કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/જે લોકો ચાહે છે
જે લોકો કોઈ ને કોઈને
ચાહે છે
એ મને ગમે છે
હેમન્તની વહેલી સવારથીય વધુ.
સવાર એટલે ઝાકળભર્યો તડકો.
વૃક્ષ, વેલ કે ફૂલછોડને
પાંદડે પાંદડેથી ફૂટતું અજવાળું,
કુંપળનો રંગ કાંટાને મળે
એય મને ગમે છે.
કેમ કે પ્રેમનો સમય કુમાર કાર્તિકેય શો નાનો
પણ છલાંગો ઊંચી અમાપ.
જેની કોથળી ખાલી હોય
એ કાંગારુની આ વાત નથી.
તેમ છતાં
ચાહીને જે કશું પામ્યા નથી
એ લોકો મને ગમે છે.
ઇલા સાત વર્ષ પહેલાં બળી મરેલી
વિદુલાના નામે લખીનેઃ
‘સુખી થજે હવે તું તારે.’
સાચું કહું તો એ જાત ખાતર મરી હતી
ભારે લોભથી રૂંધાઈને.
હું ઈલા કે વિદુલાને વખાણતો નથી,
એટલું જ નહિ, ઓળખતોપણ નથી
છતાં જીવ બાળું છું સાત વરસથી.
સાત વરસમાં તો ઇલા
સમજણી થઈ ગઈ હોત પૂરતી.
પ્રેમનો લોભ જતો કરી શકી હોત.
જે લોકો પ્રેમીને જ નહિ
પ્રેમને પણ જતો કરે છે પ્રેમ ખાતર
એ મને ગમે છે.
હું મરી જવામાં માનું છું
તેમ છતાં જે મરીને પ્રેત થાય છે
ચાહવા માટે
એય મને ગમે છે.
આ વાત જ એવી છે કે
ગઈ કાલે ન ગમેલું
આજે ગમે છે.
૧૯૭૮
(વહેતાં વૃક્ષ પવનમાં, પૃ. ૧૮-૧૯)