ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૧મું/ભદ્રકુમાર અંબાલાલ યાજ્ઞિક

From Ekatra Wiki
Revision as of 01:35, 10 June 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ભદ્રકુમાર અંબાલાલ યાજ્ઞિક

[૨૯-૮-૧૯૦૭થી ૨૯-૧૨-૧૯૬૪]

એમનો જન્મ ઈ.સ. ૧૯૦૭ના ઑગસ્ટની ૨૯મી તારીખે, મહેસાણા તાલુકાના સામેત્રા ગામે થયો હતો. એમનું મૂળ વતન ખેડા જિલ્લામાં આવેલ માતર ગામ. એમના પિતાનું નામ અંબાલાલ અને માતાનું નામ મણિબહેન. એમનું લગ્ન શ્રી ચંદ્રકાન્તાબેન સાથે ૧૯૩૬ની ૭મી એપ્રિલે થયું હતું. જ્ઞાતિએ તેઓ ઔદિચ્ય ટોળક બ્રાહ્મણ હતા. એમણે અંગ્રેજી છ ધોરણ સુધીનો અભ્યાસ અમદાવાદમાં પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં કર્યો હતો. શ્રી ભદ્રકુમાર વ્યવસાયે પત્રકાર અને પ્રચારક હતા. એમના જીવનમાં સ્વ. અંબુભાઈ પુરાણી, સ્વ. સરદાર વલ્લભભાઈ, સુભાષ બોઝ, રામકૃષ્ણ મિશનના સ્વામી વિશ્વાનંદ, સ્વ. શામળદાસ ગાંધી અને સ્વ. કવિ નાનાલાલે પ્રબળ અસર કરી છે. પુસ્તકોમાં સ્વામી વિવેકાનંદનું જીવનચરિત્ર અને ભાષણો, 'આગળ ધસો' તથા 'ભાગ્યના સ્ત્રષ્ટાઓ' અને લોકમાન્ય તિલકનું 'કર્મયોગરહસ્ય’ ગણાવી શકાય. સ્વ. અંબુભાઈની સારંગપુર વ્યાયામશાળામાં જતા ત્યારે આ પુસ્તકનું વાચન-મનન તેમણે કરેલું. શ્રી ભદ્રકુમારે ૧૫ વર્ષની ઉંમરે, ઘર છોડીને, ઈશ્વરની શોધમાં, ત્રણેક વર્ષ સાધુસંતોનો પરિચય કર્યો હતો. ઈ.સ.૧૯૩૦માં જેલમાં પણ ગયા હતા. કૌટુંબિક ગરીબી, અલ્પ શિક્ષણ વગેરેને લીધે અનેક યાતનાઓ અને કડવા અનુભવોમાંથી પસાર થયેલ. ૧૯૩૦થી ૧૯૪૫નાં વર્ષોમાં પત્રકારત્વનો અનુભવ કર્યો અને ચિત્રઉદ્યોગ સાથે નિકટનો સંપર્ક સંધાયો. શ્રી ભદ્રકુમાર જીવન જેવું છે તેવું શબ્દો દ્વારા રજૂ કરવામાં માનતા. યશ અને ધન પ્રાપ્તિની ઇચ્છા પણ ખરી. વળી એમનો વ્યવસાય જ એવો હતો કે એમને લખવું જ પડ્યું અને જે જે લખાયું તે વાચકોને પસંદ પણ પડ્યું. એમનો પ્રથમ લેખ ઈ.સ.૧૯૨૭માં મુંબઈના 'પ્રજામિત્ર-કેસરી' સાપ્તાહિકમાં પ્રગટ થયેલ. એમને લખવાની પ્રેરણા આપનાર અંબુભાઈ પુરાણી અને કવિ નાનાલાલ. શ્રી ભદ્રકુમારના પ્રિય લેખકો કાલિદાસ અને ટાગોર. વળી મુનશીની કલ્પના, ભાષા અને વિચારોની મૌલિકતા તેમને ગમતી. લીન યુ ટાંગ પણ એમને ગમતા, એની સ્વતંત્ર વિચારસરણી માટે. એમનો પ્રિય સાહિત્યપ્રકાર હતો નવલકથા. જીવનમાં જોયેલા પ્રસંગો અને નજીક કે આસપાસના વાતાવરણમાં નજરે પડેલા માણસો અને એમનું સ્વભાવદર્શન કરાવી શકાય તે માટે નવલકથામાં એમને વિસ્તૃત ફલક મળતું. પત્રકારત્વ અને ફિલ્મપ્રચારક્ષેત્રના અનુભવને લીધે એમને નવલકથા માટે અનેક પ્રકારનું વસ્તુ મળ્યું છે. એમની કૃતિઓમાં મુખ્યત્વે સ્થૂલ વર્ણનો અને જાતીય સંબંધોની આંટીઘૂંટીઓ જોવા મળે છે. વાસ્તવદર્શનના એ આલેખક છે. ઈ.સ. ૧૯૬૪ના ડિસેમ્બરની ૨૯ મી તારીખે મુંબઈ ખાતે એમનું અવસાન થયું છે.

કૃતિઓ
૧. ભગતસિંહની જીવનકથા : સંકલન, ચરિત્ર; પ્ર. સાલ ૧૯૩૧ (પ્રગટ થતાં જ ત્યારની મુંબઈ સરકારે જપ્ત કર્યું હતું).
પ્રકાશક: પોતે.
૨. સ્વાર્પણ: મૌલિક, નવલકથા; પ્ર. સાલ ૧૯૩૬.
પ્રકાશક : નવયુગ પુસ્તક ભંડાર, રાજકોટ.
૩. સ્નેહત્રિપુટી : મૌલિક, નવલકથા; પ્ર. સાલ ૧૯૩૭.
પ્રકાશક : બે ઘડી મોજ, મુંબઈ.
૪. નૂતન કામવિજ્ઞાન : પ્ર. સાલ ૧૯૪૬.
પ્રકાશક : સી. શાંતિલાલની કુાં. મુંબઈ.
બીજી આવૃત્તિ : ૧૯૬૨, હરિહર પુસ્તકાલય, સૂરત.
૫. India's Reply to Cylon : વ્યાખ્યાનો; પ્ર. સાલ ૧૯૪૬.
પ્રકાશક : પ્રકાશ પિકચર્સ, અંધેરી.
૬. સુભાષ બાબુ : સંકલન, ચરિત્ર; પ્ર. સાલ ૧૯૪૯.
પ્રકાશક : એન. એમ ઠક્કર, મુંબઈ.
૭ . દેશભક્ત ભૂલાભાઈ: ચરિત્ર; પ્ર. સાલ ૧૯૫૦.
પ્રકાશક : સી. શાંતિલાલની કુાં., મુંબઈ.
૮. આકડાનાં ફૂલ : મૌલિક, વાર્તાસંગ્રહ: પ્ર. સાલ ૧૯૫૩.
પ્રકાશક: જેઠાલાલ સૌમેયા, બોરીવલી.
૯. નવી નારી : મૌલિક, નવલકથા; પ્ર. સાલ ૧૯૫૭.
પ્રકાશક: વિજય પ્રકાશન, મુંબઈ.
૧૦. ઉરનાં એકાંત ભડકે બળે : મૌલિક, નવલકથા; પ્ર. સાલ ૧૯૫૯.
પ્રકાશક: પ્રદીપ પ્રકાશન, મુંબઈ.
૧૧. રંગભવન : મૌલિક, નવલકથા; પ્ર. સાલ ૧૯૬૧.
પ્રકાશક: પ્રદીપ પ્રકાશન, મુંબઈ.
૧૨. મોસમનાં ફૂલ : મૌલિક, નવલકથા: પ્ર. સાલ ૧૯૬૨.
પ્રકાશક : શાહ બધર્સ, મુંબઈ.
૧૩. અભિસાર : (પ્રેસમાં) વાર્તાસંગ્રહ.
૧૪. લીલા, લયલા, લોલા : (પ્રેસમાં) નવલકથા.
૧૫. વિવેકાનંદ : (પ્રેસમાં) નાટિકા.

સરનામું : એફ/૧૨, તારાબાગ એસ્ટેટ, ચર્ની રોડ, મુંબઈ-૪.