી એમની ગઝલો અને તસવીરો વારે વારે જોયા કરું. એક તસવીરમાં તો એમણે સગડીની જાળી હાથમાં રાખીને તેની આડે પોતાનો ચહેરો છુપાવેલો! ઈચ્છા તો એમ થાય કે અત્યારે જ અમદાવાદ દોડી જઉં ને એમને મળું. પેલી જાળી હટાવી દઉં! પણ, એ શક્ય નહોતું. ચિનુ મોદીને ઉદ્દેશીને, સનમની બેવફાઈ અને ફનાગીરીનો મહિમા કરતી-

‘સનમની બેવફાઈ જોઈને ના હારજે હિંમત,
કદી તો એમને સમજાઈ જાશે પ્યારની કિંમત!'

એવી એક કાચીપાકી ગઝલરચના ‘ના હારજે હિંમત’ એવું શીર્ષક આપીને લખી નાંખી એટલું જ નહીં, ચિનુભાઈને મોકલી આપવાની હિંમત પણ કરી દીધેલી! જો કે, એમના તરફથી કોઈ જવાબ આવ્યો નહોતો. કોલેજમાં આવ્યા પછી 'વાતાયન', 'ક્ષણોના મહેલમાં' અને 'દર્પણની ગલીમાં' વાંચીને એક દિવસ જગદીશ સાથે ચિનુભાઈ અંગે વાત થઈ અને એ તો ફટાકશાનો તૈયાર થઈ ગયો! કહે કે 'કાલે જ આપણે અમદાવાદ જઈએ!’ અને અમે ખુદાબક્ષ ચંગુમંગુ ઉપડ્યા અમદાવાદ! કાળુપુર ઊતરીને પહેલું ક્યાં જાવું? કંઈ ગડ ન બેઠી એટલે સીધા જ ધના સુથારની પોળે અનુફૈબાના ઘરે પહોંચી ગયા. જમીને પછી નીકળી પડ્યા પગપાળા. ચિનુભાઈનું પોસ્ટલ એડ્રેસ તો હતું અમારી પાસે, પણ એમ કેમ પહોંચી જવાય કોઈના ઘેર? રખે ને પરિસ્થિતિ કંઈક વિપરિત હોય ને આપણે લેવાદેવા વગરના અંટાઈ જઈએ તો? એટલે એમ. જે. લાયબ્રેરી, ટાઉનહોલ અને હેવમોરની આજુબાજુ આંટા માર્યા કરીએ. કદાચને ચિનુભાઈ ક્યાંક દેખાઈ જાય! જેટલા માણસો આવે એ બધામાં અમે ચિનુભાઈની રેખાઓ શોધીએ! (રેખાઓનો વાચ્યાર્થ લેવો!) દૂરથી કોઈ દૂબળા-પાતળા ભાઈ આવતા હતા. સાંકડી મોળીનું પેન્ટ, બ્લ્યૂ શર્ટ ઇન કરેલું. કમરમાં પહોળો પટ્ટો, ખભે થેલો અને સીધા લાંબા કાળા વાળ વધારામાં મોટા કાચના ચશ્માં અને હાથમાં સિગારેટ! 'નક્કી આ ચિનુભાઈ!' એમ કરીને અમે બન્ને દોડ્યા. જઈને પૂછ્યું તો કોઈ ભળતું જ નીકળ્યું. મને ઊંડે ઊડે અંદેશો છે કે એ ચિનુભાઈ જ હતા. પણ એ અણીને વખતે ધરાર નામક્કર ગયા! ચહેરા આડે પેલી જાળી ધરીને કહે કે-'હું ચિનુ નથી!' કંટાળીને જગદીશ બોલ્યો- ‘હમણાં કહું ત્યાં ગ્યા ચિનુભાઈ. એમની પ્રેમિકા પણ આટલું તો એમની પાછળ નહીં દોડી હોય..હાલ ને રિક્ષા કરી લઈએ! ચિનુભાઈ કંઈ ગાય-બકરી તો છે નહીં કે આમ રસ્તે રઝળતા મળી જાય!' પછી તો અમે ચિનુભાઈને મૂક્યા પડતા ને સીધા જ પહોંચ્યા ૧૪૫૪, રાયપુર. બુધસભામાં ને એય તે પહેલી જ વાર! એ વખતે લેખકો-કવિઓનાં ઉપનામો અને સરનામાં અમને બહુ યાદ રહેતાં! બચુભાઈની સામે પિનાકિન ઠાકોર, નલિન રાવળ, યોસેફ મેકવાન, શ્રીકાંત માહુલીકર, ઈન્દુકુમાર ત્રિવેદી વગેરે કવિઓ બેઠા હતા. જગદીશ પાસે અને મારી પાસે રચનાઓ તો હતી છતાં બચુભાઈને વાંચવા આપી. શકાય એવું સાહસ નહોતું. બુધસભા પછી અમે સીધી વાટ પકડી રેલવેસ્ટેશનની... આટલી તીવ્રતા છતાં અમદાવાદનો ફેરો ફોગટ ગયો. ચિનુભાઈ જેવું કોઈક મળ્યું, પણ ચિનુભાઈ મને ન મળ્યા તે ન જ મળ્યા. એમનું હતું યે ‘હરિ તારાં હજાર નામ...' જેવું! ઓહો! કેટલાં બધાં ઉપનામ આ માણસે ધરેલાં! ‘ગરલ’ વિજાપુરી, બિરેન રોય, મલય દેસાઈ, મનીષા શાહ અને 'ઈર્શાદ' અને અપ્રગટ એવાં તો કેટલાંય ઉપનામો! એમ લાગે છે કે ચહેરા આડેની પેલી જાળી એ તો એક પ્રતીક છે, પણ તે વખતે એમણે જાતને છુપાવવાના પ્રયત્નો ય ઓછા નહોતા કર્યાં! ત્યારે નહીં મળેલા ચિનુભાઈને અઠ્યોત્તેરની સાલ પછી તો વારંવાર મળવાનું બનતું. ચિનુભાઈ એટલે ગઝલની હરતીફરતી યુનિવર્સિટી. હેવમોરમાં અઠવાડિયે એક વાર મળીએ ત્યારે ચાર્જ થઈ જઈએ. ચિનુભાઈ એકલા ન હોય. લાભશંકર ઠાકર તો હોય જ. કોઈ વાર મનોજ ખંડેરિયા અને રમેશ પારેખ આવી ચડ્યા હોય તો કોઈ વાર સુભાષ શાહ કે ઇન્દુ પુવાર કે એમના જેવું કોઈ આવ્યું હોય. ક્યારેક કોઈ બહેન પણ હોય. ચિનુભાઈ દંભ ન કરે. પડદો રાખ્યા વિના ઓળખાણ કરાવે. પહેલાં નામ બોલે, ગઝલ લખે છે એમ કહે અને પછી ઉમેરે: મારી નવી બહેનપણી!’ એમને એમ કે આ સાલા જુવાનિયાઓ ભલે ને બળી મરતા! અમે મનમાં સમજતા હોઈએ કે આ બહેનની કવિતાક્ષેત્રે કોઈ ખાસ ગતિ નથી. એક માત્ર કારણ છે સૌન્દર્ય અને બીજું ગણવું હોય તો જે થોડા સમયમાં જ ઓસરી જવાની છે તે મુગ્ધતા! એટલું જ એમના પક્ષે જમાપાસું ગણાય. આવી તો ઘણી બહેનપણીઓની ઓળખાણ વખતોવખત એમણે કરાવી હશે! ચિનુભાઈની ખાણીપીણી તદ્દન જુદા પ્રકારની હાર્ડ-સોફ્ટ બધા જ પ્રકારનાં ડ્રિન્ક્સ ચાલે. હલીમ-બલીમ, આમલેટ-બામલેટ, પાપલેટ-બાપલેટ, ખીમો-બીમો, ભેજાફ્રાય-ચિકનફ્રાય, કલેજી-બલેજી, પાયા-બાયા, ઊંછડી-પૂંછડી.…….એમને કંઈ પણ ચાલે. એવું તો નહીં કે આ મરજાદી વૈષ્ણવને શાકાહાર સદતો નહોતો. પણ, સ્વાદના ભારે રસિયા! એક વાર અમે મિત્રોએ ચિનુભાઈને અને મનહર મોદીને કવિતા વાંચવા ગાંધીનગર તેડેલા. કદાચ 'ચોપગું'વાળા રમેશ શાહ પણ સાથે હતા. બધાનું જમવાનું મારે ઘેર રાખેલું. નિમુએ ભરેલાં રીંગણ અને મરચાં બનાવેલાં. બીજી બધી વાનગીઓના બધાએ ખૂબ વખાણ કર્યા. પણ, ચિનુભાઈ અતિશયોક્તિનો આશરો લઈને પાંચસો વખત બોલ્યા હશે કે 'તારે ત્યાં ખાધાં'તાં એવાં ભરેલાં રીંગણ એ પૂર્વે કે પછી કદી ખાધાં નથી! અમે ભણતા ત્યારે ગુજરાત કોલેજ પાસેની કોલેજિયન રેસ્ટોરન્ટમાં એકથી વધુ વખત ચિનુભાઈ સાથે જમ્યા છીએ. મેનૂ એમનું અલગ ને અમારું અલગ. પણ, બિલ એક જ બને અને તે ચૂકવે ચિનુભાઈ! એક વાર જોરદાર શ્વાસ છોડીને જગદીશને કહે કે -‘તને વટલાવવો સહેલો છે પણ આ તરવાડી બહુ કાઠો છે! એને ઘાસફૂસ સિવાય ઝાઝી સમજણ નથી પડતી !’ એક વાર એમણે અમારા ઘણા હાજર-ગેરહાજર મિત્રોનું ભવિષ્ય જન્મતારીખને આધારે ખાસ સમય કાઢીને જોઈ આપેલું. કોના માટે કર્યું વાક્ય હતું એ અત્યારે યાદ નથી, મનમાં બધું ભેળસેળ થઈ ગયું છે. એમ સમજોને કે હું બધું બરાબર જાણતેછતે આવી ભેળસેળ કરી રહ્યો છું. એ વાક્યો શબ્દફેરે કંઈક આવાં હોવાં જોઈએ : ૧. તારે તો દ્વિભાર્યાયોગ છે! ૨. પ્રબળ વિદેશયોગ છે. સારી કવિતાઓ લખવા માટે પૂરતા આઘાતો મળી રહેશે. પણ.. જા, નથી કહેવું! ૩. પત્ની સારી અને સારું એવું કમાતી મળશે. ૪. જિંદગી આખી ભટકવાના યોગ છે. ૫. એલા! તને પ્રેમિકાઓ ઘણી મળશે પણ એકેય તારા ઘરની રોટલી નહીં બનાવે. ૬. સાહિત્યક્ષેત્રે નામ તો સારું કમાઈશ, પણ તને ખૂબ ચાહનારાઓ જ તારા પગ પર કરવત ફેરવશે! ૭. જિંદગીભર નોકરી નહીં મળે, અત્યારે છે એ નોકરી ય જશે! ૮. ચંદ્રક-ચાંદા, માનઅકરામ બધું જ માગીભીખીને મેળવવાનું રહેશે. ૯. તારી જાતે જ તારી રચનાઓના વખાણાસ્વાદ કરવાનું પાપ અને તે પણ જાહેરમાં આચરવું પડશે... થોડી વાર તો અમે મુંઝાયા, આ તે અમારું ભવિષ્ય વાંચે છે કે શાપ આપે છે? ટૂંકમાં બધાને સારા કવિ બનવાના બળવાન ગ્રહયોગો છે એવું એમણે સાર્વત્રિક રીતે ભાંખેલું. ભાવકોએ આ ફળાદેશ પ્રમાણેના કવિજાતકોને પોતાની શક્તિમતિ અનુસાર શોધી લેવા. બધું કંઈ અમારે ફોડ પાડીને કહેવાનું ન હોય! ચિનુભાઈના મોઢેથી અનેકવાર સાંભળ્યું છે ને હવે તો એમની આત્મકથામાં પણ આવી ગયું છે કે તેઓ ગોલ્ડનસ્પૂન સાથે જન્મેલા. પણ જીવનભર એમને જાતભાતના સંઘર્ષ કરવા પડ્યા એ હકીકત છે. એમણે લખેલી નિરમા વોશિંગ પાઉડરની જાહેરાત લખવાના રોકડા બસ્સો-પાંચસો લેવાને બદલે જો રોયલ્ટીની શરત રાખી હોત તોય જિંદગીભર બીજું કશું કમાવું પડ્યું ન હોત! ચિનુભાઈમાં કે.એસ. શાસ્ત્રી પ્રકારના કુલપતિ બનવાની ક્ષમતા નહોતી એટલે એમના વેવાઈ બનીને સામટું સાટું વાળી દીધું! પહેલેથી જ કોઈ એક કોલેજમાં ઠરીને રહ્યા હોત તો એમનું જીવન સરળ રહ્યું હોત, પણ આપણને સદા આશ્ચર્યરૂપ અને અનોખા એવા ચિનુ મોદી મળ્યા ન હોત. એમણે વારંવાર નોકરીઓ બદલી. વડોદરા યે જઈ આવ્યા હતા. સરવાળે એમ, કે એમણે ક્યાંય મંગાળે મશ વાળી નહોતી! જીવનનિર્વાહ માટે એમણે જાતભાતની જાહેરાતો લખી. જોડકણાં કર્યાં. કોપી રાઈટિંગ કીધું. રઈસ લોકોનાં સંતાનોનાં લગ્નની કંકોતરીઓ આળેખી. દૂરદર્શન અને માહિતી ખાતા ઉપરાંત પ્રાઇવેટ પાર્ટીઓની દસ્તાવેજી ફિલ્મો બનાવી. આમ તો એમને કોઈ પણ પ્રકારની ‘બંધી' ન જ ફાવે. નશાબંધી વિશેની ફિલ્મ પણ એ નશો કર્યા પછી જ વિચારી શકે છે એવું પ્રામાણિકતાથી કહી શકે. ગમ્મે તે કરે પણ રોમેરોમ જીવે! ક્યારેક લહેરમાં હોય તો નશાબંધી અને નસબંધીમાંથી કેટલું કમાયા એની વાતો કરે. માજી મુખ્યમંત્રી માધવસિંહભાઈ અને માહિતી નિયામક ભૂપતભાઈ વડોદરિયાનું ઋણ પણ સ્વીકારે. ચિનુભાઈને કોઈ વાતનો છોછ નહીં, મૈત્રીમાં પણ નહીં. ઉમાશંકર જોશી જેવા પવિત્ર મનીષીથી માંડીને હજુ ગઈ કાલે જ, જેણે પ્રથમ ગઝલના આસવરૂપ, પ્રથમ જ પેગ પીધો છે ને પ્રથમ સીપ લેતાંમાં જ જેને બ્રહ્માંડ ડોલતું દિસે છે એવા કોઈ નવોદિત સુધી એમનો હાર્દિક મૈત્રીચાપ વિસ્તરે! એમના પોતાના છંદોલય એટલી હદે પાકા કે-‘ઉમાશંકરના છંદ કાચા છે' એવું વિધાન હિંમતપૂર્વક કરી શકે. કવિ તો જન્મે. પણ, ચિનુભાઈ ધારે એને ગઝલકાર બનાવી શકે. બે-ચાર કલાકમાં છંદ અને બે પાંચ દિવસમાં દસેક ગઝલો એ એમનો અભ્યાસક્રમ! થોડીક સંવેદનશીલતા, જગત વિશેની સામાન્ય જાણકારી, એકાદબે ઊંડા કે ઉપરછલ્લા આઘાત અને એમની જોડે ફરવાની તૈયારી. મહિલા હોય તો પસંદગીમાં અગ્રતા. ગઝલાર્થીની આટલી પ્રાથમિક લાયકાત એમણે નક્કી કરેલી. આવા તો કંઈક ગ્રહોઉપગ્રહો એમણે ગઝલાકાશમાં તરતા મૂકેલા. પરંતુ રિચાર્જ સિસ્ટમના અભાવે એ બધા કાળધર્મને પામ્યા. જે પાણીએ મગ-ચોખા ચડે એ પાણીએ ચિનુભાઈ ખીચડી પકાવે. મોટેભાગે સફળ જ હોય પણ જ્યાં એમ લાગે કે આપણી દાળ નહીં ગળે ત્યાંથી ચૂલો, તપેલી ને સાણસી, ચમચાચીપિયા સહિતનું બધું ફેંકીને ઊભા થઈ જાય. એક વખત મધ્યસ્થસમિતિની ચૂંટણી પછી, એમને આખી ને આખી ગુજરાતી સાહિત્ય પરિષદ- કોઈ પટેલ કે વેપારીની ભાષામાં કહીએ તો, ‘કેપ્ચર' કરવાનો વિચાર આવ્યો. લાભશંકર સિવાયનું લગભગ આખું રે જૂથ એક થઈને પરિષદની સ્થાનિક સભામાં તડબૂચની અડધા ઉપરાંતની ફડશ લેવાના આશયથી તડજોડ કરવા આવી ચડ્યું. ત્યારે યશવંત શુક્લ, ચિમનલાલ ત્રિવેદી, જયંત પંડ્યા, ભોળાભાઈ પટેલ અને વિનોદ અધ્વર્યું આદિ જીવતા હતા. ચિનુભાઈનો મત એવો કે- ‘મને જ પરિષદનો ઉપપ્રમુખ બનાવો!’ પણ ત્યાં બેઠેલાઓના ચહેરાઓનો તાપ જોયા પછી એમણે ઉમદા મિત્ર મનહર મોદીનું સૌમ્યનામ આગળ કર્યું! પરંતુ, ચિમનભાઈના નામ અંગે સમગ્રતયા સંમતિ સધાઈ ચૂકી હતી એટલે તત્કાળ તો એ શક્ય નહોતું. રઘુવીરભાઈએ સમયસૂચકતા વાપરીને ચાલુ બેઠકે એસ.ઓ.એસ., લા.ઠા. સાથે ફોન પર વાત કરીને એમનો અભિપ્રાય મેળવી લીધો. લા.ઠા.એ કહ્યું કે પ્રેમથી ચાપાણી પિવડાવીને બધાને રવાના કરી દો! એ કશું નહીં કરે!' ચિનુભાઇની એક પણ દલીલ ટકે એવી નહોતી ને એ પોતે આ મુદ્દે તર્કતુલા તો પહેલેથી જ ગુમાવી બેઠા હતા. આમ તો મોદી-ચૌધરી બંને ‘જીજે-ટુ પાસિંગ’, એટલે કે ‘મેંશાણા’ જિલ્લાના જ, પણ રઘુવીરભાઈના માર્મિક હાસ્યથી વિશેષ કશી પ્રાપ્તિ નથી એવી ખાતરી થતાં આખી ચોપાટને અને સોગઠાંઓને ઉલાળીને ઊભા થઈ ગયા! આ આખા યે ઉપક્રમનો મર્મ સમજી ગયેલા મનહર મોદી પોતાની સાથે ઊભા નથી થયા એની ચિનુભાઈને પાંચેક મિનિટ પછી જાણ થયેલી! આ નાટ્યદૃશ્ય બાદ, જે નવરચના થઈ એમાં મનહર મોદી પરિષદની કાર્યવાહક સમિતિમાં અમારી સાથે રહેલા. કર્મઠ હતા ચિનુભાઈ. કોઈ પણ સમયે, કોઈ પણ જગ્યાએ બેસીને કંઈ પણ, એટલે કે કવિતા, વાર્તા, નાટક, લેખ જે ધારે તે લખી શકે. પાછા લખે એક જ વાર. સરસ્વતી સાથે એમને સારું બનતું. ‘શબ્દસૃષ્ટિ'ના ‘કવિતા અને હું' વિશેષાંક માટે છેલ્લી ઘડી આવી પહોંચી તે છતાં ચિનુભાઈનો લેખ મળ્યો નહોતો. પ્રેસમાંથી જ મેં ફોન કર્યો: ‘ચિનુભાઈ આવું કરવાનું? હવે હું ક્યાં જાઉં?’ જવાબમાં એક ક્ષણના ય વિલંબ વિના કહે: 'જવાનું ક્યાય નથી. આવી જા! અત્યારે જ વિદ્યાપીઠની સામેની ગલીમાં ફલાણી હોટલ પર.' હું ત્યાં પહોંચ્યો ત્યારે ખૂણાના એક ટેબલ પર બેસીને એ લખી રહ્યા હતા. એમણે મોટા મોટા અક્ષરે ચાર પાનાં તો લખી નાખ્યાં હતાં. મારા હાથમાં લખેલાં પાનાં પકડાવ્યાં અને એક પછી એક લખાતું જાય એમ મને આપતા જાય! એક જ શ્વાસે એમણે આખો લેખ લખી આપ્યો. વધારામાં ચા પીવડાવી! આપણને આશ્ચર્યયુક્ત વેદના થાય કે આટલી બધી એકાગ્રતા ધરાવનાર માણસ અમુક સંજોગોમાં કેમ વેરવિખેર થઈ જતો હશે? એમની આગળની અને પાછળની પેઢીમાં એમના જેવું બીજું વિલક્ષણ વ્યક્તિત્વ જોવા નથી મળ્યું. પકડાઈ જવાના ડર વિના એ સત્ય સિવાયનું કંઈ પણ બોલી. શકતા. એક વાધરી મેળવવા માટે આખી ભેંશ ગુમાવવાનું એમને આવડે અને પરવડે પણ ખરું!! રે મઠવાળા બધાં જ એમને મિત્ર માને પણ, ચિનુભાઈ ગમે ત્યારે, લા.ઠા.સહિતના કોઈની પણ સાત્વિક ઈર્ષ્યા કરી શકે! એમના એકમાં સાહિત્યના ચારેય વર્ણ વસતા હતા. સાહિત્યસર્જન અને વિવેચનમાં પૂરેપૂરી શિસ્ત દાખવનાર અને ધોરણો સાથે ક્યારેય બાંધછોડ ન કરનાર ચિનુભાઈ સાહિત્યેતર બાબતોમાં કોઈ સિદ્ધાંત જ નહીં એવા વ્યાપક સિદ્ધાંતને અનુસરતા. એ પ્રેમાળ ખરા, પણ વિરોધાભાસથી ભરપૂર હતા. પૂછો ટોપીવાળાસાહેબને! એક વાર મારા ઉપર આઈ.એન.ટી.વાળા દામુ ઝવેરીનો ફોન આવ્યો. અમુક તારીખે મુંબઈમાં મુશાયરો યોજ્યો છે અને એમાં મારે અનિવાર્યપણે હાજર રહેવું જ એવો એમનો પ્રેમપૂર્વકનો આદેશ હતો. મને નવાઈ તો લાગી જ કે મારે ના કહેવાનું કોઈ કારણ છે જ નહીં છતાં, દામુભાઈ આટલો બધો આગ્રહ કેમ કરે? મેં હા કહી અને મુંબઈની ટિકિટ બુક કરાવી. પણ, મારા બદનસીબે એ દિવસે ટ્રેઈન અસાધારણ રીતે મોડી પડી. એ સમયે મોબાઈલ ફોનનું ચલણ નહોતું. આ બાજુ મુશાયરો શરૂ થઈ ગયો. હજી બેએક કવિઓ જ રજૂ થયેલા ને હું પહોંચ્યો. બધાંએ તાળીઓથી વધાવ્યો. પણ, દામુભાઈનું મોઢું લેવાઈ ગયું! વચ્ચેના વિરામ પહેલાં એક સરપ્રાઈઝ હતું. પહેલો ‘શયદા એવોર્ડ' કવિમિત્ર સંજુ વાળાને જાહેર થયો અને ત્યાં જ અર્પણ પણ થયો! સંજુ ને કે મને આ ઘટના અંગે કોઈ જ પૂર્વાભાસ નહોતો. હું રાજી થયો. મિત્ર સંજુને ભેટીને અભિનંદન આપ્યાં. મારો કાવ્યપાઠ પત્યા પછી દામુભાઈ મને પડદા પાછળ લઈ ગયા ને મીઠો ઠપકો આપ્યો: 'અરે, ભલા માણસ! તમે તો નહોતા આવવાના ને!’ 'કોણે કહ્યું? હું તો આપણે વાત થયા મુજબ આવવાનો જ હતો ને! મેં તમને જાણ પણ કરી હતી. મારી ટ્રેઈન મોડી પડી એટલું જ…’ દામુભાઈ ભોળા અને પારદર્શક એટલે સાચું હતું એ બોલી વળ્યા. મને કહે કે સૌથી પહેલો શયદા એવોર્ડ તમને આપવાનો હતો. સરપ્રાઈઝ હતું એટલે કોઈને પણ નહોતું કહેવાનું! અને એટલે તો તમને આવવાનો આગ્રહ કરેલો. ચિનુભાઈ સહિતના સહુ નિર્ણાયકોનો એ નિર્ણય હતો. પણ ચિનુભાઈએ આજે સવારે જ જણાવ્યું કે તમે તો નથી આવવાના એટલે અમે તાબડતોબ નિર્ણય બદલ્યો! હવે છેલ્લી ઘડીએ તો શું કરીએ? હું અત્યંત દિલગીર છું!!!'સ્વપ્ન જેવી આ ઘટના મને આજ દિન સુધી નથી સમજાઈ. પણ દામુભાઈએ ત્યાર પછી ધીમે રહીને ચિનુભાઈ અને આઈ.એન.ટી. વચ્ચેનું 'અંતર વિકસિત કરી દીધું હતું એ નક્કી! મારા સંદર્ભે, આઈ.એન.ટી.ને એ વખતે લાગેલી શરમ-જફા આજ દિન સુધી છૂટી નથી એ પણ એટલું જ સાચું છે. ખૈર! કબીરે ગાયું છે ને?

'સહજ મિલા સો દૂધ સમ, માંગે મિલે સો પાની;
કબીર વોહી હૈ રગત સમ, જામેં ખીંચાતાની!'

એક ગુજરાતી સાહિત્યકાર તરીકે, સાહિત્ય અકાદેમીનો એવોર્ડ એમને ઘણો વહેલો મળવો જોઈતો હતો. એ માટે વખતોવખત એમની પાસે માતબર પુસ્તકો પણ હતાં. પરંતુ તમામ પ્રકારનાં માન-અકરામની બાબતે, એમનું ભવિષ્ય લખેલી ચબરખી જે શીશીમાં હતી એ શીશીના આંટા એવા તો દોઢે ચડી ગયેલા કે ઢાંકણ ગોળ ગોળ ફર્યા કરે, ઊઘડે તો નહીં જ પણ પૂરું બંધેય ન થાય! કેટલાક લોકોને, પોતાની વિરુદ્ધ મજબૂર કરવામાં, અભિશાપની પ્રેરણા આપવામાં ચિનુભાઈનું પોતાનું યોગદાન ઘણું મોટું હતું! બાકી તો સાહિત્યનું એવું કયું સ્વરૂપ છે જેને ચિનુભાઈએ માતબર રીતે ખેડ્યું નહોતું? વધારે ખૂલીને કહેવું હોય તો એમ કહેવાય કે જેમને સાહિત્યનાં તમામેતમામ માનસન્માનો પ્રાપ્ત થયાં છે તેમને આખા ને આખા એક પલ્લામાં બેસાડીએ અને સામે પલ્લે ચિનુભાઈનું સાહિત્ય મૂકીએ તો શિબિરાજયોગ થવાનો સંભવ ઘણો મોટો છે. મારી વાતમાં દમ છે એનો પુરાવો થોડા વખત પહેલાં ગુજરાતી સાહિત્ય પરિષદે યોજેલો ‘પુરસ્કાર મીમાંસા'વાળો પરિસંવાદ છે. છેલ્લાં વર્ષોમાં ચિનુભાઈ બહુ બદલાયા. ખાસ કરીને હંસાબહેનના અવસાન પછી. ખરા અર્થમાં એ લોહીનાં આંસુએ રોનારા વિરહી પતિ અને વત્સલપિતા બન્યા. એમના પ્રેમનો વ્યાપ વધ્યો. ચિનુભાઈમાંથી મોટા સમૂહના ‘ચિનુકાકા' થયા. આગળ ઉપર 'ચિનુદાદા' પણ થયા. સાવ નાના છોકરડાં સર્જકો પણ જેમની પાસે વિના સંકોચે જઈ શકે એવા, એમની પેઢીના તો એ એકમેવ સાહિત્યકાર હતા. નવી પેઢીનો એમણે વિશ્વાસ કેળવ્યો અને મેળવ્યો. એ ઘટના નાની ગણાવી ન જોઈએ. કાયમી ધોરણે, અનૌપચારિક રીતે એમણે નાનીમોટી વિદ્યાપીઠો અને નાનીમોટી પરિષદો પોતાની રીતે ચલાવી અને બને ત્યાં સુધી આશ્રમમાર્ગથી દૂર રહેવાનું પસંદ કર્યું. એક વ્યક્તિની સંસ્થા બની રહ્યા. એમની લોકપ્રિયતા આપણા કહેવાતા ‘લોકપ્રિય’ સાહિત્યકારો કરતાં ઘણી વધારે હતી. જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે જ્યોતિષીએ પોતાનું કે પોતાનાઓનું ભવિષ્ય ન જોવું. બ્રાહ્મણોએ આ આચારસંહિતાનું મોટેભાગે પાલન કર્યું છે. ચિનુભાઈ જાતને, પોતાની નહીં ગણીને; રોજ પોતાના જન્માક્ષર જોતા હશે. એટલે વારંવાર કહેતા કે હું ચોરાણું વર્ષ જીવવાનો છું ને જલસા કરવાનો છું!' એમની ગણના પંદર સોળ વર્ષના ફેરે ખોટી પડી. જ્યારે પણ વાત થાય, આપણે પૂછીએ કે ‘કેમ છો ચિનુભાઈ? સામેથી ઉધરસવાળા ‘જલસા!’ અચૂક સંભળાય. આ અચૂક શબ્દ એમને બહુ પ્રિય. ગંભીર તબિયતની આલબેલસમી ઉધરસને પણ જે માણસ જલસામાં ખપાવી શકે એની આત્મવંચનાને કોણ રોકી શકે? ગયાં પંદર વર્ષમાં એ ચારેક વખત સ્વર્ગની ડેલીએ હાથ દઈ આવ્યા હતા. પ્રત્યેક સૂર્યોદયે તેઓ સંકલ્પ લેતા કે આજથી ધૂમ્ર અને મદ્ય સંપૂર્ણપણે અગ્રાહ્ય! કિન્તુપરંતુ, સૂર્યાસ્ત એ એમની ‘હાર્ડોહાર્ડ’ મજબૂરી હતી. ચિનુભાઈ મૈત્રીના માણસ હતા. એક વાર મને અને કિરીટ દુધાતને, રજનીકુમારનાં પત્ની તરુબહેનની શ્મશાનક્રિયા પછી ઉપાડી ગયા એમના ઘેર. ગરમાગરમ ઈડલીસંભાર ખવડાવેલાં. એમની પુત્રવધૂએ ઉમળકાથી આતિથ્ય કરેલું. દાદી ન હોય એવા ઘરમાં દાદાનું આવું માન જળવાતું બહુ ઓછા ઘરોમાં જોયું છે. નવી લખાયેલી ગઝલો સંભળાવેલી. દેહ છોડાવવામાં સફળ થનાર માંદગી આવી એ પૂર્વે એમણે બહુ જલસા કર્યાં. માણસ કશું ન કરે તોય ઉંમર તો વધે જ અને દર વર્ષે જન્મદિવસ તો આવે જ. ચિનુભાઈ લોકોને પ્રેરણા આપી આપીને પોતાનો દરેક જન્મદિવસ ઉજવાવડાવ…ડાવ…ડાવતા! પાછા દરેકને જાતે ફોન કરે. પ્રેમપૂર્વક આગ્રહ કરે. આવો જ આવો! મને અને બિન્દુને કફમિશ્રિત સ્વરે કહે કે – 'તમે લોકો સામે હો તો જ જલસા પડે!’ એ અર્થમાં એ ક્ષણોના મહેલના માણસ હતા. આગળપાછળના સંદર્ભોને ભૂલીને નવોન્મેષી બની શકતા હતા. એક દિવસ અચાનક જ એમનો ફોન આવ્યો. એક શબ્દ પણ બોલી શકે નહીં! માત્ર એમનો મોટો થઈ ગયેલો શ્વાસ જ સંભળાય. હું કહું છું: ‘ચિનુભાઈ! કંઈ તો બોલો… હું સાંભળું છું… ગળું ખોંખારો…ધીમે ધીમે બોલો……’ ઘણી વારે માંડ માંડ અને એટલું જ બોલ્યા: 'તું અને બિન્દુ મળવા આવો. જયજિતને પણ લેતાં આવજો. અને હા, તાજા ગઝલ ભી ચાહિયે!’ આટલું બોલતાં તો એ રડી પડ્યા. મને ખબર છે, એ આંસુ કોરાં નહોતાં! અમે ગયાં ત્યારે ચિનુભાઈ પથારીમાં હતાં. આજુબાજુનો અસબાબ ઘણો મોટો હતો. અમે ત્રણેય વારાફરતી એમને પગે લાગ્યા. એમણે રીતસર અમારા માથે એમનો સૂજી ગયેલો હાથ ફેરવ્યો. એ દિવસે એમની આંખોમાં નરી નિર્મળતા હતી. અમારાં માટે શુભેચ્છાઓ હતી. આશીર્વાદ હતા. છેવટે એમના ચહેરા ઉપરથી પેલી (હૈયા)સગડીની જાળી હટી ગઈ હતી. ચિનુભાઈનો આ ચહેરો જુદો હતો. શરીર સંદર્ભે ફિક્કો દિસતો હતો પણ, અંદરની ચેતના સંદર્ભે ઝળહળતો હતો! અમારી ત્રણેયની ભીની આંખો જોઈને એમણે ય ‘ખારાં ઝરણ’ને માર્ગ આપ્યો. પછી એકદમ મિજાજ બદલતાં કહે: 'મારી ગઝલ ક્યાં?’ હું એમને તાજા ગઝલ સંભળાવું છું. રાજી થયા. હાથ ઊંચો કરીને 'ક્યા બાત!’ કહ્યું. એટલામાં સજોડે કવિ દલપત પઢિયાર પ્રગટ થયા ને અમે રૂમમાં જગ્યા કરી આપી. બહાર નીકળીને મેં બિન્દુને કહ્યું: ‘આપણે ઈચ્છીએ કે ચિનુભાઈ પોતે કરેલી આગાહી મુજબ ચોરાણું વર્ષ જીવે. પણ...’ ‘જો જો ને! એ પાછા ઊભા થઈ જવાના…. આવું આવું તો કેટલીય વાર થયું છે... એમની જિજીવિષા ઘણી છે ને? ટકી જશે!' બિન્દુ મને ફોસલાવી રહી હતી! મેં કહ્યું કે – 'વળી વળીને ચિનુભાઈનો આ શે'ર જ કેમ સ્મરણમાં આવે છે?' ‘ક્યો શે'ર ?'

‘દરવખત પટકાઈને ‘ઈર્શાદ' બેઠો થાય છે.
આ વખત શક્ય જ નથી, લે બોલ લાગી ગઈ શરત?’