હનુમાનલવકુશમિલન/અંત

Revision as of 07:42, 25 May 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
અંત

પછી ખૂબ અંધારું થઈ ગયું. ડબ્બામાં નવજાત બચ્ચાંઓનું પ્રમાણ અકસ્માત વધારે હતું. એમનું ઊંવા ઊંવા વધી પડ્યું. દરેક ઊંવાને જન્મ્યાના ઓછાવત્તા સમય અનુસાર જુદી જુદી જાડાઈ અને ગતિ હતાં. એમાં ખાંસીનો અવાજ ભળ્યો. કફ વચ્ચે થઈને આવતાં એમાં બેડોળ કંપ પેઠો. રડવાને અટકાવતો, દૂધની ટોટીમાંથી દૂધ સરવાનો ને હવા ભરાવાનો અવાજ આવવા લાગ્યો ને માબાપોની બુચકારીઓ સંભળાવા લાગી. સવાર, બપોર, સાંજ અને રાતની દૈનંદિન ગતિની ઉપરવટ જઈને કોઈ જબરજસ્ત કાળું પંખી ગાડીની ચોમેર વીંટાઈ વળ્યું. આજુબાજુના ડબ્બાઓમાંથી ઝમતો પ્રકાશ સામેની જમીનની દીવાલો પર પટકાઈને થોડો ઘણો આ ડબ્બા તરફ ધકેલાતો હતો. ખૂબ અંધારું હતું. વીજળીનો પ્રવાહ આ ડબ્બાને કુદાવીને આગળ નીકળી જતો હતો. પંખા ને લાઈટ બંધ હતાં ને સ્ટૉપર વિનાનું જાજરૂનું બારણું વીંચૂઈવીંચ્, વીંચૂઈવીંચ્ થયા કરતું હતું. પણ આંધળાને મન બધું સરખું જ હતું. એના ઘૂઘરાવાળા હાથ ઝડપથી ઢોલક પર થરકી ઊઠતા હતા ને નવો જમાનો કેવો કમજાત છે એનું એક ભદ્દું ગીત થૂંક ભેળું એ ઉડાડતો હતો. લાંબા સુક્કા માણસોના ડબ્બાની છતને અડકતા કાળા આકારો ચસોચસ ઊભા હતા ને સામાનની વચ્ચે એમના પગ દટાઈ ગયા હતા. એના હાથ સાંકળની શોધમાં બારણાની ઉપરના ભાગને ફંફોસવા માંડ્યા. બોગદું આ આખું પસાર થઈ જાય પસાર થઈ જાય પસાર થઈ જાય તે પહેલાં ગાડી થંભાવી ગાર્ડને લાઈટના અંધેર અંગે દબડાવવો જોઈએ. લાંબા સુક્કા માણસોના વનની વચ્ચેથી પોલાણ શોધી શોધીને એમાંથી આગળ વધતાં વધતાં એણે હાથ ફંફોસ્યા. સાંકળની શોધ માટે હજુ ઊંચેના ભાગમાં તપાસ કરવાની જરૂર હતી. આજુબાજુ પડેલા સરસામાન પર નજર કરી. ઝાંખા આકારો પરથી અટકળ કરતાં બધાં પોટલાં હોય એવું દેખાયું. પોટલાં, કોથળા, કરંડિયા, દેવદારનાં ખોખાં — ક્યાંય પેટી જેવી કોઈ નક્કર વસ્તુ ન હતી જેના પર પગ મૂકીને ચઢી શકાય ઊંચે. ત્યાં કોઈના ઠોંસાએ એને પાછળ હડસેલી દીધો—‘સાઁપ, બાબુજી સાઁપ’ ને પછી તો ‘સાપ સાપ’ના અવાજથી ડબ્બો ગાજી ઊઠ્યો. લાંબા લાંબા આકારો નીચે વાંકા વળ્યા ને અથડાઅથડી ઊભી થઈ. વાંકા વળીને પોતપોતાનાં પોટકાં ખભા ઉપર ઊંચકવા માંડ્યા. અંદર કરંડિયાની વાંસની ચીપો એકમેક સાથે ઘસાવા લાગી. માથે ફાળિયાના છેડે વીંટેલા મહુવર આકારની કોઈ સૂકવેલી દૂધી કે કોળાંની બનાવેલ વસ્તુને છોડી છોડીને બધા એ પોટલામાં મૂકી દેવા માંડ્યા. ‘સાઁપ સાઁપ.’ બધા ગારુડીઓ લાગતા હતા. મૂછ સાફ કરતા હતા. ત્યાં સોપો પડી ગયો. બોગદું પૂરું થયા પછી સ્ટેશન આવશે એમ લાગતું હતું. ચંપલો પહેરાવા લાગી. ચાંચવાળા જોડાના મોટા ઢગમાંથી પોતપોતાનો જોડો અને તેની જોડ શોધવા માટે બધાએ પડાપડી કરી મૂકી. સીટ પર બેઠેલા સભ્ય માણસો એમને ઠપકો આપે તે પહેલાં ડબ્બાના પેલે છેડેથી ટૉર્ચનો પ્રકાશ કોઈની શોધમાં પડ્યો હોય તેમ ડબ્બાના ખૂણે ખૂણે નાચવા લાગ્યો. ડબ્બામાં અડધે આવતાં ટૉર્ચવાળાએ યુનિફૉર્મનો સફેદ કોટ ચડાવી દીધો ને નજીક બેઠા હોય તેના હાથ-ખભા ઉપર ટકોરા કરીને, ઊંઘતાના પગ થપથપાવીને, ઉપલી બર્થના છેડે પેન્સિલ ઠોકીને ટિકિટ માગી માગી ઉપર લીટા ખેંચવા માંડ્યા. એ બધા સમય દરમિયાન એની ટૉર્ચનું નિશાન ડબ્બાનો આ ખૂણો જ રહેતો હતો. ટૉર્ચનો પ્રકાશ આ બધા ગોળાકાર ઊંચા ઊંચા તાડોના ચહેરા પરથી પસાર થવા પ્રયાસ કરતો હતો. ચહેરાઓ ચંદ્રની ધરતી જેવા હતા. ને આંખ પર પ્રકાશ ન પડે એ રીતે ઊંચાનીચા થઈ સગવડ શોધી લેતા હતા. એકે પોતાનું ફાળિયું છોડી ડબ્બામાં ફંગોળ્યું – છેડો હાથમાં દાબી મૂક્યો. નજીક આવતા ચેકરનો એક પગ લચકાયો ને ટૉર્ચ તૂટી ન જાય એટલે અધ્ધર કરી દીધી. એનો પ્રકાશ જઈને સફેદ પતરાંના સૂચનાના પાટિયા પર પડ્યો જ્યાં દંડનો આંકડો લખેલો હતો. એક પગ લચકાતાં ટૂંટિયું વળીને બેઠેલી વાઘરણોએ એને પોતા પર ન પડે તેમ આગળ હડસેલી દીધો ને સાથેના રેલવે પોલીસે એને બગલમાંથી થંભાવી દીધો. વજનદાર સામાન અંગે માહિતી મેળવવા એ બર્થની ઉપર નીચે બધે નજર કરે ત્યાં ફાળિયાવાળા પગ ઊંચાનીચા કરવા લાગ્યા ને જાજરા નજીક સાંકડા ભાગમાં ભરાવા લાગ્યા. ફરીથી ‘સાઁપ સાઁપ’ના અવાજ ગાજી ઊઠ્યા. આ જ એ લોકોની તરકીબ લાગતી હતી. ચેકર બાકીની બધી તપાસ પડતી મૂકી આ ખૂણા તરફ હાથ વીંઝતો આવી પહોંચ્યો. એનું શર્ટ પરસેવાથી રેબઝેબ થઈ ગયું હતું. ‘કલવાલે હૈ ક્યા સબ માઈકે બચ્ચું?’ એણે બધા પર ટૉર્ચ ફેરવી મારી. પાછલો પોલીસ કમ્મર લચકાવી, ડોક લંબાવી, દાંતની ફાટ વચ્ચેથી હસવા લાગ્યો. પેલાઓ હવે ગભરાયા. ‘ટિકિટ નિકાલો, ચલો.’ પછી અવાજને સાવ મેલોદાટ બનાવી દીધો, ‘ચલો, નિકાલો. તીન ડિબ્બે બાકી હૈં ઔર સબ પીટ કલાસ.’ ચેકરે પછી એક પછી એકને રીમાન્ડ પર લેવા માંડ્યા, ‘ચલો, તુમ બતાઓ.’ ‘હમારે પાસ નહીં, ઉસકે પાસ.’ ‘ઉસકે પાસ નહીં, ઉસકે પાસ.’ ‘નહીં નહીં, હમારે પાસ નહીં, ઉસકે.’ ‘ઉલ્લુ બનાને આયે હો, સાલે. સબકો સમાલ લો.’ પોલીસ બધાને ખૂણામાં એકઠા કરવા લાગ્યો. એમની હોહા ભેગા, એને લાગ્યું કે એણે પણ તણાઈ જવું પડશે. ચેકર બબડ્યે જતો હતો, ‘સબકો અપને સસુર વાલોં કે પાસ જાના હૈ ઔર જાના હૈ સબકો પીટ કલાસ સ...અ...અ... આ...બકો પીટ કિલાસમેં. સાલે બકરે જૈસે, ડિબ્બે કે ડિબ્બે પૅક કર દેતે હૈં. હવા ભી નહીં આતી. ફુઉઉ ફુરુરુરુ’, મોં વતી છાતી પર પવન રેડવા લાગ્યો, ‘ચલો તુમ સબકો અબ સસુરાલ લે ચલતા હું.’ ટોળાંની અંદર પાછળ ભીંસાયે જતા એણે ખિસ્સાં ફંફોસી અંદર ને અંદર જ પાકીટનાં બટન ખોલી ટિકિટ બહાર કાઢીને હાથ લંબાવ્યો, ‘પ્લીઝ, ચેક ધ ટિકેટ.’ પણ હોહાની વચ્ચે એનો અવાજ દબાઈ ગયો. ‘પૈસા નહીં હૈ સા’બ’ અવાજને માંદલો બનાવીને કોઈ બોલ્યું. ‘હાં હાં સબ માલુમ હો જાયેગા. પૈસા રેલવે કે પાસ હૈ ઔર તુમારે પાસ...’ ‘સાઁપ હૈ!’ રેલવે સિપાઈ બબડ્યો. ‘પ્લીઝ પ્લીઝ, ટિકેટ ટિકેટ.’ માથા વડે રસ્તો કરતો એ બહાર ધસી આવ્યો ને ટિકિટ ધરી દીધી. ચેકરે વિચિત્ર રીતે માથું ધુણાવી એને ટોળાથી બાજુ પર હટાવી દીધો. પાછો એ ટોળાને જોવા લાગ્યો. બોગદાના અંધારામાં તિરાડ પડી. બાજુની ભેખડની ઊંચાઈ ઘટી ગઈ ને એની ઉપરના ભાગ પર ચરતી બકરીઓના પગની ચહલ પહલ વર્તાવા લાગી. ભેખડની દીવાલ પર નીકળી આવેલા અણિયાળા પથ્થરો ને સુકાઈ ગયેલું ઘાસ પોતાના પરથી દોડતા ગાડીના ખુલ્લી બારીના પડછાયાને પસાર કરતું દેખાવા લાગ્યું ને અંદર પ્રકાશ પેઠો. બંધ ફાટક પરનો લાલ રંગનો ગોળાકાર ઝડપથી ચાલ્યો ગયો ને સિગ્નલ જોડે જોડાયેલી સાંકળની હાર શરૂ થઈ. બોગદું એક ઝાટકે કડડભૂસ થઈ ગયું. રસ્તાઓ ગાડીની સમાંતરતા છોડવા માંગતા ન હતા ને ચાલતી ગાડીને ગલગલિયાં કર્યે જતા હતા એટલે ગાડી લચકાતી હતી. બારીમાંથી નીચે નજર કરી. પાટાની આજુબાજુ વીખરાયેલી કપચી એકબીજામાં ભેળસેળ થઈને એક પટ્ટી બનીને પાછળ હડસેલાયે જતી હતી ને વચ્ચે બારીમાંથી કાગળના ડૂચા ને થૂંકના ગળફા ગાડીથી વ્યસ્ત દિશામાં આવી આવીને એના પર ભટકાયા ન ભટકાયા ને એની સળંગ પટ્ટી પર નાનાં નાનાં ચકામાં બનીને તણાઈ જતા હતા. ક્ષિતિજ પર તો બધું અલસગતિ હતું. રસ્તાની પેલે પારની જમીન ગોળ ગુંબજની જેમ ઊપસી આવી હતી ને એની પાછળથી થોડાંક ઝાડનાં ટોયાંની વચ્ચે ત્રણચાર જર્જર મિનારા, મોટાં કોઢિયાં બાકાંવાળા, સર્વધર્મ પરિષદના ડેલિગેટોની માફક સ્થાવર બનીને જંગમ સૃષ્ટિ પરત્વે જોઈ રહ્યા હતા. ત્યાં અચાનક જ ‘ખાદીભવન’ના બોર્ડવાળું શુદ્ધ સફેદ એક જબરું મકાન ધસી આવ્યું ને માળ ગણી શકાય તે પહેલાં જ ચાલ્યું ગયું. ને પછી શરૂ થઈ ગઈ લારીઓ – ચા, ભૂસું, કેળાં, શેરડીના કોલા, બિસ્કીટ, મટુકી કુલ્ફીની. હવે પ્લેટફોર્મ આવશે એમ એને થયું ત્યાં તો એક ફૂટકળ વસ્તુઓની હરાજીવાળો ડબ્બામાં દાખલ થયો ને હડતાળ પાડવા જતા કામદાર નેતાની માફક તાડ જેવા ઊંચાઓના ટોળાંની આગળ ઊભેલા બાઠા ચેકરે એને પકડીને પેલાઓ ભેગો ઊભો કરી દીધો ને પછી એની પાસેથી એક ડબ્બા ઘડિયાળ રૂપિયા ત્રણમાં મેળવીને કાઢી મૂક્યો એવું કંઈક બની ગયું. પ્લેટફોર્મ આવતાં જ ગાડીની બાજુની ધરતી નીચે રસાતલમાં બેસી ગઈ હોય છે તે અચાનક ગાડીના ‘લેવલ’ પર ‘હમ તુમ ભાઈ ભાઈ’ કરતી ધસી આવે છે ને પોતાના ટકા જેવડા ફલક પર શું શું ને કેવું કેવું ખદબદાવવા માંડે છે! નર્યું ભઠિયારખાનું ખૂલી જાય છે! પણ આજુબાજુથી આવતી વહી જતી ખાણીપીણીનાં બત્રીસ ભોજન ને તેત્રીસ પકવાનોને બાજુએ હટાવીને, બુકસ્ટોલની બાજુમાંની ગેટથી દૂર આવેલી પાળ કૂદીને ‘જૂડો’નો વર્લ્ડ ચેમ્પિયન તો તરત જ એની સામે ખડો થઈ ગયો. ડબ્બાની ઉપર માણસોનો સામાન ખડકવાનો ને દોડાદોડીનો અવાજ આવતો હતો. ઉપર બેસવા, ઉપરથી ઊતરવા માટે આજુબાજુની બારી પર થથરતી ચંપલોવાળાં પગનાં દોરડાંઓ લટકી લટકીને લાંબા-ટૂંકાં થતાં ને પછી કાં તો ઉપર ચાલી જતાં કાં તો માણસ આખા ને આખા નીચે પ્લેટફોર્મ પર ગરી પડતાં તમાચો મારી ગાલ લાલ કરી તરત કમર ખંખેરી પીઠ ફેરવી લેતા. પણ આ બારી પર એવું કશું જ ન બને તે માટે પેલો જૂડો ચેમ્પિયન તપાસ રાખતો હતો. અનેક જવાબદારીઓ વચ્ચે હોવાથી સંજ્ઞાથી જ વાત ચલાવવા માંગતો હતો. ત્યાં એની પાછળથી ગારુડીઓના કડિયાની બૂમાબૂમ લઈને રેલવે પોલીસ ચાલી ગયો. જૂડો ચેમ્પિયને એની સામે પોતાના બંને પગ ઊંચા કરીને ધર્યાં ને ઇશારતથી પાની સાફ કરી નાખવા કહ્યું. પાની પરના કાદવમાંથી પાણી ઝમતું ને બારીની ચળકતી ધાતુ પર રંગના કણ કણ બનીને ફેલાઈ જતું હતું. કાદવની વચ્ચે વચ્ચે કશાક અજાણ્યા ફણગાઓ વળગેલા હતા ને કેટલીક કચડાઈ ગયેલી શરબતી રંગની ઇયળો હતી. બધાને એણે ખેસવી નાંખ્યા એટલે પાનીની રેખાઓ દેખાતી થઈ. ત્યાં તો ઝડપથી વીજળીનો પુરવઠો ચાલુ થતાં જેમ તારઘરનું મશીન ટક ટકાટક કરવા લાગે, તેમ પેલાના પગનાં આંગળાં આમતેમ હાલવા લાગ્યાં. આંગળીઓ અમળાઈ અમળાઈને વળી જતી, કોઈ ટટ્ટાર બની જતી તો વળી ક્યારેક પરસ્પર વચ્ચે અથડાઅથડી થતી હતી. સંજ્ઞા-સંકેત ચાલુ થયા ત્યાં તો કુંડળીનો તત્ક્ષણનો ગ્રહ કામે લાગ્યો ને આજુબાજુની ચસોચસ મેદની જે એને અત્યાર સુધી આમતેમ ધક્કો માર્યા જ કરતી હતી ને ડોલાવ્યા જ કરતી હતી તેના ધસારાએ તેને બારીથી ઊંચો ઊંચકયો. એનાં રૂંવાડાં ઝણઝણ્યાં ને એના વાળ જરાયે ભય દર્શાવ્યા વગર બહુ સ્વસ્થતાથી ઊભા થઈ ગયા ને ઉપરના બંધ પંખાના મધ્ય ભાગમાં અંદર પેસી ગયા. એ ઉપર ચાલ્યો ગયો ને એની નીચે કેટલાંયે માણસો બૈયરોના ખભા, બિસ્તર, માથાં ઊંચાંનીચાં, આડાંઅવળાં એને ખૂંચવા લાગ્યાં. આજુબાજુ માથું ઘુમાવ ઘુમાવ કર્યું તો બધે જ માણસો જ માણસો, ઉપર નીચે બધેય. કેટલાક પોતાની જેમ આડા પડી ગયા હતા. તો કેટલાક સાવ ઊંધા થઈ ગયા હતા ને તેમના પગ ઉપર આધાર શોધવા આમતેમ પોતાનાં આંધળાં ડોકાં ફેરવતા હતા. એને તરત ખ્યાલ આવ્યો કે એણે સંજ્ઞાઓ પર ધ્યાન આપવાનું છે. એટલે આંખ ખેંચીને એણે મારી તરફ નજર કરી ત્યાં પેલા પગની આંગળીઓ, પગની રેખાઓની ખીણને સાંકડી-પહોળી, ઊંડી-છીછરી કરતી કરતી ઝડપથી નાના નાના સ્નાયુઓ ફુલાવતી સંકોરતી વળાંક પર વળાંક લેતી હતી. સંજ્ઞાઓથી એ બંધાવા લાગ્યો ને હોઠને અડી ગયેલી, અડધો રંગ ઊખડી ગયેલી કોર પર જીભ ફેરવવા લાગ્યો ત્યાં તો સ્ટેશન છૂટ્યાનો આંચકો લાગ્યો ને બધા મુસાફરો માંડ થાળે પડ્યા હતા તેમની ગબડાગબડી મચી ગઈ. તે હડસેલાયો ને ડબ્બાની ભૂમિની ઠંડક એના કુલાને અડી ત્યાં બાજુમાંથી સ્ટેશનનો ‘ફલાયઓવર પુલ’ પસાર થઈ ગયો તે, સહેજ અંધારું વીંઝાઈને ચાલી ગયું તેથી અનુભવાયું. અહીં જ તો એ ગારુડીઓથી ઘેરાયેલો હતો. બધી અંધાધૂંધી વચ્ચે ને ભૂંસાભૂસ વચ્ચે ચાંચવાળા જોડાની એક અડધી છાપ હજુયે ખુલ્લા દરવાજાની પાછળના ભાગમાં પડી રહી હતી અને એ જોતો હતો ત્યાં ચશ્મેલ સોરઠીએ પૂછયું—‘શીદ રે’વું? શીદ જાવું?’ સંજ્ઞા સંકેતો જોતાં જોતાં ખેંચાઈ ગયેલો ડોળો એણે પેલા તરફ ઘુમાવ્યો એટલે તે થથર્યો ને બોલ્યો ‘નામ પૂછો છો?’ પછી નાક બંધ થઈ ગયું હોય અને થૂંકમાં હવા ઓગળી ઓગળીને થૂંક ગળવું પડતું હોય એવા વિચિત્ર અવાજવાળી થૂંકગળ કરીને અટકી ગયો. એ ઊભો થયો. જાજરાનું બારણું બિચારું બધા વડે ભીંસાઈ ગયું હતું. ને એ બારણાના ખુલ્લા થઈ ગયેલા ફાડચામાંના માંહ્યલા ટટ્ટી માટેના ફાડચામાંથી રેલપાટાની વચ્ચેના દોડતા લાકડાના ગર્ડર્સ પર જામી ગયેલી સહેજ પ્રવાહી બનેલી પીળાશ ટપક્યે જતી હતી. પંખીનો મેળો ઠરીને ઠામ થવાના યત્નરૂપે જાજરાની અત્યાર લગી ભૂલમાં પોલી રહી ગયેલી જગામાં પ્રવેશતો હતો ત્યાં એ પહોંચી ગયો ને અંદર જઈ બારણું બંધ કર્યું. બહાર પેલો મેળો. તે બારણા પર ભાર દઈને ખડકાયો. એણે નજર ઘોંચવા માંડી. એકધારી તીક્ષ્ણતાથી સામેના આયનામાં ઘોંચ્યે જ ગયો ઘોંચ્યે જ ગયો ને હાથમાં દાતણની નીચે પડેલી ઊલની ચીરી લઈ આયનામાં ચહેરાની, આંખની, હોઠની, ભમરની, વાળની રેખાઓ પર એનો જાડો ભદ્દો રેલો ફેરવવા માંડ્યો. જે ઝાંખા ઘેરા સફેદ લીટાઓ આયને ટકી રહ્યા હતા તેને એ આયનેથી હટી જઈને છટાથી તાકી રહ્યો. બારણું હડસેલી બહાર આવતાં જ ખ્યાલ આવ્યો કે ગાડી તો ઊંધી ચાલવા માંડી હતી. પ્લેટફૉર્મ પર હજુ પેલો ચેમ્પિયન રાહ જોતો હશે નહીંતર પાળ કૂદીને આવી પડશે. બધું જ વગર આંચકે થઈ ગયું હતું. એણે એ અંગે બધા આગળ સંકેતો શરૂ કર્યા પણ બધાંનાં મગજ ફાંફાં હતાં એટલે જવાબ ન મળ્યો. આખી ગાડી સાઈડ આપવા માટે બાજુ પર હઠી ગઈ ને સ્ટેશન પરથી છૂટેલી એક માલગાડી સૂસવતા ડીઝલ એન્જિન વડે સીસોટો પાડતી ખટખટાખટના તાલમાં બાજુમાંથી ફૂંકાવા લાગી. માલગાડીના ખુલ્લાફક ખોપરી કાઢી લીધી હોય તેવા ડબ્બામાં ડબ્બાની હદને પણ આંબી જતાં ચંદનનાં લાકડાં છેડેથી બુઝાયેલાં થપ્પી રૂપે હારબંધ વહ્યાં જતાં હતાં. તેનો પરિમલ બધે પમર્યો એટલે એના શરીરના પિત્તને મોં વાટે ઊંચે ચડવાનો માર્ગ મળ્યો. બધાને હટાવતો એ ધીમેથી ખુલ્લે દરવાજે ઊભો. શાંતિથી મોંમાં ફૂલ્યે ગાલ છતાં ન સમાતું બધું ઘૂંટડે ઘૂંટડે તીખેતીખું ગટગટાવવા માંડ્યું. સીસકારવા જતાં થોડાંકે હોઠની તિરાડમાંથી નીકળી ગળા પર રેલો જમાવવા માંડ્યો ને પછી એણે સદાકુશળ તરવૈયાની ઢબે હાથને હવામાં તરતા મૂકી પગ વતી શરીરને હડસેલ્યું ને તે આખું પસાર થતી માલગાડીના ડબ્બા વચ્ચેના છૂટા થતા ભટકાતા-છૂટતા-ભટકાતા બફર પર લટકીને છૂટવા-ભટકાવાની વચ્ચે તબિયતથી ગોઠવાયેલ મૂત્રાંગનાં ઝમતાં ટપકતાં માંસ-હાડનાં કણવાળાં લોહીબિંદુઓ સહિત સેલ્સમેનગીરી કરવા ઊપડી ગયું.