નવલરામ પંડ્યા/હિંદ અને બ્રિટાનિયા

From Ekatra Wiki
Revision as of 01:36, 27 May 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૬. હિંદ અને બ્રિટાનિયા
[ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ]]

આ સુંદર પુસ્તક તેના દેખાવથી જ તેમ તેની અંદરના રસથી ઝળાંઝળાં થઈ રહેલું અમારા ટેબલ ઉપર આવીને બિરાજ્યું ત્યારથી તેણે અમારું મનહરણ કરી લીધું છે. એ પુસ્તકનો વિષય, તેની સંકલના, અને તેની ગ્રંથિ એવા પ્રકારની છે કે કોઈ પણ દેશાનુરાગી પુરુષના ચિત્તને તે પ્રફુલ્લિત કર્યા વિના રહે એમ નથી, અને તેની સાથે એમાં આપેલા વિચાર એવી શાણી દીર્ઘદૃષ્ટિના છે કે તે રાજભક્તને પણ તેટલું જ આનંદદાયક થઈ પડવાનો સંભવ જણાય છે. આ પુસ્તક લોર્ડ રિપન જેવા ઇંગ્લાંડના ખરેખરા રાજ્યસ્તંભ અને હિંદમાં ત્રાતારૂપે સર્વત્ર પૂજાયેલા ધર્મવીરને અર્પણ કરવામાં આવ્યું છે; એ સઘળી રીતે ઉચિત જ કામ થયું છે, અને અમે કહીએ છીએ કે એ શુભ નામ જેમ આ ગ્રંથને શોભા આપે છે તેમજ એ ગ્રંથ નામને પણ છાજતા અને શોભા આપતા વિષય ઉપર જ સુંદર છટાથી લખાયો છપાયો છે. આ એક ભરતખંડની ઇંગ્લાંડના સંબંધમાં વર્તમાન સ્થિતિનું રાજકીય ચિત્ર અથવા વાર્તા છે. એમાં એ બંને દેશને રૂપક બાંધી દેવી અથવા સ્ત્રીરૂપે વર્ણવ્યા છે. ભરતખંડ તે હિંદ અને ઇંગ્લાંડ તે બ્રિટાનિયા. એકનું વાહન વાઘ અને બીજાનું સિંહ, એ સિવાય દેશહિત નામનો પુરુષ અને સ્વતંત્રતાદેવી એ પણ આ મનોહર કાદંબરીનાં મુખ્ય પાત્ર છે. આ વાર્તાનો આરંભ આ રીતે થાય છે. વિંધ્યાચળના ઊંચા શિખર ઉપર એક સમે સૂર્યોદય થવાને જ વખતે એક મહા ભવ્ય દેખાવનો પુરુષ માલમ પડ્યો. તેનું નામ દેશહિત હતું અને તે સંપૂર્ણ ધીરવીર છતાં ભરતખંડની આધુનિક પરમ દુર્દશા જોઈને તે મહા ખેદમાં ગરકાવ થયેલો હતો. તે કાંઈક વ્યાકુળ ચિત્તથી વારંવાર સંતાપ કરતો હતો, કે જ્યાં મારા દેશબંધુઓ જ આવા થઈ પડ્યા છે, ત્યાં હું તેમની ઉન્નતિને માટે જે જે વિચારો અને ઉપાયો કરું છું તે શા કામના? ઉન્નતિ તે કોની કરવી? શું આ સ્વાર્થી ખુશામતિયા, અને બાઈલા લોકની? આવા લોકની ઉન્નતિ કરવાને બ્રહ્મદેવ પણ શક્તિમાન નથી! આ પ્રમાણે મૂંઝાતો, ક્ષણે ક્ષણે નિસાસા નાંખતો, અને હૈયાની કેવળ નિરાશામાં આર્યજનની જે ભારતી અથવા હિંદદેવી તેને પોકારતો ઊભો છે, એવામાં તે દેવી પોતે જ ત્યાં પોતાના દિવ્ય પણ હાલ છે કે પરમ ગ્લાનિને પામેલા સ્વરૂપે પ્રગટ થાય છે. તેના આ હાલ જોઈ, એ ચોંકીને બોલી ઊઠે છે કે ‘વિના અપરાધની મારી શાપિત માતુશ્રી દેવી, તારી આ શી રીત અવસ્થા છે’ અને તેની સાથે છિન્નભિન્ન હૃદયે પૂર્વના ભરતખંડના યશ, કીર્તિ, સમૃદ્ધિ, વિદ્યા, જ્ઞાન અને મહાપુરુષો સંભારી પૂછે છે કે એ સઘળું તારું ક્યાં ગયું અને તું હાલ આવી કેમ નિર્માલ્ય તથા દયામણી દેખાય છે. એના જવાબમાં ‘તે સર્વ બ્રિટાનિયા પાસે છે’ એમ બોલી પોતાનાં રાજકીય દુઃખ રડવા માંડે છે, અને જાણે તે જ એની પડતીનું સઘળું કારણ હોય એવો એક જબરો બળાપો બહાર કાઢે છે. એવામાં સૃષ્ટિનો રંગ ઘનઘોર થઈ જાય છે, અને ગાજવીજના કડાકા તથા ચમકારાની સાથે એકાએક ત્યાં બ્રિટાનિયા દેવી સિંહારૂઢ સ્થિતિમાં આવી પડી, અને હિંદ તરફ ગંભીર પણ તિરસ્કારમય કાંઈક ચિડવાયેલે ચહેરે થોડીક વાર જોઈ જ રહી. એવામાં આ સિંહ ને હિંદનો વાઘ એકબીજા તરફ ઘૂરકતા લડવાની તૈયારી પર આવી ગયા. તે જોઈ બ્રિટાનિયા બોલી ઊઠી કે ‘અરે હિંદ, તું તારા વાઘને પાછો બોલાવી લે. નહિતર હમણાં’ – અને તેની સાથે જ હિંદ કકળી ઊઠે છે, અને પછીથી થોડા વખતમાં એ પોતાના વાઘને બોલાવી લે છે ખરી, તો પણ એ બંને દેવીઓ એકબીજા સાથે વાણીના ઝડાકા લેવા માંડે છે તે છેક એ ચોપડીનાં ૭૫ પૃષ્ઠ સુધી ચાલુ રહે છે. એમાં ભાતભાતની તકરારો બંને પક્ષ ઉભરાથી બહાર કાઢે છે, અને તે તેના સંપૂર્ણ રસભાવથી વાંચનારના ચિત્તને તલ્લીન કરી નાંખે છે. બંનેની તકરારો એકપક્ષી પોતાના મમત્વની જ છે, અને જેમ જેમ તે જારી રહે છે તેમ તેમ પરસ્પર વેરભાવમાં વધારો જ થતો જાય છે. છેવટે હિંદ પોતાની નિર્બળતા કબૂલ કરતી, ચોધાર આંસુથી નાહી ગયેલી, તો પણ લાલચોળ આંખે અને ગદ્‌ગદિત તરડાયેલ અવાજે ‘મારો દહાડો આવશે ત્યારે હું તને જોઈ લઈશ’ એમ બોલતી બોલતી તે સ્થળેથી જવાની તૈયારી કરે છે એટલામાં મિષ્ટ મનોહર ગાયનથી પોતાનું આગમન સૂચવી પરમ સુંદરતાનું પાત્ર જે સ્વતંત્રતા દેવી તે વાયુના વેગને પણ હઠાવે એવાં એક મહા તેજોમય અગ્ન્યસ્ત્ર ઉપર બેસીને ત્યાં આકાશમાંથી ઊતરી પડે છે. આ સ્વતંત્ર દેવીને જોતાં જ સ્વદેશહિતે તુર્ત પોતાનું માથું તેના ચરણાબુંજે લગાડ્યું. હિંદે તો આ દેવીને ઓળખીયે નહિ, પણ તે કોઈ દેવાંશી છે એટલું જ જાણી તેને યોગ્ય પ્રણામ કર્યા, તે કે સ્વીકારતાં સ્વતંત્ર દેવીએ પણ મૂંગે મોઢે જ પ્રતિપ્રણામ કર્યા, પણ તેનાં હસતાં પ્રેમમગ્ન લોચનિયાં જાણે એમ કહેતાં હોય કે હિંદ, તું માન અને પ્રીતિ એ બંનેને પાત્ર છે એમ દેખાયું. બ્રિટાનિયાને તો એની સાથે જૂનું ને ગાઢું ઓળખાણ હોય એમ જણાયું. પણ તે કોણ જાણે કેમ એને જોતાં જ એવી વીહીલી પડી ગઈ કે તેનાથી સાધારણ માણસાઈની રીતનો એ કાંઈ પણ આવકાર થઈ શક્યો નહિ. ઊલટી બ્રિટાનિયા તેનાથી કાંઈ બીતી હોય એમ જણાયું, કેમ કે તે પોતાનાં હથિયાર સજ્જ કરી સાવધપણે તેની તરફ ઘૂરકતી ઊભી. પણ જાણે એનાં અસ્ત્રશસ્ત્રોને તે તૃણવત્‌ જ ગણતી હોય એમ એની આ ચેષ્ટાની કાંઈ પણ પરવાહ ન રાખતાં કાંઈ તિરસ્કારની સાથે સ્વતંત્રતા દેવીએ કહ્યું કે ‘કેમ, પ્રિય બ્રિટાનિયા, તું અહીંયાં શું કરે છે? આ ગરીબ બાપડીને વિના પ્રયોજન તું સતાવવા શીદ બેઠી છે, કે જે વેળા તું તારું જ ઇંગ્લાંડમાં રહી સંભાળે તો સારું.’ આ ઉપરથી તે ભડકીને કેટલીક પડપૂછ કરે છે અને તે પ્રસંગે જે વાતચીત થાય છે તે ઉપરથી માલમ પડે છે કે બ્રિટાનિયા ને સ્વતંત્રતા દેવી એ પૂર્વે એકબીજાના સહાયક, પણ હાલ કેટલેક દરજ્જે વિરોધી થઈ પડ્યાં છે. સ્વતંત્રતા દેવી કહે છે કે તું મને તારી શત્રુ ગણે છે એ જ તારી ભૂલ છે અને તારું ખરું હિત મારી સાથે મિત્રતા રાખવામાં જ રહેલું છે. પણ બ્રિટાનિયાને એ વાતની સમજ ન પડવાથી સ્વતંત્રતાની સાથે હુંકારા ટુંકારા પર આવી જાય છે. પણ તે દેવી પોતાનું ભયંકર રૂપ દેખાડી એના સામી એવી એક કરડી નજર ફેંકે છે કે તે પોતાનો સઘળો ફૂંકાટો છોડી કરગરીને કહેવા લાગે છે કે આપણા સહીપણામાં તારે આમ મારી તરફ ક્રૂર નજરથી જોવું એ તને છાજતું નથી. મહા તેજસ્વી સદા હસમુખી દેવી સ્વતંત્રતા હસીને કહે છે કે તું તારું હિત સમજતી નથી તેથી જ આમ બોલે છે. પણ હાલ તો હું તારી જોડે લડવા નહિ, પણ આ હિંદ સાથેનો તારો ટંટો પતાવવા જ હું અત્રે આવી છું. એમ કહી તેણીએ હિંદ તરફ પોતાની નજર ફેરવી, અને પ્રેમમય વાણીથી પૂછ્યું, કે બાઈ, તને શું દુઃખ છે તે કહે. હવે હિંદ તો સ્વતંત્રતા દેવી ને બ્રિટાનિયાની બહેનપણી છે એમ જાણ્યું ત્યારથી મ્લેચ્છ પક્ષની જ ગણવા લાગી હતી, પણ જ્યારે આમ પોતાને પૂછ્યું ત્યારે તેણીએ ધ્યાન ધરીને જોયું તો માલમ પડ્યું કે એ તો જગતનું કલ્યાણ કરનારી પરમદયાળુ શક્તિ છે. તેની સાથે જ તે પોતાના હંમેશના શુદ્ધ ભક્તિભાવના સ્વભાવને અનુસરી તે મહાદેવીને ચરણે નમી, અને કહ્યું કે તારી ઉપાસના મારા શિરસાટે છે. આ ઉપરથી સ્વતંત્રતા દેવીએ પ્રસન્ન થઈ કહ્યું કે બોલ, તારી શી ઇચ્છા છે? આવી વરદાઈ પણ હજી પ્રચ્છારૂપમાં જ નીકળેલી વાણી સાંભળીને હિંદ જે સ્વભાવે સુધી, ઊંચી લાગણીઓવાળી, અને ઘણાં દુઃખે અધીર થઈ રહેલી હતી, તે એકદમ માગી ઊઠી કે મને બ્રિટાનિયાથી મુક્ત કરો. મહાદેવીએ કહ્યું કે તું હજી સ્વતંત્ર થવાને શક્તિમાન થઈ નથી, અને તેમાં તારું હિત પણ હાલ જરાયે નથી. હિંદે પોતાની શક્તિ તથા યોગ્યતાની ભારે ભારે વાતો કરવા માંડી, પણ તે સ્વતંત્રતા દેવીએ શાંત પણ મજબૂત તકરારોથી સઘળી તોડી પાડી, અને જ્યારે વાદવિવાદમાં વાજબી રીતે એક અક્ષર પણ બોલવાનો રહ્યો નહિ, ત્યારે બિચારી હિંદ રડી પડી એટલું જ બોલી દિલાસો લેવા લાગી કે ઈશ્વરને કાંઈ અશક્ય નથી, અને હું ગમે એવી અયોગ્ય છું તો પણ તે પોતાના કૃપાભાવથી કોઈ વેળા પણ મારાં દુઃખ નિવારણ કર્યા વિના નહિ જ રહે. આ પ્રસંગનાં પચ્ચીસેક પાનાં સઘળા દેશાભિમાની તરુણોએ લક્ષપૂર્વક મનન કરવા જોગ છે. આ પ્રમાણે પોતાની નિર્બળતા કબૂલ કરી હિંદ જ્યારે ચૂપ થઈ બેઠી ત્યારે બ્રિટાનિયાનું ચડી વાગ્યું, અને તે હર્ષથી કહેવા લાગી કે, બહેન સ્વતંત્રતા દેવી, તેં આ ઘેલીને આજ ઠીક ઝાપટીને નરમ પાડી, અને હું પણ એને વારંવાર એ જ કહું છું કે હું જે તારી ઉપર સત્તા ભોગવું છું તે તારા ભલાને જ માટે છે, અને મારે તો એમાં કાંઈ પણ સ્વાર્થ નથી. એમ કહી તે પોતાના ગુણાનુવાદ ગાવા પોતે મંડી જાય છે, પણ સ્વતંત્રતા દેવી તેનું ટાહેલું વધારે ચાલવા ન દેતાં તેનું સ્વાર્થીપણું પચ્ચાસેક પાનાંના લાંબા ભાષણથી ઉઘાડું પાડે છે. એમાં કેટલેક ઠેકાણે તો અતિશયોક્તિ જ છે, અગર જો વસ્તુતઃ એમાં કેટલુંક સત્ય છે તોપણ એ ભાગ આટલો બધો લંબાવ્યો ન હોત, તો વધારે સારું થાત એમ અમારો નમ્ર મત છે. એવા વિસ્તારથી જે હેતુ ગ્રંથ સમાપ્તિએ થવો ધાર્યો છે તે હેતુ ઊલટો વધારે દૂર જાય છે. આ પોતાની પૂર્વપીઠિકા બ્રિટાનિયાને વજ્રબાણ જેવી લાગે છે, પણ તેમાં કાંઈ સબળ વાંધો ઉઠાવી શકાય એવું ન હોવાથી તે કાંઈ બોલતી નથી, પણ તજવીજથી એટલું જ કહે છે કે દેવી તારા કહેવાથી મેં ઘણું જાણ્યું છે, તેં ખરી દલીલો બતાવી છે. પણ આ રાંકડી હિંદને તું આશ્રય ન આપે, તો એનામાં કોઈ શક્તિ છે ખરી, અને એને સહાય થવાનું તને શું કારણ પડ્યું છે. અમારો કલહ અમે બંને સારી રીતે સમજી શકત નહિ? – આ સાંભળી મહાદેવી તપી ઊઠી, ને ‘નહિ જ! જો તેમ હોત, તો આટલો કાળ વીતત? કદી નહિ!’ એમ કહી હિંદ રાંકડી નથી, પણ ઊંચા તુખ્મની શૂરવીર બેટી છે એમ તેના પૂર્વના ઇતિહાસ ઉપરથી પ્રતિપાદન કરે છે, અને પછી પોતે ફ્રેંચ પ્રકૃતિલોભના સમયનું પોતાનું ચંડી સ્વરૂપ દેખાડી તેને કહે છે કે બોલ તારે શું મારા આ સ્વરૂપની સાથે જ આથડવાની ઇચ્છા છે? આ જોઈ બ્રિટાનિયા નરમ પડી વિનયપૂર્વક કહે છે કે હે સ્વતંત્રતા દેવી, નહિ, નહિ, મેં કદી તારા સામા મમત ધર્યો નથી, ને ધરવાને ચાહતી પણ નથી. એમ કહી હિંદનું ખરું હિત થાય તે પ્રકારે રાજ્ય કરવાને તે કબૂલ થાય છે. તે ઉપરની સ્વતંત્રતા દેવી હિંદને પૂછે છે કે આ ગોઠવણ તારે કબૂલ છે? પ્રથમ તો હિંદ પાછી પોતાને મદે ચડે છે, ‘એને ઠેકાણે ગતે તે કોઈ બીજો, પણ એ તો નહિ જ’ એવો મમત ચલાવે છે, પણ છેવટે સ્વતંત્રતા દેવીના બોધથી પરિપૂર્ણ ઇન્સાફ મળે તો બ્રિટાનિયાને આધીન રહેવા પોતાના ખરા દિલથી કબૂલ થાય છે. હવે એટલું જ બાકી રહ્યું હતું કે આ બ્રિટાનિયાની કબૂલાત પ્રમાણે યથા ન્યાયે રાજ્ય કરી શકે એવા કોઈ મહાપુરુષને ખોળી કાઢવો. સ્વતંત્રતાએ કહ્યું કે જો તારી ભાવના શુદ્ધ છે તો એવો પુરુષ પણ હું તને મેળવી આપું છું. આટલું તે બોલી નહિ એટલામાં જ ‘પર્વતમાં મધુર ગાયન થયું. સર્વ સ્થળેથી આનંદનાં વાજિંત્ર વાજવા લાગ્યાં, અને ચોપાસથી ખુશબોના બહેકાટથી મગજ તર થઈ જતું હોય તેમ વાયુ વા’વા માંડ્યો. જ્યાં આ મહાત્મા મંડળી મળી હતી તેની પડોશમાંથી એક દિવ્ય સિંહાસન પર વિરાજિત થયેલા એક પુરુષને ઊંચકીને બે અપ્સરાઓ બહાર નીકળી આવી. અને પર્વતથી અધર તે સિંહાસનમાં વિરાજમાન થયેલા પુરુષને ઊંચકીને ખડી રહી. જેના મસ્તક પર છે શ્વેત છત્ર, મુખ પર સત્ય પ્રતિજ્ઞાનું તેજ, ને મેઘ જેવું શીતળ છે જેનું સ્વરૂપ તેને જોતાં જ સૌ વિસ્મય થયા.’ મહાદેવી બ્રિટાનિયા પ્રતિ બોલ્યા ‘જો આ તારો તે જ પુત્ર કે જેના ઉપર દેવતા પણ આજે પુષ્પવૃષ્ટિ કરે છે. એ મહાપુરુષને તું હિંદના પુત્રનું રાજ્ય સોંપ કે જે સર્વ સ્થળે જય પ્રવર્તાય ને સર્વ સ્થળે એવો જ આનંદ થાય, અને તે આનંદથી આ પુરુષને નીરખી ગર્જના કરવામાં આવે કે રીપન રાજેંદ્ર દીર્ઘાયુ ભવ.’ આ પ્રમાણે આ દિવ્ય મૂર્તિ રીપનને ભરતખંડનું રાજ્ય સોંપતાં તે તથા બ્રિટાનિયા બંને સુખી થયાં, અને ‘હિંદ બ્રિટાનિયાની સમ્રાજ્ય કીર્તિ અવિચળ રહો’ એવા હર્ષયુક્ત નાદ સર્વેના અંતઃકરણમાંથી ઊઠી ગગનમાં ગાજી રહ્યા. આ પ્રમાણે આ અનુપમ સુંદર વાર્તા પૂરી થાય છે. પંદર વીસ વર્ષ ઉપર ભાવનગરમાંથી મનોરંજક રત્ન નામનું રત્નવત્‌ જ એક માસિક નીકળતું હતું તેમાં જાતના ઇંગ્રેજ પણ બધી રીતે દેશીરૂપ થઈ વસેલા પરમોત્સાહી વિદ્વાન મુરાદઅલ્લીની કલમથી લખાતો (ગિરિશિખર) એ નામનો વિષય જેણે વાંચ્યો હશે તેને કહેવાની જરૂર નથી કે આ પુસ્તક તેની છાયાને આધારે જ રચેલું છે, અને તે વિષય જ્યાંથી અપૂર્ણ રહ્યો હતો ત્યાંથી એવી તો રસિક ઢપે આગળ ચલાવી લીધો છે કે જો એ સ્વર્ગવાસી નર અત્યારે જીવતો હોત, તો તે જાતે પણ આ જોઈને રાજી થયા વિના રહેત નહિ. લૉર્ડ રિપનનો સંબંધ જોડી દઈ આ વાતને ઘણું જ શિક્ષણીય તથા મનોહર રૂપ આપી દીધું છે, અને તેને માટે તથા આ પુસ્તકની સઘળી પોતાની રચનાને માટે એના લખનાર ભાઈ ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ ગુજરાતીપત્રના તંત્રીને ખરેખરી શાબાશી ઘટે છે.

૧૮૮૫