તારાપણાના શહેરમાં/સુદીર્ઘ પ્રતીક્ષા

From Ekatra Wiki
Revision as of 00:22, 13 May 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સુદીર્ઘ પ્રતીક્ષા

ગઝલ મારે માટે મર્યાદામાં રહીને અનંતને પામવાની યાત્રા છે. અવ્યક્તને વ્યક્ત અથવા વ્યક્તને ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણથી પુનર્વ્યક્ત કરવાની અને વળી તેને વિલક્ષણતાપૂર્વક કાવ્યમય સૌંદર્યથી ઢાંકી દેવાની લીલા એટલે ગઝલ. આ આખી ચૈતસિક પ્રક્રિયામાં મારી જાતને તથા તે દ્વારા આખા વિશ્વને પામવાની સતત પ્રતીક્ષા એ પણ ગઝલ.

અહીં જે ગઝલો પ્રસ્તુત છે તે મારી અભિવ્યક્તિની આંતરિક અનિવાર્યતાને નિમિત્તે મેં જે જોયું-સાંભળ્યું છે તેનું રૂપાંતર છે. હું પણ આપની જેમ જ આ ગઝલોનો દ્રષ્ટા, શ્રોતા કે વાચક છું. હા, એટલું અવશ્ય કર્યું છે કે ‘પ્રથમ શ્રોતા’ તરીકે મને સંપૂર્ણ સંતોષ ન થયો હોય તેવી પંક્તિઓને અહીં સ્થાન નથી આપ્યું. વળી ઘણા કાવ્યપદાર્થને ગઝલસ્વરૂપમાં ઢાળવાનો આગ્રહ સેવ્યો છે. ગઝલના રદીફ, કાફિયા, છંદ, લાઘવ ઇત્યાદિ બંધનોને અતિક્રમવા અને આયાસનો બને તેટલો અભાવ રહે તેના સતત આયાસરૂપે અનેક શક્યતાઓની સુદીર્ઘ પ્રતીક્ષા કરી છે. અંતતોગત્વા મારા સંવિત્તને માન્ય રહ્યું છે તે જ ઠેરવ્યું છે. તેમાં શુભાશુભ, સત્-અસત્ કે શિવ-અશિવની સૂગ નથી રાખી. શુદ્ધ અને પૂર્ણરૂપે કાવ્યસૌંદર્ય પ્રગટ થાય તે દૃષ્ટિ અવશ્ય રાખી છે. હું તો પ્રત્યેક ગઝલના પ્રત્યેક શેરના પ્રત્યેક શબ્દ પાસે ખૂબ અને વારંવાર રોકાયો છું. તેથી જ મેં પહેલી ગઝલ (1959) લખ્યા બાદ લગભગ ચાલીસ વર્ષે અને મેં માન્ય રાખેલી પહેલી ગઝલ (અનુભવ-1967) બાદ બત્રીસ વરસે આ પહેલો સંગ્રહ આવે છે.

મેં શબ્દને અનેક ઇન્દ્રિયરૂપે માણ્યો છે. મેં અર્થ, ધ્વનિ, લય અને સંગીત ઉપરાંત તેના સ્પર્શ, રંગ, રૂપ, રસ અને ગંધ આદિ અનેક તત્ત્વોનું પાન કર્યું છે. પરંપરા અને આધુનિકતા વચ્ચેથી પસાર થતાં ગઝલોના અનેક રંગો અને ચ્હેરા ઊપસ્યા છે તેનો આનંદ લીધો છે.

જો તે દેશકાળ અપરિચ્છિન્ન, સનાતન સુંદર હશે તો ‘હું જ માત્ર શ્રોતા છું’ તેવા ભાવથી અહીં સંકલિત થયેલી ‘મારી ગઝલો’ આપને ગમશે તો એ ‘આપની ગઝલો’ થઈ જશે. લગભગ સાડા આઠસો જેટલી લખેલી ગઝલોમાંથી મને ન ગમેલી સાતસો જેટલી ગઝલને સમયના ગર્ભમાં વિલય કરી દીધી છે. બાકીમાંથી આ રહી 108 ગઝલો.

–જવાહર બક્ષી