સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - જયન્ત કોઠારી/૪.૮ પ્રસાદજીની બેચેની (વાર્તાકૃતિ) : સુન્દરમ્‌

From Ekatra Wiki
Revision as of 01:52, 20 June 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

વિભાગ-૧ : સાહિત્યવિચાર

૪.૮
‘પ્રસાદજીની બેચેની’ : [એક] રસશાસ્ત્રીય વિશ્લેષણ


‘પ્રસાદજીની બેચેની’, સુન્દરમ્‌

સુન્દરમે પોતે વાર્તાના મુખ્ય ભાવને શીર્ષકમાં મૂકી આપ્યો છે, એ રીતે આ બેચેનીની વાર્તા છે. બેચેની એ સ્થાયિભાવ નથી, એને સંચારિભાવ જ ગણવો પડે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રની ૩૩ સંચારીભાવોની પરંપરાગત નામાવલીમાં ‘બેચેની’ના અર્થનો કોઈ સંચારિભાવ નથી. બેચેની એટલે વ્યાકુળતા, અસ્વસ્થતા, મનની અશાંત સ્થિતિ. ૩૩ સંચારીભાવોમાં નિર્વેદ, ગ્લાનિ, વિષાદ એ ભાવો ઉલ્લેખાયા છે. પણ એમાંનો કોઈ ‘બેચેની’ની નજીક આવતો નથી. આ કોઈ આજના યુગનો નવો મનોભાવ છે એવું પણ નથી. એટલે ગણાવાયેલા ૩૩ સંચારિભાવીને આપણે દૃષ્ટાંતરૂપ ગણી સંખ્યાનું વિસ્તરણ કરવા તૈયાર રહેવું જોઈએ. વાર્તાના કેન્દ્રમાં સ્થાયીભાવ નહીં પણ સંચારીભાવ હોવાથી એ રસધ્વનિની નહીં પણ ભાવધ્વનિની કૃતિ છે એમ કહેવાય. આપણા કાવ્યશાસ્ત્રીઓએ પ્રતિભાશાળી કવિઓનો જેને વિષય માન્યો છે એ રસાદિધ્વનિનો જ ભાવધ્વનિ એક પ્રભેદ છે. એટલે બેચેનીને વિષય કરીને ચાલતી વાર્તાનું લક્ષ્ય આપોઆપ જ કંઈ ઊતરતું છે એમ કહી શકાશે નહીં. પણ સર્જકે બેચેનીનું કથન કરવાનું નથી હોતું. એને યોગ્ય વિભાવાદિ સામગ્રીથી ધ્વનિત કરવાની હોય છે. સુન્દરમે વાર્તાના કેન્દ્રીય ભાવનું નામ ભલે પાડી આપ્યું. એમણે એ ભાવને કેવી સામગ્રીથી મૂર્ત કર્યો છે અને એમાં કોઈ વિશિષ્ટ સર્જકત્વ દેખાય છે કે કેમ તે તપાસનો વિષય છે. આ વાર્તામાં નિરૂપિત બેચેની કોઈ ચીલાચાલુ પ્રકારની બેચેની નથી. સામાન્ય રીતે બેચેની કશુંક ગુમાવ્યાથી કે ગુમાવવાની સંભાવના ઊભી થવાથી જન્મે છે. અહીં બેચેનીનો આલંબનવિભાવ છે એક બજારુ ઓરતના ‘યા રહીમ! યા રસૂલ!’ એ ઉદ્‌ગાર. આ ઉદ્‌ગાર, વળી, થયા છે રતિસુખ પછીની નિદ્રાધીન અવસ્થામાં અને તે પણ શ્વાસોચ્છ્‌વાસની સાથે પ્રાણવાયુ-રૂપે. આ પરિસ્થિતિ બેચેનીના ઉદ્દીપનવિભાવની ગરજ સારે છે. એક બજારુ ઓરતના મુખમાં આ રીતે ઈશ્વરના નામનો જાપ શિવપ્રસાદજીને જાણે અસંગત લાગે છે, ઓરતના બજારુપણાનો ભ્રમ જાણે ભાંગી નાખે છે અને એ સ્થિતિ શિવપ્રસાદજીને બેચેન બનાવી મૂકે છે. વાર્તાને અંતે પૂજા વખતે ભગવાનની મૂર્તિ સામે જોઈને એ પૂછે છે : “દયાલો, ઉસ ઔરતકો આપસે ક્યા નિસબત હૈ?” બજારુ ઓરત સાથે શિવપ્રસાદજીએ માણેલા રતિસુખનું અહીં વ્યંજનાપૂર્ણ ને વીગતસભર ચિત્રણ છે, એટલે કે કૃતિમાં શૃંગારરસનું તાજગીભર્યું નિરૂપણ છે. છતાં આ કૃતિ શૃંગારરસની નથી, રતિભાવનું આલેખન એ વાર્તાનું લક્ષ્ય નથી અને તેથી આ વાર્તામાં રતિ એ સ્થાયીભાવ નથી. એ બજારુ સ્ત્રી સાથેની રતિ, પ્રસાદજી માટે રત્યાભાસ રૂપે પરિણમે છે, કેમ કે હૃદયમાં રહીમને જપતી ઓરત સાથેના પ્રેમાનુભવની સચ્ચાઈ શંકાસ્પદ બની જાય છે. આ શૃંગારની યાદ તો પ્રસાદજીની બેચેનીને વધારે છે. એ રીતે રતિભાવ અહીં સંચારણનો ધર્મ બજાવે છે. શૃંગાર અહીં અંગી રસ નથી. અંગરૂપ છે. સ્થાયીભાવ આ રીતે સંચારીભાવનું કામ કરે એ સ્થિતિ કાવ્યશાસ્ત્રીઓએ પણ કલ્પેલી છે. અહીં રતિભાવથી ઉપચય પામેલી બેચેની એક વિલક્ષણ ભાવાનુભવ બનીને રહે છે. શિવપ્રસાદજીની બેચેની સ્મૃતિના એક બળવાન આવેગની સાથે અહીં મુકાયેલી છે : “કોક ભૂતાવળની પેઠે એ રાત્રિની બધી વીગતો તેમની મીંચેલી કે ખુલ્લી આંખો આસપાસ ઊડાઊડ કરવા લાગી. એ રોશની, એ સાજ, એ બાઈ, એ મુસ્કરાહટ, એ અદા, એ બદન અને છેવટનું ‘યા રહીમ! યા રસૂલ!’ ...તોબાહ! તોબાહ!” “એમણે જોયું કે પોતાના ઇષ્ટદેવના સ્મરણને ઢાંકી દેતો એક અવાજ તેમની પૂજાની ઓરડીમાં જાણે ગુંજી રહ્યો છે : ‘યા રહીમ! યા રસૂલ!’ ” સ્મૃતિ કાવ્યશાસ્ત્રમાન્ય સંચારીભાવ છે. આ નિજી વ્યવસ્થાથી વાર્તાકારે બેચેનીના ભાવને એક આગવો આકાર બક્ષ્યો છે. વિભાવાદિના આવા નવનવોન્મેષો પ્રગટાવવા એ જ સર્જક-પ્રતિભાનું લક્ષણ. શિવપ્રસાદજીની બેચેનીને વાર્તાકારે થોડાક અનુભવોની મદદથી આબાદ મૂર્ત કરી છે : વારેવારે ઊંઘ ઊડી જવી, દાતણ કરતાંકરતાં મોં વચ્ચેવચ્ચે અટકી પડવું. ઇષ્ટદેવના સ્મરણને ઢાંકી દેતા ‘યા રહીમ! યા રસૂલ’ના અવાજને શાંત ન કરી શકવો. શિવપ્રસાદજીની આ વિક્રિયાઓ કેવી તો અ-સાધારણ હતી તે દર્શાવવા લેખક આ અનુભવોને એમની પૂર્વભૂમિકા સાથે રજૂ કરે છે. પોતે જે કંઈ કરે છે તેમાં પત્ની, ધર્મ, અંતરાત્મા – કશાનો વિરોધ જેમણે રહેવા દીધો નથી, જાણે થોડા કલાક ઉપર કશું જ બન્યું ન હોય એમ જેમને તંદુરસ્ત માણસ જેવી સ્વસ્થ નિદ્રા આવી જતી એ ‘અનુભવી’ શિવપ્રસાદજી આજે બેચેન બની પોતાના વિશાળ પલંગમાં પડખાં ફેરવે છે; બાળકોના કલ્લોલ વચ્ચે જાગવાનું અને બે બાળકોને બે પડખે લઈ દાતણ કરવાનું સુખ ધરાવતા શિવપ્રસાદજી આજે દાતણ કરતાંકરતાં થંભી જાય છે; રોજ નાહીધોઈને વિધિપૂર્વક દેવપૂજા કરી આર્દ્રભાવે અને એકાગ્રતાથી નામજપન કરતા શિવપ્રસાદજીનો આજે ‘યા રહીમ! યા રસૂલ!’ના ઉદ્‌ગારો પીછો છોડતા નથી. પસંદ કરેલા બેત્રણ જ અનુભવો, આ રીતે, વાસ્તવિક પરિસ્થિતિના સંદર્ભમાં સમગ્રતાથી આલેખીને વાર્તાકારે પોતાનું કથાકૌશલ પ્રગટ કર્યું છે એમાં શંકા નથી.

શૃંગાર અહીં અંગરૂપ છે પણ અત્યંત મહત્ત્વનું અંગ છે. પ્રસાદજીની બેચેનીનું મૂળ ત્યાં પડેલું છે. એટલે શૃંગારનું પૂરા સાજ સાથે અને ચમત્કારક રીતે આલેખન થાય એમાં નવાઈ નથી. શૃંગારનો આલંબનનિભાવ છે એક નવી જાણીતી થવા લાગેલી બાઈ. એ બાઈને સુન્દરમે એવી છટાથી વર્ણવી છે કે શૃંગારનું એ અનુત્તમ આલંબન હોવાનું આપણને પ્રતીત થાય છે : “એના નિવાસમાં ખાનદાનીની ખુશબો હતી. જબાં પર કુમળી અદા હતી. હોઠો પર ફૂલ જેવી હસતી અને મઘમઘતી મુસ્કરાહટ હતી. આંખોમાં ઊભરાઈઊભરાઈને છલી જતાં દાવત હતાં.” શૃંગારના ઉદ્દીપનવિભાવમાં તો મનોરમ નૂતનતા છે – કંકણનો અવાજ, ઉર્દૂ જબાં, મહેકતો હિનો, ખૂંચતા તાર, ગુફતેગો – એ ઉદ્દીપનવિભાવોનું ચિત્રણ વાર્તાકારે દિલચશ્પીથી ને અલંકરણના આછા ઉદ્રેકથી કર્યું છે. “એ સુંદરીને જોતાંજોતાં થાકી જઈ પોતે ઘડી આંખો મીંચી લેતા ત્યારે એ બાઈના શરીરની હિલચાલ થતાં તેનાં કંકણ કેવાં રણકી ઊઠતાં હતાં! જાણે બુલબુલો! અને તેની મીઠીમીઠુ ઉર્દૂ જબાં, ગુલાબના અત્તર માફક કેવી ધીમીધીમી ફેલાતી હતી! અને એનાં કપડાંમાંથી મહેકી ઊઠતો હિનો! જાણે એની મહેકની પાંખે ચડાવીને ક્યાંય અધ્ધર લઈ જતો! અને તેનું બદન! હા, તેના કમખા ઉપરની ભાતમાંના જરીના તાર જરા ખૂંચતા હતા, પણ તેય દિલચસ્પ રીતે. અને એ બધામાં એના સુગંધીદાર પાનવાળા મોંની ખુશબો લઈને આવતી એની ગુફતેગોએ એ ઘડીને ખરેખર રળિયામણી કરી મૂકી હતી.” આલંબન-ઉદ્દીપન-વિભાવોના આ ચિત્રણમાં ઉર્દૂગંધી પદાવલીનો વિનિયોગ ખાસ ધ્યાન ખેંચે છે. એ પ્રસંગને અનુરૂપ છે. તે ઉપરાંત એથી સધાતો માધુર્યગુણ શૃંગારરસને વ્યંજિત કરવામાં ઉપકારક નીવડે છે. વિભાવોની આ સૃષ્ટિ એટલી પ્રાણવંત ને ભરીભરી છે કે વાર્તાકારને પછી, શૃંગારની નિષ્પત્તિ માટે અનુભાવોના આલેખનની ખાસ કશી ગરજ રહી નથી. સહશયન અને સ્પર્શનું સૂચન કદાચ આખાયે વર્ણનમાં પડેલું છે. પણ ‘કમખા ઉપરની ભાતમાંના જરીના તાર જરા ખૂંચતા હતા’ એ વાક્યમાંથી આલિંગનનો સ્પષ્ટ ધ્વનિ નીકળે છે. શૃંગારના પરિપોષક સંચારીભાવોનો પણ વાર્તાકારે ભાગ્યે જ લાભ લીધો છે. ઉપર ઉદ્ધૃત કરેલા નિરૂપણમાંથી પ્રસાદજીનો હર્ષનો ભાવ સૂચિત થતો ગણીએ તો એ જ એક માત્ર સંચારીભાવ. વસ્તુતઃ કોઈ પણ રસની નિષ્પત્તિ માટે વિભાવ-અનુભાવ- સંચારીભાવની આખી ફોજ કોઈ ગાણિતિક ચોકસાઈથી ખડી કરવાની જરૂર હોતી નથી. કાવ્યશાસ્ત્રનો આગ્રહ તો રસપ્રતીતિ માટે પર્યાપ્ત સામગ્રીનો છે. અહીં અનુભાવ ને સંચારીભાવની અલ્પતા છતાં શૃંગારરસની પ્રતીતિમાં કોઈ વિઘ્ન આવતું નથી એ વાર્તાકારનું સામર્થ્ય બતાવે છે. શૃંગાર અહીં અંગી નહીં પણ અંગરૂપ રસ હોઈ, રસનિરૂપણની આ રીતિનું વિશેષ ઔચિત્ય પણ જોઈ શકાય. સાધનભૂત શૃંગારના આલેખનમાં ક્યાંક અટકી જવું જરૂરી હતું. વાર્તાકારે કેવળ વિભાવોનું આલેખન કરીને પ્રસાદજીની બેચેની માટે આવશ્યક શૃંગારની ભૂમિકા પ્રાપ્ત કરી લીધી.

અત્યાર સુધીની ચર્ચા આપણે શિવપ્રસાદજીને ભાવનો આશ્રય લેખીને કરી. નવી જાણીતી મળેલી બાઈને અને એના ઉદ્‌ગારોને આપણે ભાવનાં આલંબન લેખ્યાં. વાર્તાના પ્રધાન લક્ષ્યને ધ્યાનમાં રાખીને આપણે આમ કર્યું. પણ પેલી બજારુ ઓરતને ભાવના આશ્રય તરીકે પણ જોઈ શકાય અને એમ જોઈએ ત્યારે વાર્તાનું એક નવું પરિમાણ ખુલ્લું થાય છે. એ બાઈના કયા મનોભાવો અહીં વ્યંજિત થાય છે? વાર્તાકારે શૃંગારનિરૂપણમાં કૅમેરા માત્ર આ બાઈની સામે જ માંડ્યો છે. પણ એ પ્રસાદજીની નજરે મંડાયેલો છે એટલે કે બાઈને કેવળ આલંબન-વિભાવ તરીકે સ્ફુટ કરવાનું લક્ષ્ય છે. તેમ છતાં મઘમઘતી મુસ્કરાહટ, આંખોમાં છલી જતાં દાવત, હિનાથી મહેકતાં અને જરીના તારવાળાં વસ્ત્રો, મીઠી ગુફતેગો – આ બધું જ્યારે બાઈને ભાવના આશ્રય તરીકે જોઈએ ત્યારે એના અનુભાવો રૂપે પ્રતીત થાય અને એમાંથી એના મનનો રતિભાવ વ્યંજિત થાય. અલબત્ત, આ બધી ધંધાદારી અદાઓ છે અને તેથી રતિભાવ સાહજિક નથી, ઉપજાવેલો છે એમ કહી શકાય. કાવ્યશાસ્ત્ર કદાચ એને રત્યાભાસ કહે. ભાવાભાસ કે રસાભાસ એ કાવ્યોચિત વિષય નથી એમ કાવ્યશાસ્ત્રીઓ કહેતા નથી. ઊલટું રસાદિધ્વનિકાવ્યમાં એમનો સમાવેશ કરી આભાસી ભાવ અને રસનું નિરૂપણ પણ કાવ્યમય ને આસ્વાદ્ય હોઈ શકે એમ સ્વીકારે છે. આ પછી પણ આ બાઈના રતિભાવના એકબે અનુભાવો આલેખાયા છે. પ્રસાદજી એને ઊંઘમાંથી જગાડે છે તે પછી એ પોતાનો હાથ લંબાવીને ઓશીકા પર ઢાળે છે અને મોં પર મુસ્કરાહટ લાવે છે. અલબત્ત, આ પણ આમંત્રણની ચેષ્ટાઓ જ છે. પણ વધારે મહત્ત્વનો બાઈનો બીજો જ મનોભાવ છે. એ એક જ અનુભાવથી વ્યક્ત થયો છે પણ એ અનુભાવ ભારે કાર્યસાધકતાથી મુકાયેલો છે – ગ્રાહકની પડખે સૂતેલી છતાં નિદ્રાધીન અવસ્થામાંયે નીકળતો ‘યા રહીમ! યા રસૂલ!’ એ ઉદ્‌ગાર, શ્વાસોચ્છવાસની સાથે પ્રાણવાયુ રૂપે સતત નીકળતો ઉદ્‌ગાર. આ ઉદ્‌ગાર આપણને જાણે એ ધંધાદારી બાઈના ગહનમાં લઈ જાય છે, જ્યાં તેની ધંધાદારી અદાઓનો પડદો ચિરાઈ જઈને એના પવિત્ર ઈશ્વરનિષ્ઠ આત્માનું દર્શન થાય છે. રત્યાભાસ અને ઈશ્વરનિષ્ઠા – આ ભાવદ્વૈત કે ભાવવિપર્યાસ, જે કહો તે, આ વાર્તાનો સૌથી વધારે ચમત્કારક અંશ છે. ભાવકને ચમત્કાર એટલે રોમહર્ષણ આનંદનો અનુભવ થાય છે પણ શિવપ્રસાદજી ચમકે છે. આ સ્ત્રીને એના સંગીત વગેરેની જેમ એક ચીજ માની હતી – માત્ર ઉપભોગનો પદાર્થ. એનામાં આવા માનવઆત્માનું દર્શન એમને ક્ષુબ્ધ કરી નાખે છે અને એનામાં ઉપભોગ્યા તરીકે એમનો જે રસ હતો તે ઊડી જાય છે. બાઈની આમંત્રક ચેષ્ટાઓ છતાં એ જતા રહે છે. પણ તેમ છતાં આપણને પ્રશ્ન થાય કે પ્રસાદજીને આટલાબધા બેચેન થવા માટે કંઈ કારણ હતું ખરું? એ બાઈને ભૂલીને એ પોતાની રીતે જીવ્યે જઈ ન શકે? પણ કદાચ ધંધાદારી બાઈ વિશેના એમના ખ્યાલને જ ભારે ધક્કો લાગ્યો છે. એમના છેલ્લા પ્રશ્નમાં એ વ્યક્ત થાય છે : “દયાલો, ઉસ ઔરતકો આપસે ક્યા નિસબત હૈ?” કદાચ પ્રસાદજી એ બાઈની સામે પોતાની જાતને મૂકતા હોય. એમનું પણ એક ભાવદ્વૈત છે – બ્રહ્મભોજન, યાત્રા, પૂજાસેવા વગેરેમાં વ્યક્ત થતી ધાર્મિકતા અને બજારુ સ્ત્રીઓ સાથેના સંબંધમાં વ્યક્ત થતું રંગરાગીપણું. આમાંથી સાચા – અધિકૃત શિવપ્રસાદજી કયા? પેલી સ્ત્રીનું બજારુપણું એ એનો ઉપરનો ઓપ હતો, અંદરનું ખરું તત્ત્વ તો એની ઈશ્વરનિષ્ઠા હતી. પોતાની ધાર્મિકતા તે ઉપરનો ઓપ અને રંગરાગીપણું એ અંદરનું ખરું તત્ત્વ છે એમ તો નથી ને? આ નવું આત્મભાન એમને બેચેન બનાવી રહ્યું હોય એમ ન બને? આ બધું વિચારીએ ત્યારે વાર્તા માત્ર પ્રસાદજીની બેચેનીની નથી રહેતી. એ તો વાર્તાને ઓળખાવવા માટેનો એક સગવડભર્યો, સહેલાઈથી હાથમાં પકડી શકાય એવો કથાતંતુ લાગે છે. વાર્તા અંતે તો આપણને એક સંકુલ રસાનુભવમાં મૂકી આપે છે જે પ્રસાદજીની ધાર્મિકતા, રંગરાગીપણું ને બેચેની, બાઈનો આભાસી રતિભાવ ને એની અંદરની ઈશ્વરનિષ્ઠા – એ સૌ ભાવોથી શબલિત થયેલો છે. આવી અપૂર્વ રસસૃષ્ટિના નિર્માણમાં સર્જકપ્રતિભાની સાર્થકતા છે.

‘શબ્દયોગ’, સંપા. મફત ઓઝા, સુધા પંડ્યા, ૧૯૮૪]
[‘સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા’]

*