નવલરામ પંડ્યા/કરણઘેલો – એક વારતા

From Ekatra Wiki
Revision as of 01:20, 27 May 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૧. કરણઘેલો – એક વારતા
[નંદશંકર તુલજાશંકર મહેતા]

કરણઘેલો અથવા ગુજરાતનો છેલ્લો રજપૂતરાજ એ નામની એક વારતા આપણી ભાષામાં છપાઈને કેટલો વખત થયા બહાર પડી છે, અને તેનો સાર અમે એક અમારા પાછલા અંકમાં ઘણા સંક્ષેપથી આપી ચૂક્યા છીએ. એ જાતનાં પુસ્તક ગુજરાતી ગદ્યમાં અત્યાર લગી ઘણાં થોડાં જ લખાયાં છે, અને લખાયાં છે તે (સાસુ વહુની લડાઈ) એ નામની ન્હાની હાસ્યરસ વાર્તા સિવાય, સઘળાં પરભાષાના તરજુમા છે અથવા એવી ઢપછપથી લખાય છે કે ગુજરાતમાં પ્રસિદ્ધિ પામ્યા નથી. તેથી એ ગ્રંથકાર કહે છે તેમ ખરેખર એ ગુજરાતીમાં પહેલી નૉવેલ (Novel) છે, અને એ કારણને માટે અમે બારીકીથી એના ગુણ-દોષનું વિવેચન કરીને બીજા અમારા ભાઈબંધોને પણ તેમ કરવાની ભલામણ કરીએ છીએ, કેમ કે નવા વિષયને જનમ આપનાર ઉપર નકામા સખ્ત થવું એ જેમ એક હાથ ઉપરથી ગેરવાજબી અને અવિવેકી છે, તેમજ તેના ગુણની ઘટતી તારીફ કરીને તેને ઉત્તેજન ‘ન’ આપવું અથવા તેના દોષને વિવેકથી ખુલ્લા ન પાડી તે જાતના દોષને આપણા દેશમાં વસવા દેવો એ આપણી જાહેર ફરજોને ભૂલી જવા સરખું છે. રસિક પુસ્તકનાં રસ, રીતભાત અને સુવિચાર એ ત્રણ અંગો છે અને તેમાં રસ કે જેના નામ ઉપરથી જ એવાં પુસ્તકો ઓળખાય છે તેનું પ્રબળ તો નિશ્ચય વધારે હોવું જ જોઈએ. કાવ્ય, નાટક, અને વારતાઓ બહારની અને અંદરની સઘળી કુદરતનું ચિત્ર પોતાની શક્તિ પ્રમાણે આપવાને યત્ન કરે છે, અને તે પ્રત્યેકની ખૂબી તે ચિત્રની સાચાઈ ઉપર આધાર રાખે છે. ભાતભાતના પ્રસંગ વડે માણસના મનમાં જે ભાતભાતના વિકાર ઉત્પન્ન થાય છે તેના ખરેખરા વર્ણનનું નામ તે રસ અને એમાંના સાધારણ વિકારો જગતમાં જુદા જુદા દેશકાળે પ્રગટ થાય છે તેને રીતભાત કહીએ તો ચાલે. સુવિચાર એટલે માણસના વ્યવહાર. જે કાર્યકારણનો સંબંધ રહેલો છે તે શોધી કહાડવો તેને અને તે ઉપરથી સિદ્ધાંત બાંધવા જે પુસ્તકમાં કાવ્ય અથવા નાટકમાં રસ બીજા અંગ કરતાં એટલો વધારે હોવો જોઈએ કે તે જ રસમૂર્તિછે એમ કહીએ તો કહી શકાય. જેમાં રીતભાતનું વર્ણન વધારે હોય અને ખરા રસની માત્ર છાંટ જ હોય તેને વારતા અથવા નૉવેલ કહે છે. સુવિચાર તો સદા સહાયકારક અંગનું જ કામ સારે છે. કરણઘેલામાં રીતભાતનાં વર્ણન ઘણાં જ અને ભભકાદાર છે તેથી અમે ઘણો સંતોષ પામીએ છીએ, કેમ કે વારતામાં અમારા વિચાર પ્રમાણે એમ જ હોવું જોઈએ, અને જો એ ભાગ સારો લખાયો તો તે ગ્રંથકર્તાના માથાનું અડધું જોખમ ઊતરી ચૂક્યું એમ જાણવું. મી. નંદશંકરની રીતભાત વર્ણવવાની શક્તિ ખરેખરી ઘણી જ અદ્‌ભુતછે. માધવના મહેલનું બ્યાન વાંચતાં તે આપણી નજર આગળ આવીને ઊભો રહે છે. રાજદરબાર, સમી પૂજન, લશ્કરી રમતો, વાઘ ને હાથીની લડાઈ, આતસબાજી, સ્મશાન સતી થતી વખતનો દેખાવ, મંત્ર સાધન, ભૂવા લોકોની છટા, જોશી પુરાણીઓની કળા, ઇત્યાદિ વિષયોનું વર્ણન કેવી છટાથી કીધું છે; એ સઘળાં વર્ણનો એવાં સારાં છે કે તેમનો કયો ભાગ બતાવવો ને કયો ભાગ પડતો મૂકવો તેની અમને સૂઝ પડતી નથી, તોપણ વાંચનારને તેનો કંઈ વિચાર આપવાને માટે ચૂંટી કહાડીને નહિ પણ સહજ જે હાથમાં આવે છે તે નીચે ટાંગીએ છીએ. હવનનું કામ હવે પૂરું થવા આવ્યું. છેલ્લા નાળિયેરની આહુતિ આપવાને અગ્નિને વધારે જાગૃત કીધો. બ્રાહ્મણો વધારે જોરથી ભણવા લાગ્યા. સઘળા લોકો સમાપ્તિની ઘણી એક આતુરતાથી રાહ જોવા લાગ્યા. એવામાં ગડબડાટ થઈ ગઈ; સૌ પ્રસાદ લઈને ઊઠ્યા. બાઈડીઓ તથા ભાયડાઓ અને તમામ છોકરાં વેરાઈ ગયાં. બીજાં વર્ણનો પણ એ જ ઢબનાં છે. હિંદુની ખાનગી રીતભાતનું જ્ઞાન મેળવવાને બીજી જાતના જે લોકો ચાહતા હશે તેમને કેટલીક બાબત આ વારતા ઘણી ઉપયોગી થઈ પડશે એવો અમારો પાક્કો અભિપ્રાય છે, અને સાધારણ વાંચનારને પણ એ વર્ણોની સાચઈ અને તેની સાથે વચમાં વચમાં જે છૂટી મજાકો મૂકી છે તેથી એક જાતની ખુશી અને રમૂજ મળ્યા વગર રહેશે નહીં. માધવની સ્ત્રીનું હરણ કરવાને રાજાના માણસો શી રીતે ચઢી આવ્યા, તેનું રક્ષણ કરવાને અર્થે તેનો દિયર કેશવ કેવી બહાદુરીથી લડ્યો, અને કેવાં કેવાં પરાક્રમો કરીને તેણે અંતે પોતાનો પ્રાણ ખોયો. એ સઘળું ઘણા જુસ્સાથી ચીતરેલું છે. મુગલાઈના વખતમાં કેટલો ગેરબંદોબસ્ત ચાલતો હતો, હિંદુને કેવી કેવી જાતનાં દુઃખ દરરોજ સહન કરવાં પડતાં હતાં, એ ઉપયોગી બાબતોનું યથાયોગ્ય ચિત્ર પાંચમા પ્રકરણમાં આવેલું છે. તે વખતે જે કાજીએ ઇન્સાફ કીધો છે તે તે કાળના ઇન્સાફનો ખરેખરો નમૂનો છે. ગોકુળ મથુરાની સંગવાળી ડોસીની આડ કથાનો પહેલો ભાગ ઘણો રમૂજી અને દુનિયામાં દીઠામાં આવે એવો છે. વેદાંતી ચોરની અસંભવિત તથાપિ રમૂજી ઉપકથામાં શઠજ્ઞાનીઓની વિષયાસક્તિને ઠીક અન્યોક્તિથી ઠોક માર્યા છે. અગર જો વેદાંતનો સિદ્ધાંત પ્રગટ કરવામાં એ ગ્રન્થકર્તાએ એક બે ઠેકાણે સજડ ભૂલ ખાધી છે. આ વાર્તામાં વનવર્ણન અને કાળવર્ણન ઘણાં છે. પોતાની સ્ત્રીનું હરણ થયું એ સાંભળીને માધવનું લોહી ક્રોધથી આકુળવ્યાકુળ થઈ વેર લેવાને માટે ઉછાળા મારતું હતું તે સમયની રાત્રીનું ભયંકર વર્ણન કીધું છે તે ઘણું જ સારું અને એ વારતા બનાવનારની ચતુરાઈ બતાવનારું છે. તોપણ એ વર્ણનો અતિશય બારીક અને સમયે ખરા રસ જ્ઞાનને પ્રતિકૂળ હોવાથી તેની અસર વાંચનારના મન ઉપર સારી નથી, અને વખતે તે સઘળું લખાણ લંબાણ અને તાલમેલિયું છે એવી શંકા ઉત્પન્ન કરી કંટાળો આપે છે. કાળવર્ણનમાં એક જગા ઉપર એ ગ્રંથકર્તાએ એક મોટી બેફિકરાઈ કીધી છે તે જોઈને અમે ઘણા દલગીર છીએ. અમારા કેટલાક મિત્ર ફરિયાદ કરે છે કે એ વાત તો ખરી છે. અમે એ વિચાર બાંધ્યો છે કે કરણઘેલો, યાદીની અને અનુભવના ખજાનામાંથી (પ્રાસાદિક શક્તિથી નહિ) ઉત્પન્ન થયો છે. અમારો એવો વિચાર હોવાને લીધે અમે એ પ્રભાતિયાઓની બાબત લખનારનો બેફિકરાઈ સિવાય બીજો દોષ કાઢી શકતા નથી. સૃષ્ટિના સૌંદર્યની માણસના મન ઉપર શી અસર થાય છે તે વિષેનાં બે વાક્યના અમે નીચે દાખલા કરીએ તેવા સરસ ગુજરાતી ગદ્યમાં હજી અમારા જોવામાં આવ્યા નથી. જ્યાં ઈશ્વરે... શું આશ્ચર્યર્? ‘પાનું ૬૬મું એવી રળિયામણી જગાઓમાં... એમાં કાંઈ આશ્ચર્ય નથી’ પાનું ૧૪મું ૧૯. સુવિચાર આપવામાં અને રીતભાતનું અથવા જોયેલી વસ્તુઓનું વર્ણન કરવામાં એ ગ્રંથકારની કલમ પાણીના રેલાની પેઠે ચાલી જાય છે, અને પોતાનું સામર્થ્ય એને માલમ હોય એમ જણાય છે, કેમ કે રસ પોતાથી સારો લખાશે નહિ એમ આગળથી જાણીને જ રીતભાત, ઇતિહાસ અને રાસમાળા તથા ટાડના રાજસ્થાન વગેરે અંગ્રેજીમાં ગુજરાત દેશ ‘અને હિન્દી ધર્મ’ સંબંધી બંધારણ રાખેલું છે. કુતુબમિનાર, અંબાજી, આબુ, અચળગઢ અને દેવલવાડાના વર્ણનનો અને તે સંબંધી જેટલી દંતકથાઓ ચાલે છે તે, દિલ્લી પાસેના કાળીકાના દહેરામાં માતાના ભગતો કેવું ભયંકર કરે છે તે, બ્રાહ્મણનું માહાત્મ્ય, રાજાના ધર્મ, સંન્યાસી થવાની વિધિ, જોગીઓની વિકટ તપશ્ચર્યા, ઇત્યાદિ પ્રકરણો અંગ્રેજી પુસ્તકોને આધારે આ વાર્તામાં દાખલ કીધાં છે. એ પ્રકરણો જાતે સારાં અને ઠીક લખાયેલાં છે. તોપણ તેથી વાર્તાનો રસ તૂટી જાય છે અને કોઈ વખત વાંચનારને ગુસ્સાથી એમ પૂછવાનું મન થાય છે કે માધવ તે પોતાનું વેર લેવાને અલ્લાઉદ્દીન પાસે દોડતો હતો કે તે મોજને માટે જુદા જુદા મુલક અને ધામ જોવાને, અને જોગી પંડિતો સાથે વાદવિવાદની મોજ મારવાને માટે રખડવા નીકળ્યો હતો? અલ્લાઉદ્દીનનો ઇતિહાસ પણ ઘણો લાંબો છે. તેણે પોતાના ભત્રીજાઓને કેવાં કેવાં દુઃખ દીધાં એ વાતનો ગુજરાતના રાજા કરણઘેલાની વાર્તા સાથે શો સંબંધ છે તે અમે સમજતા નથી. જે દેશમાં અલ્લાઉદ્દીને ખૂની એવું ભૂંડું ઉપનામ મેળવ્યું તે દેશમાં એણે કેવાં કેવાં ક્રૂર કામો કીધાં તેનું ચિત્ર આપ્યું હોત તો સઘળા રસિક વાંચનારાઓનાં મન બેશક વધારે પસંદ થાત. હવે એ વાતનું રસ સંબંધી વિવેચન ટૂંકામાં કરવાને અમે ઇરાદો રાખીએ છીએ. રસના આપણી ભાષામાં ‘બે’ અર્થ થાય છે, પણ અમે જે ઉપર અર્થ કીધો છે તે જ અર્થમાં આ શબ્દ અમે આ વિવેચનમાં વાપરીએ છીએ એમ વાંચનારે વાંચતી વખતે ‘નજર’માં રાખવું. જેને અંગ્રેજીમાં Interest કહે છે તેનો સાધારણ ભાષામાં રસ એવો અર્થ થાય છે, અને એ જગો પર ચોપડીના જે ગુણને લીધે ‘આપણને’ વાંચવાનું મન થાય અને વાંચવા માંડ્યા પછી હાથમાંથી છોડવી ગમે નહિ તે ગુણને રસ કહે છે. અમે એને મઝા કહેવા ધારીએ છીએ. આ વાર્તામાં મઝા સાધારણ છે, પણ રસ (જેનો અર્થ Delineation of passions એમ અમે ઉપર કીધો છે) તે તો ઘણો જ થોડો છે, અને તેમ થવાનું કારણ એ છે કે ઘણાખરાં મનોવિકારનાં ચિત્રોમાં કુદરતની સાચાઈ જોવામાં આવતી નથી. કરણરાજાએ રૂપસુંદરીનું હરણ કીધું તે વેળાએ તેણીએ જે લાંબો દોઢ પાનાંનો વિલાપ કીધો છે તે કેવળ તાલમેલિયો દેખાય છે એટલે જેમ હિંદુનાં બૈરાં નાતમાં કૂટતી વેળા મલાવી મલાવીને જૂઠા રાગડા તાણે છે તેના જેવો ઢોંગ ભરેલો અને દિલ વગરનો છે. ધણીના વિયોગનું દરદ અને તે વિયોગ પડાવનારા દુષ્ટ પ્રિતમનો પ્રેમ જતો રહેશે એવી ચિંતા એ બે મનોવૃત્તિ કદી એક જ સમે હોઈ શકતી નથી. કરણ પડ્યાના સમાચાર પાટણમાં આવ્યા ત્યારે જે તેની રાણીઓએ કલકલાટ કરી મૂક્યો છે તે પણ તેવો જ તાલમેલિયો છે. અરે! તેઓનો કીર્તિ વિષે નિયમસર લખેલો નિબંધ જ ભણી જતી હોય એમ લાગે છે; સતીના પ્રકરણમાં વર્ણનની જેટલી ખૂબી છે તેટલી જ રસની ભૂલો છે. પોતાનો ઊગતો પ્રેમ જડમૂળથી બળીને ભસ્મ થઈ ગયેલો જોઈને જુવાન રૂપવાન સ્ત્રીનું કોડ અને હોંસથી ઊભરાતું અંતઃકરણ એક ક્ષણમાં દાજીને ચમકી ઊઠે, અને આત્મરક્ષણની સ્વાભાવિક પ્રેરણાનું કવચ તોડી ધણીની ચિતામાં ઝંપલાવે તે મનની વૃત્તિનો વિચાર કરતાં જ માણસની બુદ્ધિ ચકિત થઈ રહે છે. એ સમયે સ્વાર્થનો એક અંશ પણ રહેતો નથી, અને તે કારણને લીધે જ જગતમાં બીજાં આત્મઘાતીઓ કાયર અને હલકાં ગણાય છે, તેમ ગણાય તે બદલી સતી હંમેશાં આશ્ચર્ય અને બીક, અને કંપારી જોનારામાં પેદા કરે છે, પણ તેના ઉપર તિરસ્કાર અને ક્રોધ આવતો નથી. એવા ગંભીર સમયે ગુણ સુંદરીને રુદ્રાક્ષની માળા અને ધોળાં લૂગડાં વિધવાએ પહેરવાં પડે છે, તેનાં રોદણાં રડાવા, વહાલાં લૂગડાંને નામે પોકાર, શ્રાદ્ધ કરાવવું અને અપશુકનિયણ રાંડ રાંડ કહેવાના ભયથી ભેંકડો મુકાવવો એ તો ખરેખર બહુ જ નઠારું, સતીની સ્તુતિમાં હદથી પણ વધારે પુષ્ટ છે, જૂના વિચારની ધણી પછવાડે બળવા નીકળેલી હિંદુ સ્ત્રી સ્વપ્નમાં પણ એવું ભજન કરવાનું ન સૂઝે કે હે પરમેશ્વર, ભાનુ, ચંદ્ર, સાગરગીરી, ઝાડપાન, એ સઘળી તારી કૃતિ છે, અને સતી થવાના અદ્‌ભુત ભયાનક રસની સાથે વનનું લલિત વર્ણન મૂકવું એ સ્મશાનમાં બળતા મુડદા આગળ દાદરા ઠુમરી ગાવા જેવું રસિકજનને વિપરીત લાગે છે. આ પ્રમાણે ઘણે ઠેકાણે રસભંગ થવાનું કારણ એ છે કે કરણરાજા સિવાય ઘણું કરીને સઘળા ગુણ ચિત્રોના છૂટા છૂટા અંગને શણગારવાને જેટલો શ્રમ લીધો છે તેટલો તે એક એકને અનુકૂળ કરવામાં કીધો નથી, પણ જેમ હાસ્યરસ વિલક્ષણ વર્ણનથી વધારે જામે છે, તેમજ બીજા સઘળા રસ કુદરતની અને રીતભાતની સાચઈ વિના લય પામે છે. વાર્તાના રસનો મૂળ પાયો જે સંભાષણ તે રચવાની કળા તો આ ગ્રંથમાં ઘણી જ થોડી જણાય છે. વાર્તાના જે ભાગમાં ગ્રંથકર્તા જાતે ચિત્ર છે અથવા શું વિચાર આવે છે (અને એ ભાગ ઘણો જ છે), ત્યાં અક્ષરે અક્ષરે પણ થોડી ઘણી રમૂજ પડ્યા વગર રહેતી નથી, પણ જ્યાં એ બીજાને બોલવાનું કરે છે કે ગડબડગોટાં વળવા માંડે છે, તોપણ ગુણચિત્ર અને સંભાષણના દોષનો વિસ્તાર કરવાને બદલે આપણી ભાષામાં પહેલવહેલી લખાયેલી અને બધું ગણતાં સારી વાર્તાના ગુણ તરફ નજર કરવી અમને વધારે પસંદ છે. શૃંગારરસ એમાં થોડો જ છે, પણ છે તે ઉપલા વર્ણન રીતે ઠીક છે. મહાદેવનું પૂજન કરી જે આવતી રૂપસુંદરીનું, અર્નવાડીમાં કામા વ્યાકુળ થયેલી દેવળદેવીનું વર્ણન કીધું છે તેની છાપ વાંચ્યા પછી મન ઉપરથી સહેજ ભૂંસાઈ જતી નથી. રૌદ્રરસમાં ‘વર્ણન’ એ ગ્રંથકારની કલમ ઘણી જ સારી છે, સતી માએ જે કરણરાજાને શ્રાપ દીધો છે તે ઘણો જ જુસ્સાવાળો છે, અને માધવ ક્રોધના આવેશમાં વેર લેવા બાબત જે ભાષણ કરે છે તે વાંચતાં તો ખરેખર રુદ્રની મૂર્તિ જ આંખ આગળ આવીને ઊભી રહે છે. અમે દિલગીર છીએ કે જગાના સંકોચને લીધે એમાંનો થોડો ભાગ અમે દાખલ કરી શકીએ છીએ. અરે! ક્રોધપુત્ર વેર કોઈ વેર લે નહિ તો દુનિયા ચાલે પણ નહિ. હવે રસની બાબતમાં આ વાર્તાનું વિવેચન કરતાં આંચકો ખાઈએ છીએ, કેમકે એમાંના વર્ણનથી ગમત પામેલા અમારા મનને દોષ કહાડવા ગમતા નથી. પણ જે રીતભાત વર્ણવવાની અને સુવિચાર આવવાના ગુણથી અમારું મન મોહિત થયું છે તે ગુણ ખરી રસિકતાની સાથે જોડાઈને કરણઘેલા કરતાં પણ સારી જાતની વાર્તાને આપણી ભાષામાં જન્મ આપે એવી આશાથી રસ સંબંધી કેટલોક વિચાર સંક્ષેપમાં આપીએ છીએ. ઠેકાણે ઠેકાણે ડાહ્યા અને નીતિ ભરેલા વિચાર તો એ વારતામાં એટલા બધા દેખાય છે કે તે ઘણા છે એટલો જ શક ભરેલો દોષ કોઈ વાંચનાર કાઢી શકશે. એ વાર્તામાં જુદા જુદા વિષયો ઉપર જેવા સુવિચાર આપેલા છે તેવા ફક્ત ગુજરાતી ભાષા જાણનારને હમણાં બીજી જગ્યાએ જડવા અશક્ય નહિ તો મુશ્કેલ તો છે જ, અને લોકોના મનની હમણાંની હાલત ઉપર નજર પહોંચાડતાં અમને એમ લાગે છે કે રસિક પુસ્તકમાં મી. નંદશંકરે સુવિચારને અસાધારણ મોટી જગ્યા આપી છે તેથી ‘બેશક’ વાંચનારાઓના જ્ઞાનમાં ઘણો જ સુધારો થશે. એ વાર્તાની ભાષા શુદ્ધ ગુજરાતી નથી એમ કદાપિ કેટલાએક વ્યાજબીપણાથી કહી શકે ખરા તોપણ વાક્યરચના ઘણી સરળ, કાનને સારી લાગે એવી, અને ગુજરાતી ગદ્ય લખવા નીકળેલા જુવાનને અભ્યાસ કરવાલાયક છે. એ વાતની તો કોઈથી પણ ના પાડી શકાવાની નથી. વાક્યરચના કંઈ વિસ્તીર્ણ તોપણ ઠરેલ કેળવાયેલી કળામાંથી નીકળેલી છે, અને આપણી ભાષામાં એક જાણવા જોગ નમૂનો છે – આ ટૂંકું વિવેચન પૂરું કરતી વેળા મી. નંદશંકરનો આ સારી વાર્તાને માટે ઉપકાર માની એવી આશા રાખવાની રજા લઈએ છીએ કે એ ગ્રન્થકાર એક આ વાર્તા લખ્યાથી સંતોષ પામી બેસી રહે નહિ, પણ જે જાતની શક્તિ ઈશ્વરે બક્ષેલી છે તેનો ઉપયોગ કર્યા કરશે. પોતાનામાં થોડા મુદતમાં મનોવિકાર ઉપર ઊંડી નજર રાખી, અને લંબાણની ટેવ, કેટલીક ઓછી કરી બીજી એક સરસ વાર્તા વાંચવાનો લાભ ગુજરાતી ભાઈઓને આપશે.

(૩૧મી માર્ચ સને ૧૮૬૭ ના ગુજરાતમિત્રના અંકમાં છપાવ્યું છે.)