ચિત્રદર્શનો/ગુરુદેવ

From Ekatra Wiki
Revision as of 01:29, 24 May 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૩, ગુરુદેવ



ગુરુદેવ! નમોનમઃ
ગુરુ! ત્ય્હાં સુણાશે આ શબ્દ?
જ્ય્હાં વિચરો છો જ્યોતિરૂપે,
ત્ય્હાં મૃત્યુલોકના બોલ પહોંચે છે?
શીખવ્યું છે આપે જ, ને સ્મરૂં છું,
કે માનવ વાણીનો પડઘો
શ્રવણેન્દ્રિયમાં પરિસમાપ્તતો નથી.
મનવચનકર્મના મહાધ્વનિ
જગતમાં ને જગતની પાર ઘોરે છે.
એટલે શ્રદ્ધા છે ગુરુબોધમાં
કે શબ્દ નહીં તો શબ્દાર્થ,
ને શબ્દાર્થ નહીં તો શબ્દભાવ,
સદા યે સંભળાંય છે ત્ય્હાં.

‘ત્ય્હાં’ એટલે ક્‌ય્હાં?
સ્વર્ગ? વૈકુંઠ? ગોલોક? અક્ષર? ક્‌ય્હાં?
જગજ્જનો જાણવા ઇચ્છે છે,
મૃત્યુના પડદા પાછળ જોવા વાંછે છે.
મ્હેં તો વચનામૃત પીધું છે કે
ન હિ કલ્યાણકૃત્‌ કશ્ચિત્‌
દુર્ગતિં તાત! ગચ્છતિ.
કંઈ કંઈનાં કલ્યાણ કીધાં છે,
પ્રાણધન ખરચી પ્રાણ ઉદ્ધાર્યા છે,
તે કલ્યાણ જ પામ્યા છો.
જ્ય્હાં વિહરો છો ત્ય્હાં,
સંસારમુક્ત તે સદ્‌ગતિમાં;
પુણ્યધામે આનન્દમૂર્તિ છો.

ગુરુરાજ! મોહન એ મચ્છુનો કાંઠો,
ને હેતાળ એ મોરબીની વસ્તી!
કાળમીટના વજ્રતટન એ વેરાન ભવ્યતા
ને લોકસંઘના સદ્‌ભાવની એ કુમાશ!
દેવ ને મનુદેવ જ્ય્હાં લીલા કરે
તે તીર્થ, ને અન્ય અતીર્થ.
ગુરુદેવ! પુણ્યપગલાંથી આપે,
ને સાધુકવિ વેદમૂર્તિ મહર્ષિ
બ્રહ્મસભાના બ્રહ્મરત્ન શંકરલાલજીએ,
એ અતીર્થને તીર્થ કીધાં અમ માટે.
ગંગા અને ગંગાના તટવાસી જેવાં
સ્મરણમાં રમે છે એ સહુ.

ઘેરે નાદે મુખની મોરલી બોલતી,
ન્હાને ડગલે પૃથ્વી ઉપર પગલાં પાડતા,
પુણ્યના પરિમલે જીવનનું પુષ્પ વિકાસતું.
પ્રફુલ્લ બૃહસ્પતિની જોડલી સમોવડી
નયનબેલડી ત્હમારી પ્રોજ્વલ પ્રકાશતી,
વિશાલ તેજસ્વી ભાલદેશે
અનેક રેખ ત્રિપુંડ્ર સમી
તત્ત્વચિન્તનની રેખાઓ લંબાતી.
જ્ઞાનભારે ભમ્મરો નમતી,
અનુભવના અંબારથી અંજાયેલાં
પોપચાં ધીમેશથી પડતાં–ઉપડતા.
ફિલસુફની તત્ત્વલીનતા ને ચિન્તનસમાધિના
વદને ઊંડા પડછાયા પથરાતા.
યૌવનનો ઉઘાડ છતાં વિકારહીન,
બુદ્ધિવૈભવ છતાં અડગ શ્રદ્ધાવાન,
પ્રારબ્ધવાદી છતાં નિરન્તર પુરુષાર્થી,
અદ્વિતીય ગુરુ છતાં સદાના શિષ્ય,
મહાતત્ત્વજ્ઞાની છતાં યે
એકાન્તિક ભક્ત ત્હમે હતા.
અભ્યાસના ખાલી કુંભમાં
ટૂંકા જીવનનો ઉભરાતો અનુભવ
નીતારી નીતારી ભર્યો હતો.
જડદેહે બટુકજી જણાતા,
પણ ચેતનદેહે વિરાટરૂપ વિલસતા.
સાદાઈ અને સરલતાની સૌમ્યમૂર્તિ,
ઉન્માદ ને અત્યાચારના અરિ હતા.
વસન્તના વાયુ વાય,
ફળે, ને સહકાર નમેઃ
સંસારનાં સદ્‌ફળ ફળતાં
તેમ તેમ ત્હમારી ડાળે નમતીઃ
સન્માનથી સર્વદા ત્હમે વિનયી થતા.
અમારી નિત્યે કલ્યાણકામનાવાળા,
શિષ્યોના નિરન્તર હેતના લોભી,
વિદ્યાર્થીઓની વાતના વિસામા હતા.
બ્રહ્મચારીને બ્રહ્મચર્ય બોધતા,
ગૃહસ્થાશ્રમીને ગાર્હસ્થ્ય-ધર્મ શીખવતાઃ
પ્રેરણાથી પ્રકાશતી એ વાણી હતી.
દેવમન્દિરમાં યે દેવકથા કરતા,
પુરાણ-વાર્તા નવઉત્સાહે લલકારતા,
સાધુસન્તો યે સુણી સત્કારતા તમ વેણ.
પંચેન્દ્રિયો અખંડ પંચ વર્તમાન પાળતી.
એકાદશીનાં જાગરણ ઉપવાસ ધૂન નીરખી
સુફી અને અગમ્યવાદીઓ સાંભરતા.
ત્હમારા વતન ફરતાં વનમાંના
મહાઘોષમાં શાર્દૂલની ગર્જના સમોવડો
ત્હમારો ઉપદેશ ગાજતો.
લક્ષ્મીજીએ કુંકુમચન્દ્રકે
ને નારાયણ ભગવાને કેસરતિલકે
ગુરુરાજ! ત્હમને વધાવ્યા હતાઃ
ને દેવભાગનું નૈવેદ્ય ધરાવીને જ
દેવદત્ત વૈભવ ત્હમે ભોગવતા.
લીલમલીલી અમ ગુજરાતની અમરાઇએ
નવશિક્ષણની ત્હમે સાખ હતા.
પ્રાચીનઅર્વાચીન ઉભયમાં શ્રદ્ધાવાળા,
રાજાપ્રજા ઉભયમાં આસ્તિક ર્‌હેતા.
સદ્‌ગુરુ સહજાનન્દજી ને મહાત્મા અફલાતુન
ઉભયના પરમ ઉપાસક હતા.
કાલના આદિથી કવિઓ
પુષ્પના ગુણાનુવાદ ગાઈ રહેવા
મથે છે, પણ નથી ખૂટ્યા એઃ
મહાનુભાવી ગુરુદેવની તો પછી
ગુણગીતા કેમ ગવાઈ રહે?
નેતિ, નેતિ, નેતિ, ભગવાન!

આયુષ્યની ઉજમાળી સ્મૃતિઓ
કોને નથી સતાવતી?
સુખનાં સ્મરણોમાં ઊંડું દુઃખ છે,
દુઃખનાં સ્મરણોમાં ઊંડું સુખ છે.
પુરાણાં સુખ સંભારતાં યે
દિલ દાઝે છે, ગુરુજી!

સૂર્યનું કિરણ સપ્તરંગે ઉઘડે,
ને સાતે રંગ પાછા સંકેલાઈ
એકજ્યોત શ્વેત કિરણ સોહાયઃ
ત્હમારા જીવનનું કિરણ પણ તેમ
સંસારમાં અનેક રંગે ઉઘડ્યું,
ને ઉઘડી, પ્રફુલ્લી, ઝળહળ ઝળકી,
અન્તે એકજ્યોત સંકેલાઈ,
ધવલ રંગે ધર્મમાં આથમ્યું,
ને સૂક્ષ્મ અંશ અક્ષરચરણે વિરામ્યો.
જય એ ત્હમારો, ગુરુદેવ!
જગત જીત્યા, ને પછી એ જીત્યા.

પૃથ્વીને આરા છે,
ને પૃથ્વીમાંની ઉત્ક્રાન્તિને યે આરા છે.
એ પછીના ઉત્ક્રાન્તિમાર્ગ
અવકાશને સ્હામે તીરે છે;
ને મૃત્યુની નદીનાં અન્ધારાકાળાં નીર
વચમાં ઘેરાં ઘેરાં વહે છે.
એ વારી તરી ઉતરતાં
મનુષ્યનાં માટીનાં માળખાં
ઓગળી જાય છે, દેવ!
ત્હમે પૃથ્વીના પોશાક ઉતાર્યા,
ત્હમે ચેતનના વાઘા સજ્યા,
ત્હમે તેજની પાંખો પ્રસારી ઉડ્યા
 એ ઉત્ક્રાન્તિના અગોચર પન્થે.
ઊર્ધ્વગામીનું જવું યે ધન્ય છે,
અધોગામીનું જીવવું યે ધૂળ છે.
જગત્‌યાત્રામાં જીવન ને મૃત્યુ
ઉભય ત્હમે ધન્ય કર્યાં.

ટૂંકી આયુષ્યની અવધો ત્હમારી,
પણ લાંબાં ઉરનાં સંભારણાં અમાસં.
સૂર્ય કરતાં સૂર્યપ્રકાશ વિસ્તીર્ણ છે,
પુષ્પ કરતાં પુષ્પના પરિમળ બ્હોળા છેઃ
પ્રકાશવન્ત ને પરાગમય આયુષ્ય કરતાં યે
એ આયુષ્યનાં સ્મરણ સુગન્ધ દીર્ધજીવી છે.

યસ્માન્નોદ્વિજતે લોકો
લોકાન્નોદ્વિજતે ચ યઃ
કોઈને દૂભાવ્યા નથી,
કોઈથી દૂભાયા નથીઃ
વડવાનળની મહાજ્વાલાઓ, દેવ!
જોકે ઘણી યે સળગાવેલી મ્હેં તો.
પણ દિલનો દરિયો ડહોળાયો નથી.
સહુને બધું ક્ષમા કરતાં જ
સંચર્યા છો સંસારના તીર્થમાં.

આપણો પ્રસંગ શું આલેખું?
નથી વીસર્યો ને નહીં વીસરાય,
સ્મરણમાંથી નહીં સરી જાય
એ આપેલું જીવતદાન.
ખરાબે લાધતી મ્હારી નૌકાને
વાળી વ્હેણમાં મૂકી,
એ નાખુદો ભૂલશે કદી?
ગગનના તારકલેખ ભૂંસાશે?
કે ભૂંસાય એ હઈયાના લેખ?

ગુરુદેવ! નમોનમઃ
બે વાર શરણે આવ્યો ને તર્યો.
ત્રીજી વાર પુણ્યનામાવશેષ
અહીં લખું છું અધૂરે અક્ષરે.
લોકકવિતા કહે છે કે
રામનામે પત્થર તર્યાઃ
તો કાશીરામને નામે
આ પત્થર તરશેસ્તો.
ત્ય્હાંથી યે ઉદ્‌બોધજો મુજ બુદ્ધિને,
ને પ્રેરણાનાં પીયૂષ પાઠવજો, દેવ!
શિષ્યસ્તેઽહંં શાધિ માં ત્વાં પ્રપન્નમ્‌.