નવલરામ પંડ્યા/શ્રવણ પિતૃ ભક્તિ નાટક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૦. શ્રવણ પિતૃભક્તિ નાટક
[ભટ્ટ ભોગીલાલ મહાનંદ]

પ્રથમ આર્યધર્મપ્રકાશમાં આ છપાતું હતું, તેને હાલ એના બનાવનાર ભટ્ટ ભોગીલાલ મહાનંદે છૂટું પ્રસિદ્ધ કર્યું છે. એની એક નકલ અમને બે માસથી પહોંચી છે. પણ જગાના સંકોચને લીધે અત્યાર સુધી અમે તેની ભેટ લઈ શક્યા નહોતા. નાટક, કાવ્ય, વગેરે મોહનગ્રંથિનાં પુસ્તકોની તુલના કરવામાં ત્રણ વાતનો વિચાર રહેલો છે : વસ્તુસંકલના, પાત્રભેદ અને રસ. જે કથા ઉપર આખું કાવ્ય રચાયેલું હોય તેને અલંકારના ગ્રંથોમાં વસ્તુ કહે છે, અમે તે કથાના જુદા જુદા ભાગને સુધારી વધારી અનુકૂળ આકારમાં ગોઠવવાની જે જુક્તિ તેને વસ્તુસંકલના (Plot) કહીએ. કાવ્યમાં આવેલા સ્ત્રી પુરુષના જુદા જુદા સ્વભાવ પ્રમાણે તેમની કૃતિ, મતિ, તથા રીતિ જુદી જુદી વર્ણવવી તેને પાત્રભેદ (Characters) અથવા નાયક નાયિકાભેદ કહે છે. આમ કરવાથી જ નાટકપાત્રમાં જીવ આવે છે, અને એ જ મહાકવિનું લક્ષણ છે. જેમ જગતમાં દરેક માણસ પોતાના ચહેરાથી ઓળખાઈ આવે છે, તેમજ ચતુર કવિના કલ્પેલા નાયક નાયિકાદિ પણ પોતપોતાની વિશેષ પાત્રતા ઉપરથી ઝટ ઓળખાઈ શકે છે, પાત્રભેદ અને વસ્તુસંકલના ઉપર જ નાટક કે મહાકાવ્યનો સઘળો રસ આલંબન કરીને રહેલો હોય છે. જીવને જેમ દેહની આવશ્યકતા છે, તેમજ રસને એ બંનેની છે. તે વિના રસ જામી શકતો નથી, અને જો એ બે વાનાં જોઈએ તેવાં હોય તો આપોઆપ જ કેટલોક રસ તો તેમાંથી ઉત્પન્ન થાય છે. માટે આ નાટકમાં વસ્તુસંકલના અને પાત્રભેદ કેવા પ્રકારનાં છે તેનું જ કાંઈ આપણે વિવેચન કરીશું. શ્રવણની પિતૃભક્તિ આખા દેશમાં ઘણી જ પ્રસિદ્ધ છે. એના નામથી કોઈ અજાણ્યું નથી. એ કથા મૂળ રામાયણની છે. પણ તેમાં ઉપાખ્યાન રૂપે સંક્ષેપમાં જ વર્ણવેલી છે. આ બંને વાત સંકલના કરનારને લાભકારી છે. વસ્તુ પ્રસિદ્ધ હોવાથી સઘળાને તેનો રસ સમજવો સરળ પડે છે; અને મૂળમાં સંક્ષિપ્ત હોવાથી કવિ પોતાની મરજી મુજબ તેમાં ફેરફાર કે વિસ્તાર કરી શકે છે. ફેરફાર કરવાનો હક સઘળાં કાવ્યશાસ્ત્રોએ માન્ય રાખ્યો છે અને નાટકાધીશ શેક્સપિયરની કૃતિઓમાં તે સુજ્ઞવિવેચકને ઠેકાણે ઠેકાણે પ્રત્યક્ષ જણાય છે. આવો ફેરફાર, પ્રસિદ્ધ કથા મૂળથી વિસ્તારાયેલી હોય, તો બની શકે નહિ; કેમ કે તેમ કર્યાથી પ્રસિદ્ધિવિરોધનો દોષ લાગી રસનો ભંગ થાય. જેમ કે, ગુજરાતના જયશિખરી વિષે આપણે વાર્તા રચવા બેઠા હોઈએ, તો મરજી માફક આપણી કલ્પનાને રમાડી શકીએ; પણ સિદ્ધિરાજ જેવા પ્રસિદ્ધ મહારાજની વર્તણૂક તથા સ્વભાવ જો અન્યથા વર્ણવવા માંડીએ તો ઇતિહાસના જાણનારને હસવું જ આવે. અર્થાત્‌ શ્રવણાખ્યાનના આ બે ગુણ નાટક સંકલનાને ગોઠે એવા છે. તોપણ કેટલાક બીજા ગુણને લીધે આ કથા આખ્યાન રૂપને જેટલી યોગ્ય છે તેટલી નાટક રૂપને નથી. પણ તે બધાનું વિવેચન ન કરતાં આ નાટકમાં કેવી રીતે વસ્તુસંકલના કરી છે તે તરફ જ આપણું લક્ષ લગાડીએ. પાત્રભેદનો પણ ભેળો વિચાર કરતાં જઈશું. સૂત્રધાર સભાને નાટકનો વિષય નિવેદન કરી રહે છે કે વિદૂષક આવે છે, અને તે અર્ધા નાટક સુધી રહીને એક ઉપયોગી પાત્રનું કામ સારે છે. એ વિદૂષક બીજાના જેવો છાલકો નથી. પ્રસંગે હસામણું બોલે ચાલે છે ખરો, પણ એની અંતવૃત્તિઓ ગંભીર જણાય છે. પિતૃભક્તિના નાટકમાં આવો વિદૂષક ખોટો ન કહેવાય. એ પોતાનાં મા બાપ તથા છોકરાં ઉપર સઘન પ્રીતિ રાખનારો હતો, અને જ્યારે ઋતુ વિષે નટી ગાવા માંડે છે ત્યારે તેમાં બાળક્રીડા પણ કાંઈ આણવાની એ ખાસ ફરમાઈશ કરે છે. એ સંગીતની છેલ્લી કડીમાં ‘માતા, માતા, તેડ મને’ એવા બોલ આવે છે તે સાંભળીને છોકરાને સારુ તરસતી કોઈ બાઈડી ભ્રાંતિમાં પડી રંગ ભૂમિ ઉપર બાવરે વેષે પ્રવેશ કરે છે. એનું નામ જ્ઞાનવતી હતું. અને તે સરયુ નદી ઉપરના આશ્રમમાં રહેનાર શાંતનુ ઋષિની પત્ની હતી. એને કાંઈ સંતતિ ન હોવાથી હમેશાં હિજરાયા કરતી, તેવામાં તેણીએ ઉપલા કાલા બોલ સાંભળ્યા, અને તેથી તેનું મન એકદમ આકુળવ્યાકુળ થઈ ગયું. તે ચોધાર આંસુએ રોઈ રહી છે એવામાં શાંતનુ ઋષિ આવી પહોંચ્યા, અને તેનું સમાધાન કરવાને અર્થે છોકરાં ગર્ભમાં રહે છે ત્યાંથી તે મોટાં થાય છે ત્યાં સુધી મા બાપને કેવાં કેવાં કષ્ટ વેઠવાં પડે છે તેનું એણે દયામણે ભાવે વર્ણન કર્યું. આ કરતાં ઋષિએ જ્ઞાન માર્ગની વાત કરી હોત તો પોતાની પાત્રતાને વધારે શોભા આપત. જ્ઞાનવતીના પ્રત્યુત્તરમાં તો કેટલોક વત્સરસ છે ખરો, પણ શાંતનુ ઋષિ તો શઠ બુદ્ધિના જ જણાય છે. આ ઠેકાણે સામટું કહી નાંખીએ તો ઠીક કે શ્રવણ સિવાય આ આખા નાટકમાં કોઈ પણ પાત્ર ઋષિકાળના આચાર વિચાર બરાબર ધારણ કરનારું હોય એમ નથી. તેઓ સઘળાં હાલનાં અજ્ઞાન, વહેમી, ને અનીતિમાન માણસોનાં જ પ્રતિબિંબ માત્ર છે. આ અમે પાત્રની કલ્પનામાં મોટી ભૂલ અને રસહાનિનું કારણ સમજીએ છીએ. નાટકકારે કદી એમ ધાર્યું હશે કે મા બાપને દાંતીયાં કરનારાં ડોસાં કલ્પવાથી શ્રવણની પિતૃભક્તિને શોભા મળશે, પણ અમારા વિચારમાં તો એની પાત્રતા જ એ કારણથી અસંભવિત થઈ પડી છે. આ નાટક વાંચતાં ઘણી વાર એમ લાગે છે કે શ્રવણ જેવા સિદ્ધ પુરુષનાં મા બાપ આવાં હોય જ નહિ. તેઓને આવો સુપુત્ર શોભતો જ નથી, અને તેથી વખતે એમ પણ ખ્યાલ જાય છે કે આ નાટકમાં પિતૃભક્તિને હદની બહાર લઈ જવામાં આવી છે. બુદ્ધિમાં પણ એવાં અપંગ એમને ચીતર્યાં છે કે તેઓ છેક બીજી પશુવત્‌ બાલ્યાવસ્થામાં આવી પડેલાં દેખાય છે. આ સ્થિતિ સામાન્યજનને ગમે એટલી સ્વાભાવિક, તોપણ શ્રોતામાં પૂજ્ય ભાવ ઉત્પન્ન કરે એવી તો ન જ કહેવાય. આ વેળા પુત્રનો ધર્મ એ છે કે તેમને બાળકની પેઠે ફોસલાવી પટાવી સંભાળવાં. આ વેળા તેમની આજ્ઞા માનવી એ બોલ તો કંઈ વિપરીત જેવા ભાસે છે, કેમ કે જેની બુદ્ધિ અસ્ત થવા આવી છે તેની તે આજ્ઞા જ શી? વળી એ પણ ભૂલવું ન જોઈએ કે માણસને માબાપ પ્રત્યે જેવા ધર્મ છે તેવા જ સ્ત્રી પ્રત્યે, પુત્ર પ્રત્યે અને આખા સંસાર પ્રત્યે પણ છે. તે બધાનો લોપ કરવો એ સુધર્મ કે ડહાપણ નહિ કહેવાય. ખરે, નાટકમાં કોઈ બોલે છે તેમ શ્રવણને ઘેલું જ લાગ્યું હોય એમ વખતે વાંચનારના મનમાં પણ વસી જાય છે. આ બધી હાનિનું કારણ તો એ જ છે કે નાટકકારથી શ્રવણનાં મા બાપની પાત્રતા યથાયોગ્ય કલ્પી શકાઈ નહિ. જે કાળમાં શ્રવણ જેવા પુત્ર થતા હતા તે કાળમાં મા બાપનાં જ્ઞાન ધર્મ પણ હાલથી છેક જુદાં જ હતાં. ઋષિ અને ઋષિપત્ની એ શબ્દ જ કેવી નિર્મળ અને તેજોમય મૂર્તિ આપણી આંખ આગળ ઊભી કરે છે! નિરંતર ધર્મની જ ચર્ચા, ધર્મનો જ બોધ, અને ધર્મનું જ આચરણ! આવા ઋષિઓના બાળક પિતૃભક્તિ પાળે એમાં તો આશ્ચર્ય જ શું! ખરે, ઋષિઓના આશ્રમોમાં અપાતી આચાર વિચારની કેળવણી જ્યારે સંભારીએ છીએ, ત્યારે શ્રવણની પિતૃભક્તિ એ એક ત્યાંનો સાધારણ બનાવ દેખાય છે. પણ જ્યારે આ નાટકમાં ચીતરેલાં માબાપના સંબંધમાં વિચારીએ છીએ ત્યારે તે અસંભવિત લાગે છે અને શ્રવણ પોતાની સ્ત્રી પ્રત્યેના ધર્મ તો વીસરી જ ગયો એમ કહેવું પડે છે. ઋષિ કાળમાં બાળલગ્ન જ ક્યાં હતાં કે તેને દાખલ કરી નાટકકારે નકામો આ પ્રમાણે ધર્મવિરોધ ઊભો કર્યો, અને મૂળ નાયકની જ પાત્રતામાં અસંભવ દોષ આણ્યો? આ નાટકમાં તો શું થયું છે કે શ્રવણ એક યુગનો અને બીજાં પાત્ર બીજા યુગનાં થઈ ગયાં છે. આ બેનું સામ્ય તે શી રીતે થાય? મિયાં મહાદેવને કેમ બને? બન્યું એમ વર્ણવીએ, તો તે કેમ શોભે કે કેમ મનાય? મતલબ કે શ્રવણમાં જે ઋષિકાળના જ્ઞાન, ધર્મ, તથા આચારનું આરોપણ કર્યું છે તેમજ બીજા પાત્રમાં પણ કર્યું હોત તો એની પાત્રતા સ્વભાવિક દેખાત, રસ વધત અને નાટકનો કેટલોક ભાગ હાલ કેવળ પ્રહસન રૂપ જ થઈ પડ્યો છે તેમ ન થાત અને પિતૃભક્તિનો સચોટ બોધ મળત. તોપણ, આ નાટકમાં પાત્રભેદ છે ખરો અને એ એની એક વખાણવાલાયક ખૂબી છે, કેમ કે હાલના ઘણા ગુજરાતી ગ્રંથોમાં પાત્રભેદની ખામી જ છે. તેમાં જે પાત્ર હોય છે તે ઘણું કરીને નામનું જ – નિર્જીવ ખોખા જેવું હોય છે. જેના મોંમાં જે બોલ ફાવે તે ઘોંચી ઘાલેલા માલમ પડે છે, પણ પાત્રનો કશોયે વિચાર જ કરેલો જણાતો નથી. આવા ગ્રંથમાં એકના બોલ બીજા બોલ્યું એમ ધારીએ, તો પણ કાંઈ હરકત નડે નહિ. આવા કાવ્ય ગ્રંથ તો પાત્રશૂન્ય જ કહેવાય અને નાટકમાં પાત્રશૂન્યતાના જેવો બીજો દોષ નથી. પણ આ નાટક એથી ઊલટું જ છે. એમાં સ્વચ્છંદી સંભાષણની ગૂંથણી કરી નથી પણ પ્રસંગાનુસાર પાત્ર પરત્વે જે રસના ઉદ્‌ગાર નીકળે છે તે જ ઘણે ઠેકાણે આણવાનો પ્રયત્ન કર્યો છે. આ નાટકમાં પાત્રભેદ છે એટલું જ નહિ, પણ ઘણે ઠેકાણે તે ચોખો અને સરસ છે. આવો ગુણ હોવાને લીધે જ અમે એમાં કાળદોષ થઈ ગયો છે તે સમજાવવાને માટે ઉપર કાંઈક મહેનત લીધી છે કે આ નાટકકાર ફરીથી જ્યારે આવો ગ્રંથ રચવા બેસે ત્યારે પોતાની પાત્રભેદ શક્તિને આવા ઉપકારણથી દૂષિત થવા દે નહિ.[...] એ રીતે આ કથાની સમાપ્તિ થાય છે. અમે એ માંહેલો સઘળા કાર્યનો હુંડો ઉપર એવી રીતે આપ્યો છે કે વાંચનારે પોતાની મેળે જ જોઈ લીધું હશે કે આ નાટક વાંચવા લાયક, સુબોધકારી અને રમૂજી છે. તેથી હવે એની ભાષા તથા રસ વિષે બે શબ્દ બોલી અને અમારું વિવેચન બંધ કરીએ છીએ. એમાં હાસ્ય, શાંત, અને કરુણા એ ત્રણ રસ અનુક્રમે સારા છે, પણ નાટક રૂપમાં જેટલું ચાંચલ્ય જોઈએ તેટલું તેમાં નથી. છેલ્લો કરુણાત્મક ભાગ ઉત્તમ રીતે લખાયો નથી. શ્રવણે મરતી વખતે દશરથ સાથે જે સંવાદ વણઝારાના રાગમાં ચલાવ્યો છે તે જનસ્વભાવથી ઊલટો અને કાર્યસિદ્ધિમાં અંતરાય કરનારો છે. કાર્યસિદ્ધિ તો આખા નાટકમાં ધીમી જ ચાલી જાય છે, પણ તેનો પ્રવાહ નિરંતર વહ્યા કરે છે એ ઠીક છે. કાર્યની સાથે કાંઈ સંબંધ ન હોય એવો પ્રસંગ એમાં એકે નથી. કેટલાક પ્રસંગો રસભર્યા અને ધામધૂમિયા પણ છે. તેથી શ્રોતાઓને રંગભૂમિ ઉપર આનંદ પમાડે એવો પણ કેટલોક ભાગ એમાં છે. નાટકની ભાષા શુદ્ધ અને પ્રૌઢ છે – માત્ર કોઈ કોઈ ઠેકાણે ચરોતરી પ્રાંતભેદ તરફ જરા ઝોકી જાય છે. પાત્ર પરત્વે ભાષા ન બદલતાં એક જાતની જ પ્રૌઢી બધે ચાલી રહે છે એ ઠીક નથી. વળી વાક્યરચનામાં કાંઈક દીર્ઘસૂત્રતા પણ જણાય છે, તોપણ બધી રીતે જોતાં આ નાટકની ભાષા તથા રસ એ બંને સારાં છે, અને ભાઈ ભોગીલાલે નાટક જેવા કઠિન વિષયમાં ઘણે દરજ્જે ખરેખરી ફતેહ મેળવી છે. આખા ગ્રંથમાંથી બોધ પણ મળે છે. એ બોધ કેવા ઊલટથી આપવાને યત્ન કર્યો છે તે જાણવાને સારુ અમે એ નાટકમાંથી બે સવૈયા નીચે ઉતારીએ છીએ.

ઇંદ્રવિજય છંદ

માત તણા ઉપકાર બરાબર, અન્ય નહીં ઉપકાર જ એણે;
માત તણી મમતાની બરાબર, અન્ય તણી મમતા કુણ લેખે?
માત તણા ઉપકારની કિંમત, રાજ તણી રિધથી અધકી છે;
માત તણી મમતા તણી કિંમતથી અવધી અવધી અવધી છે!
પૂતન સેવત માતપિતા પદ, પૂત કપૂતે તે જન્મ ધર્યો કાં?
પૂતનો પ્રેમન માતપિતા પદ, પૂત કપૂત જિવ્યો જનમી કાં?
પૂતનો માતપિતા ન ભજ્યો, તવ પૂતન પથ્થર પેટ પડ્યો કાં?
પૂતન સેવત માતપિતા તવ, ફોકટ ભાર વહ્યો જનની કાં?