કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/તમે રે ગગનગોફે

From Ekatra Wiki
Revision as of 15:42, 1 June 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૯. તમે રે ગગનગોફે

તમે રે ગગનગોફે ગુંજતા
અમે સૂકી ધરતીના તરણાની આશ રે.
તમે રે ઝીણેરું ઝરમર સીંચિયું
અંતર કણકણનું આજ તો ઉદાસ રે.
આવશો ઓરા તો ઊંડે ઊગશું
દઈશું ઉરમાં અવિચળ વાસ રે!
તમે રે તારક ઊંચે આછર્યા
અમે સૂના સરવરિયે અટકી અમાસ રે.
ખરતા ઉજાસે તીરથ પોઢિયાં
આવે દૂરનો અંધાર પાછો પાસ રે.
તમારા સંગાત માટે ઝૂરતા
ઘાટે ઘાટે ચિરંતન પ્યાસ રે!
૧૯૮૨

(વહેતાં વૃક્ષ પવનમાં, પૃ. ૧૧)