કાવ્ય-આચમન શ્રેણી – રઘુવીર ચૌધરી/ઘર...

From Ekatra Wiki
Revision as of 02:25, 2 June 2024 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૫૧. ઘર...

ઘર એમનું હતું ત્યારે
બારીઓ ખુલ્લી રહેતી.
ગેલેરીની જાળી પર બેઠેલાં
કબૂતરો ઊડીને બહાર જતાં
કે પાંખો બીડી ચુપચાપ ચાલીને
ઘરમાં ફરતાં.
સોફામાં બેઠેલાંને જોતાં જોતાં
રસોડા સુધી પહોંચતાં ઉતાવળ વિના.
કબાટ પર માળો કરતાં,
બચ્ચાં સચવાતાં.

નીરાબેન કોઈ કામે જાય તો
મીકીને મૂકી જતાં,
રમાડતાં એ, બે-ત્રણ કામ સાથે કરતાં
આંગણિયે આવી ઊભેલાને
આવકારો મીઠો આપતાં
અખેપાતર તૈયાર રાખતાં.
બપોરે આરામટાણે ફોન આવે તો
ત્રીજી ઘંટડીએ ઉપાડતાં
અલકમલકની વાતો કરતાં
રોંગ નંબરનેય રાજી રાખતાં
આખી સોસાયટીનાં નામ જાણતાં.
‘મારી શેરીએથી કાનકુંવર' ગાતાં.
વ્રતકથાઓ વાંચતાં
ઘરનાં સહુની રાહ જોતાં
ભાવતું રાંધતાં
ભાખરીને લીધે વખણાતાં.
પાણી પીવા આવેલાં બાળકો
રમતિયાળ હાથે ભાખરી ખાતાં.
સવાર-સાંજ દીવો કરતાં
બધાં દેવદેવીમાં માનતાં
પારકા માટેય પ્રાર્થના કરતાં.
વહેલી સવારે ગેલેરીમાં બેસી
આખું છાપું વાંચતાં.
ઘરનાંને સારા સમાચાર કહેતાં.
બાળકોને ફોટા બતાવતાં.
ઊભાં થતાં પાલવ સરખો કરતાં,
નહાતાં-ધોતાં મંગળસૂત્ર પહેરી રાખતાં
‘યા દેવી’નો શ્લોક ગાતાં
ધૂપ કરતાં...
– ઘરને યાદ છે બધું...