કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/આ એક નદી

From Ekatra Wiki
Revision as of 15:15, 1 June 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૮. આ એક નદી

દર્પણમાં
મારા ચહેરાની પાછળ
હજીય વહેતી
આ એક નદી
નામે સાબરમતી.
અમથી અમથી ખમચાતી
મારી નીંદર પરથી પસાર થતી.
સવારે ધુમ્મસમાં ભળીને
લગભગ પુલ નીચે એ
અટવાઈ જતી
અને ચારેકોર જાગતા
અવાજમાં ખોવાઈ જતી
એની જાણીતી ગતિ.
એકસામટી એ અદૃશ્ય થતી
આ શહેર જેટલા જૂના આકાશમાં
ને વળી પાછી ઊતરતી
સ્મરણમાં સચવાઈ રહેલ
પર્વતની તળેટીમાં.
એમ તો એ તળેટીથી તે છેક
અમારા મકાનને ટેકો દેતી
દીવાલ સુધી
એનાં પૂર ચડી આવ્યાં છે.
પણ અમે બારણાં ખોલીને
બહાર આવીએ તે પહેલાં
એ ઓસરી ગયાં છે.
આ વર્તમાન બહારની
કોઈક ક્ષણે
ખુલ્લી રહી ગયેલી બારીમાં થઈને
એનું પ્રતિબિમ્બ
દર્પણની પેલી ગમ વહી જાય છે
અને વહ્યે જ જાય છે
છેક જોગના ધોધ સુધી.
હા, છેક જોગના ધોધ સુધી.
પહલાં તો અમે
જોગના ધોધનાં બે પ્રતિબિમ્બ
જોયેલાં જે આંખોમાં
તે હજીય યાદ છે.
હા, હજીય યાદ છે પણ
સાંભળીએ છીએ કે
જોગનો ધોધ સુકાઈ રહ્યો છે,
આ નદીની જેમ.
અમે માનવા તૈયાર છીએ
કે હજીય પૂર આવશે.
પણ સવારે દીવાલની પાછળથી
કે રાત્રે અધખૂલી આંખે
અમે જોઈએ છીએ કે
સુકાઈ રહી છે આ એક નદી
નામે સાબરમતી.
૧૯૬૮

(તમસા, પૃ. ૭૩-૭૪)