ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/૧. રૂશિયા

From Ekatra Wiki
Revision as of 15:08, 15 May 2024 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


નંદકુંવરબા જાડેજા

૧. રૂશિયા





ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા • રૂશિયા - નંદકુંવરબા જાડેજા • ઑડિયો પઠન: મનાલી જોશી



જે વખતે અમે રૂસની જાૂની રાજધાની માસ્કો આગળ આવ્યાં તે વખતે એ નામીચી નગરી સણગાર સજતી હતી. પોતાના નવા પતિ ત્રીજા અલેકઝાંડર પાદશાહને ભેટવા ઉમંગથી તૈયારી કરતી હતી. કેમકે એ અરસામાં નવા પાદશાહને આ નગરમાં પટ્ટાભિષેક કરવાની ધામધૂમ ચાલી રહી હતી. આ વખતે અમારૂં આવવું ઘણે ભાગે એજ પ્રસંગને લઈને હતું. મહોત્સવના સમયમાં આ નગરનાં જાણીતાં સ્થળ અમે તેનાં સુંદર રૂપમાં જોઈ શક્યાં હતાં. માસ્કો નગર માસ્કવા નદી ઉપર બલકે નદીની આસપાસ વસેલું છે. નદી શેહેરમાં વંકાતી વહે છે એટલુંજ નહીં પણ શેહેરમાંજ એને એક બીજી નાનકડી નદી આવી મળે છે. ગામ ઉપરથી નદીનું નામ પડ્યું છે કે નદી ઉપરથી ગામનું નામ પડ્યું છે તે નક્કી જણાયું નથી. નદી ઉપરથી નગરનું નામ પડ્યું હશે એમ ઘણાનું માનવું છે. અસલ ગામ જે સાડી આઠસેં વરસ ઉપર સ્થપાયું હતું તે એ નદીને ઉત્તર કાંઠે ઘણાં થોડાં વિસ્તારનું છે. એ ઉંચાણ ઉપર આવેલું છે ને પૂર્વે તાતાર લોકે એ ભાગ જીતી લઈ એને ‘ક્રેમ્લિન’ એટલે ગઢનું નામ આપ્યું હતું તેજ નામથી હાલ એ ભાગ ઓળખાય છે. ચોમેર ફરતી વસ્તી પસરાઇ જવાથી ‘ક્રેમ્લિન’ માસ્કોનું મધ્ય થઈ રહ્યું છે. એ ત્રિકોણ આકૃતિનું છે. પૂર્વે એને ફરતો લાકડાનો કોટ હતો. પાછળથી તેને પથ્થરનો બનાવવામાં આવ્યો છે. ઘર પણ લાકડાંનાં હતાં. તેથી બહારના શત્રુ આવીને એને વારંવાર સહેલાઇથી બાળી નાખતા. ઈ.સ. ૧૮૧૨ માં મહાન નેપોલ્યન જંગી ફોજ લઈને આ શહેર નજીક આવ્યો ત્યારે લોકોએ શહેરમાંથી નહાસી જતાં પહેલાં પોતાનેજ હાથે શહેર સળગાવી મૂક્યું. પોતાનાં ઘરબાર કોણ બાળી મૂકે? ફક્ત લાચારીથી જાૂના રજપૂતો પોતાનાં માણસને મ્લેચ્છને હાથ જતાં અટકાવવા જેમ તેને મારી નાખતા તેમ પોતાનાં વહાલાં ઘર ને માલમતા દુષ્ટ શત્રુને સ્વાધીન ન થાય એ હેતુથી તેનો પોતાનેજ હાથે નાશ કરવો બાપડા લોકે દુરસ્ત ધાર્યો. તેઓ સામા થઈને મરવા તૈયાર હતા. પણ તેમનોજ એક સરદાર ખૂટ્યો ને તેનાં કાવત્રાંથી લોકને નહાસવું પડ્યું. એ વેળા તેઓનો ગભરાટ કેટલો હશે? તવારીખ લખનાર લખી ગયા છે કે માતા પોતાનાં બાળકને કેડે બાંધી નહાસતી હતી; માંદાં માણસને ઘરના મજબૂત માણસ પીઠ ઉપર બેસાડી પલાયન કરતા; ગાય ઢોરોથી રસ્તા ભરાઇ ગયા હતા. ટુંકામાં બાપડી રૈયત કેવળ ગાભરી બની ગઈ હતી. શહેરનો જે થોડો ભાગ સલામત રહ્યો હતો તે ફ્રેંચ સિપાઈઓએ લૂટફાટ કરી વેરાન કરી દીધો. ત્રણ દિવસ સૂધી આગ હોલવાઇ નહીં ને શહેર પાયમાલ થયું. નેપોલ્યન તથા તેના સ્વચ્છંદી લશ્કરને પોતાનાં કૃત્યનો બદલો તુરતજ મળ્યો. પોતાને મુલક પાછા વળતાં ટહાડ ને બરફને લીધે લાખો ફ્રેંચ સીપાઈએ રૂશિયાની ભૂમિને પોતાનાં શરીરનું ખાતર આપ્યું; નેપોલ્યન હાર્યો; કેદ પકડાયો ને બળાપો કરતો મૂવો. એના પછી એના વંશના એક બે જણે ગાદી ભોગવી રાજનો હક ખોયો ને આજ એવો વખત આવ્યો છે કે રૂશિયાની જોડે મિત્રાચારી બાંધવામાં ફ્રેંચ લોક પોતાને ભાગ્યશાળી માને છે. જે નગર તેઓએ બાળી નાખ્યું હતું તે નગર હાલ પોતાની રાખમાંથી ફરી જન્મ પામી જોનારને પોતાની મોટાઈ ને સુંદરતાથી હેરત પમાડે છે. સારાનું પરિણામ સારૂં થાય છે. પણ કોઈ વાર દૈવયોગથી નઠારાનું પરિણામ સારૂં ઉતરે છે તેનો માસ્કો નગર જીવતો દાખલો છે. વસ્તી વધીને નવ સાડાનવ લાખની થઈ છે. શહેર રૂશિયાના રાજમાં વેપાર ઉદ્યોગનું મથક બન્યું છે. તમામ દિશામાં અહીંથી આગગાડી ફંટાય છે. કારીગર લોકનાં આશરે હજાર કારખાનાં છે ને તેમાં લાખો માણસની રોજી ચાલે છે. યૂરોપ તથા એશિયાના દેશો જોડે ધમધોકાર વેપાર ચાલે છે ને સુએઝની નહેર થયાથી હિંદુસ્તાન જોડેનો વ્યવહાર ગાઢો થતો જાય છે. શહેરનો ઘેરાવ ત્રીસ માઈલનો છે. આશરે હજાર તો શેરીઓ છે ને દેવળ તથા મઠની સંખ્યા સાડી ચારસેંની કહેવાય છે. આમ નગર નવનવું બન્યું છે તોપણ ક્રેમ્લિનનો ભાગ જાૂના જમાનાનું કંઈક સ્મરણ કરાવે છે.

રાજમહેલ, મુખ્ય દેવળ, તોશાખાનું તોપખાનું વિગેરે ક્રેમ્લિનમાં છે માટે એ ભાગ પ્રથમ જોઈ લેવા જેવો છે.

એ દેવળને લગતી એક હસવા જેવી દંત કથા ચાલે છે કે રાજ્યાભિષેકને દહાડે મુખ્ય મુખ્ય પાદરી ગધેડા ઉપર બેસી આખા નગરમાં ફરતા ને આ દેવળના દરવાજા પાસ આવતા એટલે અભિષિક્ત ઝાર તેની લગામ ઝાલતો! પાદરીઓ પ્રજાપતિના ઘોડા ઉપર શા માટે બેસતા તેનો મર્મ સમજાતો નથી! પણ એવી સ્વારીનો રિવાજ હાલના વખતમાં મોકૂફ છે, જોકે રિવાજ બંધ થયાથી ઘણા નગરવાસીની ગમ્મતમાં ભંગ પડ્યો હશે એમાં શક નથી.

રાજમહેલની ઉગમણી બાજાુએ જાૂનું પણ ઘણું પવિત્ર મનાતું દેવળ છે. એને ‘ઉસ્પેન્સ્કી સોબોર’ એટલે સ્વર્ગારોહણ મંદીર કહે છે. ખ્રિસ્તની મા મરિયમે સ્વર્ગારોહણ કીધું તે પ્રસંગના સ્મરણ માટે દેવળ બાંધ્યું છે. આજ મંદીરમાં હાલના ઝારનો રાજ્યાભિષેકનો વિધિ અમે જોયો તે વખતનો ભભકો ઘણો જ હતો.

તારીખ ૨૬ મી મે સને ૧૮૯૬ નો દિવસ પટ્ટાભિષેકનો માટે ઠર્યો હતો. એટલા માટે ઝાર (મહારાજા), ઝારીના (મહારાણી) તથા રાજકુટુંબનાં માણસો અઠવાડીયા અગાઉ સેંટ પીતર્સબુર્ગથી આવ્યાં હતાં. તારીખ ૨૧ મીએ રાજા રાણીએ દબદબા ભરી રીતે પુરમાં પ્રવેશ કીધો. એ દિવસે ઝારને માન સુકન થયા હતા એમ કહેવાય છે. કેમકે તે દહાડે પશ્ચિમ દિશામાં ચોમેરથી વાદળાં એકઠાં થઈને એક મોટા સફેત ગરૂડને આકારે દેખાયાં હતાં. ગરૂડ રશિયાનું રાજ્યચિહ્ન છે. તેથી લોકોએ એમ અનુમાન કીધું કે એ દેખાવ નવા રાજ્યની સુખશાંતિ અને આબાદી સૂચવે છે. બરાબર સોળ વરસ ઉપર આજ રાજા પોતાની રાણી સાથે આ નગરમાં આવેલો તે દહાડે વરસાદ વરસતો હતો. ને રાજા રાણી જ્યારે બહાર ફરવા નીકળ્યાં એટલે વરસાદ બંધ પડ્યો ને સૂર્ય બહાર નીકળેલો તે વાતને પણ લોકે માંગલિક ચિન્હમાં ગણ્યું હતું. વહેમની કોટીમા ગણાતી આવી બાબતો ઉપર દૃઢ શ્રદ્ધા રાખનારા યૂરોપમાં રૂસ જેવા બીજા લોક નહીં હોય. એજ રાત્રે શહેરમાં રોશની થઈ હતી. ગ્યાસ, વીજળી તથા રંગી બેરંગી ચીની ફાનસની રોશનીથી દેખાવ અદ્ભુત આનંદકારી લાગતો હતો. આખું નગર, ને મુખ્યત્વે કરીને ક્રેમ્લિન, પ્રકાશથી ભરપૂર થયું હતું ને તે જોવાને તમામ પ્રજા ઉલટી હતી. માસ્કોના સુબાનો મહેલ, સુધરાઈ ખાતાની કચેરી ને બીજાં શ્રીમંતોનાં મકાન એવી સુંદર રીતે પ્રકાશતાં હતાં કે તેનું વર્ણન કરવાને કલમ કામ કરતી નથી. રોશની બેહદ તારીફ લાયક હતી. બીજે દહાડે ઝારે પરરાજ્યના પ્રતિનિધી, એલચી અને આ ખુશાલીમાં ભાગ લેવા આવ્યા હતા તેની રાજમહેલમાં મુલાકાત લીધી. ફ્રાન્સ, ઇંગ્લંડ, સ્પેન, અમેરિકા, પ્રુશિયા, દેન્માર્ક, ચીન વિગેરે મોટા મોટા દેશોએ પ્રતિષ્ઠિત ને રાજવંશી પ્રતિનિધી સરપાવ સાથે મોકલ્યા હતા. ઇંગ્લંડ તરફથી ડ્યૂક આવ્ કાનાટ આવ્યા હતા. એમ કરતાં તારીખ ૨૬ મીની સવાર થઈ કે તમામ લોક- બાળ યુવાન ને વૃદ્ધ પોત પોતાના ઉત્તમ પોશાક પહેરી તમાશો જોવાને તૈયાર થઈ રહ્યાં. આઠ વાગતા લગીમાં ‘સ્વર્ગારોહણ’ મંદીરનો રસ્તો ઘણો જ જાગૃત થયો હતો. ખાસ આમંત્રણ કીધેલા લોક શિવાય દેવળમાં કોઈ જઈ શકતું નહીં. તમામ વસ્તીનાં લોક ક્રેમ્લિનની બહાર હતાં, અમને ખાસ આમંત્રણ હતું તેથી વખતસર દેવળમાં જઈ પહોંચ્યાં હતાં. નવ વાગે સફેત કીનખાબનું લુગડું પહેરી હીરા જડિત મસ્તક ઉપર સોળ સામંતે ઝાલેલા ચંદરવા સહિત રાજમાતા દેવળમાં દાખલ થયાં ને ઉંચા આસન આગળ પોતાની જગા લીધી. પોણા દસ વાગે વાજાં, ઘંટ, તોપના બહાર ને લોકના ખુશીના અવાજ સંભળાયા એટલે સહુએ જાણ્યું કે રાજા રાણી દેવળની નજીક આવે છે. ‘ત્રાતાના દરવાજા’ આગળ આવ્યાં એટલે રાજદંપતી રિવાજ પ્રમાણે ત્રણ વાર ઘૂંટણીએ પડ્યાં, સાધુની મૂર્તિના ને મરિયમના પુરાણા ચિત્રના હાથ પગને ચુમ્મી લીધી, ને દેવળ આગળ આવી પહોંચ્યાં. દેવળમાં પેઠાં કે તમામ ઘંટ સાથે વાગવા લાગ્યા, રણસિંગાંનો અવાજ ને તોપના ધડાકા થયા. રાજા રાણી સિંહાસન ઉપર બેઠાં એટલે રાજમાતા પણ જૂદા સિંહાસન ઉપર બેઠી. મુખ્ય પાદરીએ પવિત્ર જળ આગળ ધર્યું તેનું ત્રણે જણે નમણ લીધું. પોતાના બાપદાદાનો ધર્મ હું માનું છું એવો જાહેર કરાર કરવા ધર્માધ્યક્ષે રીત મુજબ રાજાને કહ્યું તે ઉપરથી રાજા ઉભો થયો ને મોટા પાદરીએ એની આગળ એક મોટી ચોપડી ધરી તેમાંથી ઝારે કંઈ વાંચ્યું. શું વાંચ્યું તે સમજાયું નહીં પણ રાજા લાગણીથી ને સ્પષ્ટ અવાજે વાંચતો હતો. ત્યાર બાદ ઝારના નાના ભાઈએ તથા કાકાએ ઝારને કીમતી ઝબ્બો પહેરાવવામાં પાદરીને મદદ કીધી ને તેણે પહેરેલો ગળેબંધ કહાડી નવો હીરાનો ગળેબંધ પહેરાવ્યો. રાણીને પણ ઘણો બોજદાર ઝબ્બો પહેરાવ્યો. પછી રાજાએ માથું નમાવ્યું ને પાદરી આશીર્વાદ ભણ્યો ને એક સોનેરી તકીયા ઉપર માણેકના ક્રૂસવાળો હીરાનો મુગટ રાજા સન્મુખ ધર્યો. ઝારે તેને હાથમાં લઈ ચુમ્મી લીધી ને ગંભીરાઈથી તે પોતાને માથે મૂક્યો ને સર્વ મંડળી આગળ મુગટધારી ઝારના ખરા રૂપમાં ઉભો. એ વેળા પંચાશી લાખ ચોરસ માઈલ જમીનનો ધણી ને બાર કરોડ માણસનો અધિપતિ હું છું એવા વિચાર એનાં મનમાં રમી રહ્યા હોય તેમ જણાતું હતું. મોટા પાદરીએ ટૂંકામાં પછી આશીર્વાદ આપ્યો એવી મતલબનો કે આ બાદશાહી મુગટ ધારણ કરી ધર્મ ને પ્રજા બેને તમે લાભકારી નીવડો.

મુગટ પહેરીને નરમ સાદે ને હાથનો ઇશારો કરીને ઝારે પોતાની અર્ધાંગનાને પોતાની સન્મુખ બોલાવી. તેની આગળ એક નરમ તકીયો મૂક્યો હતો તે ઉપર મહારાણી ઘૂંટણીએ પડી. રાજાએ ધીરેથી પોતાનો મુગટ માથેથી ઉંચકી રાણીના માથા ઉપર મૂકી પાછો લઈ લીધો ને બીજો નાનો રત્નજડિત મુગટ રાણીને પહેરાવ્યો. પછી મહારાણીને ઝારે નરમાસથી હાથ ઝાલી ઉઠાડી પોતાની પાસે ખેંચીને પ્યારથી તેને ચુંબન કીધું. એ વેળા એનો ચહેરો લજ્જા, પ્રીતિ ને અત્યાનંદના મિશ્ર રંગથી રંગાયો હતો. ને રાજમાતાની આંખમાંથી હરખનાં આંસુ વહેતાં હતાં. તેણીનું હૈયું ભરાઈ આવ્યું. મુગટ પહેરાવવાના વિધિ પછી રાજમાતાએ પોતાના વહાલા પુત્રને વહાલથી ચુમ્મીઓ લઈ રાજાએ તેનો આશીર્વાદ સ્વીકાર્યો. ત્યાર બાદ સગાં વહાલાંને બીજા રાજવંશીઓ તરફથી મુબારકવાદી આપવામાં આવી. આટલું થઈ રહ્યા બાદ દેવળે પાછો ગંભીર દેખાવ ધારણ કીધો. રૂશિયાના શહેનશાહ પોતાને માથેથી મુગટ ઉતારી પોતાનો રાજદંડ તથા ભૂગોળનું રાજ્યચિન્હ આઘાં મૂકી ઘુંટણીયે પડ્યો ને જગતકર્તા પરમેશ્વરની થોડી વાર બંદગી કીધી ને એક ધર્મ પુસ્તકમાંથી સ્પષ્ટ અવાજે થોડું વાંચ્યું તેમાં એવી મતલબ હતી કે ‘હે પ્રભુ જે, જબરી જવાબદારી મેં માથે લીધી છે તે બર આણવાને મને જોઈતું બળ આપજે.’ આ થઈ રહ્યા પછી ઝાર ઉભો થયો ને પાછાં પોતાના મુગટ આદિ રાજ્યચિન્હ ધારણ કીધાં એટલે મુખ્ય ધર્માધિકારી આવ્યો. આ પાદરી સાહેબનો દેખાવ ઘણો ગંભીર હતો. પીળો જરીનો ઝબ્બો તથા માથે ટોપી પણ મુગટના આકારની કીમતી હતી. એની લાંબી દાઢીએ એના ચેહેરાનો દેખાવ ભારેખમ કીધો હતો. એણે ઝારની સન્મુખ આવી સાંકળવાળા સ્થંડિલમાં ધૂપ નાખીને તેને આમ તેમ ફેરવ્યું ને પછી પોતે ઘુંટણીયે પડ્યો એટલે દેવળમાં તમામ માણસે તેમ કીધું ને એવો સંકેત રાખ્યો હતો કે એ વખતે રૂસની તમામ પ્રજા ગમે તે દૂર ભાગમાં હોય તે પણ ઘુંટણીયે પડે. શહેનશાહ માત્ર ઉઘાડે માથે મધ્યમાં ઉભો રહ્યો હતો. પાદરીએ રૂશિયાના તમામ માણસ તરફથી ઝારને સુખી રાખવાની પ્રાર્થના કીધી. એ થયા પછી ઝાર પાસેના ઓરડામાં ગયો ત્યાં કંઈ ધર્મ ક્રિયા એકાંતમાં કીધી ને પાછા આવી નવાં તૈયાર કીધેલાં દારૂ ને રોટલો સહુને બતાવ્યાં. ઈસુ ખ્રિસ્તના લોહી ને શરીરનાં એ ઉપલક્ષક છે ને તે તૈયાર કરવાની લાંબી વિધિ છે. આ લાંબી કવાયત કરતાં શહેનશાહ ઘણો જ થાકી ગયો હોય એમ દેખાતો હતો. એનો ચહેરો પણ ફીકો લાગતો હતો. તેનું કારણ કે એક તો ધર્મ ક્રિયાનો શ્રમ ને બીજાું પટ્ટાભિષેક પહેલાં બે ત્રણ દિવસ લગી ધારા પ્રમાણે એને એકાંત વાસ ને અપવાસ કરવા પડ્યા હતા. હિંદુઓ અપવાસમાં કંદ ફળ ખાય છે તેમ રૂશિયનો અપવાસમાં માછલી ખાય છે. કેટલાક એવું કારણ આપતા હતા કે એના પિતાને કેટલાક બદમાશ લોકે પ્રપંચથી મારી નાખ્યો હતો તેમ કોઈ પાપી માણસ એના જાનને તો જોખમ નહીં કરે એવી ધાસ્તીથી ફીકો દેખાતો હતો. પછી તેલ લગાડવાનો વિધી કરીને શહેનશાહ કેટલાક અમલદારોના ખંભા ઉપર હાથ ટેકવીને ‘પવિત્ર દરવાજા’માં થઈને સાડા બાર વાગે દેવળની બહાર નીકળ્યો. વિશાળ લાલ ઘૂમટ નીચે ચાલી રાજમહેલમાં મહારાણી સહિત પોતાના મેહેલમાં પેઠો એટલે સામટો ઘંટનાદ થયો, તોપ ગગડવા માંડી ને રાજારાણીને ઝરૂખામાં ઉભેલાં જોઈને લોકોએ આભ ફાડી નાખે એવા ખુશીના પોકાર કીધા. દેવળમાંથી ગાડીમાં બેસીને ઘેર જવાનું કામ ઘણું મુશ્કેલ થયું હતું. લોકોની ઠઠ બેસુમાર હતી. તમાસો જોવાને આસપાસના ગામોમાંથી તથા દૂર દૂરના ભાગમાંથી ઘણા લોક એકઠા થયા હતા. રસ્તામાં, ઘરમાં, ને ઘરને છાપરે લોક કીડીની પેઠેમ ઉભરાતા હતા. આટલી મેદની સાથે લોકમાં કોઈ જાતનો ટંટો ફીસાદ થતો નહોતો. એટલું સ્થાનિક પોલીસને મગરૂર થવાનું કારણ હતું.

આ માંગળિક પ્રસંગને લઈને શહેનશાહને માટે એકશઠ, મહારાણી માટે એકાવન, રાજકુટુંબ માટે એકવીસ ને પ્રજાને માટે એકવીસ એમ તોપની સલામતી આપવામાં આવી હતી. એ રાત્રે શહેરમાં રોશની બહુ સારી થઈ હતી. આખા શહેરમાં એકી વખતે રોશની થાય એવી જુક્તિ કીધી હતી. રાતના નવા વાગે એક ફુલનો ગોટો મહારાણીના હાથમાં આપવામાં આવ્યો તેમાં એવી કળા હતી કે ગોટાની ડાંડી જેવી રાણીએ દબાવી કે ફુલમાંથી દીવાનો પ્રકાશ નીકળ્યો ને તેજ વખતે આખા શહેરમાં દિવાળીનો દેખાવ થયો. પોતાના પરોણાનાં માન ખાતર શહેનશાહે એ દહાડો બાલ (નાચ)ની ગંમત કીધી હતી અને એક દિવસ મોટું ખાણું આપ્યું હતું. બેઉ પ્રસંગે અમને નોતર્યાં હતાં.

આ આનંદનો પ્રસંગ લાંબા વખત સૂધી યાદ રહે તે માટે ઝારે રાજ્યનું બાકી લેણું માફ કીધું; જમીનનો કર દસ વરસ સૂધી અડધો લેવા ઠરાવ્યું; કીધેલા દંડ માફ કીધા; હજારો કેદીને છોડી મૂક્યા; દેશ નીકાલ કીધેલા ઘણા ગુનેગારોને બંદોબસ્ત સાથે છૂટા કીધા; ઘણી ઘણી શિક્ષામાં ઘટાડો કીધો; નવાં વિદ્યાલયો સ્થાપ્યાં ને એ શિવાય બીજા લોકોપયોગી કાર્ય કરી સહુને રાજી કર્યાં. આ ઉપરથી લાગે છે કે ઝાર પોતાનો પ્રજા પ્રત્યેનો ધર્મ સમજે છે. હજી જાુવાન છે. પ્રિન્સ આવ વેલ્સના કુંવર ડ્યૂક આવ્ યાર્કના જેવો ને જેવડો દેખાય છે. વિલાયતમાં એ ગયેલો ત્યારે ઘણા લોકને એ બે રાજવંશીને ઓળખવામાં ભૂલ થતી. એ સ્વભાવે મીલનસાર છે. ગાયનકળામાં કુશળ છે ને એના સાદમાં મીઠાશ છે. કોઈને મ્હોએ વિનોદમાં એણે એમ કહ્યું હતું કે જો હું શહેનશાહ ન થયો હત તો ગાયનનો ધંધો કરી પેટ ભરવામાં મને અડચણ પડત નહીં. અમે એની પરોણગત લીધી છે તેથી ઇચ્છીયે છીયે કે એ લાંબો વખત રાજનું સુખ ભોગવો ને એની સત્તા નીચે એની પ્રજા આબાદ થાઓ.

[ગોમંડળ પરિક્રમ, ૧૯૦૨]