કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/તમસા નદીને તીરે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૯. તમસા નદીને તીરે

નમું તને સૂર્ય!
તમસા નદીને
તીરે સ્ફુરેલી મુજ આદિ હૈયે
જે અંજલી વેદનની, સમર્પું!
એ વેદના નિત્ય મને રચીને
ક્ષણે ક્ષણે શો નવજન્ય આપે!
કો સ્પંદ ઊંડે ધબકાવી જાતો,
આકારવો જે; દ્વય નેત્ર બીડી
ગોતી રહું સૌરભ તેજની હું
લયબદ્ધ શબ્દે.
હું પૃથ્વીનો અંકુર મુગ્ધ, ઊંચાં
આકાશતત્ત્વો નીરખી પ્રફુલ્લ!
આ ભૂમિની સીમ નભે ચડીને
ખેંચી જતી દૂર સુદૂર ક્યાંયે —
જ્યાં પૃથ્વીનું આભ સમાપ્ત થૈને
પ્રારંભતું સૂર્યપ્રદીપ્ત વિશ્વ.
યોજી શકે અન્વય બેઉનો તે
વરેણ્ય હે, સંવિતસેતુ માગું.
૧૯૬૪

(તમસા, પૃ. ૮૩)